Press ESC to close

વનવગડે વિહરે વીર ( ૪.૪ )

વનવગડે વિહરે વીર

પ્રકરણ ૪ .
દીક્ષાની રાતે : દેવ , મનુષ્ય , અને પશુ એક સાથે

દેવરાજ બે હાથ જોડી ઝૂક્યા હતા , તેમની ગરદન નમી હતી , કમર સહેજ વાંકી વળી હતી . દેવરાજના હાથના દાગીનાઓમાંથી મંજુલ ધ્વનિ પ્રકટ્યો હતો . દેવાર્ય બોલે તેનો એક એક અક્ષર દેવરાજને અમૃતથી વધુ મીઠો લાગતો હતો . દેવરાજ સાંભળી રહ્યા છે તે દેવાર્યે જોયું . દેવાર્ય આગળ બોલ્યા :

‘ પરંતુ , આજ સુધી આવું ક્યારેય બન્યું નથી . તીર્થંકરની આત્મા કોઈની સહાય લેતા નથી . હું તારી સહાય લઈ જ ન શકું . ભૂતકાળના કર્મો ખપાવવા છે . કર્મો એકલા હાથે બાંધ્યા છે . કર્મો ખપાવવા માટે એકલા હાથે જ લડવું પડે છે . બીજાનો સાથ લેવાથી લડાઈ કમજોર પડી જાય છે . આવનારા સમયમાં જે તકલીફો આવશે એ મારા કર્મોને હરવા માટે જ આવશે . મારે કર્મોને હરાવવા છે . હું તકલીફથી દૂર ભાગીશ નહીં . હું તકલીફને દૂર ભગાવીશ પણ નહીં . હું કર્મ ખપાવીશ . કર્મ ખપાવવા માટે જે તકલીફ સહેવી પડે તે સહી લઈશ . તું મારી સાથે રહે એ કોઈ રીતે ઉચિત નથી . ‘

દેવાર્યનો જવાબ અહીં પૂરો થયો હતો . દેવરાજ પાસે બોલવા જેવું કાંઈ જ બચ્યું નહોતું . એ હાથ જોડીને ઊભા રહ્યા . એટલામાં ત્યાં સિદ્ધાર્થ દેવ આવી પહોંચ્યો હતો ( સંદર્ભ : महावीर चरियं ) . દેવરાજ એને જોઈને રાજી થયા હતા . એમણે સિદ્ધાર્થ દેવને દેવાર્યની સેવામાં રહેવાનો આદેશ કર્યો . દેવરાજે કોઈનાં મોઢે ના સાંભળી હોય એવું ભાગ્યે જ બન્યું હશે . દેવાર્યે કોઈને ના સંભળાવી હોય એવું પણ જવલ્લે જ જોવા મળતું . 

દેવરાજને દેવાર્યે ચોખ્ખી ના પાડી હતી . હવે દેવરાજ જીદ્દ કરી ન શકે . એમને પાછું જ જવાનું હતું . પરંતુ સિદ્ધાર્થને દેવાર્યે ના પડી નહોતી . તાત્ત્વિક રીતે તો દેવાર્યની ના જ હતી . જેવી શાબ્દિક ના દેવરાજને સાંભળવી પડી હતી એવી ના સિદ્ધાર્થને સાંભળવી પડી નહોતી . આટલો એક ફરક હતો . સિદ્ધાર્થે દેવાર્ય સાથે રહેવું કે નહીં એનો નિર્ણય દેવરાજે પોતે જ લીધો હતો . દેવાર્યને પૂછીએ તો દેવાર્ય પોતાની સાથે રહેવાની ના પાડેને ? દેવરાજે દેવાર્યને પૂછ્યું જ નહીં . સિદ્ધાર્થને દેવાર્ય પાસે રહેવાનું કહીને દેવરાજે આકાશમાર્ગે વિદાય લીધી હતી .

કાર્તક વદ દશમની રાતે ,
ગોવાળિયાનાં રૂપમાં મનુષ્ય આવ્યો હતો , વૃષભનાં રૂપમાં પશુ આવ્યા હતા અને ઈન્દ્રનાં રૂપમાં દેવરાજ આવ્યા હતા . ત્રણ ગતિના જીવોએ કારતક વદ દશમને જાણે સન્માન આપ્યું હતું . (ક્રમશ:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *