
પ્રકરણ ૨ : દેવદૂષ્યની ખરીદી
( ૨ )
એટલું ખરું કે બ્રાહ્મણ બીજી વખત માંગવાની હિંમત કરી શકતો નહોતો . એ કયાં મોઢે માંગે ? દેવાર્યે એને જેટલું આપ્યું અને જે રીતે આપ્યું , એટલું અને એ રીતે તો એને સાત જન્મારેય કોઈ ન આપી શકે . હવે જો એ યાચના કરે તો ખુદ પોતાની નજરોમાંથી જ ઉતરી જાય . એ દેવાર્યની દૃષ્ટિમાં આવ્યા વગર દેવાર્યની આગળ પાછળ રહેવા લાગ્યો . એમ કહો કે એણે દેવાર્ય પર અને એમનાં દેવદૂષ્ય પર નજર રાખવાનું શરૂ કરી દીધું . એને સહેજ પણ અંદાજ નહોતો કે એ સાથે હતો અને એ ભક્ત નહોતો એ બંને વાત દેવાર્યને બરોબર સમજાતી હતી . દેવાર્યે એને ધમકાવીને ભગાડી ન દીધો , એ દેવાર્યની ઉદાત્ત કરુણા હતી .
દેવાર્ય એક દિવસમાં ઘણુંબધું ઘણુંલાંબું ચાલતા એવું નહોતું . દેવાર્ય થોડોક વિહાર કરતા . આગળ ક્યાં રોકાણ થશે તેની કોઈ જ ધારણા રહેતી નહીં . જ્યાં પહોંચવું છે ત્યાં પહેલેથી સમાચાર મોકલાવવાનું ટાળી જ દેતા . રહેઠાણ બાબત પૂરેપૂરી અનિશ્ચિતતા બનેલી રહેતી . જોકે , બ્રાહ્મણની દિનચર્યામાં બધું જ હતું , ખાવું – પીવું – ઊંઘવું – બોલવું – હળવુંભળવું . દેવાર્ય સાથે રહેવાથી એનું કશું જ સચવાય એમ નહોતું . બ્રાહ્મણને દેવાર્ય સાથે રહેવાનું ન જ ફાવે એ સ્પષ્ટ હતું . આમ બ્રાહ્મણ દેવાર્યનો પીછો કરતો તેમાં વચ્ચે વચ્ચે અંતરાલ પડતો રહેતો . દેવાર્ય એક જ જગ્યાએ લાંબા સમય સુધી કાઉસગ્ગમાં રહેતા તે દરમ્યાન સોમ આમતેમ આંટો મારી આવતો . ક્યારેક દેવાર્ય ત્યાં ને ત્યાં જોવા મળતા , ક્યારેક વળી દેવાર્ય આગળ નીકળી જતા તો સોમ થોડીજ વારમાં એમને શોધી લેતો .
મોરાક સંનિવેશ , કોલ્લાક સંનિવેશ , દુઈજ્જંત તાપસોનો આશ્રમ , અસ્થિક ગ્રામ , દક્ષિણ વાચાલ સુધી તેણે પીછો કર્યો એટલામાં તેરેક મહિના નીકળી ગયા .
( ૩ )
એ દિવસે દેવાર્ય ઉત્તર વાચાલ તરફ નીકળ્યા . સુવર્ણફૂલા નદીના કિનારે દેવાર્ય ચાલી રહ્યા હતા . સૂરજ ઊંચે હતો. તડકો તીખો હતો . દેવાર્યનો પડછાયો ટૂંકો હતો . બપોર હતી . સાંજ ઢળવાને વાર હતી . નદીમાં સૂરજનું તેજ દીપી રહ્યું હતું . હવા પૂરબહાર હતી . પાણીમાં તરંગો બની રહ્યા હતા . લહેરાતું પાણી કાંઠા પાસે મુલાયમ રીતે આગળપાછળ થઈ ઉછળી રહ્યું હતું .
