
જાણવું અને અનુભવ કરવો આ બે વચ્ચે ઘણો તફાવત છે . પુસ્તકનાં પાનાં પર કાળા અક્ષરોથી જે છપાયું છે એની પર આંખ ફેરવવી અને જે દેખાયું એની પર બુદ્ધિ ચલાવવી – આ બધી જાણવાની વાત છે . જાણવું એ ઉપરછલ્લી પ્રક્રિયા છે . અનુભવ કરવો એટલે અંદર ઉતરવું . જેને તરતાં આવડતું નથી એ પાણીમાં અંદર ઉતરવા જાય તો ડૂબી મરે . અંદર ઉતરવું સહેલું નથી . અંદર ઉતરવું એક પ્રક્રિયા છે . આ પ્રક્રિયામાં સૌ કોઈ એકસરખા પારંગત હોય એ જરૂરી નથી . પરંતુ જે અંદર ઉતરે છે એને તળિયાનાં રત્ન મળી આવે છે . જે અંદર ઉતરે છે એ રત્નોને બહાર લાવે છે . આ રત્નો દુર્લભ હોય છે અને એટલે જ એ યોગ્ય જગ્યાએ સચવાય એ જરૂરી હોય છે . બધા જ લોકો પાણીની અંદર ઉતરવાના નથી . પણ બહાર નીકળેલાં રત્નોને જરૂરથી બધા જોઈ શકશે . વચનરતિ આ પુસ્તકમાં જલની ભીતરથી બહાર આવેલાં રત્નોનો સંગ્રહ છે . અંદર ઉતરવાનો આનંદ જેમણે લીધો છે તે ગીતાર્થ છે , જ્ઞાની છે , પ્રબુદ્ધ ચિંતક છે.
પૂર્વના મહાપુરુષો જે ગ્રંથો લખી ગયા તે એમના સમયમાં વર્તમાન સાહિત્ય તરીકે ઓળખાતાં. એ વખતે એમણે પોતાના પૂર્વપુરુષોને નજર સમક્ષ રાખીને રચના કરી હતી. આજે આપણે જે લખીએ છીએ તે જો ત્રણસો ચારસો વરસ ટકી ગયું તો ? તો બે વાત છે . એક , આપણે લખ્યું છે તે નબળું નહીં હોય તો ભવિષ્યમાં એનું સન્માન થશે. બે , આપણે લખ્યું એ જો નબળું હશે તો ભવિષ્યની એ પેઢી એને આદર કે સ્વીકારની નજરે જોશે નહીં .
લેખન કરનારે યાદ રાખવું જોઈએ કે મનેં લખવાની છૂટ મળી છે એટલે હું કાંઇ પણ લખ્યા કરું એવું ના હોય . લખવાનું મન થતું હોય તો ત્રણ સ્પષ્ટતા મનમાં કરી લેવાની . એક , જે વિષય પર વારંવાર , વારંવાર લખાતું જ આવ્યું છે એ વિષયને અડવાની જરૂર નથી . જો એવા વિષય પર લખવું જ છે તો એ વિષયની છણાવટ અથવા રજૂઆત એ રીતે કરવાની કે વાચકને નવી સ્પષ્ટતા , નવી દૃષ્ટિ જરૂર મળે . આપણાં શાસ્ત્રો ચર્વિતચર્વણનું ખાસ સમર્થન કરતા નથી .બે , હું જે લખું તે શાસ્ત્ર અને પરંપરા અનુસાર લખું . આ બરાબર છે . પરંતુ બીજાએ લખેલાં પુસ્તકમાંથી ઉઠાંતરી કરી કરીને લખવાની કોઈ જરૂર નથી . સારાં સારાં પુસ્તકો દરેક ભાષામાં લખાતાં જ આવ્યાં છે. તે તે પુસ્તકોએ જે સફળતા મેળવી છે એવી સફળતા મારાં પુસ્તકને પણ મળે એવી ધારણા રાખીને લખવા ન બેસાય . હું આના જેવું લખીશ કે હું એની જેમ લખીશ એવો વહેમ રાખવાનો નહીં . હું જે લખીશ તે મારી પ્રતિભાનું નીપજેલું હશે આવો અભિગમ રાખવાનો . અન્ય લેખકનો જેટલો આધાર લેવાયો એટલો યશ એ લેખકને આપવાની વૃત્તિ અવશ્ય કેળવવાની .ત્રણ , આજે સમગ્ર માનવજાતિને શાંતિ અને સંતૃપ્તિની ઘણી જરૂર છે . મારું લેખન સમગ્ર માનવજાતિને ભાવનાત્મક ભૂમિકાએ સાચી શાંતિ અને બૌદ્ધિક ભૂમિકાએ સાત્ત્વિક સંતૃપ્તિ આપી શકે એવું હશે આ લક્ષ્ય રાખવાનું . એક પુસ્તકની એક હજાર કોપી છપાતી હોય તો એ પુસ્તકને પાંચ હજાર કે દશ હજાર વાચક વાંચશે જ . સંખ્યા વધારે પણ થાય . મારાં પુસ્તકથી વાચકનાં હૃદયમાં કેવી ભાવના અંકુરિત થશે એની કલ્પના લેખકને હોવી જ જોઈએ . સારી ભાવના સુધી પહોંચાડે એવું લખવાનું . સારી ભાવના ન જગાડી શકે એવું લખવાનો કશો અર્થ નથી .
વિચારરતિ , વિકાસરતિ , વચનરતિ , વિબોધરતિ , વિશોધરતિ , વૈરાગ્યરતિ અને મિચ્છા મિ દુક્કડં – સાત પુસ્તકોના કુલ મળીને બસ્સો લેખોમાંથી પસાર થઇએ ત્યારે એના લેખકનાં મનમાં આ ત્રણેય સ્પષ્ટતાઓ છે એ સમજાય છે . આજનો વાચક એટલાં બધાં પ્રલોભનોથી ઘેરાયેલો છે કે એને નક્કર વાંચનનો સંતોષ નહીં મળે તો એ પુસ્તકને અડધેથી પડતું મૂકી દેશે . આ પુસ્તકો માટે એમ કહી શકાય કે સત્ સાહિત્યના પ્રેમીઓ આ પુસ્તકોને વારંવાર વાંચશે .
તપાગચ્છાધિરાજ મહામહિમ સૂરિસમ્રાટ્ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના પ્રભાવશાળી શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ.સા.નું વ્યક્તિત્વ અનેક આયામી છે . તેઓ પ્રબુદ્ધ પ્રવચનકાર છે . તેઓ વરિષ્ઠ વાચનાદાતા છે . વર્તમાન સમયમાં નવ્યન્યાયનો ઊંડો બોધ જે જૂજ મહાત્માઓ પાસે છે એમાં એક નામ એમનું આવે છે . પ્રાચીન શાસ્ત્રો વિશે કાંઈ નક્કર કરવું છે એવી ભાવનામાંથી નિર્માણ પામેલ શ્રુત ભવન સંશોધન કેન્દ્રની શાસ્ત્ર સુરક્ષા પ્રવૃત્તિઓના તેઓ કુુશલ માર્ગદર્શક છે . આ સિવાય તેઓ આગવી શૈલીના પદાર્થ ચિંતનકાર છે . આપણને જે વિષય સામાન્ય લાગે એ જ વિષયમાં કેટલું ઊંડાણ છે એ તેઓ રજૂ કરે છે ત્યારે એમ થાય કે આ તો કમાલ થઈ ગઈ .તેઓ વાચકોને રાજી રાખવા માટે નહીં બલ્કે વાચકનું સ્તર ઊંચું કરવા માટે લખે છે . એમના લેખોમાં વિષય આગવો હોય છે અને એની છણાવટ અનેરી હોય છે . અઘરી ભાષા ન વાપરવાની સભાનતા એ હંમેશા રાખે છે . કોઈ એક શાસ્ત્ર કે શાસ્ત્રીય પદાર્થ ઉપર જ એમનું લેખન કેન્દ્રિત હોય છે . વચનરતિમાં તેમના દશ લેખ સંંગૃહીત છે .
કલ્પસૂત્રમાં આંસુનાં સરનામાં કેટલાં છે તે પ્રથમ લેખમાં વાંચવા મળે છે . તો સ્કીલ ઑફ કમ્યુનિકેશન માટે કલ્પસૂત્ર પાંચ મુદ્દા બતાવે છે : સાંભળવું , વિચારવું , પૂછવું , નક્કી કરવું અને સન્માન આપવું . આ મુદ્દાઓનું વિશ્લેષણ દ્વિતીય લેખમાં છે .
ત્રીજો લેખ પ્રમાદ વિશે છે . પ્રમાદનું આવું વિશ્લેષણ છે આજસુધી જોવા મળ્યું નથી . તેઓ લખે છે : હું કોણ છું અને હું શું કરું છું આ બે વાતોનું વિસ્મરણ એ પ્રમાદ છે. હું કોણ છું આનો અર્થ એ થાય કે હું શું શું કરી શકું એમ છું એ મારે વિચારવાનું છે, સતત . હું શું કરું છું એનો અર્થ એ છે કે મારામાં જે જે ક્ષમતા છે એ તેમાંની કેટલી ક્ષમતા વપરાયા વગરની એમને એમ પડી છે એનો વિચાર કરવો . આ વિચારવાનું ભૂલાય છે એટલે જ પ્રમાદ આવે છે. આ પ્રમાદને ચાર રીતે જોઈ શકાય છે. એક – માન્યતાનાં સ્તરનો પ્રમાદ , જે ધર્મના અનાદર રૂપે વ્યક્ત થાય છે . બે – લાગણીનાં સ્તરનો પ્રમાદ , જે રાગ, દ્વેષ અને મતિભ્રંશ રૂપે વ્યક્ત થાય છે . ત્રણ – બુદ્ધિનાં સ્તરનો પ્રમાદ , જે અજ્ઞાન , સંશય અને મિથ્યા જ્ઞાન રૂપે વ્યક્ત થાય છે . ચાર – આશય નાં સ્તરનો પ્રમાદ , જે મન – વચન – કાયાનાં દુષ્પ્રણિધાન રૂપે વ્યક્ત થાય છે.
પ્રમાદ વિશેનું આ વિશ્લેષણ વાંચ્યા બાદ અંતરમાં થોડું પરિવર્તન જરૂર આવે છે .
ચતુર્થ લેખમાં દશવૈકાલિક સૂત્રનાં ગહન ગંભીર પદ સૂત્રોનો આસ્વાદ છે . ચૂર્ણિકારના સંદર્ભ સાથે લખેલી વાત : આત્માને અનુલક્ષીને જે કંઈ પણ કરો તે અધ્યાત્મ છે . આ જ લેખમાં સાધુતાનો આસ્વાદ પામવાનાં ત્રણ સોપાન બતાવ્યાં છે : ચિત્તને સમાધિમાં રાખવું , મનને જિનવચનથી ભાવિત કરવું અને આત્માર્થી બનવું . સાચો સાધુ કોણ એની સુરેખ વ્યાખ્યા આમાંથી મળી રહે છે .
પાંચમો લેખ ઉપમિતિ ભવપ્રપંચાની વાત માંડે છે . ઉપમિતિ પાસેથી કંઈ કંઈ સમસ્યાઓનું સમાધાન મળે છે તે જુઓ : ૧ .લાગણીઓ અને આવેશો કેવી રીતે દોષ કે પાપને જન્મ આપે છે ? ૨. આવેશ કેવી રીતે પેદા થાય છે ?૩ . આવેશની વિચારો ઉપર શું અસર થાય છે ?૪ . આવેગ અને આવેશમાં વ્યક્તિનું વર્તન કેવું બને છે ?૫ . ઈન્દ્રિયો કેવી રીતે વિષય તરફ આકર્ષિત થાય છે ?૬. કેવી રીતે મનમાં નબળી ભાવનાઓ જાગે છે ?
આ સાધના પ્રેમીને નડી રહેલા પ્રશ્નો છે. મારે આ પ્રશ્નોનું સમાધાન શોધવું છે એવી ભાવના બનાવો અને પછી ઉપમિતિ વાંચો . તમને ઉપમિતિ દરેક પ્રશ્નના જવાબ આપી દેશે .
છટ્ઠો લેખ એક અલ્પ પરિચિત કૃતિ વિશે છે : શિક્ષા શત દોધક .
કોઈ પણ ગ્રંથ વિશે બોલવું કે લખવું હોય તો સૌપ્રથમ એના ગ્રંથકાર વિશેની ઐતિહાસિક જાણકારી પ્રસ્તુત કરવી જોઈએ . અહીં માહિતી આ મુજબ મળે છે : અઢારમી સદીમાં થયેલા ઉપાધ્યાય શ્રી હંસરત્નજી ગણિએ તેની રચના કરી છે. પ્રસ્તુત કૃતિના કર્તા , પ્રખ્યાત કવિ શ્રી ઉદયરત્નજીના સગા ભાઈ છે . આ બંને ભાઈઓ મૂળ ખેડાના વતની હતા. સંસારી નામ : હરખચંદ અને ઉત્તમચંદ . જ્ઞાતિએ પોરવાલ . પિતા વર્ધમાન . માતા માનબાઈ . તપાગચ્છની રત્નશાખાના આચાર્ય ભગવંત શ્રી વિજય રાજસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં પં.શ્રી જ્ઞાનરત્ન ગણિવરે હરખચંદને દીક્ષા આપી . હરખચંદ દીક્ષા બાદ શ્રીન્યાયરત્ન ગણિવરના શિષ્ય થયા . નામ : હર્ષરત્ન મુનિવર . દીક્ષા પૂર્વ હરખચંદનું બીજું નામ હેમરાજ પણ મળે છે . દીક્ષા બાદ હર્ષરત્ન મુનિવરનું બીજું નામ હંસરત્ન મુનિવર પણ મળે છે. આગળ જતાં તેઓ ઉપાધ્યાય બન્યા. એમના ભાઈ ઉત્તમચંદને શ્રીસિદ્ધિરત્ન ગણિવરે દીક્ષા આપી . ઉત્તમચંદ બન્યા ઉદયરત્ન મુનિવર . તેઓ પણ આગળ જતાં ઉપાધ્યાય બન્યા . નાના ભાઈ શ્રી ઉદયરત્નજીએ મોટા ભાઈ હંસરત્નજી માટે એક સજ્ઝાય લખી છે. કૃતિના રચનાકાર વિશે આટલી વિગતો પણ ઘણી હતી. પરંતુ આનાથી વધારે વિગતો લેખમાં મળે છે . હવે રચનાની વાત . અજૈન અને જૈન કોઈ પણ સંપ્રદાયની ઉપાસના પદ્ધતિને અનુસરતા સાધકને નજર સામે રાખીને આ રચના લખાઈ છે આ જરૂરી સ્પષ્ટતાથી પ્રારંભ થયો છે . શિક્ષા શતમાં એકસો ચિંતન સૂત્ર મળે છે એમાંના એક સૂત્રનો સાર આ મુજબ છે : આતમાનો અનુભવ પામવો છે ? ચાર બાબતો પર ધ્યાન આપો .૧ . જે પરમ તત્ત્વને જોઈ શકાય એમ નથી એની પર શ્રદ્ધા રાખવી જોઈએ . ૨ . જે પરમ તત્ત્વને જોવાનું બાકી છે એના વિશે તીવ્ર જિજ્ઞાસા રાખવી જોઈએ.૩ . પરમ તત્ત્વને પામવા માટે ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ . ૪ . સતત શાસ્ત્રનાં શ્રવણ – વાંચન સાથે જોડાયેલા રહેવું જોઈએ . ઘણા ખરા વાચકો આ શિક્ષાશતનો અભ્યાસ સૌપ્રથમ વાર કરશે . જે કૃતિને પ્રાયઃ કોઈએ જોઈ નથી એ કૃતિનો આસ્વાદ એ રીતે આપવામાં આવ્યો છે કે સમગ્ર કૃતિનો સારાંશ મળી જાય .
સાતમા લેખમાં અઢાર પાપ સ્થાનક બાલાવબોધનો સારભૂત પરિચય છે . અવબોધકાર છે શ્રી દેવચંદ્રજી મહારાજા . જોવા જેવી વાત છે કે શેઠ ભક્તિદાસના સ્વાધ્યાય માટે આ અવબોધ લખાયો છે . આમાં પાપસ્થાનકની વ્યાખ્યાઓ વિશિષ્ટ છે. + પોતાના જ્ઞાન આદિ ગુણોને હણવા તે ભાવહિંસા છે . + પોતાના સ્વભાવને પોતાનો ન કહેવો અને શરીર , ઘર , પરિવાર વગેરે મારા છે એમ કહેવું એ ભાવ અસત્ય છે . + જીવ સિવાયના પુદ્ગલ વગેરેને ગ્રહણ કરવા તે ભાવથી ચોરી છે .+ આત્મા સિવાયની બહારની ભૌતિક વસ્તુઓમાં આનંદ અનુભવવો તે મૈથુન છે , ભાવમૈથુન . + આત્મા સિવાયના બીજા તમામ ભાવોને મનમાં કે આત્મામાં સંઘરી રાખવા તે પરિગ્રહ છે.આ રીતે અઢારે અઢારની વ્યાખ્યા મળે છે . મિથ્યાત્વની વ્યાખ્યા જુઓ : મિથ્યાત્વ એટલે જગતનાં તત્ત્વોને સ્યાદ્વાદ રૂપે ન માનવા , પોતાની કલ્પના મુજબ માનવા . આત્મ પરિણતિ જેમાં ન સધાતી હોય તેને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે .
અઢાર પાપ સ્થાનક અને એની આલોચના સંબંધી બોધ આપે છે બાલાવબોધ .
આઠમો લેખ દ્રવ્યાનુયોગના એક લઘુ ગ્રંથનો પરિચય આપે છે . આ લેખમાં એક જગ્યાએ દર્શનાચારના આઠ નિયમોનું બિલકુલ આધ્યાત્મિક અર્થઘટન વાંચવા મળે છે .
નવમો લેખ મુનિવર શ્રી ચરણકુમારજી વિરચિત સમકિતની સજ્ઝાય આધારે સમ્યગ્ દર્શનનું ચિંતન મનન નિદિધ્યાસન કરે છે . ચિંતનનો પ્રારંભ બે મુદ્દાથી થાય છે. એક , આત્માને જ્ઞાન થાય છે. બે , આત્મા સુખ અનુભવે છે . આત્માનું આત્માની ભૂમિકાનું જ્ઞાન અને સુખ પામવાનો માનસિક પુરુષાર્થ કરીએ એ સમકિત છે . મારામાં સમકિત આવ્યું છે એની ખબર શી રીતે પડે ? આ સોળ ગુણો તમારામાં આવ્યા હોય તો સમજવું કે સમકિત આવ્યું છે . ૧ . સમકિતી જીવ નવ તત્વનો અભ્યાસુ હોય છે. ૨ . સમકિતી જીવ આગમ સૂત્રનો પ્રેમી હોય છે .૩ . સમકિતી જીવ ગુણોનો અનુરાગી હોય છે. ૪. સમકિતી જીવ અવગુણનો ત્યાગી હોય છે. પ . સમકિતી જીવ ધૈર્યવાન્ હોય છે , ઉતાવળિયો નહીં .
૬ . સમકિતી જીવને વિષય વિકાર માટે અણગમો હોય છે . ૭ . સમકિતી જીવ વ્યક્તિગત વાદવિવાદ અને પરનિંદાથી દૂર રહેતો હોય છે . ૮ . સમકિતી જીવના રાગદ્વેષમાં તીવ્રતા ઓછી હોય છે . ૯ . સમકિતી જીવમાં સમતા અને ઇન્દ્રિયનિગ્રહ યથાસંભવ જોવા મળે છે. ૧૦ . સમકિતી જીવ સ્યાદ્વાદ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે. ૧૧ . સમકિતી જીવ કુમતિ અને કદાગ્રહને દૂર રાખે છે. ૧૨. સમકિતી જીવ આત્માનું સાચું સ્વરૂપ શું છે તેનો બોધ રાખે છે. ૧૩ . સમકિતી જીવ હંસ જેવી પરીક્ષક દૃષ્ટિ ધરાવે છે. ૧૪. સમકિતી જીવ સાત નયોનો જાણકાર હોય છે.૧૫. સમકિતી જીવ આઠ કર્મોની દરેક પ્રકૃતિનો બોધ ધરાવે છે.૧૬. સમકિતી જીવ અન્યના મર્મને ખોલતો નથી.
દશમા લેખમાં એક પ્રાચીન આદેશપત્રનું અવલોકન છે : अणहिल्ल पाटक संघादेश पत्रम् . આદેશપત્ર લખાયું તે સમયે ગુજરાતમાં અમદાવાદની સ્થાપના થઈ નહોતી અને જૈન ધર્મમાં સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરા શરૂ થઈ નહોતી . વિ. સં. ૧૨૯૯ નો સમય હતો . પાટણમાં અલગ અલગ ગચ્છના અને ભિન્ન ભિન્ન સામાચારીના શ્રમણ શ્રમણીઓ પધારતા . આદેશપત્ર જાહેર કરીને પાટણ સંઘમાં બારેય મહિના એકસરખો વહેવાર જળવાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી . લેખક સમજાવે છે કે આ આદેશપત્ર ચાર વિભાગમાં વહેંચાયેલું છે . ૧ . આદેશ જેમણે જારી કર્યો છે તે સત્તાધીશો .૨ . આદેશ જેમને લાગુ પડે છે આશ્રિત પક્ષ .૩ . આદેશની બાર કલમો . ૪ . આદેશને માન્યતા આપનારા સાક્ષિજનો .
આદેશપત્રમાં નીતિનિયમોની વાત છે . સંઘમાં શું કરવું અને શું ન કરવું એના આદેશ છે . એ આદેશ શું છે તે લેખમાં વિસ્તારથી સમજાવ્યું છે.એ સમયની પરિસ્થિતિ શું હતી એની ઝીણી ઝીણી વિગતો અને એ સમયે જેનાં નામ મોટાં ગણાતાં એમની જાણકારી લેખમાં અવતરિત થઈ છે .
આપણે ત્યાં જે રીતનાં પુસ્તકો લખાય છે એના કરતાં અલગ પડે છે આ પુસ્તક . અહીં એવા વિષયની વાતો છે જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ . અહીં જે જે વાતો રજૂ થઈ છે તેની માટે શાસ્ત્રપાઠ અને સંદર્ભ મૂકવામાં આવ્યા છે . અહીં એવો દૃષ્ટિકોણ મળે છે જે કેળવવો જરૂરી છે . સમગ્ર લેખનનું લક્ષ્ય એમણે સ્પષ્ટ રાખ્યું છે : જીવનનું કેન્દ્રબિંદુ શરીર નથી , આત્મા છે . હું આ શરીરમાં કેવી રીતે આવ્યો ? શરીર છૂટી જશે પછી હું ક્યાં જઈશ ? શરીર વગર મારું અસ્તિત્વ હોઈ શકે ? હું શરીરમાં શું કામ આવ્યો ? મારાં જીવનમાં દુઃખ કેમ છે ? હું આત્મા છું તો મને મારો આત્મા દેખાતો કેમ નથી ? આત્માને જાણવા શું કરવું જોઈએ ? આવા પ્રશ્નો મનમાં ચાલે તો સાધનાની યાત્રા શરૂ થઈ એમ કહી શકાય .
જૈનશાસનને અને જૈનશાસનની જ્ઞાનપરંપરાને પોતાનું સમગ્ર અસ્તિત્વ સમર્પિત કરનારો મરજીવો કેવો હોય તે જોવું હોય તો તમારે પૂજ્ય ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.સા.નાં દર્શન કરવાના . મરજીવો બનવાની વાતો કરીએ ત્યારે રોમાંચ થાય છે પરંતુ ખરેખર મરજીવો બનવાનો સમય આવે ત્યારે ભલભલાના હાંજા ગગડી જાય છે . પૂજ્ય ગણિવર્યે મરજીવા બનવા માટે જે સહન કરવું પડે તે સહન કર્યું છે , જે છોડવું પડે તે છોડ્યું છે અને જે બોજો ઉઠાવવો પડે તે એકલા ખભે ઉઠાવ્યો છે. શાસ્ત્રોનાં સંરક્ષણ માટે શું શું કરી શકાય આ દિશામાં પૂજ્ય ગણિવર્યે પૂનામાં શ્રુતભવનનાં માધ્યમે એક અનોખી કેડી કંડારી છે. ખુશીની વાત છે કે એમની છાયા લઈને અનેક સંસ્થાઓ આ જ રીતે શ્રુત સેવા કરવા સક્રિય બની છે. મહાજનો યેન ગતઃ સ પંથા .
આજના સમયના વાચકોને જે બૌદ્ધિક સંતુષ્ટિ જોઈએ છે તે આ સાત પુસ્તકોમાં મળે છે. આ પુસ્તકો દ્વારા જે બોધપદાર્થ અને પદાર્થબોધ સંઘને મળ્યો છે એ મરજીવાનું મોતીકર્મ છે . આ મોતીઓ સૌના કંઠે હાર બનીને બેસે એવી શુભ અભિલાષા .
( વૈશાખ સુદ દશમ , ૧૮.૫.૨૦૨૪ પ્રભુવીર કૈવલ્યભૂમિ , ઋજુવાલિકા મહાતીર્થ )
Leave a Reply