
પ્રકરણ ૬ .
પહેલું ચોમાસું , પંદર દિવસો , પાંચ અભિગ્રહ
(૨)
દેવાર્યે કુટિરને બચાવવા કોઈ મહેનત લીધી નહીં . ઝૂંપડીનું છાપરું એક તરફથી આડું થયું હતું અને ઉપરનું ઘાસ નીચેની તરફ સરક્યું હતું . ગાયોને ઉજાણી થઈ જાય એ રીતે ઘાસનો નાનો ઢગલો જમીન પર આવી પડ્યો હતો . પાછળથી કોઈકે બૂમાબૂૂમ કરી હતી એના અવાજથી ગાયો ભાગી નીકળી હતી .
બીજા દિવસે ગાયો ફરી આવી હતી . અન્ય તાપસોએ એમને ભગાવી હતી . એ ગાયો દેવાર્યની કુટિરનું ઘાસ ફરીથી ચાવવા લાગી હતી . ફરીથી કોઈકે એને ભગાવી હતી . આવું રોજ બનવા લાગ્યું .
આશ્રમનિવાસીઓ દેવાર્યની આત્મલીનતા જાણતા નહોતા . એમને લાગ્યું કે દેવાર્યની વર્તણૂક બેજવાબદાર છે . સૌ આશ્રમવાસીઓએ ભેગા મળીને આશ્રમના કુલપતિને ફરિયાદ કરી . કુલપતિને લાગ્યું કે આશ્રમવાસીઓ ઈર્ષાવશ આવી ફરિયાદ કરે છે . તે દેવાર્ય પાસે પહોંચ્યો . એણે જોયું : ઝૂંપડી તૂટેલી હતી . દેવાર્ય ભાંગેલી દીવાલોની વચ્ચે આત્મલીન હતા . એને પણ આ નિર્લેપતા સમજાઈ નહીં . એ નારાજ થયો . એણે દેવાર્યને પ્રશંસાવચન કહીને સંભળાવી દીધું કે , ‘ તમે તમારી કુટિરનું ધ્યાન ન રાખો તે ઉચિત નથી . ‘
આશ્રમવાસીઓએ દેવાર્ય માટે કેવા કેવા અપશબ્દો વાપર્યા હતા ? દેવાર્યને તેમણે નિર્મમ એટલે જડસુ કહ્યા હતા , અકૃતજ્ઞ કહ્યા હતા , ઉદાસીન કહ્યા હતા , દાક્ષિણ્ય રહિત કહ્યા હતા , આળસુ કહ્યા હતા . કુલપતિ એમની વાતોની અસરમાં આવી ગયો હતો . દેવાર્યની ઘોર નિંદા કરનારા આશ્રમવાસીઓને ખબર જ નહોતી કે તેઓ ભગવત્ તત્ત્વની અશાતના કરી રહ્યા હતા .
દેવાર્યને કુલપતિનો ઠપકો મળ્યો હતો . દેવાર્યને કરોડો દેવતાઓ સન્માન આપતા . દેવાર્યને ઇન્દ્ર મહારાજાનું સંરક્ષણ સ્વયંભૂ રીતે મળતું . દેવાર્યનો દબદબો ત્રણ લોકમાં ફેલાયેલો હતો . અને આ મૂઢ કુલપતિ દેવાર્યથી નારાજ થઈ બેઠો હતો .
દેવાર્યને સૂચના મળી હતી . જેની દેશના બાર પર્ષદાઓ સાંભળવાની હતી , જેના અંગૂઠાથી મેરૂપર્વત કાંપ્યો હતો , જેના પ્રત્યુત્તરોએ પંડિતરાજનું ગર્વહરણ કર્યું હતું , જેણે એક વરસ સુધી સાંવત્સરિક મહાદાન દીધું હતું એ દેવાર્યને નાનીઅમથી ઝૂંપડી બચાવી રાખવાની સૂચના મળી હતી .
ઠપકો આપનાર કોણ હતો ? સૂચના આપનાર કોણ હતો ? એ એક એવો તાપસ હતો જે અજ્ઞાની વધુ હતો અને વિદ્યાને વટાવી ખાતો હતો . દેવાર્યે આ કુલપતિ કે આશ્રમવાસીઓ માટે ન કોઈ નારાજગી બનાવી , ન કોઈ દ્વેષ .
દેવાર્ય પેલા ઠપકાના જવાબમાં વળતો જવાબ ફટકારી શકતા હતા . દેવાર્ય પેલી સૂચનાના જવાબમાં ધડાકાભેર પ્રતિભાવ આપી શકતા હતા . દેવાર્યનાં તેજ સામે આ કુળપતિ કે એના તાપસજનો કાંઈ જ કરી ન શકે . પરંતુ દેવાર્ય મૌન રહ્યા . એમણે જવાબ ન આપ્યો . એમણે નિર્ણય લીધો : વિહાર કરવાનો નિર્ણય , ચાલુ ચોમાસે વિહાર કરવાનો અજીબોગરીબ નિર્ણય . ( ક્રમશઃ )
Leave a Reply