
પ્રકરણ ૩ : સુગંધની લહેરોમાં કોણ કોણ આવ્યું ?
( ૨ )
એ ભમરાઓ દેવાર્યની નજીકમાં આવીને ગણગણાટ કરતાં કરતાં દેવાર્ય પર બેસવાની કોશિશ કરતા . દેવાર્યને અડીને એ તુરંત ઊડી જાય. દેવાર્યને ટકરાઈને પાછા જતાં રહે . એવું એ વારંવાર કરતાં. એ ભમરાઓને સમજાતું કે જેમ ફૂલ પર બેસવાથી પ્રતિકારનો સામનો કરવો પડતો નથી તેમ આ સુગંધી સ્થાન (દેવાર્યની કાયા) પર બેસવાથી કોઈ પ્રતિકાર થવાનો નથી. ધીમેધીમે ભમરાઓ દેવાર્યની કાયા પર પગ જમાવતા .
કોઈ મુંડિત મસ્તક પર બેસતા . કોઈ સ્કંધ પર બેસતા. કોઈ શ્રીવત્સમંડિત છાતી પર બેસતા . કોઈ પીઠ પર બેસતા. કોઈ કપાળ પર બેસતા. કોઈ ગાલ પર બેસતા. પોતાની કાયા પર પગ જમાવીને આમતેમ સરકી રહેલા ભમરાઓને દેવાર્ય અનુભવી શકતા . દેવાર્ય, કાઉસગ્ગ માટે લંબાવી રાખેલા પોતાના હાથને હલાવીને એ ભમરાઓને ઉડાવી શકતા હતા . દેવાર્ય આ ભમરાઓને પોતાની લબ્ધિઓથી ભગાડી શકતા હતા. દેવાર્ય આ ભમરાઓથી બચવા મનુષ્યોની વસતિમાં જઈને સલામતી શોધી શકતા હતા. ત્યાં દેવાર્યની પાછળ પડેલા ભમરાઓને દૂર કરવા માનવો ધુમાડો કરી દે તો ભમરાઓને ભાગવું જ પડે. દેવાર્યે એ ધુમાડાનાં આવરણનો માર્ગ પણ ના આપનાવ્યો .
દેવાર્યે ભમરાઓને પોતાની કાયા પર બેસવા દીધા, સરકવા દીધા. ભમરાઓ દેવાર્યને શું સમજતા હશે ? જેમાંથી સુગંધ નીકળે તે ફૂલ હોય એવા સંસ્કાર હશે આ ભમરાઓમાં . ફૂલને ડંખ દેનારા ભમરા, દેવાર્યની કાયાને પણ ડંખ મારતા . ફૂલમાંથી ભમરો રસ ચૂસે તેમ ભમરા દેવાર્યની કાયામાંથી રસ ચૂસવાની વન્ય પ્રવૃત્તિ કરતા . દેવાર્યની કાયાને ધગધગતા અંગારા ચંપાયા હોય તેવી બળતરા થતી . એવી બળતરા કે બીજું કોઈ હોય તો મોઢેથી ચીસ જ નીકળી જાય . પરંતુ દેવાર્ય આ બળતરાથી નિર્લેપ બની રહેતા. સોમ બ્રાહ્મણે મહારાજા નંદીવર્ધનને કહેલું કે દેવાર્યની કાયા પર ભમરા બેઠા છે તે જોઈને પણ મનેં ડર લાગી જતો.
ભમરાઓ કરડે છે એવું દૂરથી જોનારને સમજાતુ નહીં . શરીર પર ડંખના જખમ દેખાતાં. એ જોઇને સમજાતું કે દેવાર્યને ડંખ લાગ્યા છે. ભમરાઓ આવતા અને જતા . એક ભમરો જતો તો બીજો આવતો . ભમરાઓનું એક ઝૂંડ જતું અને બીજું આવી જતું. ડંખ ચાલુ રહેતા . કાળી બળતરાઓ લગાતાર કાયા પર અંકાતી . દેવાર્ય બિલકુલ પ્રસન્ન દેખાતા . એમની અર્ધમીંચેલી આંખોમાં પીડા આવતી જ નહીં . એમના હોઠો પરનું પ્રસન્ન સ્મિત અકબંધ રહેતું. એમનાં મુખ પરનું ઓજ અક્ષીણ રહેતું . વેદનાની અકળામણ અને પીડાનો વલોપાત, દેવાર્યમાં દેખાતા જ નહીં .
ગમે તેટલા ભમરા આવે અને કરડે , દેવાર્યને એનાથી કોઈ જ ફેર પડતો નહીં . જેમ ઘરના દરવાજે અફળાઈને ચામચીડિયું પાછું જતું રહે એમ ભમરાના ડંખ શરીરને અફળાતા પરંતુ દેવાર્યનો આત્મા એ પીડાનું સંવેદન પામતો નહીં . કાયાને અને આત્માને જુદા પાડીને જોવાનું સત્ત્વ હતું દેવાર્યમાં. દીક્ષાભિષેક કરનારા દેવતાઓએ કલ્પના પણ નહીં કરી હોય કે વિલેપનને લીધે આવું થશે .
સામાન્ય આદમીને એક ભમરો એકવાર પણ કરડે એની અસર શરીર પર લાંબા સમય સુધી જોવા મળે છે . સોજા આવે . ઝેર ચડે . તબિયત બગડે . માનસિક પીડા થાય તે અલગ . દેવાર્યનું આરોગ્ય અવ્યાબાધ રહેતું . એમને ભમરાઓનો એકેક ડંખ સમજાતો . કાયા તો કાયા જ હતી . કાયામાં ચેતના હોય અને જડતા ન જ હોય . આદિવાસીઓ મધપૂડા તોડવા નીકળે ત્યારે શરીરે કંઈક વિલેપન કરતા હોય છે , એનાથી મધમાખીના ડંખ વાગતા નથી . આદિવાસીઓ મધપૂડા તોડવા નીકળે ત્યારે મોઢામાં અફીણ જેવા દ્રવ્યો ઠાંસી રાખે છે જેથી પીડાસંવેદન જાગે જ નહીં . દેવાર્યને વિલેપન કે અફીણની જરૂર જ નહોતી . એ પીડાને પીડારૂપે સ્વીકારવા તૈયાર હતા . બસ , પીડાને લીધે દેવાર્યનાં મનને ખલેલ પહોંચતી નહીં . આ વાત સમજી શકાય એવી છે નહીં , સમજાવી શકાય એવી પણ નથી .
તળાવનાં પાણીમાં પથ્થર ફેંકો એ પછી ત્રણ ઝીણી ઘટના જોવા મળે છે . પથ્થર પાણીમાં ડૂબે છે , પથ્થરને લીધે પાણીમાં છપાક એવો અવાજ થાય છે અને પાણીમાં તરંગો સરજાય છે . એ જ તળાવનું પાણી બરફ બની જાય તે પછી શું જોવા મળે છે ? પથ્થર ડૂબતો નથી , પાણીમાં છપાક એવો અવાજ થતો નથી અને તરંગો સરજાતા નથી . દેવાર્યની ભીતરમાં , તળાવનું પાણી બરફ બની ચૂક્યું હતું . ( ક્રમશઃ )
Leave a Reply