Press ESC to close

ટાઈટેનિક લેસન ૪ : મોટા કામ કરતી વખતે અહંકારની છાયાથી મુક્ત રહેવું બહુ જરૂરી હોય છે

ઈગો મેનેજમેન્ટનું એક પુસ્તક વાંચ્યું હતું . એ પુસ્તક મારી પાસેથી ચોરાઈ ગયું . કોણ ક્યારે ચોરી ગયું ? ખબર જ ના પડી એટલે ફરીથી એ પુસ્તક વાંચવાનો મોકો મળ્યો નહીં . એકવાર વાંચ્યું હતું એમાં એક મુદ્દો યાદ રહી ગયો હતો . આપણને કુદરત કોઈ ને કોઈ શક્તિ જરૂર આપે છે . એવી શક્તિ જે બીજાની પાસે નથી અને આપણી પાસે છે . એવી શક્તિ જે બીજાની પાસે છે એના કરતાં વધારે સારી રીતે આપણી પાસે છે . આપણને મળેલી શક્તિ દ્વારા આપણે કોઈ કામ કરીએ છીએ અને કામ દ્વારા આપણે અહંકાર બનાવીએ છીએ . આવો ક્રમ ચાલતો રહે છે . એટલે કે આપણી શક્તિ આપણા અહંકારને પુષ્ટ કરવામાં વપરાતી રહે છે . 

એ પુસ્તકમાં એવું લખ્યું હતું કે તમારી પાસે જે શક્તિ છે એનો ઉપયોગ કરવાની જવાબદારી તમારી છે . તમે તમારી શક્તિનો ઉપયોગ ન કરો એટલે તમે તમારી જવાબદારીને ચૂકો છો . પરંતુ તમારી શક્તિનો ઉપયોગ કર્યા પછી અહંકાર બનાવવાની જવાબદારી તમારી નથી . શક્તિનો ઉપયોગ કરીએ એ જવાબદારી છે . શક્તિનો અહંકાર બનાવીએ એ બેજવાબદારી છે . ઈગો મેનેજમેન્ટનો મુખ્ય મુદ્દો એ છે કે તમે જે પણ કામ કરો તે ફક્ત શક્તિનો ઉપયોગ કરવો છે એટલું જ યાદ રાખીને કરો . જે પણ કામ કરવું છે તે અહંકાર માટે કરવું છે એવો વિચાર બનવા જ ન દો . 

એક કામ તમે અહંકારમુક્ત રહીને કરો છો અને એક કામ તમે અહંકારનાં પોષણ માટે કરો છો . બંનેમાં ફરક છે . તમે અહંકાર મુક્ત રહીને કામ કરો છો એનો ફાયદો એ છે કે કામની સાથે તનાવ જોડાતો નથી , હારજીત જોડાતી નથી , લોકોની ચિંતા જોડાતી નથી . અહંકાર મુક્ત મનથી જે કામ કરીએ એ કામમાં આનંદનો પણ અનુભવ થાય છે અને શાંતિનો અહેસાસ પણ મળે છે . અહંકારથી પ્રેરિત થઈને જે કામ કરીએ છીએ એમાં તનાવ આવે છે , હારજીતનો પ્રશ્ન આવે છે , લોકોની ચિંતા આવે છે . અહંકારપૂર્ણ મનથી જે કામ કરીએ એમાં સાત્ત્વિક આનંદ અને વાસ્તવિક શાંતિનો અહેસાસ બનતો નથી . 

અહંકારની છાયાથી મુક્ત રહીને લેવાતો નિર્ણય બહુ સંતુલિત હોય છે .  અહંકારપૂર્ણ મનથી લેવાતો નિર્ણય મોટેભાગે અસંતુલિત હોય છે . ટાઇટેનિક જહાજ દરિયા ઉપરથી દોડી રહ્યું હતું ત્યારે એની સ્પીડ જરૂર કરતાં ઘણી વધારે હતી . ટાઈટેનિક થોડુંક ધીમું દોડતું હોત તો‌ હિમશિલાની પાસે પહોંચત નહીં . એ હિમશિલા કદાચ બાયપાસ થઈ જાત .  ટાઇટેનિક ધીમું દોડતું હોત તો હિમશિલાથી બચવા માટેની કામગીરી કરવામાં આસાની રહેત . ટાઇટેનિક ધીમું દોડતું હોત તો પરિસ્થિતિ ઘણી જુદી હોત . પરંતુ ટાઈટેનિક વધારે પડતી સ્પીડથી ભાગી રહ્યું હતું . એ અહંકાર પ્રેરિત નિર્ણય હતો .

ટાઇટેનિકના કેપ્ટનને એવું લાગતું હતું કે ટાઇટેનિક સૌથી મોટું જહાજ છે આ એક રેકોર્ડ બની ગયો છે .  ટાઇટેનિક સૌથી વધારે ઝડપથી દોડતું જહાજ છે એ પણ સાબિત થાય તો બીજો એક રેકોર્ડ બની જાય . વિશ્વનું સૌથી મોટું જહાજ પોતાના કદને કારણે ધીમું ધીમું આગળ વધ્યું એવા સમાચાર એમને મંજૂર નહોતા  . ટાઇટેનિકના કેપ્ટનને સમાચાર એ બનાવવા હતા કે વિશ્વનું સૌથી મોટું જહાજ , વિશ્વનું સૌથી ઝડપી જહાજ છે . એક રીતે યશ તો મળી જ ગયો હતો પણ એમને બીજી રીતે પણ યશ જોઈતો હતો . આ મહત્ત્વાકાંક્ષા હતી . મહત્ત્વાકાંક્ષાથી લેવાયેલો નિર્ણય જોખમની પરવા કરતો નથી . મહત્ત્વાકાંક્ષાથી મુક્ત માનસ દ્વારા લેવાયેલો નિર્ણય જોખમને આવવા દેતો નથી . કેપ્ટન અહંકારમુક્ત હોત તો ટાઇટેનિક ધીમા વેગે આગળ વધતું હોત . કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થાત જ નહીં . કેપ્ટનના અહંકારે , કેપ્ટનની મહત્ત્વાકાંક્ષાએ જહાજનો અને પ્રવાસીઓનો ભોગ લઈ લીધો .

તમે કોઈ પણ કામ કરો ત્યારે ભીતરના અહંકારને સંતૃપ્ત કરવાની લાલચ ન રાખો . અહંકાર અને લાલચ ખોટા નિર્ણય કરાવશે . અહંકાર હશે નહીં , લાલચ હશે નહીં , તો ખોટા નિર્ણય થશે નહીં . જે કામ અહંકારને સંતૃપ્ત કરવા માટે થાય છે એ કામ માનસિક શાંતિ આપી શકતું નથી . જે કામ અહંકારથી મુક્ત રહીને થાય છે એ કામ માનસિક શાંતિ આપી શકે છે . તમારે અહંકાર પાળીને અશાંતિ સુધી પહોંચવું છે કે અહંકાર છોડીને શાંતિ સુધી પહોંચવું છે એ તમે નક્કી કરી લો . ધર્મશાસ્ત્રનો ઉપદેશ સ્પષ્ટ છે આશયશુદ્ધિ વિનાનો ધર્મ આત્મા માટે લાભકારી બનતો નથી . 

અહંકાર પ્રેરિત પ્રવૃત્તિમાં આ માનસિકતા જોવા મળે છે : બીજા કોઈએ ન કર્યું હોય એવું બેસ્ટ કામ કરવું છે , દુનિયામાં આપણો ડંકો વાગવો જોઈએ , હું જે કરું એવું બીજા કોઈ ના કરી શકે , હવે પછી સૌથી વધારે પ્રશંસા આપણી જ થશે . અહંકારની છાયાથી મુક્ત પ્રવૃત્તિમાં આ માનસિકતા જોવા મળે છે : મારી પાસે જેટલી શક્તિ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે . દુનિયામાં મોટા કામ કરવાવાળા ઘણા બેઠા છે , આપણે નાના માણસ છીએ . જે કરવું છે એ બધું હમણાં જ કરી લેવું છે , પાછળથી કોઈ અફસોસ ના રહેવો જોઈએ . બેય માનસિકતામાં ફરક છે તે સમજાય છે . મોટા કામ કરતી વખતે અહંકારની છાયાથી મુક્ત રહેવું બહુ જરૂરી હોય છે‌ . મોટા કામ કરવાનો મોકો બધાને મળતો નથી . જેને આ મોકો મળે છે એ નસીબદાર હોય છે . જેણે મોટું કામ અહંકાર મુક્ત રહીને કર્યું હશે એને મોટું કામ કરવાનો મોકો વારંવાર મળશે . જેણે મોટું કામ , અહંકાર ઉભો રાખીને કર્યું હશે એને મોટું કામ કરવાનો મોકો બીજી વાર મળશે નહીં .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *