
પ્રકરણ નવ : દશ મહાન્ સ્વપ્ન
અને એક દિવસ ચોમાસું પૂરું થયું. દેવાર્યે વિહાર આરંભ્યો , ગ્રામજનો દૂર સુધી વળાવવા આવ્યા. એક સીમા પાસેથી ગ્રામજનો પાછા ફર્યા પરંતુ દેવાર્યે જોયું કે યક્ષ હજી દેવાર્યને વળાવવા સાથે ને સાથે ચાલી રહ્યો હતો. એક જગ્યાએ યક્ષ પ્રભુના પગે પડ્યો. એણે પાછા ફરવાનું હતું. તે વિરહપીડાથી દુઃખી થઈને બોલ્યો –
પ્રભુ, આપનો ઉપકાર યાદ રહેશે. આપે મને ક્લેશમાંથી ઉગાર્યો, પાપથી બચાવ્યો અને દુર્ગતિમાં જવાથી રોકી લીધો. મેં કેવળ અપકાર કર્યા. આપે કેવળ ઉપકાર કર્યા. પ્રભુ, પૂર્વભવમાં મારું મરણ, આ ભૂમિ પર થયેલું. રૂઢિપ્રયોગમાં બોલાય છે કે કાળજું ચીરાઈ ગયું. મારી છાતી સાચોસાચ ચીરાઈ હતી .
હું વૃષભ હતો. મારા નાક અને મોઢામાંથી લોહી ફૂટી નીકળ્યું હતું. મારા સ્વામી ધનદેવ શેઠ મારી હાલત જોઈ રોઈ પડ્યા હતા. એ તોં મારી સાથે અહીં જ રહેવા માંગતા હતા. પરંતુ સાર્થ મોટો હતો તેથી તેમને જવું પડ્યું. મારા સ્વામીએ આ ગ્રામજનોને ધન, ઘાસચારો, ઔષધ આપીને માંરું ધ્યાન રાખવાની જવાબદારી સોંપી હતી. આ ગ્રામજનોએ વૃષભનું જીવતે જીવત ધ્યાન ન રાખ્યું, વૃષભના મૃતકનું સન્માન પણ ન જાળવ્યું. આ બધું મને યક્ષગતિમાં આવ્યા બાદ સમજાયું. હું અજ્ઞાની છું. મારામાં ક્રોધનો દાવાનળ પ્રગટી ગયો. મેં કાળો કેર વર્તાવ્યો. કેટલાં મૃતકો મારા લીધે રઝળી પડ્યા હશે, હું નથી જાણતો. ટેકરી પર મંદિર બન્યું તેની નીચે અગણિત હાડપિંજરો ધરબાયા છે. એ મંદિરમાં પણ મે ઘણી કત્લેઆમ ચલાવી છે. હું આવો જ ક્રૂર રહેત.
પણ આપ આવ્યા, મારી પર ઉપકાર કરવા આપ પધાર્યા. મેં આપનેય ક્રૂર પીડાઓ આપી. મને આપની ત્રણ વિશેષતા આશ્ચર્યકારી લાગી. એક, આપને જે તકલીફ આપે તેની પર આપને ગુસ્સો આવતો નથી. બે, આપને તકલીફ પડે તેનાથી આપ દુઃખી થતા નથી. ત્રણ, આપ જૂની વાતોનો બદલો લેવાનું વલણ રાખતા નથી . આ ત્રણેય વિશેષતા અનન્ય સાધારણ છે. આ વિશેષતાઓ જોઈને હું આપનો ભક્ત બન્યો છું.
આપ આજે મને એકલવાયો છોડીને જઈ રહ્યા છો પ્રભુ. પણ આ વર્ધમાનક ગ્રામ આપની પ્રતીક્ષા કરશે, આ ટેકરી આપની પ્રતીક્ષા કરશે, આ શૂલપાણિ હરહંમેશ આપની પ્રતીક્ષામાં રહેશે. પ્રભુ, આપે દુશ્મનને ભક્ત બનાવ્યો છે. હવે આ ભક્તને આધાર આપે જ આપવાનો છે અને આ ભક્તનો ઉદ્ધાર પણ આપે જ કરવાનો છે.
મનેં મારી ત્રણ ભૂલ યાદ આવી રહી છે –
એક , મેં આપને પધારવાનું આમંત્રણ ન આપ્યું, પધારવાની વિનંતી ન કરી.
બે , મારે આપનું સ્વાગત કરવું જોઈતું હતું પરંતુ મેં આપનું અપમાન કર્યું.
ત્રણ , મારે આપની ભક્તિ કરવી જોઈતી હતી પરંતુ મેં આપને પીડા આપી. પ્રભુ મારી આવી અગણિત ભૂલો થઈ હશે. મને માફ કરી દેજો. ’
ગદ્ગદભાવે શૂલપાણિ યક્ષે પ્રભુને વિદાય આપી હતી. દેવાર્યનાં દીક્ષાજીવનનાં પ્રથમ વર્ષની કથા અહીં સમાપ્ત થઈ હતી .
વર્ધમાનક ગામની ટેકરી પર બે ઘટના એવી બની જે ઈતિહાસમાં અભૂતપૂર્વ હતી . એક , તીર્થંકરે નિદ્રામાં સ્વપ્ન જોયાં . બે તીર્થંકરે પોતાનાં સ્વપ્નની ભવિષ્યવાણી કરી . વર્ધમાનક ગામની , અસ્થિકગ્રામની આ આજીવન ધન્યતા હતી. (ક્રમશઃ)
Leave a Reply