Press ESC to close

વનવગડે વિહરે વીર ( ૧ .૨ )

વનવગડે વિહરે વીર

પ્રકરણ ૧ :  દેવદૂષ્યનું દાન .

( ૩ )

એ વૃદ્ધ બોલતો રહ્યો .

‘  હમણાં હમણાં હું ઘણી ભીડમાં છું . મારો પરિવાર સુખી હતો પરંતુ મને જુગાર રમવાની આદત પડી ગઈ તેમાં મારો બધો પૈસો  ડૂબી ગયો .  પછી એવું થઈ ગયું કે હું લોકો પાસેથી છૂટક પૈસા માંગતો થઈ ગયો . મારી જુગારની લતની જાણકારી જેને જેને મળી તેણે તેણે મને પૈસા આપવાનું બંધ કરી દીધું .  આખરે હું સાવ રસ્તા પર આવી ગયો . ‘ 

એ થાક્યો હોય એ રીતે અટક્યો .  એણે હળવેથી ખાંસી ખાધી ,  કપડાના છેડાથી મોઢું લૂંછ્યું  . એ  આગળ  બોલ્યો  :

  ‘ આપે રાજવૈભવ વચ્ચે આખુંય જીવન વીતાવ્યું  છે . દુઃખનો પડછાયો આપે જોયો નથી . મારા જેવાને દુઃખથી મુક્ત કરવા જ  આપે વરસીદાન આપ્યું હતું પરંતુ હું એનો લાભ ન લઈ શક્યો . અત્યારે હું અને મારી પત્ની બેય સાવ દુઃખી છીએ . આપનું વરસીદાન અધૂરું રહી ગયું છે , પ્રભુ . ‘ 

બ્રાહ્મણ માંગી રહ્યો હતો ને તોયે પોતાનો હાથ ઉપર રાખવાનો ડોળ કરી રહ્યો હતો . એણે સમજવું જોઈતું હતું કે અત્યારે પ્રભુ પાસે કશું જ નથી . પરંતુ એ પોતાની ધૂનકીમાં હતો . પ્રભુ પાસે માંગવાનો એને હક શું હતો ? ન સેવા કરેલી , ન ઓળખાણ  હતી . બસ , અમથો જ આવીને મંડી પડ્યો માંગવા . કેવા કેવા લોકો હોય છે દુનિયામાં ? માન ન માન , મૈં તેરા મહેમાન . પ્રભુ જંગલમાં આવ્યા તે શું દાન આપવા માટે ? આટલુંય ન સમજાય આ  ઉંમરે ? એવું લાગતું હતું કે એ બ્રાહ્મણ યાચક હતો તેથી વધુ તો લાચાર હતો . પ્રભુ એની છેલ્લી ઉમ્મીદ હશે . બ્રાહ્મણ કુંડગ્રામમાં અને ક્ષત્રિય કુંડગ્રામમાં એ બ્રાહ્મણનાં અપલક્ષણોને સૌ કોઈ જાણતું હશે . કોઈ એને સૂકું ઘાસ આપવાય તૈયાર નહીં હોય . વખાનો માર્યો આવ્યો હશે . એણે સૌપ્રથમ પ્રભુ પાસે આવવું જોઈતું હતું . એ સૌથી છેલ્લે પ્રભુ પાસે આવ્યો હતો . એટલું ખરું કે પ્રભુ વિશે એને ખબર હતી નહીં ત્યાર સુધી તે આવ્યો નહોતો . એની પત્નીએ પ્રભુની ખબર આપી અને એ તરત પ્રભુ પાસે દોડી આવ્યો હતો . એવું ન કહી શકાય કે એ ભક્તિ ભાવે આવ્યો હતો . એ લાચારીપૂર્વક આવ્યો હતો , લાલચ અને સ્વાર્થનો અંશ પણ ખરો જ . એ ચાલાકીથી પોતાની માંગણી રજૂ કરી રહ્યો હતો . એ બોલ્યો : 

             ‘ મારા ઘરે એ બ્રાહ્મણી છે , બ્રહ્મપત્ની . એને ખાવાપીવાના સાસા છે , દેહ ઢાંકવા પૂરતા વસ્ત્ર છે પરંતુ સારું કપડું એને ઓઢવા મળતું નથી . દાગીના તો દૂરની વાત છે , એક સારી ગાગર પણ નથી એની પાસે . કેમ કરીને એ રોટલો બનાવે છે એ મને જ સમજાતું નથી . આપ વર્ષીદાન આપતા હતા ત્યારે એ કુંડગ્રામમાં જ હતી . હું જુગારી પણ છું અને ભિખારી પણ છું . મને એણે અર્થોપાર્જન માટે દેશાંતર મોકલી દીધો હતો . એ મારા ભરોસે વર્ષીદાન લેવા ન આવી . આને હું મારું કમભાગ્ય સમજું કે આપની ઉપેક્ષાવૃત્તિ ? આખો ઇલાકો સમૃદ્ધ થઈ ગયો અને મારું ઘર જ રહી ગયું ? એક ગરીબ માણસને એની પત્ની કેવાકેવા ટોણા મારે છે તે તમને ખબર નથી પ્રભુ . એ તમારા વર્ષીદાનને યાદ કરીકરીને રડે છે . હું દેશાન્તરથી આજે જ પાછો આવ્યો . ‘ 

એ બોલતાં બોલતાં અટકી ગયો . એને પોતાની વાત કહેવામાં શરમ આવી રહી  હતી . એ ન વાક્ય બનાવી શકતો હતો , ન શબ્દો શોધી શકતો હતો . એને રોવાનું મન થઈ રહ્યું હતું . પણ દેવાર્યની મર્યાદા જાળવવા એ આંસુ ખાળીને ઊભો રહ્યો હતો . એને ખબર હતી દેવાર્ય મારા આંસુ લૂંછવાના નથી . સાથોસાથ એને વિશ્વાસ હતો કે દેવાર્ય એનાં આંસુને અટકાવી શકે છે . એ હિંમત ભેગી કરીને બોલ્યો – 

            ‘ આજે લાંબા સમયે હું ઘેર પહોંચ્યો . એ મને જોઈને રાજી થઈ . મારા માટે ગરમગરમ રસોઈ બનાવી એણે . મેં પેટ ભરીને ખાધું . પછી એણે પૂછ્યું કે તમે શું લઈને આવ્યા . મેં મૂંડી હલાવીને મારો શૂન્ય હિસાબ જણાવી દીધો . એ માનવા તૈયાર જ નહીં કે હું ધોયેલા મૂળા જેવો સાવ ખાલી હાથે પાછો આવ્યો છું . એને ખાતરી થઈ કે હું ખાલી હાથે પરત થયો છું તો એ એવી ઝઘડી છે મારી સાથે , કે હું શું કહું ? દુનિયાભરની ગાળો સંભળાવી દીધા પછી એણે મને આપનું નામ આપ્યું . એને મારા પર સહેજ પણ ભરોસો નથી પરંતુ એને આપની પર પૂરેપૂરો ભરોસો છે . એને ખબર છે કે વર્ષીદાન અટકી ગયું છે છતાં એ કહે છે કે ‘ નદીમાં પાણી ન દેખાય તો નિરાશ ન થવાય . નદીમાં ખાડો ખોદીએ એટલે પાણી તો નીકળે જ . ‘ પ્રભુ , આપ એ માસૂમ બ્રાહ્મણપત્નીને સધિયારો આપો . એની દરિદ્રતાનો ઈલાજ શોધી આપો , એના હાથ ખાલી છે . એનો એ ખાલીપો દૂર કરી દો . આપની પર એને જે ભરોસો છે તે અખંડ રાખવાની જવાબદારી આપની છે . ‘ 

ઊંડા નિશ્વાસ સાથે એણે બોલવાનું પૂરું કર્યું .  વનવગડો ફરીવાર શાંત થઈ ગયો . બ્રાહ્મણ બોલતાં તો બોલી ગયો બધું , પણ હવે એને લાગ્યું કે પોતે આ બધું શું કામ બોલી ગયો ? પોતે અહીં આવ્યો એ શું યોગ્ય હતું ?

પંખીઓ સિવાય બીજા કોઈનો અવાજ બચ્યો નહોતો . શહેર હોય કે ગામ હોય ત્યાં રથ , બળદગાડું , પાલખીનાં કારણે અવાજ થાય . જંગલમાં એવા અવાજ ન જ હોય . અહીં સન્નાટો હતો જે દેવાર્યની ઉપસ્થિતિને લીધે સૌમ્ય જણાતો હતો . બ્રાહ્મણ ચૂપચાપ દેવાર્ય સામે તાકતો રહ્યો . દેવાર્યના ચહેરા પર પોતાની રજૂઆતનો કોઈ જ પ્રતિભાવ અંકાયો નહોતો , એણે નોંધ્યું .  પાછળ ઊભેલું વૃક્ષ જેમ મૌન હતું તે જ રીતે દેવાર્ય  મૌન રહ્યા . બ્રાહ્મણને થયું કે મેં ખોટી જગ્યાએ હાથ લંબાવ્યો , દેવાર્ય પાસે મને આપવા જેવું કશું છે નહીં . દેવાર્ય આપવા ચાહતા હોય એવું પણ કાંઈ એને વર્તાયું નહીં . ગરીબીનાં કારણે એનામાં જે તુચ્છ માનસિકતા બની આવી હતી તેની છાયામાં એ ઊલટા વિચાર કરતો રહ્યો : 

          ‘ કમાલ છે . આમની પાસે ન ઐશ્વર્ય છે , ન ઠાઠમાઠ છે . ન વાત સાંભળે છે , ન જવાબ આપે છે . સમ ખાવા પૂરતો એક સેવક પણ સાથે રાખ્યો નથી . પોતાનું રહેઠાણ નથી , અરે પગરખાં પણ નથી . આમની પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા રાખવી ઉચિત છે ? આટલે દૂર સુધી હું ઊંડા જંગલમાં આવ્યો એ આખો ફેરો માથે પડશે શું ?  આમની પાસે તો મને પાણી પીવડાવવાની પણ વ્યવસ્થા નથી , આ મને દાન શું આપશે ? કમાલ છે કે ગઈકાલ સુધી આ રાજકુમાર સૌને ભરીભરીને દાન આપતા હતા એટલે એમની આસપાસ કીડિયારું બનીને લોકો ઊભરાતા હતા . આજે એમની આજુબાજુમાં કોઈ નથી . શું હું જ મૂરખ છું કે આમની પાસે યાચક બનીને આવ્યો છું ? ‘ 

             બ્રાહ્મણ અધૂરી સમજણમાં અટવાઈ પડ્યો .  તેણે નિરાશામાં માથું નમાવ્યું . પાછા જવા માટે એણે પગ ઉપાડ્યો એટલામાં એના કાને અવાજ સ્પર્શ્યો . 
એક જ શબ્દ સંભળાયો : ‘ દેવાનુપ્રિય .’   (ક્રમશઃ)

( કર્ટ્સી : શાંતિ સૌરભ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *