Press ESC to close

વનવગડે વિહરે વીર ( ૨ . ૧ )

 

પ્રકરણ .૨ : દેવદૂષ્યની ખરીદી  

( ૧ ) 
બ્રાહ્મણ કર્માર ગ્રામમાં પાછો આવ્યો ત્યારે દેવાર્ય ક્યાંક બીજે જવા નીકળી ગયા હતા . પવન જેવા હતા દેવાર્ય . એમની ગતિને રોકી ન શકાય , એમને એક જ જગ્યાએ અટકાવી ન શકાય . બ્રાહ્મણ થોડોક મૂંઝાયો . દેવાર્ય ન મળે એ એને પોસાય એમ નહોતું . જંગલમાં કોને પૂછવું કે દેવાર્ય ક્યાં છે ? વૃક્ષો વાત કરતાં નથી , કેડીઓ જવાબ આપતી નથી . લોકો પ્રભુને શોધવા નીકળે છે , આ બ્રાહ્મણ દેવદૂષ્યને શોધવા નીકળ્યો હતો . એની ખોજ આધ્યાત્મિક નહોતી બલ્કે ભૌતિક હતી .

પ્રભુ પાસેથી એકવાર દેવદૂષ્ય મળ્યું તે એની જિંદગીને ચલાવવા માટે પર્યાપ્ત હતું . હવે બીજીવાર આવવું ઉચિત નહોતું . પહેલીવાર એ વખાનો માર્યો આવ્યો હતો  તે ઠીક હતું .  આ બીજીવાર એ આવ્યો હતો તે કેવળ લાલચથી પ્રેરાઈને . અને એને લીધે જ એ રઘવાયો થઈ ગયો કે દેવાર્ય ગયા ક્યાં ? દેવાર્ય જ્યાં ઊભા રહેતા ત્યાં અદ્ભુત સુગંધ લહેરાતી . અહીં એ સુગંધ પણ નહોતી .  દેવાર્ય  કુમારગ્રામથી આગળનાં ગામે જવા નીકળ્યા હશે , બ્રાહ્મણે વિચાર્યું અને એણે પગ ઉપાડ્યા .  એ બહાવરો થઈને દોડ્યો હતો . એને ડર હતો કે દેવદૂષ્યનો બીજો કોઈ યાચક આવી જશે અને દયાળુ દેવાર્ય ફરીથી વસ્ત્રદાન કરશે તો પોતે રહી જશે . દેવાર્યે એની ગરીબીને દૂર કરી જ દીધી હતી પણ ભાઈને હવે શ્રીમંત બનવાનો અભરખો ઉપડ્યો હતો . કુમારગામના આ રસ્તેથી તે કેટલીય વાર નીકળેલો . જંગલી કેડાઓ પરથી ટૂંકા રસ્તા પણ એ ખોળી લેતો . દેવાર્ય ઘાસ અને પાંદડા પર પગ મૂકીને ચાલતા નહીં એટલે જંગલનો લાંબો રસ્તો દેવાર્ય ઉપયોગમાં લેશે એની બ્રાહ્મણને ખાતરી  હતી . એણે ટૂંકો રસ્તો લીધો . એ બહુ ઝડપથી ચાલતો રહ્યો . જે દેવદૂષ્ય પર એનો હક નહોતો એ દેવદૂષ્યનું એને વળગણ લાગ્યું હતું . 

એ હવાને સૂંઘતો રહ્યો . દેવાર્યની દેહસુગંધ દૂરથી જ પારખી શકાય એવી રમણીય હતી . એમ લાગે કે આખો ફૂલબગીચો અને આખું  ઔષધઉદ્યાન હવામાં મઘમઘે છે . એને થોડા સમયમાં જ એ ખુશ્બૂનો અહેસાસ મળ્યો . 

એણે દૂરથી દેવાર્યને જોયા , દેવાર્ય ચાલી રહ્યા હતા . એમની ચાલમાં ઉતાવળ નહોતી અને ખુમારી ભરપૂર હતી . એ ગજરાજની જેમ ધીમા પગલે ચાલી રહ્યા હતા . આજુબાજુ જોવાની વૃત્તિ નહોતી . નજર જમીન તરફ રહેતી . દેવાર્ય એક પગ મૂકે અને બીજો પગ ઊંચકે એ સમયે ગગનવિહાર જેવી સંચારમુદ્રા બની આવતી . કાયોત્સર્ગમાં  સ્થિર રહેનારા આજાનુબાહુ લાંબા હાથ , ચાલવાના સમયે સહેજ આગળપાછળ થતા ત્યારે ગરુડની પાંખ ઝૂલતી હોય એવો દેખાવ સર્જાતો . દેવાર્ય ચાલવામાંય સાધનાની સ્થિરતાનો આનંદ લેતા તેથી દેવાર્યની કાયામાં ચંચલતાનો અંશ પણ વર્તાતો નહીં અને એક ગંભીરતાની છાયા રહેતી. આસપાસની જમીન પર બેસેલા પંખી પોતાને લીધે ડરીને ઉડવા ન માંડે એની પણ દેવાર્ય કાળજી રાખતા . દેવાર્ય જ્યાંથી પસાર થતા ત્યાં કશી ખલેલ ન પહોંચાડતા . હરણ અને સસલાં જેવા પશુઓને પણ દેવાર્યનો ભય લાગતો નહીં . સાપ-વીંછી અને અન્ય મોટા જંગલી પશુઓથી દેવાર્ય ડરતા નહીં એ એક વાત હતી , મહત્ત્વની વાત એ હતી કે દેવાર્ય કોઈ સજીવ તત્ત્વને ડરાવવાની કોશિશ કરતા નહીં .

દેવાર્યની પાછળ પાછળ બ્રાહ્મણ ચાલ્યો .  એને થયું કે દેવાર્ય જ્યાં પહોંચવા માંગે છે ત્યાં હું પણ પહોંચીશ અને દેવાર્યને જે વ્યવસ્થા મળશે તેની આસપાસ હું ગોઠવાઈ જઈશ . 

ધીમેધીમે એને સમજાયું કે દેવાર્ય ક્યાંય પહોંચવા માંગતા નહોતા અને દેવાર્યને કશી વ્યવસ્થાનો ખપ નહોતો . દેવાર્ય સાથે સૂવા – પાથરવાનો સામાન નહોતો અને સેવકોનો રસાલોય નહોતો . દેવાર્ય પલાંઠી  લગાવીને બેસતા જ નહીં . મોટેભાગે ઊભા જ હોય , ક્યારેક કોઈ મુદ્રામાં ધ્યાન ધરતા હોય તે વખતેય શરીરને આરામ આપવાનો પ્રયત્ન ન દેખાય . દેવાર્યની ગોદોહિકા આસનવાળી મુદ્રા જોઈને એમ લાગે કે આના કરતાં તો ઊભા રહેવું સહેલું . કેવળ પગની દશ આંગળી પર આખા શરીરનું વજન આવી જાય એવું એ આસન . સાધારણ માણસ તો અડધી ઘડી પણ એ આસનમાં ન રહી શકે . દેવાર્ય એ આસનમાં લાંબો સમય રહેતા . આરામની પરવા જ નહોતી દેવાર્યને . 

સોમ બ્રાહ્મણ રોજેરોજ જોતો રહેતો . દેવાર્ય કોઈનીય સાથે વાત ન કરતા . કોઈ આવીને કંઈ પૂછે તો એનો જવાબ સુદ્ધાં ન આપતા . ક્યારેક દેવાર્ય પર કોઈ ચીડી જતું તો દેવાર્ય ખુલાસો કરવાપૂરતું પણ બોલતા નહીં . ક્યારેક વળી કોઈ  આ મૌનની મજાક ઉડાવતું તો દેવાર્ય એનો પ્રતિરોધ પણ ન કરતા . પોતાની સાથે જે કાંઈ પણ બને તેનાથી અજાણ રહેવાનું અથવા નિર્લેપ રહેવાનું વ્રત લીધું હતું દેવાર્યે . દેવાર્ય કમજોર નહોતા , એમનામાં હતી એવી શક્તિ કોઈનામાં  નહોતી . દેવાર્યે સહન કરવાનો સંકલ્પ લીધો હતો . એને લીધે દુઃખોને અને દુઃખ દેનારાઓને મોકળું મેદાન મળી જતું હતું . બાકી દેવાર્ય જો દુઃખને દૂર રાખવાનો વિચાર પણ બનાવે તો દેવાર્યનો વિચાર પણ એટલો શક્તિશાળી રહેતો કે દુઃખ આસપાસ ફરકી ન શકે . સોમ બ્રાહ્મણને  ધીમેધીમે સમજાતું ગયું કે દેવાર્ય જ ચાહતા હતા કે દુઃખ આવે . દેવાર્ય દુઃખ સામે પોતાની સુરક્ષા કરતા નહીં . દેવાર્ય દુઃખ આવે જ નહીં તેની માટે કોઈ પૂર્વ વ્યવસ્થા કરતા નહીં . દેવાર્ય દુઃખ આવે તેનો પ્રતિકાર કરતા નહીં અને સૌથી મહત્ત્વની વાત એ કે દેવાર્ય દુઃખ આવે તે સહન કરતી વખતે દીનતા અનુભવતા નહીં . એમનો ચહેરો પ્રસન્ન જ રહેતો . 

સોમ બ્રાહ્મણ , દેવાર્યના આશ્રિત રૂપે સાથે રહે અથવા દેવાર્યનો સેવક બનીને સાથે રહે એનો કોઈ દેખીતો ફાયદો એને મળવાનો નહોતો . દેવાર્યે એને નોતરું આપીને બોલાવ્યો નહોતો કે જેથી દેવાર્ય એની જવાબદારી સ્વીકારી લે . દેવાર્ય પોતાની અવધૂત મસ્તીમાં નિમગ્ન હતા , સોમ સાથે ન હોય તેનાથી દેવાર્યને કોઈ જ ફેર પડતો નહોતો . પરંતુ દેવાર્યની સાથે ન રહેવાથી સોમને નુકસાન થઈ શકતું હતું , પચાસ હજાર સુવર્ણમુદ્રાનું નુકશાન . સોમને એ પાલવે એમ નહોતું .  એને ગરજ હતી સાથે રહેવાની . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *