Press ESC to close

ઉપધાનની માળ દ્વારા મળે છે સર્ટિફિકેટ વન , ટુ ઍન્ડ થ્રી : પરમ ઉર્જાનો પુરસ્કાર હોય છે મોક્ષમાળા

ઉપધાનની આરાધના દર વર્ષે વિવિધ સંઘોમાં કે તીર્થોમાં થતી હોય છે . જૈનોની સંખ્યા ૫૦ લાખથી વધારે છે એવું માનીએ અને વિચારીએ કે આટલા જૈનોમાંથી ઉપધાન કેટલા જૈનોએ કર્યા અને માળ કેટલા જૈનો પહેરવાના ? જવાબ મળે છે કે  ચાર હજારથી વધારે લોકોએ ઉપધાન કર્યા હશે . કદાચ , અઢીથી ત્રણ હજાર જૈનો માળ પહેરશે . લાખો જૈનોમાંથી જે અઢી ત્રણ હજાર જૈનો માળ પહેરે એ હાઈ ક્વોલિફાઈડ જૈનો કહેવાય .

એક આરાધક કેટકેટલા ઉપવાસ કરે , નીવિ કરે , આંબેલ કરે ત્યારે ઉપધાન સંપન્ન થાય છે ? સો‌ ખમાસમણા આપે છે , સો લોગસ્સનો કાઉસગ્ગ કરે છે , કડક આચારચર્યાનું પાલન કરે છે . ઠંડીમાં ગાદલા વાપરતા નથી . ગરમીમાં એસી પંખા વાપરતા નથી . ઘણું બધું સહન કરે છે . કુટુંબથી અલગ રહે છે . ઘર , દુકાન અને ઓફિસને ભૂલી જાય છે . કઠોર સાધના થાય છે ઉપધાન દ્વારા . છેલ્લા દિવસે મળે છે સર્ટિફિકેટ વન , ટુ  ઍન્ડ થ્રી . 

સર્ટિફિકેટ વન : આપણે વર્ષોથી મોક્ષની વાતો સાંભળતા આવ્યા છીએ . જે ધર્મ કરે એને મોક્ષ મળે એમ પણ સાંભળ્યું છે અને જે ધર્મ કરીએ એ મોક્ષ માટે જ કરીએ એ પણ સાંભળેલું છે . મોક્ષનું માહાત્મ્ય પણ સાંભળ્યું છે અને મોક્ષમાર્ગનું મહત્ત્વ પણ સાંભળ્યું છે . હજી સુધી પાક્કું થયું નથી કે આપણને મોક્ષ ક્યારે મળવાનો છે ? મોક્ષ મળશે કે નહીં એ પણ સ્પષ્ટ થયું નથી . મોક્ષની વાતો કરતા રહીએ એ અલગ વાત છે અને મોક્ષમાં જવાનું પાક્કું થઈ જાય એ અલગ વાત છે . ઉપધાનની આરાધના કરનારને પહેલું એ સર્ટિફિકેટ મળે છે કે તમે આટલી સરસ રીતે ઉપધાનની આરાધના કરી દીધી એટલે હવે , તમારું મોક્ષમાં જવાનું પાક્કું છે . 

સર્ટિફિકેટ ટુ : આપણી ધર્મ આરાધના વર્ષોથી ચાલુ છે . ઘરમાં રહીએ ત્યારે પાપ પ્રવૃત્તિઓ કરીએ છીએ – મનથી , વચનથી અને કાયાથી . થોડા સમય માટે ધર્મસ્થાનમાં આવીએ છીએ ત્યારે થોડો થોડો ધર્મ પણ કરીએ છીએ . એ ધર્મમાં મન કેટલું જોડાય છે , વચન કેટલાં જોડાય છે અને કાયા ખરેખર કેટલી જોડાય છે તે પ્રશ્ન છે . પણ બોલી શકાય એવું છે કે જીવનમાં ધર્મ ચાલુ છે . પ્રશ્ન ઉભો રહે છે કે આપણે ખરેખર ધર્માત્મા બન્યા છીએ કે નહીં ? કે પછી કહેવા પૂરતા ધર્માત્મા છીએ બાકી જીવનમાં પાપનું જ વર્ચસ્વ બનેલું છે ? સમજાતું નથી . ધર્મ કરીએ છીએ પણ ધર્માત્મા બન્યા છીએ એવો આત્મવિશ્વાસ આવતો નથી . એમ જ લાગ્યા કરે છે કે આટલાં બધાં પાપ કર્યાં છે , આ થોડો ધર્મ આત્માનું શું ભલું કરશે ? ઉપધાનની આરાધના જે કરે છે એને સર્ટિફિકેટ ટુ મળે છે . સર્ટિફિકેટ ટુ કહે છે કે તમે વિરાધનાનો ત્યાગ કર્યો છે , આનંદ પ્રમોદનો ત્યાગ કર્યો છે , પરિવારની મમતાનો અને શરીરની રાગ વૃત્તિનો આંશિક ત્યાગ કર્યો . તમે ખરેખર ધર્માત્મા બન્યા છો . 

સર્ટિફિકેટ થ્રી : ધર્મ દ્વારા આત્માની ભીતરમાં કામ થતું હોય છે . ભીતરમાં જેમ જેમ કામ થતું જાય તેમ તેમ ગુણો પ્રગટ થતા હોય છે . ગુણો જેમ જેમ પ્રગટતા જાય છે , એમ એમ ધર્મમાં સ્થિરતા આવતી જાય છે અને અધર્મથી દૂરી બનતી જાય છે .  ઉપધાન કરવા માટે આટલા ગુણોની આવશ્યકતા હોય છે . 
૧. મન મજબૂત રહેવું જોઈએ , અનુકૂળતાથી દૂર રહેવા માટે .
૨. એક દિવસમાં અનેક કલાક સુધી ધર્મક્રિયાઓ ચાલતી રહે એમાં ઉત્સાહ અખંડ રહેવો જોઈએ . 
૩. ઘણા ઘણા દિવસો સુધી કોઈ એક તપસ્યા ચાલતી હોય એમાં આપણી સ્થિરતા બનેલી રહેવી જોઈએ . 
૪. નાહવાનું નહીં . રોજેરોજ નવા કપડાં પહેરવાના નહીં . સાબુ પાવડર ક્રીમનો ઉપયોગ નહીં . માથાના વાળ ગોઠવવાના નહીં . કપડા ઈસ્ત્રી ટાઈટ રાખવાના નહીં . આવી ઢગલાબંધ સાદગીમાં પણ મન પ્રસન્ન જ રહે છે .
૫. ઘરે તદ્દન સર્વ સામાન્ય બની ગયેલી અપ્કાયની , અગ્નિકાયની અને અન્ય વિરાધનાઓથી બિલકુલ બચીને રહેવાનું . ઓછામાં ઓછું પાણી વાપરવાનું . જે પાણી વાપરવાનું તે અચિત્ત જ હોય . 
૬. પાપ કરવાના નહીં . ભૂલથી કોઈ પાપ થઈ જાય એનું પ્રાયશ્ચિત તુરંત લઈ લેવાનું . પાપનો ભય હૈયામાં જીવતો જ રહે એવી સાવધાની કેળવવાની . 
આવા કેટકેટલાય ગુણો આત્મસાત્ થાય છે ઉપધાન દરમિયાન . આ ગુણોનું ઉપાર્જન થયું છે એને લીધે સર્ટિફિકેટ થ્રી મળે છે . આપણે ધર્મ કરીએ છીએ તે ક્રિયાઓ દ્વારા સંપન્ન થાય છે પરંતુ આપણે ધર્મ માટે યોગ્ય છીએ તે ગુણો દ્વારા નિર્ધારિત થાય છે . ઉપધાનમાં ટકી રહેવા માટે ઘણા ઘણા ગુણો સિદ્ધ કરી લેવા પડે છે . ઉપધાનના દિવસો દરમિયાન આપણે ઘણા ઘણા ગુણો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા રહ્યા હતા . જે ગુણો સાથે આપણે જોડાયેલા રહીએ છીએ એ ગુણોનો સંસ્કાર આપણા આત્માની ભીતરમાં સજ્જડ બેસી જતા હોય છે . સર્ટિફિકેટ થ્રી દ્વારા પ્રમાણિત થાય છે કે તમે તમારા આત્મામાં ગુણોનું ઉપાર્જન કર્યું છે અને તમે ગુણોનું સ્થિરીકરણ સિદ્ધ કર્યું છે . 

ઉપધાનના આરાધકો જ્યારે મોક્ષમાળા પહેરે છે ત્યારે એમને આ ત્રણ સર્ટિફિકેટ મળે છે . મોક્ષમાળા પહેરવાની ક્રિયા એ પ્રતીકાત્મક ઘટના છે . મોક્ષમાળા , ગુરુ ભગવંત પહેરાવે ત્યારે ગુરુ ભગવંતનાં પંચ મહાવ્રત અને પંચાચારપાલનની સ્પર્શના મોક્ષમાળા સાથે જોડાય છે . મોક્ષમાળા એટલે પરમ ઉર્જાનો પુરસ્કાર . મોક્ષમાળાનો શ્લોક બહુ પ્રસિદ્ધ છે : मुक्तिकनीवरमाला सुकृतजलाऽऽकर्षणे घटीमाला । साक्षादिव गुणमाला माला परिधीयते धन्यैः ।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *