પ્રકરણ ૧ . દેવદૂષ્યનું દાન
( ૫ )
બ્રાહ્મણ આવ્યો એનાથી દેવાર્યને કશો ફરક પડ્યો નહોતો . એ ગયો એનાથી પણ દેવાર્યને કોઈ ફેર પડ્યો નહોતો . દેવદૂષ્ય અખંડ હતું એનાથી દેવાર્યને કશો ફરક પડ્યો નહોતો . દેવદૂષ્ય અર્ધું થયું તેનાથી પણ દેવાર્યને કોઈ ફેર પડ્યો નહોતો . દેવાર્ય એ જ મસ્તીમાં ઊભા હતા . જાણે કશું બન્યું જ નથી , જાણે કોઈ આવ્યું જ નથી , જાણે કે જંગલમાં દેવાર્ય સિવાય બીજું કોઈ છે જ નહીં . ધીમા વેગે વહેતી હવા દેવાર્યને અને અર્ધા દેવદૂષ્યને સ્પર્શતી રહી .
બ્રાહ્મણ પોતાનાં ગામે પહોંચીને સૌપ્રથમ બ્રાહ્મણીને મળ્યો હતો , એ ગરીબ ગૃહિણીની આંખોમાં દેવાર્યનાં નામે અહોભાવનાં અશ્રુ વહી નીકળ્યાં . પછી બ્રાહ્મણ તંતુવાયને ( = દરજીને ) મળ્યો હતો . દેવદૂષ્ય જે છેડેથી ફાટ્યું હતું તેના રેસા નીકળી આવેલા હતા . એટલો છેડો સારી ઓટી લેવાય તો વસ્ત્રના દામ સારા ઉપજે એવી ગણતરી હતી . તંતુવાયે વસ્ત્ર જોઈને અલગ જ વાત કરી . એણે કહ્યું :
‘ આવું વસ્ત્ર મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે . આ કપડું કિનારીએથી ફાટેલું છે એનો મતલબ એ છે કે આનો બીજો પણ એક ટુકડો છે . તું એ ટુકડો શોધીને લઈ આવ . હું તને એ રીતે બેય ટુકડા સીવી આપીશ કે વચલો સાંધો દેખાશે જ નહીં . એકવાર વસ્ત્ર આખું દેખાયું પછી તું જોજે , આ વસ્ત્ર રત્નકંબલનાં મૂલ્યથી વેંચાશે . ‘
બ્રાહ્મણ સ્તબ્ધ થઈ ગયો . એને દેવાર્યે વસ્ત્ર આપ્યું ત્યારે એવું લાગ્યું હતું કે આ વસ્ત્ર દશ – બાર કે વીશ – પચીશ કાર્ષાપણમાં વેચાઈ જશે . તાંબાની નાની નાની ગીનીઓ પોતાના હાથમાં કાર્ષાપણ રૂપે આવે એટલે થોડા દિવસની રાહત થઈ જાય . બસ , આટલું જ વિચારેલું એણે . તંતુવાયના કહેવા મુજબ આ વસ્ત્ર , અતિશય મોંઘુ હતું .
‘ શું દામ ઉપજે અખંડ વસ્ત્રનાં ? ‘ બ્રાહ્મણે પૂછ્યું .
‘ પહેલાં મને એ કહે કે તું આ વસ્ત્ર લાવ્યો કોની પાસેથી ? ‘ તંતુવાયે સામો સવાલ કર્યો . એ પાકું કરવા માંગતો હતો કે બીજો ટુકડો ખરેખર મળશે કે કેમ ?
‘ મને આ વસ્ત્ર શ્રમણ વર્ધમાન પાસેથી પાસેથી મળ્યું છે . એમની પાસે મોટું વસ્ત્ર હતું . અર્ધું મને આપ્યું , અર્ધું એમણે રાખ્યું . ‘ બ્રાહ્મણ બોલ્યો .
‘ ઓહો , આ વસ્ત્રનું રહસ્ય હવે સમજાયું . આ શ્રમણ વર્ધમાનનું વસ્ત્ર છે . જુઓ , ભૂદેવ . હું તમને ખાસ વાત જણાવું છું . આ વસ્ત્ર અખંડ છે એવું ગ્રાહકને લાગે તો આ વસ્ત્ર એક લાખ સુવર્ણ મુદ્રામાં વેચાઈ શકે છે . ‘ તંતુવાયે કહ્યું .
બ્રાહ્મણ એકદમ સ્તબ્ધ થઈ ગયો . એ યાચક હતો . એક કાર્ષાપણનો દશમો હિસ્સો પણ કોઈ દાતા દાનમાં આપે છે તો એ જતાવતો હોય છે કે એણે કેટલું મોટું દાન આપી દીધું છે . દેવાર્ય દ્વારા અપાયેલું અર્ધ વસ્ત્ર અંદાજે પચાસ હજાર સુવર્ણમુદ્રાનું મૂલ્ય ધરાવતું હતું . આટલું મોટું દાન આપવા છતાં દેવાર્યમાં ન કોઈ ઘમંડ જોવા મળ્યું , ન કોઈ મોટાપણાનો ભાવ વર્તાયો . જે આપવું હતું એ ચૂપચાપ આપી દીધું . ન કોઈ દેખાડો , ન કોઈ ગાજવીજ .
એક યાચક હોવાના નાતે એને ભારતના મોટામોટા દાનવીરોનાં નામ યાદ હતા . એક પણ દાતાએ આટલું મોટું દાન આપ્યું હોય એવું બન્યું નહોતું . અરે , મહાભારતના મશહૂર કર્ણરાજાનો ઈતિહાસ પણ બ્રાહ્મણ જાણતો હતો . પોતાની પાસે જેટલી સંપત્તિ હોય એમાંનો અડધોઅડધ હિસ્સો એક અજાણ્યા આદમીને આપી દીધો હતો દેવાર્યે . બ્રાહ્મણ દેવાર્ય પાસે આવ્યો ત્યારે એની પાસે કાંઈ જ નહોતું . બ્રાહ્મણ દેવાર્ય પાસેથી નીકળ્યો ત્યારે એની પાસે પચાસ હજાર સુવર્ણમુદ્રાનું મહાર્ઘ વસ્ત્ર હતું . જોવાજેવી વાત એ હતી કે દેવાર્ય પાસે પણ પચાસ હજાર સુવર્ણમુદ્રાનું વસ્ત્ર બચ્યું હતું . આનો મતલબ શું થયો ? બ્રાહ્મણે વિચારમાં ને વિચારમાં થડકાટ અનુભવ્યો . આનો મતલબ એ થયો કે દેવાર્યે દાન આપીને એક બ્રાહ્મણ યાચકને આર્થિક રીતે પોતાની સમકક્ષ ભૂમિકા સુધી પહોંચાડી દીધો હતો . આવું તો કર્ણ જેવા દાનવીર પણ ન કરી શક્યા . બીજી બધી જ પોતે પછાત જ છે , યાદ હતું એને . આવા પામર જીવને આટલું મોટું ગૌરવ દેવાર્ય થકી મળ્યું એમ વિચારતાં વિચારતાં બ્રાહ્મણની આંખોમાં અહોભાવનાં આંસુ આવી ગયાં .
‘ શ્રમણ વર્ધમાનને આ વસ્ત્ર સાથે કોઈ લેવાદેવા નથી . તેઓ શેષ અર્ધ વસ્ત્ર પ્રત્યે ઉદાસીન છે . તમે એ વસ્ત્ર પણ લઈ આવો . તમને એ મળી જશે . ‘ તંતુવાયે બોલવાનું પૂરું કર્યું .
બ્રાહ્મણ પાસે બોલવા જેવું કશું બચ્યું નહીં . એને બીજીવાર વસ્ત્ર માંગવામાં સંકોચ થવા લાગ્યો . પછી એવું થયું કે હું નહીં જઇશ તો એ વસ્ત્ર બીજા કોઈને મળી જશે , એના કરતાં હું જ ફરીથી જાઉં .
તંતુવાયે એને સમજાવ્યું કે આ વસ્ત્ર ક્યાંક ને ક્યાંક સરકી જશે , તું તે વખતે ત્યાં હાજર હશે તો તને એ વસ્ત્ર વગર યાચનાએ મળી જશે . બ્રાહ્મણને આ વાત ગમી ગઈ . એણે ફરીથી દેવાર્ય પાસે જવાનો વિચાર બનાવ્યો . એને ખબર નહોતી કે આશરે તેર મહિના સુધી એણે દેવાર્યનો પીછો કરવો પડશે . ( ક્રમશઃ )
વન ઉપનિષદ્
+ દાન આપવું જોઈએ પરંતુ મેં દાન આપ્યું છે એવો અહંકાર ન રાખવો જોઈએ .
+ દાન લેનારે વધુ પડતી લાલચ ન રાખવી જોઈએ . માંગવાની પણ મર્યાદા હોય અને લેવાની પણ એક સીમા હોય તે યાદ રાખવું .
+ તમે સાધના ન કરી શકો એવું બની શકે . તમારાં કારણે કોઈની સાધનામાં વિક્ષેપ ઊભો થાય એવું તો ન જ બનવું જોઈએ .
Leave a Reply