
પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર
(૧)
ટેકરી નાની હતી . ચોતરફ ફેલાયેલી હતી . તેની વચોવચ ચૈત્ય હતું . લાલ ઈંટ પથ્થરની બાંધણી હતી . મંદિરનું વાસ્તુનિર્માણ કાંઈક અલગ હતું . સામાન્ય રીતે મંદિર બને તે પૂર્વે મંદિરની માટે એક વિશાળ ચબૂતરો બને છે , જેને જગતી કહેવાય છે . આ ચબૂતરો એટલે એવો વિશાળ ઓટલો જેની પર મંદિર ઊભું થાય છે . આ ચબૂતરા પર ચડવા થોડાક પગથિયાં બને છે . શૂલપાણિ ચૈત્યની માટે કોઈ જગતી બની જ નહોતી . મંદિરનું શિખર અને ગર્ભગૃહ હતું . પરંતુ આગળ મંડપ , અર્ધમંડપ કે ચોકી જેવું કોઈ નિર્માણ થયું નહોતું . એવું વિચિત્ર મંદિર હતું કે જે મંદિરમાં પગ મૂકે તે સીધો જ ગર્ભગૃહમાં પગ મૂકે . મંદિરનું એકમાત્ર પ્રવેશદ્વાર હતું તેનો આકાર મોટા ભાલાના અગ્રભાગની જેમ ઊભો અને અણીદાર હતો .
મંદિરમાં વધારે જગ્યા હતી નહીં . શિખર ઊંચું હતું , ફેલાયેલું પણ હતું . શિખરનું નિર્માણ નાગરશૈલીનું હતું . પચાસ હાથની ઊંચાઈ હશે . શિખરની વચોવચ મોટું ત્રિશૂલ કોતરેલું હતું . ત્રિશૂલનું વચ્ચેનું ફણું લાંબું હતું . શિખરનાં મથાળે , મોટી અગાસી જેવો ગોળ થાળો બનેલો હતો . એ થાળાની વચ્ચે નાની ઘુમટી હતી અને એની પર ધ્વજદંડ હતો , ધજા ફડફડતી હતી .
દેવાર્ય ધીમી ગતિએ ટેકરી પર ચડ્યા . ઉપર સુધી જવાની જે પાયવાટ બની હતી એ ઈંટોડાની જ બનેલી હતી . પાયવાટની આસપાસ અને આખી ટેકરી પર ઘાસની લીલી બિછાત હતી . આમ તો આ દૃશ્ય સુંદર લાગતું પરંતુ સ્મશાનની જમીન પર ઉગેલા ગુલાબની સુંદરતા જેમ બેકાર હોય છે તેમ શૂલપાણિના પડછાયાને કારણે રળિયામણી ટેકરી પણ ભેદી રીતે ભેંકાર લાગતી .
મંદિરના પૂજારીએ દેવાર્યને જોયા . એ અવઢવમાં પડ્યો . દેવાર્ય શૂલપાણિ કરતાં વધુ પ્રભાવશાળી હશે કે શૂલપાણિ દેવાર્યને પીડા આપશે ? એ વિચારમાં પડ્યો . એ કશું બોલ્યો નહીં . મંદિરમાં ઊભા ઊભા શૂલપાણિની વિરુદ્ધ બોલવામાં કોઈ સલામતી નહોતી . રખે ને શૂલપાણિ સાંભળી લે , ડર હતો . શૂલપાણિએ આ મંદિરને પોતાનું રહેઠાણ બનાવી લીધું હતું . મંદિરમાં અને ટેકરી પર એની પૂરેપૂરી નજર રહેતી . શૂલપાણિને ન ગમે એવું કાંઈ પણ બને એટલે તરત એ ફરીથી મોતનું તાંડવ ખડું કરતો . જેની પર શૂલપાણિનો ગુસ્સો ઉતરતો એ જીવન ગુમાવી દેતા , એનાં શરીરના ચીથરા ઊડી જતા . ટેકરી પર એના લોહી , માંસ અને હાડકાં વેરાઈ જતા . મંદિર બન્યા પછી કેટલાય લોકોને શૂલપાણિએ એ રીતે નામશેષ બનાવી દીધા હતા કે તેમનું જીવન ખતમ થઈ જતું અને તેમનાં શરીરનો એક પણ હિસ્સો સહીસલામત બચતો નહીં .
` દેવાર્ય શું કામ અહીં આવ્યા , શું જરૂર હતી ? ʼ પૂજારીએ નિસાસો મૂક્યો . (ક્રમશઃ)

Leave a Reply