Press ESC to close

ટાઈટેનિક લેસન ૧ .‌ મોટું નુકસાન મોટી ભૂલને જ કારણે થાય છે એવું નથી . મોટું નુકસાન નાની ભૂલને કારણે પણ થાય છે .


Titanicનું નામ કોણ નથી જાણતું ? ૩૧ મે , ૧૯૧૧માં જહાજ લોન્ચ થયું .  દુનિયાનું સૌથી મોટું જહાજ હતું . ૧૦ એપ્રિલ ૧૯૧૨માં સાઉથેમ્પટનથી નીકળ્યું . ૧૪ એપ્રિલ ૧૯૧૨માં હિમખંડ સાથે ટકરાઈને ડૂબ્યું . ૧૫૦૦ લોકો મર્યાં . ૪૫ કરોડના ખર્ચે Titanic બન્યું હતું . ૧૭ માળની બિલ્ડીંગ જેટલું ઊંચું હતું . ત્રણ ફૂટબોલ મેદાન જેટલું લાંબું હતું . રોજના ૮૦૦ ટન કોલસાની ખપત થતી હતી . પ્રવાસીઓના સામાનનું વજન હતું ૯૦૦ ટન . રોજનું ૧૪૦૦૦ ગેલન પાણી વપરાતું હતું . સીટીનો અવાજ ૧૧ માઈલ દૂર સુધી સંભળાતો હતો . જહાજની ફર્સ્ટ ક્લાસ ટિકિટ હતી બે લાખ ચાલીસ હજારની . આજે આ ટિકિટ ૫૦ લાખની થાય . ૨૨૨૩ પ્રવાસીઓ હતા .  

શું કામ ડૂબ્યું આ જહાજ ? દરિયામાં દૂર દૂર સુધી જોવા માટે દૂરબીનની જરૂર પડે છે . મોટી મોટી તૈયારીઓ સાથે જહાજ નીકળ્યું હતું પરંતુ કિનારાથી દૂર નીકળી ગયા પછી ખબર પડી હતી કે જહાજમાં દૂરબીન મળી રહ્યું નથી . દૂરબીન નહોતું એટલે દૂર સુધી નજર ના રહી . રાતના સમયે ઊંચા વોચ ટાવર પરથી દરિયા પર નજર રાખી રહેલા વોચમેનને , દૂરબીનના અભાવે પેલી હિમશિલા દૂરથી દેખાઈ નહીં . હિમશિલા એકદમ નજીક આવી પછી જ દેખાઈ . બચાવ માટે કોઈ કંઈક કરે એટલામાં તો એ ટકરાઈ ગઈ . જહાજ ગયું . એ જમાનાના હિસાબે ટાઈટેનિકમાં સેવન સ્ટાર સુવિધા હતી . બધું જ અકલ્પનીય અને અવિશ્વસનીય રીતે મોંઘું હતું . મોટા શહેરમાં ન મળે એ બધી સામગ્રી ટાઈટેનિક પર મળતી . વિશ્વના સૌથી ઐશ્વર્યસંપન્ન મહેલમાં જે ન મળે એ ટાઇટેનિક પર મળતું . બધું હતું . બસ , એક દૂરબીન નહોતું . એમાં માર પડી ગયો .

કોઈપણ કામ સરસ રીતે પાર પડે તેની માટે સાંગોપાંગ તૈયારી કરવી પડે છે . પડશે એવા દેવાશે એ પોલિસી ક્યારેય કામ આવતી નથી . મોટામાં મોટી ટાંકીનું પાણી ફક્ત એક તિરાડને કારણે ખાલી થઈ જતું હોય છે . આખી ટાંકી જેણે બનાવી હોય એ એક તિરાડ ઉપર ધ્યાન ન આપે એનું પરિણામ એ આવે કે ટાંકી નકામી થઈ જાય . આપણે કરેલી ભૂલ નાની હોય એને આપણે લાઈટલી લેતાં હોઈએ છીએ . આપણા ઉદ્ગારો કેવા હોય છે , જુઓ . આટલું તો ચાલે હવે . જેટલું છે એટલું સારું છે . આટલી નાની વાતનું ટેન્શન શું કામ રાખો છો . આ વલણ છેવટે ભારે પડે છે . મોટું ઓપરેશન કરનારો ડોક્ટર , બેભાન થવાનું નાનું અને સસ્તું ઇન્જેક્શન આપવાનું ભૂલી જાય તો પણ ઓપરેશન નિષ્ફળ જતું હોય છે . મોટું નુકસાન મોટી ભૂલને જ કારણે થાય છે એવું નથી . મોટું નુકસાન નાની ભૂલને કારણે પણ થાય છે . ભૂલ નાની છે એટલે કરાય , ભૂલ મોટી છે એટલે ન કરાય એવું નથી હોતું .