દેવાર્યનું દેવદૂષ્ય પણ રમતે ચડ્યું હતું . વાયુદેવતાએ દેવાર્યને વધાવવા નૃત્ય આદર્યું હોય એવું લાગતું હતું . મંદિરના ધ્વજદંડ પર રહેલી ધ્વજા જેમ હવાથી લહેરાતી રહે છે તેમ દેવાર્યના સ્કંધ પર આ દિવ્ય વસ્ત્ર આંદોલિત થઈ રહ્યું હતું . સામાન્ય રીતે દેવાર્ય જંગલમાં રહેતા , ક્યારેક વસતિમાં પહોંચતા . નદીકિનારે પૂરપાટ હવા વહેતી હોય છે એવી હવા , ન તો જંગલમાં મળતી , ન તો વસતિમાં . એટલે દેવદૂષ્ય પણ સ્કંધ પર શાંત પડ્યું રહેતું . આજે બે નદીનો પવન ભેગો થયો હતો . એક રૂપ્યવાલુકા નદી હતી , થોડે દૂર . અને સામોસામ હતી આ સુવર્ણવાલુકા. તોફાની પવનને લીધે દેવદૂષ્યને પાંખ ફૂટી હતી . જાહેર બગીચામાં નાનું બાળક વડીલનું કહેલું સાંભળે નહીં અને દૂર ભાગે એવું દેવદૂષ્ય સાથે બન્યું . એ હવાના ઝોકે ઉડ્યું . દેવાર્ય પોતાનાં શરીરની પણ સંભાળ લેતા નહીં તો એ દેવદૂષ્યનું શું ધ્યાન રાખે ? દેવદૂષ્યનો એક છેડો જંગલી કેડાની કોરે ઉગેલા કાંટાળા છોડમાં અટવાયો . ઝાડીપાછળથી સોમ જોઈ જ રહ્યો હતો . એને આ ઘડીની જ પરીક્ષા હતી . એનો લાલચુ જીવ ચિંતામાં પડ્યો કે હમણાં દેવાર્ય પાછળ વળશે , દેવદૂષ્યને પોતાના હાથે ખેંચી લેશે અને ફરીથી પોતાના ખભે ગોઠવી દેશે . એ ચાહતો હતો કે એવું ન બને . જાણે દેવાર્યે એની માનસિક પ્રાર્થના સાંભળી લીધી . ચાલી રહેલા દેવાર્યે લાંબાં દેવદૂષ્યને શરીર પરથી સરકી જવા દીધું . દેદીપ્યમાન અજગરની મોટી કાંચળીની જેમ એ વસ્ત્ર જમીન પર પથરાઈ ગયું . એનો એક છેડો કાંટાળા છોડમાં અદ્ધર ફસાયેલો રહ્યો . કાંટાએ દેવદૂષ્યને આરપાર વીંધીને જાણે ખૂંટીએ બાંધી દીધું હતું . દેવાર્યના દેહ પર જે વસ્ત્ર રોનકદાર લાગી રહ્યું હતું તે વન્યભૂમિ પર પડ્યા બાદ સાવ નિષ્પ્રાણ દેખાવા લાગ્યું . એનો કાંટે ફસાયેલો છેડો હવાની ગતિમાં તદ્દન લાચારીથી ફડફડતો રહ્યો .
દેવાર્ય દીક્ષા બાદ પહેલીવાર અચેલક બન્યા હતા . સોમ જોતો રહ્યો .
તમે સૂરજને , ચાંદને , આસમાનને , પર્વતને અને વૃક્ષને જુઓ તો વસ્ત્રનું નામ જેમ વજૂદવિહોણું બની રહે છે એમ દેવાર્યની અલૌકિક આભાસમક્ષ , વસ્ત્રનું હોવું ન હોવું એ એક નગણ્ય બાબત બની રહી . દેવાર્યની મુખમુદ્રામાં અજાયબ આકર્ષણ તત્ત્વ હતું . જોનારની આંખ , ચહેરાપરથી હટી જ ન શકે . સોમે રોજેરોજ આ અનુભવ લીધો હતો . આ બ્રાહ્મણે એ પણ નોંધ્યું કે શરીરે વસ્ત્ર નથી એનો કોઈ જ સંકોચ દેવાર્યનાં ચેહરા પર તરી આવ્યો નહોતો .
દેવાર્ય શરીર પ્રત્યે બેપરવા હતા . આ તો ઠીક છે કે વસ્ત્ર કાંટામાં ભરાયું હતું , બાકી દેવાર્યનો પગ કાંટા પર આવી ગયો હોત , પગની ચામડી ચીરાઈ ગઈ હોત અને લોહી નીકળી આવ્યું હોત એવી પરિસ્થિતિમાં પણ દેવાર્યે પોતાનાં શરીરની સંભાળ લેવાનું ટાળ્યું હોત . દેવાર્ય પોતાનાં શરીર પર વસ્ત્ર છે તે અંગે સભાન હતા પરંતુ એમની સભાનતા મમતાવિરહિત હતી . કેળનાં પાંદડા પરથી પાણીનો રેલો ઝડપથી સરકી જાય એ રીતે વસ્ત્ર અચાનક સરી પડ્યું હતું . દેવાર્યે પળવાર માટે પાછળ તરફ જોયું હતું . એ વસ્ત્ર કેવી રીતે પડ્યું અને ક્યાં પડ્યું એનો અંદાજો એમને આવી ગયો . અને પછી જીવનમાંથી વસ્ત્રનો હવે કાયમી બહિષ્કાર બનેલો રહેશે એવી કોઈ અવધારણા સાથે એમણે નજર પાછી ફેરવી લીધી અને આગળ પગલાં ભરી લીધા . વેરાન વગડામાં એ દિવ્ય વસ્ત્ર એકલવાયું સૂમસામ પડ્યું રહ્યું . ( ક્રમશઃ )
સુવર્ણ વાલુકા નદી
તસવીર : અર્પિત શાહ , કલકત્તા
Leave a Reply