Press ESC to close

વનવગડે વિહરે વીર ( ૨.૩ )

વનવગડે વિહરે વીર

પ્રકરણ ૨ : દેવદૂષ્યની ખરીદી  

( ૪ )

દેવાર્ય આગળ વધી ગયા એટલે સોમ દોડતો આવ્યો . સૌથી પહેલાં એણે કાંટાથી દેવદૂષ્યને છૂટ્ટું પાડ્યું . પછી એણે દેવદૂષ્યને સંભાળીને બે હાથેથી ઊંચકી લીધું . એની કામના પૂર્ણ થઈ હતી . પળભર માટે એને થયું કે આ દેવદૂષ્ય દેવાર્યના ખભે મૂકી દઉં , મારો શું હક છે આ દેવદૂષ્ય રાખવાનો ? 

પછી એનો લોભ આડે આવ્યો . એ દેવાર્યની પાછળ દોડી શકતો હતો , એ દેવાર્યને બૂમ પાડીને રોકવાની કોશિશ કરી શકતો હતો , એ દેવાર્યના સ્કંધ પર દેવદૂષ્ય મૂકી શકતો હતો . એણે એવું કાંઈ ન કર્યું . એ દેવાર્યની દિશામાં જોતો રહ્યો . એણે દેવાર્યને વંદના કરી . એનું  પરિભ્રમણ પૂરું થયું હતું . એણે દેવદૂષ્યને ગડી કરીને પોટલીમાં બાંધી લીધું . 

એને દેવાર્યથી છૂટા પડવાનું ગમ્યું નહીં . પણ એ સંસારી હતો . ઘર પરિવાર પાસે જવાનો એને મોહ હતો .  દેવાર્યે એને રોક્યો પણ નહીં . એ ઘેર પહોંચ્યો . ગોરાણી રાજી થયા . સોમે તંતુવાયને દેવદૂષ્યના બેય ટુકડા આપી દીધા . કુશળ તંતુવાયે બેય ટુકડા સરસ રીતે સાંધી આપ્યા . એણે એવું સાંધણકામ કર્યું કે દેવદૂષ્ય એક અખંડ વસ્ત્ર જ લાગે . સવાલ એ હતો કે એક લાખનું મૂલ્ય આપીને આને ખરીદશે કોણ ? જવાબમાં મહારાજા નંદીવર્ધનનું નામ આવ્યું . તેઓ ઉદારદિલ હતા , દયાળુ દાતાર હતા , પ્રજાવત્સલ હતા . પાકી વાત હતી કે  એમની સમક્ષ આ વસ્ત્ર રજૂ કરવામાં આવે તો દામ આપોઆપ મળી જાય . તેઓ ઉત્તમ ચીજોના પારખુ હતા . 

સોમ ક્ષત્રિયકુંડના રાજદરબારમાં પહોંચ્યો . ગોપુરમ્ જેવા બહિર્દ્વાર પાસે એ ઊભો રહ્યો . સેવકો અંદરઅંદર વાતો કરી રહ્યા હતા એનાપરથી એને જાણવા મળ્યું કે મહારાજા પોતાના બંધુ  , શ્રમણ વર્ધમાનની પ્રતિમા બનાવડાવી રહ્યા હતા . શિલ્પી , ચિત્રકાર , પ્રસ્તરવિદ્  જેવા કલાકારોનો જમાવડો રોજેરોજ થઈ રહ્યો હતો . જેને કામ મળશે એને ભરપૂર કમાણી થશે , સોમનું ગરીબ માનસ બોલ્યું હતું . 

એનો વારો આવ્યો ત્યારે એને અંદર બોલાવવામાં આવ્યો . એ ધીમા પગલે દરબારમાં આવ્યો . મહારાજા નંદીવર્ધને એની સમક્ષ જોઈને આંખોથી પૃચ્છા વ્યક્ત કરી . તેઓ ઊંચા ઓટલે , ભવ્ય સિંહાસન પર બેઠા હતા . એણે ઝૂકીઝૂકીને સન્માન આપ્યું . 

     ‘ હું કાંઈક લાવ્યો છું . મહારાજાને ગમશે જોવાનું . ‘ એ બોલ્યો અને બંધ પોટલી ખોલીને એણે દેવદૂષ્ય બતાવ્યું . મહારાજાના એક સેવકે આવીને એ વસ્ત્ર બ્રાહ્મણ પાસેથી લીધું અને મહારાજાને  સોંપ્યું . મહારાજાએ વસ્ત્રનું વજન જોયું , વણાટકામ જોયું , પોત જોયું . એમને  વસ્ત્ર ગમી ગયું . આશ્ચર્યના ભાવ સાથે એમણે પૂછ્યું : 

            ‘ ભાઈ  , આ વસ્ત્ર ક્યાંથી મળ્યું ?  આવું સુંદર વસ્ત્ર આજ સુધી કોઈ વસ્ત્રકલાકાર લાવ્યો નથી . મેં રત્નકંબલ જોઈ છે પણ આ તો એનાથીય વધારે મૂલ્યવાન્ જણાય છે . મને આ વસ્ત્ર રાખવાનું ગમશે .’  

બ્રાહ્મણે પોતાની ગરીબીની કથા મહારાજાને સંભળાવી . અને પછી પોતે કેવી રીતે દેવાર્ય સુધી પહોંચ્યો , દેવાર્યે પહેલાં એને અડધું દેવદૂષ્ય કેવી રીતે આપ્યું અને પાછળથી બાકીનું દેવદૂષ્યાર્ધ દેવાર્યે નદીકિનારે કેવી રીતે પડતું મૂકી દીધું અને તંતુવાયની કુશળ કળાને લીધે વસ્ત્ર અત્યારે કેવી રીતે અખંડ લાગે છે એ બધું જ સચ્ચાઈપૂર્વક જણાવી દીધું . 

મહારાજા નંદીવર્ધને બ્રાહ્મણનાં મોઢે દેવાર્યનું નામ સાંભળ્યું એ ક્ષણે પોતાની આંખોમાં ભીનાશ અનુભવી . આ બ્રાહ્મણ દેવાર્યને જોઈને આવ્યો છે , દેવાર્યના સંગે રહીને આવ્યો છે , દેવાર્ય પાસેથી કશુંક લઈને આવ્યો છે એ મહારાજા માટે ઘણીમોટી વાત હતી . મહારાજાએ સૌપ્રથમ તો એ વસ્ત્રનું મૂલ્ય ચૂકવવાનો , કોષાધ્યક્ષને આદેશ કર્યો . બ્રાહ્મણના હાથમાં ખણખણતી સુવર્ણમુદ્રાઓની વજનદાર થેલીઓ આવતી ગઈ . એક લાખ સુવર્ણમુદ્રાઓનું મૂલ્ય એને ચૂકવાયું . દરબારમાં એ બ્રાહ્મણનું વજન વધી ગયું . અત્યાર સુધી સોમને એવું જ મહેસૂસ થતું રહ્યું કે મારી પાસે મોંઘું વસ્ત્ર છે . એ અહેસાસ કેવળ વસ્ત્રનો હતો . આજે એણે થેલીઓ ભરીભરીને અપાયેલી  સુવર્ણમુદ્રાઓ જોઈ અને સ્વીકારી ત્યારે એને સમજાયું કે દેવાર્યે એને શું આપ્યું છે . એનાં મનમાં દેવાર્ય માટે પ્રચંડ આદરભાવ જાગ્યો . 

મહારાજા નંદીવર્ધને એને રાજી થયેલો જોયો એ પછી એક પ્રશ્ન પૂછ્યો . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *