
પ્રકરણ ૯ . દશ મહાન્ સ્વપ્ન
દેવાર્યે મૌન રહેવાનો નિયમ લીધો હતો , ગૃહસ્થનો વિનય ન કરવાનો નિયમ લીધો હતો . દેવાર્ય શું કામ , ઉત્પલ સાથે વાત કરે ? અને શું કામ ઉત્પલની વિનંતીનો સ્વીકાર કરે ? પરંતુ દેવાર્ય કૃપાળુ હતા .
દેવાર્યે ઉત્પલને ફરમાવ્યું કે
‘મેં સુગંધી ફૂલોની બે માળા ચોથા સપનામાં જોઈ. આ સપનું એમ સૂચવે છે કે હું બે પ્રકારના ધર્મનો ઉપદેશ આપીશ. એક, સાધુધર્મ એટલે કે મહાવ્રત પાલનનો ધર્મ . બે , શ્રાવકધર્મ એટલે કે અણુવ્રત પાલનનો ધર્મ . ʼ
દેવાર્યનો સુમધુર અવાજ હવામાં ગુંજતો રહ્યો. ગ્રામજનો અને ઉત્પલ એ સાંભળીને આનંદિત થઈ ગયા. ગ્રામજનો દેવાર્યને વંદી પોતાનાં ઘેર પાછા ફર્યા. દેવાર્ય યક્ષની ટેકરી પર , યક્ષનાં મંદિરમાં જ રોકાયા. દેવાર્યને લીધે હવે એ ટેકરી અને એ ગામમાં અભયભાવનું નિર્માણ થયું હતું. હવે યક્ષ કોઇને મારવાનું વિચારતો નહીં. હવે કોઈનાં મનમાં યક્ષની ભીતિ રહી નહીં. દેવાર્યનું પહેલું ચોમાસું ઉપદ્રવહારી બન્યું. યક્ષનો ક્લેશ ટળ્યો. ગ્રામજનોનો અકાળ મરણ સંબંધી ભય દૂર થયો.દેવાર્ય એ ટેકરી પર સાડા ત્રણ મહિના સુધી રોકાયા.
દેવાર્યના આહારગ્રહણનો નિયમ ભારે કડક હતો. દેવાર્ય પંદર દિવસના સળંગ ઉપવાસ કરતા. સોળમા દિવસે પારણું કરવાનું હોય. એમાંય કોઈ પૂર્વ તૈયારી ન રહેતી. દેવાર્ય કોઇનાં પણ ઘરે પધારી જતા. મધ્યાહ્ન વેળાની પછીનો સમય રહેતો. જે તૈયાર હોય તે લેતા. પારણું કરતી વખતે દેવાર્ય પાત્રનો ઉપયોગ કરતા નહીં. પારણું કરતી વખતે દેવાર્ય બે હાથ પસારીનો ખોબો ધરી દેતા. એમાં જે પડે તે નિરાગભાવે વાપરતા. વાપરતી વખતે બેસતા નહીં , ઊભા જ રહેતા . વાપરવામાં વધુ સમય લાગતો નહીં. સાધનામાં ખાવું અને પીવું એવા શબ્દો ન વપરાય. સાધનામાં આહાર ગ્રહણને અને જલગ્રહણને વાપરવું કહેવાય. વાપરવું એટલે આહાર લેવો. વાપરવું એટલે જળ લેવું. દેવાર્ય દેહનિર્વાહ માટે વાપરતા . દેવાર્ય આહારસંજ્ઞાથી મુક્ત જ રહેતા . વર્ધમાનકને , અસ્થિક ગ્રામને દેવાર્યની માયા લાગી ગઈ હતી . દેવાર્ય બોલતા નહીં , ઊંઘતા નહીં , બેસતા નહીં , લેટતા નહીં . દેવાર્ય પંદર પંદર દિવસના ઉપવાસ કરે છે અને સોળમા દિવસે પારણું આવે છે એવું કોઈને સમજાયું નહોતું . ખબર એટલી જ પડતી કે આજે દેવાર્ય ભિક્ષાવૃત્તિએ નીકળ્યા છે અથવા નથી નીકળ્યા . દેવાર્ય ભિક્ષાર્થે નીકળે ત્યારે આખું ગામ હેલે ચડતું . જાણે દેવાર્ય આ ગામના જ હોય એવો આત્મીય ભાવ બની ચૂૂૂૂક્યો હતો .
દેવાર્ય એક વાર બોલ્યા હતા – ઉત્પલને જવાબ આપવા માટે . જો દેવાર્ય એ વખતે બોલ્યા ન હોત તો ઉત્પલની વાત કોરી મજાક બનીને રહી જાત. દેવાર્ય ત્યારે બોલ્યા તેને લીધે ગ્રામજનોને સમજાયેલું કે હા, દેવાર્યે આપણાં ગામમાં પળભરની નિદ્રા પણ લીધી છે અને સ્વપ્ન દર્શન પણ કર્યું છે .
યક્ષનાં મંદિરમાં આવરોજાવરો દેવાર્યને લીધે જ વધી ગયો હતો. દેવાર્ય મૌન રહેતા. દેવાર્યનાં દર્શન કરનારા ટેકરી ચડવાનું શરૂ કરે ત્યારથી મૌન રહેતા. દેવાર્યનાં ધ્યાનને ખલેલ ન પડવી જોઈએને . ટેકરી ઉતરતી વખતે પણ બધા મૌન રાખતા. દેવાર્યે સૌને શાંતિપૂર્ણ મૌન શીખવી દીધું હતું. એ ટેકરી પર દેવાર્યનાં શાંતિમય સ્પંદનો રોજેરોજ પસરતા જ રહ્યાં. એ ટેકરી જાણે કે શ્રી દેવાર્ય તીર્થમ્ બની ગઈ હતી . (ક્રમશઃ)
Leave a Reply