માસક્ષમણની ઈચ્છાથી રોજ ઉપવાસ કરનારો ૨૮મા ઉપવાસના દિવસે ભૂલથી ખાઈ લે એ વખતે ભૂલ નાની હોય છે પણ નુકસાન મોટું થાય છે . સરસ મજાનું ગીત ગાઈ રહેલો ગાયક કલાકાર એક સેકન્ડ માટે સૂર ચૂકે છે એમાં આખું ગીત બરબાદ થઈ જાય છે . ભૂલ ન નાની હોય છે , ન મોટી હોય છે . ભૂલ ફક્ત ભૂલ હોય છે . દરેક ભૂલની સજા નિશ્ચિત છે . દરેક ભૂલ પોતપોતાના તરફથી કોઈ નુકસાનની બક્ષિસ આપે જ છે . કંઈ રહી ગયું હોય તો બેપરવા નહીં રહેવાનું . આપણે સો ટકા લાવી શકતા હોઈએ તો અઠ્ઠાણું ટકા પર અટકી નહીં જવાનું . જે વખતે જે કરવાનું છે એ કરવું જ પડે . જે વખતે જે હોવું જોઈએ એ હોવું જ જોઈએ . ઘણુંબધું હાજર હોય છતાં એકાદ વસ્તુ ગેરહાજર છે , એની ચિંતા ન કરીએ એનાથી શું થાય ? ટાઇટેનિક ડૂબી જાય . 

આપણને પહેલેથી ખબર હોય છે કે આ કામ કરવાનું છે . છતાં આપણે પૂરતી તૈયારી કરતા નથી . આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે પરિણામ પૂરેપૂરું મળે . પરંતુ , પૂરેપૂરી તૈયારી આપણે કરતા નથી . ભૂલી જવાની આદત બહુ વિચિત્ર છે . આ રહી ગયું અને એ રહી ગયું એવી વીમાસણ પાછળથી થયા કરતી હોય છે . પહેલેથી પૂરેપૂરા સજાગ રહ્યા હોઈએ તો કંઈ ના રહી જાય . આવનારા એક મહિનામાં આપણે શું કરવાનું છે એનો અંદાજ આપણને હોવો જોઈએ અને મુજબની તૈયારી આપણે કરી લેવી જોઈએ . આવનારા એક વર્ષમાં આપણે શું કરવાના છીએ એનો અહેસાસ આપણને હોવો જોઈએ અને એ મુજબની તૈયારી થઈ જ જવી જોઈએ . આવનારા જન્મમાં આપણે સદ્ ગતિમાં જવાનું છે એવો સંકલ્પ પાકો હોવો જોઈએ અને એ મુજબ જ જીવનનું ધારાધોરણ નક્કી કરી લેવું જોઈએ . ટાઈટેનિક પર બધું જ હોય અને ફક્ત દૂરબીન જ ન હોય એ ના ચાલે . જિંદગીમાં આગામી સમય માટેની તૈયારીઓ અધૂરી ન હોય એ બિલકુલ ન ચાલે . જેમણે તૈયારી કરી હોય છે એ ભૂલ નથી કરતા . જે ભૂલ કરે છે એમણે તૈયારી કરી નથી હોતી .

ટાઈટેનિકનું લેસન વન કહે છે કે દર વખતે પાક્કું ચેક કરી લો કે આપણે કંઈ ભૂલી તો નથી ગયા ? જે યાદ રાખો છો એ કામ આવે છે , જે કંઈ ભૂલી જાઓ છો એ ભારે પડે છે . વેરઝેર ભૂલી જઈએ એ ચાલે , ખરાબ અનુભવો ભૂલી જઈએ એ ચાલે . કામની વસ્તુ ભૂલી જઈએ એ બિલકુલ ન ચાલે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *