
૧ . કૈવલ્યની પ્રથમ ક્ષણ અને દેશનાની પ્રથમ ક્ષણ
પ્રભુવીરને કેવળજ્ઞાન થયું તે વખતે શું વાતાવરણ હશે ? ગોદોહિકા મુદ્રા . શ્યામાકનું ખેતર . શાલિ વૃક્ષની લાંબી શ્રેણિ . શ્રી મહાવીર ચરિયં ગ્રંથમાં લખ્યું છે કે શાલિ વૃક્ષ પર ફૂલ ખીલેલાં હતાં અને પંખીઓનો જમાવડો થયેલો હતો . એ નદી કિનારાની એવી જગ્યા હતી જ્યાં પાણી દેખાય છે પણ પાણી પગને અડતું નથી . આકાશના પશ્ચિમી ખૂણા તરફ ઢળી રહેલો સૂરજ . તડકામાં ઝગારા મારતાં પાણી . હવાની લહેરખીઓ . માનવના આવાગમનથી અસ્પૃશ્ય વાતાવરણ . અર્ધ નિમિલિત આંખોની સાક્ષિમાં ઉછળતાં ૠજુવાલિકાનાં પાણી . કૈવલ્ય પ્રાપ્તિ પછી ઈન્દ્રનું અને દેવી દેવતાઓનું આગમન . વાદળાની ગર્જના જેવો દુંદુભિ નાદ . મુશળધાર વરસાદ જેવી અપરંપાર પુષ્પ વૃષ્ટિ . ત્રણ લોકમાં બીજે ક્યાંય જોવા ન મળે એવા અષ્ટ મહાપ્રાતિહાર્ય . ત્રણ ગઢની રચના રૂપ સમવસરણ . વીસ હજાર પગથિયાનું સમવસરણ કેટલું ભવ્ય હશે . એ સમવસરણે કેટલી બધી જમીન કે જગ્યા રોકી હશે ? એ સમવસરણમાં કેટલા શ્રોતા હાજર હશે , પ્રભુ વીરની ક્ષણભરની દેશનાના સમયે ? ભલે પ્રભુએ અહીં એક જ ક્ષણની દેશના આપી . પણ એ એક ક્ષણની પછી જ ત્રીસ વરસની દેશનાઓનો વારો આવ્યો હતો . એક ક્ષણ આ નદીને મળી હતી . એક ક્ષણ આ ભૂમિને પણ મળી હતી . એક ક્ષણમાં આખું ચ્યવન કલ્યાણક ઘટિત થઈ જાય છે . એક ક્ષણમાં ત્રણ લોકના દરેક જીવોને સુખાનુભૂતિ મળી જાય . એક ક્ષણને નાની ગણો તો નાની છે . બાકી એક ક્ષણ મળી એ બહુ મોટી વાત છે . સાવ કાંઈ જ ન મળે એની બદલે એક ક્ષણ તો મળી . સાધારણ કક્ષાની હજારો , લાખો ક્ષણો મળે તેના શા મૂલ ? એક ક્ષણ પણ એવી મળે જે હીરાથી જડેલી હોય , મોતીથી ગૂંથેલી હોય , સોનાથી રસેલી હોય અને ચાંદીથી સજાવેલી હોય . એ એક ક્ષણ બસ છે . ઋજુવાલિકા તીર્થ પાસે એવી એક ક્ષણ બે વાર આવી છે . પ્રભુ વીરનાં જીવનની મહત્વપૂર્ણ એક એક ક્ષણ ઋજુવાલિકાનાં વાતાવરણમાં અકબંધ જીવે છે . કેવલજ્ઞાનલાભની એક ક્ષણ એટલે કે કલ્યાણકની એક ક્ષણ . પ્રથમ દેશનાની પ્રથમ ક્ષણ એટલે કે ધર્મ તીર્થની પ્રસ્તાવના એક લખનારી ક્ષણ .
કૈવલ્યની ક્ષણે પ્રભુ નદીની ઉત્તર તરફ બિરાજમાન હતા . કૈવલ્યોદય પછી પ્રભુની ઉત્તર દિશાએ સમવસરણ રચાયું . પ્રભુ સમવસરણમાં બિરાજમાન થવા માટે ચાલ્યા . પ્રભુ પૂર્વ દિશાએથી સમવસરણમાં પધાર્યા. ક્ષણભરની દેશના થઈ . પ્રભુ ઉત્તર દ્વારે સમવસરણથી બહાર આવ્યા અને પ્રભુએ પાવાપુરી તરફ પ્રસ્થાન કર્યું .
વિ.સં.૨૦૭૯ની ચૈત્ર સુદ તેરસે બરાકર તીર્થના સંકુલમાં પ્રવેશ કરતી વખતે મનેં આ બધું યાદ આવી રહ્યું હતું . વરસો પહેલાં , સાધુ તો ચલતા ભલા , લેખમાળા લખવાનું ચાલુ હતું ત્યારે જોયેલું તીર્થસંકુલ અને આજનાં સંકુલમાં ફરક છે . એ વખતે ઉત્તુંગ પ્રવેશદ્વાર હતું નહીં . આજે છે . અંદર જમણા હાથે દેખાય છે એક નવી ધર્મશાળા . એ ત્યારે નહોતી . થોડુંક આગળ ચાલો એટલે દેખાય જૂની ઈમારત , જૈન શ્વેતાંબર સોસાયટીની જૂની પેઢી , જૂની ઘડિયાળ અને જૂની બેઠક વ્યવસ્થા . આગળ ગુલાબના બગીચા વચ્ચેથી ચાલતા જાઓ . પ્રભુની જ્ઞાનભૂમિ નજીક આવતી જાય . બંને બાજુ બગીચા છે , એમાં ફૂલોના ગુચ્છા છે . બગીચાના છેવાડે નળિયાના છાપરાંવાળી જૂની બાંધણી છે . સામે બગીચો પૂરો થાય એટલે નાનકડું ચોગાન આવે . બે હાથી ઊભા છે પ્રતિમા રૂપે . એ કૈવલ્યકાંક્ષીઓનું જાણે સ્વાગત કરે છે . વચ્ચે સંગેમરમરી સંપૂર્ણ જિનાલયનાં દર્શને રોમરાજી વિકસ્વર થાય . આને જિનાલય કહેવું કે ક્ષણાલય ? જેમાં પ્રભુ વસે તેને જિનાલય નામ મળે . જેમાં પ્રભુની મંગલ ક્ષણ વસે તેને ક્ષણાલય નામ મળે . પ્રભુની મધુરામૃત રેલાવતી મૂર્તિ પહેલાં નહોતી , અત્યારે છે . મૂર્તિ સમક્ષ છે ચોમુખી ચરણ પાદુકા . પ્રભુએ ચાર રૂપ સૌથી પહેલી વાર ઋજુવાલિકામાં લીધાં હતાં એની આ નિશાની . એ કેવું દૃશ્ય હશે ? જે પ્રભુનું એક રૂપ પણ અતિ પ્રિય લાગે છે તે પ્રભુનાં ચાર રૂપ બન્યાં હશે . મૂળરૂપમાંથી ત્રણ રૂપ પ્રગટ થયાં એક જ ક્ષણમાં . ત્રણ રૂપ મૂળરૂપમાં અંતર્નિહિત થઈ ગયાં , એક જ ક્ષણમાં . ચાર રૂપે દેશના ફરમાવી , એક જ ક્ષણમાં . આ ક્ષણનો મહિમા ઘણો છે ઋજુવાલિકામાં . ચતુર્મુખ પગલાની નીચે ઋજુવાલિકાની રેતીની શોધ રહે . કેમ કે પગલાંના નિશાન તો રેતીમાં જ પડે છે . જોકે , રેતીની વાત કરીએ તો એમાં રચાયેલાં પગલાં એકમુખી જ હોય . ચતુર્મુખ પગલાં તો ફક્ત સમવસરણની યાદમાં જ રચાય .
૨ . ૠજુવાલુકા , ૠજુવાલિકા અને બરાકર
રેતીને વાલુકા કહે છે . નદીના રેતાળ પટ પર વાલુકાના કેટલા કણ હોય ? ગણના ના થઈ શકે ને ? એમાંથી કેવળ એક જ કણને હથેળીમાં લઈને જુઓ . એ એક કણનું અસ્તિત્વ સાવ પામર લાગશે . એવું જ તો ક્ષણનું છે . ચોવીસ કલાકની અગણિત ક્ષણોમાંથી ફક્ત એક ક્ષણને છુટ્ટી પાડીને જુઓ . એક ક્ષણનું મૂલ્ય કશું નહીં લાગે . આંખની પલક બંધ થાય અને ઉઘડે એટલી વારમાં ક્ષણ પૂરી થઈ જાય છે . આટલી નાની ક્ષણને પ્રભુએ અમર બનાવી . એ અમર ક્ષણને પ્રભુએ ઋજુવાલુકા સાથે જોડી દીધી . પ્રભુ એક વાર આવ્યા . એક ક્ષણનો ઈતિહાસ અહીં મૂકીને પ્રભુ ગયા . પ્રભુની એ ક્ષણ ઋજુવાલિકાની રેતીમાં જીવે છે . ક્ષણ અને કણનો અનુપ્રાસ મેળ સારો છે . આ મેળમાંથી નામ આવ્યું છે ઋજુવાલુકા . અહીંની રેતી લીસ્સી છે , સુંવાળી છે , પ્રભુની ક્ષણની જેમ ખૂબસૂરત છે . તેથી નામ બન્યું ઋજુવાલુકા . ક્યાંક ક્યાંક રેતીના ઢગલા નદીમાં એવા છે કે આપણી ચાલવાની ગતિ એકદમ ઘટી જાય છે . ત્યારે નદી પૃથુવાલિકા લાગે છે . પ્રભુ વીરના સમયમાં સુવર્ણ વાલુકા , રૂપ્ય વાલુકા જેવી નદીઓ હતી એની સાથે શોભે એવું નામ ઋજુવાલુકા છે . કોમળ રેતી વાળી નદી . બારસા સૂત્રમાં ઉજ્જુવાલુયા આ નામ મળે પણ છે .
ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિતનાં દશમા પર્વમાં ઋજુ પાલિકા શબ્દ છે. એનો અર્થ છે કોમળ કિનારા વાળી નદી . પાલિકાના ઉચ્ચારમાંથી વાલિકાનો ઉચ્ચાર બને છે , એમાંથી ઋજુવાલિકા નામ આવે છે . આશ્ચર્યની વાત એ છે કે જૈન સમાજમાં ઋજુવાલિકા શબ્દ અતિશય પ્રચલિત છે પરંતુ જે વિસ્તારમાં ઋજુવાલિકા તીર્થ આવેલું છે ત્યાં ઋજુવાલિકા શબ્દ બિલકુલ પ્રચલિત નથી . આ વિસ્તારમાં તો ઋજુવાલિકા નદીને બરાકર નદી કહેવામાં આવે છે . ગામનું નામ બરાકર . અહીં સાધુ સાધ્વી ભગવંતોને અનુભવ થયેલો છે . વિહાર કરતાં કરતાં રસ્તો જાણવા માટે લોકોને પૂછીએ કે ઋજુવાલિકા કિતના દૂર હૈ , તો લોકો જવાબ નથી આપી શકતા . એમને આ સવાલ સમજાતો નથી . પણ એમ પૂછીએ કે બરાકર કિતના દૂર હૈ તો લોકો તરત જવાબ આપે છે . સવાલ એ છે કે જો ઋજુવાલુકા અને ઋજુવાલિકા આ નામ શાસ્ત્રોમાં મળે છે તો આ બરાકર નામ આવ્યું ક્યાંથી ?
આનો જવાબ સવા બસ્સો વર્ષ જૂના ઇતિહાસ પાસેથી મળે છે . સન્ ૧૮૯૦માં જ્યારે ભારત દેશ પર અંગ્રેજોનું રાજ ચાલતું હતું ત્યારે બિહારના આ વિસ્તારમાં અંગ્રેજોએ જમીનો ખોદાવી હતી અને જમીનમાંથી અબરખના ઢગલા નીકળી આવ્યા હતા . અબરખ મોંઘું દ્રવ્ય કહેવાય . અબરખનો વ્યવસાય કરવા માટે અંગ્રેજોએ આજુબાજુના ૨૦૦ ગામના લોકોને અબરખની ખાણ ખોદવાના કામે લગાડી દીધા . ખાણ શબ્દને મૂળ ભાષામાં આકર કહે છે . અબરખની આકર એટલે કે અબરખની ખાણ . અબરખ- આકર આ શબ્દમાંથી બરાકર શબ્દ આવ્યો છે એવું અનુમાન થઈ શકે છે . આપણી ઋજુવાલિકા નદીની આસપાસનો ભૂવિસ્તાર અભરખથી ઠાસોઠાસ ભરેલો છે . હજારો આદિવાસીઓ આ ખાણ ખોદવાના કામમાં જોતરાયેલા છે . માટીના ઢેફાં જેવા રૂપમાં કાચો અબરખ નીકળે છે . આ કાચા માલને ઢિબરા કહેવામાં આવે છે . કાચો માલ સારો હોય તો વીસ રૂપિયે કિલોના ભાવે વેચાય છે , માલ ખરાબ હોય તો પાંચ રૂપિયે કિલોમાં પણ વેચાય છે . વચેટિયાઓ ગરીબો પાસેથી માલ લઈ લે છે અને કલકત્તા જેવા મોટા સેન્ટરમાં વેચી મોટી કમાણી કરે છે . અબરખનો વપરાશ કોસ્મેટિક અને ઇલેક્ટ્રોનિકમાં થાય છે . એક જમાનામાં ભારતનું સૌથી મોટું અભરખનું સેન્ટર ગણાતું બદરમા શહેર ઋજુવાલિકાના કિનારે જ છે . આ નદીના બેય કિનારે અબરખની અગણિત આકર છે . આજની તારીખે આ ખાણો ખરીદાય છે અને વેંચાય છે . અબરખ – આકર શબ્દના મૂળમાં અભ્રકાકર શબ્દ છે . અને અભ્રકાકરનો અપભ્રંશ ઉચ્ચાર બરાકર થાય છે . જે વિસ્તારની જમીનમાં ઘણી અભ્રકાકર છે તે વિસ્તારમાંથી વહેતી નદીને બરાકર નામ મળ્યું છે . અને આ નદીને સ્પર્શીને વસેલા ગામને પણ બરાકર નામ મળ્યું છે . સોનાની ખાણ હોય એ ખબર હતી , હીરાની ખાણ હોય એ ખબર હતી , અબરખની ખાણ હોય એ વિશે ખાસ વિચારવાનો મોકો મળ્યો નહોતો . આજની તારીખે આ ખાણોમાં ગરીબો ઉતરે છે એમાંથી કોક તો મરે પણ છે અને બાળમજૂરીની સમસ્યા પણ છે .
. ૠજુવાલિકા નદીનાં પાણી પર ડેમ બનેલા છે . નદીનું પાણી સમેતશિખરજી તીર્થનાં ગામવિસ્તારને પહોંચાડવામાં આવે છે .
. સમેતશિખર પહાડ પરનું જંગલ દૂરદૂર સુધી વિસ્તરેલું છે . એક તરફ છત્તીસગઢ સુધી આ જંગલ જાય છે , બીજી તરફ જમુઈ સુધી . આ ઋજુવાલુકા નદી બરાકર પાસેથી નીકળે છે એના લીધે બરાકર ગામ જંગલથી બચી ગયું . બરાકરને જંગલ બનવાથી બચાવનાર ઋજુવાલિકા છે . જો બરાકર જંગલ હોત તો વીર પ્રભુ અહીં આવત ખરા ? ઋજુવાલિકાએ , શબરી બનીને પ્રભુનાં આગમનની તૈયારી કરી રાખી હતી . એ તૈયારી એટલી જોરદાર હતી કે પ્રભુને આવવું જ પડ્યું .
. સ્થાનિક લોકવાયકા એવી છે કે પ્રભુ મહાવીર સમેતશિખરજી ધ્યાન કરવા માટે જવાના હતા . નદીને આની જાણ થઈ તો નદીએ પોતાનું પાણી એટલું વધારી દીધું કે પ્રભુ નદીપાર કરી ન શક્યા . પ્રભુએ નદીના ઉત્તર કિનારે ધ્યાન ધર્યું અને પૂર્ણ જ્ઞાન મેળવ્યું . જોકે આ વાત જૈન પરંપરા સાથે બંધબેસતી નથી . પરંતુ પ્રભુ માટેની કથા આ રીતે પણ બનેલી છે આદિવાસીઓમાં .
પ્રભુ આવ્યા ત્યારે સામૈયું નહોતું થયું , લોકો સામે લેવા આવ્યા નહોતા . બહારગામથી મહેમાન પણ આવ્યા નહોતા . પ્રભુ એકલા જ આવ્યા , એકલા જ પ્રવેશ કર્યો . કોઈને ખબર પણ નહીં પડી હોય કે પ્રભુ આવ્યા . પણ ઋજુવાલિકાએ પ્રભુના સામૈયાનો મંગલઘોષ કર્યો હતો . એના કણકણ ગુંજ્યા હતા , એના બુંદ બુંદમાંથી અવાજ જાગ્યો હતો , એની લહેરે લહેરે હરખનો સાદ હતો . પ્રભુ આવ્યાની વધામણી ઋજુવાલિકાએ સમગ્ર જંગલને આપી હતી . અલબત્ત , પ્રભુ તો પોતાની રીતે ધ્યાનમાં આસીન થઈ જ ગયા હતા .
હું વિહાર પૂરો કરી ચૈત્ર સુદ તેરસે પહોંચી રહ્યો હતો તે પહેલાં બારસના દિવસે પિર્ટાન્ડમાં મનેં કહેવામાં આવ્યું સામૈયા વિશે . મેં ના પાડી દીધી સામૈયાની . કહ્યું : જ્યાં ભગવાન સામૈયા વગર આવ્યા ત્યાં હું સામૈયા સાથે શી રીતે આવું ? મારે બેન્ડબાજાં ના જોઈએ . હું એમનેમ આવીશ . અને હું સામૈયા વિના જ ઋજુવાલિકા પહોંચ્યો . નદી પરનો પૂલ આવ્યો ત્યાંથી ઋજુવાલિકાનાં પાણીનો અવાજ હરખભેર સાંભળ્યો . એ જ મારું સામૈયું હતું . જે જળનાદથી પ્રભુનું સામૈયું થયું હતું એ જ જળનાદનું શુકન લઈને મેં ઋજુવાલિકામાં પ્રવેશ કર્યો .
‘સાહેબ , બેન્ડની કેમ ના પાડી દીધી ? અમે બેન્ડની તૈયારી કરાવી લીધી હતી .’ કલકત્તાથી આવેલા મિતેશભાઈ શેઠે પૂછ્યું હતું . મેં કહ્યું હતું કે ‘ભગવાનને આ રીતે સાથે રાખવાનું મન હતું . તમે તો સામૈયા કરવાના જ . તમારો એ ધર્મ . પણ અહીં ભગવાનનું સામૈયું નહોતું થયું એ યાદ રાખવાનું કામ અમારું .
૩ . બરાકર નદીનો મારગ
ઝારખંડ અને પશ્ચિમ બંગાળની બોર્ડર પર બરાકર નામનું શહેર છે , આસનસોલની પાસે . આ ઋજુવાલિકા નદી ત્યાં પણ છે . ત્યાં ઘણી મોટી થઈ ગઈ છે બરાકર નદી . બરાકર નદીને લીધે જ એ શહેરનું નામ બરાકર છે . ત્યાં નદી પર મોટો રેલ્વે બ્રિજ બનેલો છે . ત્યાંની નદીના મુકાબલે ઋજુવાલિકા તીર્થ પાસેની નદીનો પટ નાનો છે . પાણી પશ્ચિમ તરફથી આવે છે અને પૂર્વ ભણી દોડી જાય છે . ઋજુવાલિકા તીર્થ પાસેની નદીનો પટ નાનો છે . પાણી પશ્ચિમ તરફથી આવે છે અને પૂર્વ તરફ દોડી જાય છે . ઋજુવાલિકા તીર્થ પાસે પણ બરાકર નામનું ગામ છે અને એ ગામનું સત્તાવાર પાટિયું રોડ પર ઊભું પણ છે .
વિકિપીડિયા જણાવે છે કે બરાકર નદી ૨૨૫ કિલોમીટર લાંબી છે . ઝારખંડ રાજ્યમાં છોટા નાગપુર પઠાર પાસે પદમા ગામથી ઋજુવાલિકા નીકળી છે . પઠાર એટલે એવો ભૂખંડ જે આસપાસની જમીન કરતાં ઊંચો ઊઠી આવ્યો છે . ભૂકંપ વિગેરે કારણસર જમીનમાં હલચલ થાય ત્યારે આખેઆખો ભૂખંડ ઉપર ઊભરી આવે એને પઠાર કહેવાય છે . પઠારનો ઉપરનો હિસ્સો વિશાળ અને સપાટ હોય છે . આવા પઠાર રાંચી , હજારીબાગ , કોડરમાં , મેઘાલય – શિલાંગ , દક્કન , તેલંગાના , બધેલખંડ , બૂંદેલખંડ , માલવા , ઝુનીયામાં જોવા મળે છે . આ પઠારનું ઉચ્ચતમ બિંદુ પારસનાથ પહાડી છે . છોટા નાગપુર પઠાર પરથી ત્રણ નદીઓ નીકળી છે : દામોદર , સ્વર્ણરેખા અને બરાકર . એમાં પદમા ગામ હજારીબાગ જિલ્લામાં આવેલું છે . ૨૦૧૭માં આ ગામની જનસંખ્યા ૭૮૯૬ જેટલી હતી . ઋજુવાલિકા અહીંથી નીકળે છે તે ૨૨૫ કિ.મી. ની યાત્રા કરીને આસનસોલની પશ્ચિમ તરફ ડિશરગઢ પાસે દામોદર નદીને મળે છે . જેમ પ્રયાગરાજ પાસે યમુના નદી ગંગામાં ભળી જાય છે તેમ ડિશરગઢ પાસે ઋજુવાલિકા દામોદર નદીમાં ભળી જાય છે . આ દામોદર નદી હાવડા પાસે હુગલી નદીમાં ભળે છે અને આગળ એ બંગાળની ખાડીમાં વિલીન થાય છે .
પદમા ગામથી ઋજુવાલિકા તીર્થ આવવાના બે રસ્તા છે . એક રસ્તો ૧૧૮ કિ.મી.નો છે , બીજો ૧૨૬ કિ.મી.નો . આ હિસાબે , ઋજુવાલિકા તીર્થ પાસે બરાકર નદી પહોંચે ત્યારે એની યાત્રાના એકસોથી વધુ કિલોમીટર પૂરા થઈ ગયા હોય છે . ઋજુવાલિકાનો દક્ષિણ કિનારો ગાઢ જંગલથી લદાયેલો છે . ઋજુવાલિકાના પાણી પાસે મોટા મોટા હાથીઓ ઝૂંડમાં આવતા હોય છે . આ હાથીઓ કિનારાના વિસ્તારો પર ક્યારેક તોફાન પણ મચાવે છે .
૪ . તીર્થ પરિસર
ઋજુવાલિકા તીર્થના મૂળ જિનાલયના મૂળ પાદુકા પર આ મુજબનું લખાણ છે : ऋजुवालका – नदीतटे श्यामाक कुटुम्बि क्षेत्रे वैशाख शुक्ल १० तृतीय प्रहरे केवलज्ञान कल्याणिक समवसरणमभूत् ……. અર્થાત્ ઋજુવાલિકા નદીના કિનારે , શ્યામાક કુટુંબીના ખેતરમાં , વૈશાખ સુદ દશમના ત્રીજા પ્રહરમાં કેવળજ્ઞાન કલ્યાણક સંબંધી સમવસરણ રચાયું હતું ….. શિલાલેખમાં આગળ લખ્યું છે કે મુર્શિદાબાદ નિવાસી પ્રતાપસિંહના પત્ની મહેતાબ કુંવરીનાં પુત્ર લક્ષ્મીપતસિંહ બહાદુરના નાના ભાઈ ધનપતસિંહ બહાદુરે સં . ૧૯૩૦ ના વરસે જીર્ણોદ્ધાર કરાવ્યો . આ ચરણ પાદુકાને જે પુરાતન વૃક્ષની છત્રછાયા મળી હતી તે વૃક્ષ હવે નથી રહ્યું . એને કલ્પવૃક્ષ કહેવામાં આવતું , એ કૈવલ્ય વૃક્ષ કહેવાતું . કેવળજ્ઞાન કલ્યાણક જિનાલયના ગભારામાં અત્યારે એક દેરી છે . એમાં પ્રાચીન ચરણ પાદુકા છે અને અભિનવ પ્રતિષ્ઠિત મૂર્તિ છે .
શું પ્રથમ સમવસરણની ભૂમિ પર આવો નાનોસરખો ગભારો પર્યાપ્ત છે ? પ્રશ્ન થાય છે . આ ગભારામાં તો આઠ દસ લોકો ઊભા રહી શકે એટલી જ જગ્યા છે . નાની દેરી પૂજનીય છે , એમાં કોઈ શક નથી . પ્રભુનો પ્રભાવ જોતાં એવી ઝંખના જાગે કે ગભારો વિશાળ હોવો જોઈએ . એમાં પ્રભુની સ્વકાયપ્રમાણ મૂર્તિ બિરાજમાન હોવી જોઈએ . આ કેવળ ક્રિયેટિવિટીની વાત થઈ . બાકી નાનો તો નાનો પણ આ ગભારો કૈવલ્યઉદયનો સાક્ષિ છે . સર્વજ્ઞાય નમઃ , સર્વજ્ઞાય નમઃ નો અખંડ સ્વર અનુભવાય છે . વીતરાગ અવસ્થાની સૂક્ષ્મ પ્રતિછાયા હવામાં વર્તાય છે . મોહને મારવાનું બળ શ્વાસોમાં ભરી લેવાનું મન થાય .