
પ્રકરણ ૬ .
પહેલું ચોમાસું , પંદર દિવસો , પાંચ અભિગ્રહ
(૩)
દેવાર્યે અચાનક દુઈજ્જંતગ પાખંડસ્થ આશ્રમથી પ્રસ્થાન કર્યું . આશ્રમવાસીઓને એમ લાગ્યું કે દેવાર્ય જંગલમાં ગયા છે અને હમણાં પાછા આવી જશે . દેવાર્યે પાછા વળીને આશ્રમ તરફ જોયું નહીં . ત્રિકૂટ ગિરિએ એ દિવસે દેવાર્યની વિદાયનું ભારે દુઃખ અનુભવ્યું હશે . આ ઈલાકામાં આજલગી ઘણા તપસ્વી આવ્યા પરંતુ દેવાર્ય જેવા મહાસાધક ન તો આવ્યા , ન તો આવશે . આશ્રમવાસીઓ અને કુલપતિ રાહ જોતા રહ્યા . દેવાર્ય વાપસ ન આવ્યા . તેઓ આશ્રમથી દૂર નીકળી ગયા . દેવાર્યે એ ભૂમિ છોડી દીધી , હંમેશ માટે .
આશ્રમની ઘટનાને લીધે દેવાર્યનો મહાવૈરાગ્ય વધુ તીવ્ર બની ગયો હતો . ( આધાર ગ્રંથ : त्रिषष्टि शलाका पुरुष चरित दशम पर्व ) એની છાયાએ જ દેવાર્યને આ પાંચ નિયમો લેવા પ્રેરિત કર્યા .
૧ . જ્યાં મારા નિમિત્તે કોઈને અપ્રીતિ થતી હોય ત્યાં હું રહીશ નહીં .
૨ . જ્યાં પણ રોકાઇશ ત્યાં હું કાઉસગ્ગ મુદ્રામાં જ રહીશ .
૩ . અધિકાંશ સમય મૌનમાં જ રહીશ . બે ત્રણ વાક્યથી વધુ નહીં બોલું .
૪ . ભિક્ષાગ્રહણ હાથમાં જ કરીશ , પાત્ર વાપરીશ નહીં .
૫ . ગૃહસ્થનો વિનય કરીશ નહીં .
અપ્રીતિ થતી હોય ત્યાં રહેવું નથી એવો સંકલ્પ કર્યો ત્યારે અપ્રીતિજનિત ત્રણ વ્યવહાર યાદ હશે દેવાર્યને .
પહેલો વહેવાર આશ્રમવાસીઓનો હતો . તેમણે દેવાર્યની નિંદા કરી હતી અને તેમણે દેવાર્ય માટે કઠોર શબ્દોમાં કુલપતિને ફરિયાદ કરી હતી .
બીજો વહેવાર કુલપતિનો હતો . તેણે દેવાર્યને ઠપકો આપ્યો હતો : ‘ તમે રાજકુમાર છો અને તમે તમારા નિવાસની રક્ષા નથી કરી શકતા ? અરે , પંખીઓ પણ પોતાનો માળો સાચવી જાણે છે . ‘ કુલપતિના આ શબ્દોમાં દેવાર્ય પ્રત્યેની નારાજગી છતી થઈ હતી .
ત્રીજો વહેવાર પણ કુલપતિનો જ હતો . તેણે દેવાર્યને સૂચના આપી હતી . તમે એને વિનંતી કહો કે આદેશ કહો , મૂળભૂત રીતે એ સૂચના જ હતી : ‘ હવે પછી ઝૂંપડીનું બરોબર ધ્યાન રાખજો . ગાયો ઝૂંપડીને નુકસાન પહોંચાડે એવું બનવું જોઈએ નહીં . ‘ આ સૂચનામાં અપમાનની છાંટ હતી .
દેવાર્ય આશ્રમવાસીઓએ કરેલી નિંદાને સમજી શકતા હતા . કુલપતિનો ઠપકો અને સૂચના દેવાર્યને ન સમજાય એવું બને જ શી રીતે ? દેવાર્યને આ બધાની દયા આવી રહી હતી .
જેમણે નિંદા કરી અને ફરિયાદો કરી તેઓ મનમાં દ્વેષ બનાવી બેઠા હતા . દ્વેષનું કારણ દેવાર્ય બન્યા એમ ન કહેવાય . દેવાર્યની નિર્લેપતાને ન સમજી શકનારાઓએ દ્વેષ બનાવી લીધો હતો . દેવાર્ય જવાબ આપવા માંગતા નહોતા , દેવાર્ય ખુલાસો કરવાનું આવશ્યક માનતા નહોતા . દેવાર્યને કોઈની સાથે કશો સંબંધ રાખવાની જરૂર નહોતી . જેમનાં ભાગ્યમાં દેવાર્યનો સત્સંગ હોય જ નહીં એમને દેવાર્ય પણ ઉગારી શકવાના નહોતા .
દેવાર્ય પાસે ગાયો આવી હતી અને ગાયોને દેવાર્યે અપ્રીતિ આપી નહોતી . દેવાર્યને પણ ગાયો પર અપ્રીતિ થઈ નહોતી . આશ્રમવાસીઓએ ગાય પર અપ્રીતિ કરી હતી અને ગાયને અપ્રીતિ આપી હતી . દેવાર્ય પર આશ્રમવાસીઓને અપ્રીતિ થઈ કેમકે આશ્રમવાસીઓને ગાયો પર અપ્રીતિ હતી . આશ્રમવાસીઓ ચાહતા હતા કે દેવાર્ય પણ ગાયો પર અપ્રીતિ રાખે . દેવાર્ય કોઈની પર અપ્રીતિ બનાવી શકતા નહીં . દેવાર્ય આશ્રમવાસીઓનું માને તો ગાયો પર અપ્રીતિ બતાવવાની થાય , આશ્રમવાસીઓનું ન માને તો આશ્રમવાસીઓને જ મોટી અપ્રીતિ થાય . આખું સમીકરણ ખોટી રીતે રચાયું હતું . દેવાર્યે એ અપ્રીતિનું વર્તુળ જ ત્યજી દીધું . આવનારા સમયમાં આ રીતે ક્યાંય કોઈ અપ્રીતિ થાય એવા સ્થાને રહેવું જ નહીં એવો દેવાર્યે સંકલ્પ કરી લીધો .
દેવાર્યનો બીજો નિયમ હતો કાઉસગ્ગ સંબંધી . આસપાસ રહેનારા લોકો સાથે વ્યવહાર રાખવો જ નહીં એવી ધારણા હશે . વાતો કરવાની નહીં . વાતો સાંભળવાની નહીં . વાતોના જવાબ આપવાના નહીં . બસ , ધ્યાનલીન રહેવાનું . લોકો તો આવશે , લોકોને પ્રતિભાવ નહીં મળે . મુદ્દો સ્પષ્ટ હતો .
દેવાર્યનો ત્રીજો નિયમ હતો : કાયમ મૌન રાખવાનો . બોલવું હોય તો વિચારવું પડે . શું બોલવું છે તે પણ વિચારવું પડે અને કોને કહેવાનું છે તેનો પણ વિચાર કરવો પડે . બોલવું જ નથી એટલે બેય વિચારોની પ્રવેશબંધી પાક્કી . જે ધ્યાનધારા ભીતરમાં બનેલી હોય એમાંથી બહાર ન જ આવવું એવો એ સંકલ્પ હતો . (ક્રમશઃ)
Leave a Reply