
બીજા વરસનું કથાનક :
૧૦ . સિદ્ધાર્થ દેવનું પરાક્રમ

કાર્તક વદ દશમે દેવાર્યની દીક્ષાતિથિ હતી . તે દિવસે દેવાર્યને દીક્ષાનું એક વરસ પૂરું થયું હતું . દીક્ષાતિથિ હતી પણ એની ઉજવણી જેવું કશું ન થયું . ન રાજામહારાજા આવ્યા , ન ઇન્દ્રો આવ્યા , ન દેવીદેવતા . દેવાર્યને જનસંપર્ક ઈષ્ટ નથી તે સૌ જાણતા હતા . નંદિવર્ધન રાજાએ ક્ષત્રિયકુંડમાં દેવાર્યને યાદ કર્યા હશે , ત્વયા વિના વીર કથં વ્રજામો – આ વિલાપ પણ એક વરસ પૂર્વે જ થયો હતો . દેવાર્ય વિના ગમતું નહીં . દેવાર્યને ખલેલ પહોંચે તે પણ ગમતું નહીં . દેવાર્યે જયારે મોરાક સંનિવેશમાં દીક્ષાનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું ત્યારે ભલે , દેવાર્યનું એકાંત અખંડ રહ્યું હતું પરંતુ કેટલા લોકોએ દેવાર્યને યાદ કર્યા હશે તેનો હિસાબ ના થઈ શકે .
મજાની વાત એ હતી કે મને કોણ યાદ કરે છે અને કોણ ભૂલી ગયું છે એવી વિચારજાળમાં દેવાર્ય ફસાયા નહોતા . દેવાર્યે કોઈને યાદ કર્યા નહોતા . દેવાર્ય સૌને ભૂલી ગયા હતા . દેવાર્ય ભવિષ્યમાં તીર્થંકર બનવાના હતા . તે ભૂમિકાએ પહોંચ્યા બાદ દેવાર્ય જનસમૂહની સમક્ષ રહેવાના જ હતા . પણ તે ભૂમિકા હમણાં નહોતી . હમણાં તીર્થંકર અવસ્થા નહોતી , હમણાં સાધક અવસ્થા હતી . દેવાર્ય બોલતા નહીં , કોઈને બોલાવતા નહીં , કોઈ બોલે તેના જવાબ આપતા નહીં . આનું કારણ હતું અંતરંગ સાધના રસ .
દૃશ્ય એવું બનતું કે દેવાર્યને કોઈ ઓળખતું નથી , દેવાર્યને કોઈ માનસન્માન મળતા નથી . આ સંસાર પણ ગજબ છે . જે માનસન્માનથી દૂર રહે છે તેની માટે સંસાર વિચારે છે કે આ બિચારો માનસન્માનથી વંચિત છે . જે જનસંપર્કથી સભાનતાપૂર્વક દૂર રહે છે તેની માટે સંસાર વિચારી લે છે કે આમની પાસે કોઈ આવતું નથી . જે સાદગીપૂર્વક રહે છે અને આડંબરને ટાળે છે એની માટે સંસાર માની લે છે આમનું પુણ્ય ઓછું છે . જે સ્વપ્રચાર અને સ્વપ્રશંસાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટાળે છે એમની માટે સંસાર વિચારી લે છે કે આમને કોઈ ઓળખતું જ નથી . સંસાર આવી ગેરસમજ બનાવે તેનાથી સાધકને કશો ફરક પડતો નથી . મૂરખાઓ ગાંડપણ કરે એનાથી સમજદાર લોકોને શો ફરક પડવાનો ? તમે જ કહો .
પણ દેવાર્યની વાત અલગ હતી . દેવાર્ય દેવાધિદેવ હતા . દેવાર્ય ચોસઠે ચોસઠ ઇન્દ્રોનાં અને અન્ય કરોડો દેવી દેવતાઓના પૂજનીય , વંદનીય ભગવાન હતા . એમને વનવગડે એકલવાયા રહેવાનું અનુકૂળ આવતું તે દેવાર્યની નિજી પસંદગી હતી . દેવાર્યના ભક્ત દેવ સિદ્ધાર્થને દેવાર્યનું એકાંત અવસ્થાન ગમતું નહીં . સિદ્ધાર્થને લાગતું કે દેવાર્યની આસપાસ લોકોની ભીડ હોવી જોઈએ . સિદ્ધાર્થ સાત્ત્વિકતાનું સ્તર સમજતો નહોતો , એની સમજણ મર્યાદિત હતી . એ દેવ હતો પણ એની પાસે આધ્યાત્મિક બુદ્ધિમત્તા કેટલી હતી એ પ્રશ્ન હતો . એક વિચિત્ર નિર્ણય લીધો સિદ્ધાર્થે . આવો નિર્ણય લઈ શકાય કે નહીં એની ચર્ચા થઈ શકે .
દેવાર્યે એના એ નિર્ણયનો વિરોધ ન કર્યો . દેવાર્યે એના એ નિર્ણયનો અસ્વીકાર ન કર્યો . આ બહુ મોટી વાત હતી . દેવાર્ય બોલતા નહોતા . દેવાર્ય બોલી રહ્યા છે એવું દૃશ્ય બનાવવાનો નિર્ણય સિદ્ધાર્થે લીધો હતો . મતલબ એ હતો કે સિદ્ધાર્થ અદ્રશ્ય રહીને બોલવાનો હતો . દેવાર્ય કાઉસગ્ગમાં હોય . દેવાર્યની આસપાસ કોઈ જ ન હોય અને મનુષ્યનો અવાજ સંભળાય . જોનારને એમ જ લાગે કે દેવાર્ય બોલી રહ્યા છે . સિદ્ધાર્થ દેવાર્યની કાયામાં પ્રવેશ કરી બોલવા માંગતો હતો . તેને આશંકા હતી કે દેવાર્યની કાયાનું તૈજસ બળ એને ત્યાં રહેવા દેશે કે નહીં . જોકે , દેવાર્ય વત્સલ હતા . સિદ્ધાર્થનો ઈરાદો ખરાબ નહોતો . સિદ્ધાર્થ થોડોક કૌતુકપ્રેમી હતો . મુખ્યત્વે એ ચાહતો હતો કે દેવાર્યની આગતાસ્વાગતા ખૂબ થાય .
મોરાક સંનિવેશનો એ વિસ્તાર અચ્છંદક નામના તાપસકુલના અંકુશમાં હતો . અચ્છંદક એટલે એવા તાપસ જે મંત્રતંત્રજ્યોતિષ દ્વારા લોકોને આવર્જિત કરતા હોય . આ તાપસ પોતાના પરિવારને સાથે રાખી શકતા . લગભગ સંસારી જેવું જ જીવન હોવા છતાં ચોક્કસ વિદ્યાઓના જોરે એ નામ અને દામ કમાતા . ઘણા બધા અચ્છંદકોમાથી એક અચ્છંદક મોરાકમાં રોકાયો હતો . ગામડાના અબુધ લોકો એના ભગત બન્યા હતા . ગામડિયાઓને અચ્છંદકની જાદુટોણા જેવી ભેદી શક્તિઓમાં વિશ્વાસ બેસી ગયો હતો . સિદ્ધાર્થને આની જાણ નહોતી . સિદ્ધાર્થે પોતાનું પરાક્રમ પ્રદર્શિત કરવાનો પ્રારંભ કર્યો . ( ક્રમશઃ )
Leave a Reply