ઘાતી કર્મો આતમા પરથી હટી જાય તે પછી અંદર શું આભા પ્રગટી આવતી હશે ? આંખો સાજીનરવી હોય છતાં દૃશ્ય જોવાનું બને કૈવલ્ય દ્વારા જ . કાન સાબૂત હોય છતાં આકલન થાય પરમ વિશુદ્ધ આંતરિકતા દ્વારા જ . મન ઉપસ્થિત હોવા છતાં પ્રતિક્રિયાની ધારા સદંતર ગાયબ . જિંદગીનાં જેટલાં વરસો , જેટલા મહિનાઓ , જેટલા પખવાડિયા અને અઠવાડિયા , જેટલા દિવસ અને રાત , જેટલા કલાકો બાકી છે એની ક્ષણેક્ષણની જાણકારી અને ક્યારે શું થવાનું છે એનો પાક્કો બોધ . સિદ્ધશિલામાં શું હશે , નહીં હશે એનું પૂર્ણ જ્ઞાન . વીતેલા જનમોમાં ક્યારે ક્યારે કંઈ કંઈ મળી ગતિ હતી તેની આરપાર જાણકારી . અંતર્જગતમાં અનંત અનંત શક્તિઓ પ્રકટેલી પણ એનો ભાર કોઈ નહીં . દરેક જીવોના દરેક ગુણ પર્યાય જુએ , જાણે . દરેક અજીવોના દરેક ગુણ પર્યાય જુએ , જાણે . એમનાથી કશું ગુપ્ત નહીં . એમની માટે કોઈ રહસ્ય નહીં . એક રોગ ઘણોલાંબો સમય રહે છે અને છેવટે જાય એ પછી નિરોગ અવસ્થાએ જે નિરાંત અનુભવાય છે એ કેવી હોય ? આ દાખલો છે . ચારેચાર ઘાતીકર્મ અનાદિકાળથી વળગેલા હતા એમનો નાશ થઈ ગયો તે પછી પ્રગટનારી અનહદ નિરાંત કેવીક હશે ? ગભારામાં ઊભા ઊભા ( બેસવાની જગ્યા જ ઓછી છે ) આ કલ્પનાઓ ચાલતી રહે છે .
કેવળજ્ઞાન કલ્યાણકમંદિરના ગર્ભગૃહની બહાર ડાબી તરફ એક પ્રાચીન મૂર્તિ છે જે ઋજુવાલિકા નદીમાંથી જ મળી છે . એના નિર્માતા કોણ હશે ? પ્રતિષ્ઠાચાર્ય કોણ હશે ? એ મૂર્તિ નદીમાં કેવી રીતે પહોંચી ? એ મૂર્તિ લાલવર્ણી શું કામ છે ? સવાલ પૂછવા છે , જવાબ કોણ આપશે ? ખબર નથી . આ પ્રાચીન મૂર્તિની પાછળ નવું પરિકર સ્થાપવામાં આવ્યું છે . આ મૂર્તિને ચૈતર મહિનામાં સૂરજ લાડ લડાવે છે . સૂર્યોદય સમયનો તાજો તડકો મૂર્તિના જમણા અંગૂઠાને અડે છે , તે પછી મૂર્તિના ખોળા પર ફેલાય છે અને પછી પ્રાચીન મૂર્તિ પર પૂરેપૂરો પથરાઈ જાય છે . સૂરજની રોશનીમાં આકંઠ , આશીર્ષ દીપી રહેલી મૂર્તિને નિહાળવાનો આનંદ , ચૈત્ર મહિનામાં ખૂબ મેળવ્યો છે . દરેક તીર્થ પાસે પ્રાચીન પ્રતિમા , પ્રાચીન ચરણપાદુકા હોય છે . પ્રાચીન તત્ત્વોની ઊર્જાથી તીરથની ભૂમિમાં ચૈતન્યનો સંચાર થતો રહે છે . એ ભાગવત ચૈતન્ય સાથે જેટલું વધારે જોડાઈએ એટલી યાત્રાની ગુણવત્તા ઊંચી ગણાય .
મૂળ જિનાલયની પાછળ કેવળજ્ઞાન કલ્યાણક મુદ્રા એટલે કે ગોદોહિકા મુદ્રા ધારી પ્રભુ વીરની વિશાળ પ્રતિમાથી અલંકૃત જિનાલય છે . પ્રભુને ગોદોહિકા મુદ્રામાં જોવાનો અનુભવ અલગ જ છે . કર્મક્ષય કરનારી મુદ્રા એમ સૂચવે છે હજી કેવળજ્ઞાન બાકી છે . મુદ્રા એમ પણ સૂચવે છે કે કેવળજ્ઞાન બહુ દૂર નથી . આઠમું , નવમું , દશમું , બારમું ગુણઠાણું હાંસિલ કર્યું આ જ મુદ્રાએ . સંજ્વલન કષાયનો છેલ્લો ભેટો થયો આ મુદ્રાએ . કેવળજ્ઞાનને અવાજ દઈ આમંત્રણ આપ્યું આ જ મુદ્રાએ .આજે ગભારા સામે ગોદોહિકા આસને બેસીને જાપ કરવાનો લાભ મળે . ગોદોહિકા આસનમાં પગ દુઃખે છે , બેલેન્સ તૂટે છે , એકાગ્રતા બનવી જોઈએ તે ઓછી બને છે . અફસોસ અને પસ્તાવો . એ દિવસ ક્યારે આવશે કે હું પણ ગોદોહિકા આસનમાં જ ઘાતી કર્મોનો નાશ કરીશ એવો મનોરથ બને છે . ઘાતી કર્મોનો નાશ કરવા માટે ગોદોહિકા આસન અનિવાર્ય નથી પરંતુ મહાવીર પ્રભુની પ્રીતિ આમ જ બોલે છે . મનેં આ પ્રીતિ ગમે છે , આ પ્રીતિમાંથી આવનારો એક એક વિચાર ગમે છે . અલબત્ત , કશુંક નવું કરીએ ત્યારે મર્યાદા અને પરંપરાનું માન જાળવવું જ જોઈએ .
મંદિરના રંગમંડપમાં ચિત્રમાળા છે , પ્રભુ વીરને થયેલા ઉપસર્ગોની ઘટનાઓ રજૂ થઈ છે . શૂલપાણિ યક્ષના ઉપસર્ગ પછી પ્રભુ વીરે સ્વયં જોયેલાં દશ સપનાંઓનું પણ એક ચિત્ર છે . પ્રભુ વીરે પોતાના આંતરડાથી માનુષોત્તર પર્વતને વીંટાયેલો જોયો હતો , એ સપનાનું ચિત્ર કેવું હશે ? જિજ્ઞાસા થઈ . પર્વત છે અને એની ઉપરથી નીચે સુધી વીંટળાયેલ જાડો પાટો છે , એ ચિત્રમાં જોયું . ગમ્યું . અમુક વસ્તુ જ ચિત્રમાં બતાવી શકાય , બધું નહીં . કલાકારે વિવેક જાળવ્યો છે .
મંદિરની બહાર પ્રદક્ષિણા પથમાં એક પછી એક દેખાય એ રીતે ૧ર દૃશ્યોની રચના કાચમઢેલા ગોખલામાં કરવામાં આવી છે . દરેક દૃશ્યની નીચે હિંદી ભાષામાં એક દોહો મૂકેલો છે . દોહાની રચના કરનારે અનુપ્રાસનો ખ્યાલ સારો રાખ્યો છે . કેવળજ્ઞાન કલ્યાણકનું દૃશ્ય અને એનો દોહો સૌથી વધુ ગમ્યો .મંદિરનો જાજરમાન રંગમંડપ અને દ્વિતલ પ્રાસાદ જેવું ઊંચું શિખર તીર્થનો દબદબો વધારે છે .
મૂળ જિનાલયને અડીને એક અભિનવ સમવસરણ મંદિર છે . સામાન્યતઃ ત્રણ ગઢ એકની ઉપર એક નાના થતા જાય એવી રચના હોય છે . સમવસરણની આ મુજબની બાંધણીમાં ત્રીજો એટલે કે છેલ્લો ગઢ નાનો થઈ જાય છે . બેસવાની જગ્યા ઓછી રહે છે . આ સમવસરણ મંદિરના ત્રીજો ગઢ મોટો રહે તે માટે ત્રણ ગઢના ત્રણ માળની વાસ્તુ રચના લગભગ એક ભીંતની સરસાઈથી કરવામાં આવી છે . મેરૂપર્વતની રચના હોય તેવો આભાસ થાય . પણ ત્રણ ગઢ સંબંધી આકૃતિઓ જોઈને સમજાય કે આ સમવસરણ છે . આ સમવસરણ મંદિરના ત્રીજા માળની ઊંચાઈએ બનેલા ત્રીજા ગઢમાં , બેસવાની જગ્યા ભરપૂર છે . ચૌમુખ ભગવાન્ છે એને અનુરૂપ ચાર મોટા રંગમંડપ . ઊંચાઈ ઘણી છે માટે નદીનો કિનારો પણ દૂર દૂર સુધી દેખાય છે . એક ક્ષણ માટે પ્રભુએ દેશના આપી તે વખતે શું માહોલ હશે એનો એક આછોપાતળો અંદાજ આ રંગમંડપમાં બેસીને માંડી શકાય .
Leave a Reply