
પ્રકરણ ૧ : દેવદૂષ્યનું દાન
( ૧ )
બહુવારી નદીનાં ખળખળ વહેતાં પાણીએ દેવાર્યનાં દર્શન કર્યાં . જ્ઞાતવનખંડને અડીને વહેતી આ નદીનું જળ કાચ જેવું પારદર્શી હતું . દેવાર્યના દેહની સુગંધછાયા ઝીલીને નદીના એકેક તરંગે રોમાંચ અનુભવ્યો હતો . નદીને નિર્મળ બનાવી રાખવાની જવાબદારી પ્રશાસન સુપેરે નિભાવતું . પાણીનાં તળિયે પડેલા સિક્કા પણ ચોખ્ખાચણક દેખાતા . વરસોથી એક જલમાર્ગ બનેલો હતો . અહીંથી રૂપકડી નૌકાઓમાં સહેલગાહ કરવા નીકળી શકાતું અને મોટી નાવમાં અથવા મછવારામાં બેસીને દૂરનાં ગામડે પણ જઈ શકાતું . નદીનો કિનારો અને ઘાટ સ્વચ્છ જ રહે એની કાળજી રાજા પણ લેતા અને પ્રજા પણ લેતી . ક્ષત્રિયકુંડથી નીકળતો માર્ગ નગરસીમા વટાવ્યા બાદ નદીની ધારેધારે આગળ વધતો . થોડેક દૂર પહોંચો ત્યાં નદીનો ડક્કો આવતો . અશ્વરથ , બળદગાડી , શિબિકા અથવા ગજરાજ પર સવારી કરનારા ડક્કા તરફ વળતા નહીં . પગે ચાલીને આવનારામાંથી અમુક લોકો નૌકાપ્રવાસ ચાહતા હોય તો કિનારે પહોંચતા . નિયત સમયે નૈયા નીકળતી , તે સમયે ઘાટ પર ચહલપહલ દેખાતી . બાકીનો સમય શાંતિ રહેતી . સવારે અને સાંજે કુદરતના પ્રેમીઓનો નાનોસરખો મેળો રોજેરોજ ભરાતો .
દેવાર્ય નીકળ્યા ત્યારે નદીકાંઠે ભીડ નહોતી . નદીની પાળેપાળે નીકળી રહેલા માર્ગને પાલિમાર્ગ એવું નામ મળેલું . દેવાર્ય ડક્કાને છોડીને પાલિમાર્ગે આગળ નીકળી ગયા . ધીમેધીમે રસ્તો બહુવારી નદીથી અલગ દિશામાં ફંટાઈ ગયો . થોડી જ વારમાં કર્મારગ્રામ આવ્યું . ખોબાજેવડું ગામ હતું , લુહારોની વસતિ હતી . આસપાસ ઘેરું જંગલ . પ્રભુ વસતિથી દૂર એકાંત સ્થાને અટક્યા . એમણે કાઉસગ્ગ ધારણ કરીને સંલીનતા સ્વીકારી .
દેવાર્યના વિશાળ ભાલપ્રદેશ પર ઢળતી સાંજનો તડકો રેલાયો . સવારે જ પંચમુષ્ટિ લોચ થયો હતો . મુંડિત મસ્તકની સ્નિગ્ધ ત્વચા સુવર્ણ જેવી ઓપી રહી હતી . અર્ધમીંચેલી આંખ જાણે મૌનને વધુ વજનદાર બનાવી રહી હતી . હોઠના ખૂણે સૂક્ષ્મ જેવી સ્મિતરેખા અંકિત થઈ હતી . દેવાર્ય હમણાં જ અહીં પહોંચ્યા હતા પણ એમની આત્મવિશ્વસ્ત કાયોત્સર્ગ મુદ્રા જોનારને એમ જ લાગે કે દેવાર્ય ઘણા સમયથી અહીં જ ઊભા છે અને આખોય વિસ્તાર દેવાર્ય માટે એકદમ પરિચિત છે .
ટોળાબંદ પંખીઓનો ઘેરો કલબલાટ વન્યવિસ્તારને મુખરિત બનાવી રહ્યો હતો . એમ લાગતું હતું કે દેવાર્યનું વનમાં આગમન થયું તેનો ઓચ્છવ મનાવવા આ પંખીઓ હર્ષનિનાદ ગજવી રહ્યા હતા . દેવાર્ય હજી આજ સવારે જ દેવતાઈ ઉત્સવમાં મુખ્ય સ્થાને બિરાજ્યા હતા . એમને ચોસઠ ઇન્દ્રોનું નૃત્યગાન પણ આવર્જિત કરી શક્યું નહોતું . દેવાર્ય ભીતર , ખૂબ ભીતર ઉતરી ચૂક્યા હતા . આ સુંદર વન હોય કે કોઈ ભયકારી સમશાન હોય , દેવાર્યને બધું એકસમાન હતું .
( ૨ )
દેવાર્યના ચતુરસ્ર સ્કંધ પર સોનેરી અને રૂપેરી તંતુઓથી બનેલું દેવદૂષ્ય લહેરાઈ રહ્યું હતું . આછીપાતળી હવાની લહેરખીમાં પણ એ વસ્ત્રનો છેડો હળવી ઝૂલ લેતો . દેવાર્ય તદ્દન સ્થિર અને આ વસ્ત્ર તરંગિત . અજબની દર્શનીયતા હતી . એ વસ્ત્રમાં ઊભા સળ દેખાઈ રહ્યા હતા તે જાણે કોઈ ગૂંથણકામ થયેલું હોય એવા કલાવંત લાગતા હતા . છેક ઘૂંટણ સુધી નીચે ઉતરી આવેલ દેવદૂષ્ય એક પૂર્ણ વસ્ત્રની જેમ દેવાર્યની દેહશોભાને વધારી રહ્યું હતું . એ દેવદૂષ્ય દેવાર્ય સિવાય અન્ય કોઈ પહેરે તો વસ્ત્રની આભા સામે એ પહેરનાર ફીકો લાગે પરંતુ દેવાર્યની દેહકાંતિ એવી હતી કે દેવદૂષ્ય પણ એક સામાન્ય માનવીય વસ્ત્ર જ લાગી રહ્યું હતું . સ્વયં ઈન્દ્ર દ્વારા નિર્મિત એવું એ દેવદૂષ્ય કોઈ માનવી પહેરવા પામે એ સંભવિત પણ નહોતું . એ દેવાર્યને જ મળે અને દેવાર્યને જ શોભે .
દેવાર્ય શ્વાસ લે અને મૂકે તે કમળ જેવી સુગંધ મહોરી આવતી . દેવાર્ય થોડાક સમય માટે પણ જ્યાં રોકાયા હોય ત્યાં દેવાર્યના શ્વાસને લીધે કમળની સુગંધનું આભામંડળ રચાઈ જતું ચોતરફ . વળી દેવતાઓએ દીક્ષાભિષેક વખતે દેવાર્યના દેહ પર જે વિલેપન કર્યા હતા તેની ખુશબૂ પણ જાદુઈ હતી . એક વૃદ્ધ બ્રાહ્મણ આ કમલસુગંધી વાતાવરણમાં પ્રવેશ્યો . એ થાકેલો હતો . ખુદથી સંતપ્ત હોય એવો ચહેરો હતો એનો . જંગલમાં દેવાર્ય જ્યાં ઊભા હતા ત્યાંથી પગરવાટ દૂર હતી . દેવાર્ય એ રસ્તેથી દેખાય એવું સંભવિત નહોતું . એટલે આ વૃદ્ધ રસ્તે ચાલતાં ચાલતાં અચાનક દેવાર્યને જોઈને આ તરફ વળ્યો હોય એવું લાગતું નહોતું . વળી દેવાર્યને જોયા બાદ એ ઊભો જ રહી ગયો હતો . એનાથી સમજાતું હતું કે તે દેવાર્યને ચાહીને જ મળવા આવ્યો હશે . શું કામ હતું એને દેવાર્યનું ?
ગઈકાલ સુધી દેવાર્ય દ્વારા વર્ષીદાન અપાયું હતું સૌને . રોજની એક કરોડથી વધુ સુવર્ણમુદ્રા જેટલું દાન દેવાર્ય આપતા રહ્યા . છેલ્લા બાર મહિના આ સિલસિલો ચાલ્યો હતો . આજે દેવાર્ય દીક્ષિત બન્યા , અકિંચન બન્યા અને એક વરસથી ચાલી રહેલું એ મહાદાન વિરમ્યું હતું . આ વૃદ્ધ એ મહાદાનના આકર્ષણથી આવ્યો હશે કે પછી એક અનુભવી આહેડીયાની જેમ જંગલમાં માણસની ગંધ પકડીને અહીં પહોંચ્યો હશે ? નક્કી કરવું મુશ્કેલ હતું .
એ વૃદ્ધ એક હાથથી આંખો પર છાજલી કરીને દેવાર્યને જોવા લાગ્યો . દેવાર્યની અર્ધનિમિલિત આંખો સ્થિર હતી . મુખમુદ્રા અવિકલ , અવિકાર હતી દેવાર્યની . એ કોઈની સાથે વાત કરે કે કોઈને જવાબ આપે એવી સંભાવના કમ હતી . એ વૃદ્ધ દેવાર્યની નજીક આવ્યો . હાથ જોડીને સહેજ ઝૂક્યો એ . અને પછી એણે દેવાર્યને પ્રદક્ષિણા દેવા માંડી . દેવાર્યએ દુનિયાનો પીછો કરવાનું છોડી દીધું હતું પણ દુનિયાએ દેવાર્યનો પીછો છોડ્યો નહોતો . આવા ગાઢ જંગલમાં પણ આ વૃદ્ધ , દેવાર્યને શોધતો શોધતો આવી જ પહોંચ્યો હતો ને . એ પ્રદક્ષિણા આપીને શું જતાવી રહ્યો હતો ? દેવાર્ય એની માટે પોતાનો કાયોત્સર્ગ છોડી દેશે , એમ ? દેવાર્ય શું કામ એને જવાબ આપે ?
એ વૃદ્ધે ધીમા પગલે ત્રણ પ્રદક્ષિણા પૂરી કરી . હવે એ દેવાર્ય સમક્ષ ઊભો રહ્યો . પ્રદક્ષિણાનાં સ્પંદન દેવાર્યને સ્પર્શ્યા જ હશે તેની એ વૃદ્ધને ખાતરી હતી . પળભર માટે સંકોચ અનુભવ્યા બાદ એ વૃદ્ધએ બોલવાનું શરૂ કર્યું .
‘ _હે દેવાર્ય , આપના પિતા સિદ્ધાર્થ અને હું , બાળવયે એક જ ગુરુકુળમાં સાથે સાથે ભણ્યા છીએ . મારું નામ સોમ_ .’
આ હતું વૃદ્ધનું પ્રથમ વાક્ય . આમ બોલીને એ વૃદ્ધ , દેવાર્યના પિતાના મિત્ર પદે બેસી ગયો હતો . આ તો શરૂઆત હતી . આગળ પણ એ ગર્ભિત વાક્ય જ બોલશે એ સમજાતું હતું . એ બોલતો રહ્યો :
‘ _અલબત્ત . હું ક્ષત્રિય નથી , હું બ્રાહ્મણ છું_ . ‘
આનો અર્થ એ થયો કે આ ભાગ્ય શાળીને દાન માંગવાનો હક છે . ( ક્રમશઃ )
( બહુવારી નદી , લછવાડ )
Leave a Reply