આંબેલ કરવું સહેજ પણ સહેલું નથી . દૂધ નહીં વાપરવાનું અને દૂધથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . દહીં નહીં વાપરવાનું અને દહીંથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . ઘી નહીં વાપરવાનું અને ઘીથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . તેલ નહીં વાપરવાનું અને તેલથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . સાકર અને ગોળ નહીં વાપરવાના અને સાકર અને ગોળથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ ન વાપરવાની . ઘી , તેલ વગેરેમાં તળીને બનાવવામાં આવેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . લીલોતરી , ફળ , સૂકો મેવો નહીં વાપરવાના તેમ જ એનાથી બનેલ વસ્તુઓ નહીં વાપરવાની . કાચું પાણી પણ નહીં વાપરવાનું .
આટલા નિયમો સાથે રોજ ત્રણ ટાઈમ ખાવાપીવાનું પણ ભારે પડી જાય . આંબેલમાં તો એક જ ટાઈમ ખાવાનું હોય . મોટે ભાગે સાઢપોરિસી પછી જ ઉકાળેલું પાણી વપરાય . એનો મતલબ એ થાય કે દિવસના સમયે આઠ કલાક પાણી વાપરવાનું . બાકીના સોળ કલાક પાણી નહીં જ વાપરવાનું .
આવું એક આંબેલ પણ જે કરે તેની સાથે પરમ માંગલ્યનું જોડાણ થાય છે . સહેલું નથી . અઘરું છે . લૂખ્ખી રસોઈ ભાવે નહીં , ગળે ઉતરે નહીં , પચે નહીં , બીજા દિવસે શક્તિ વર્તાય નહીં , આવા કેટલાય પ્રશ્નો આંબેલ કરનારને આવી શકે છે . શ્રી રાજવિજયજી મ.ને આ બધા જ પ્રશ્નો આવ્યા , એમણે એ પ્રશ્નો સામે શરૂઆતમાં હાર પણ ખાધી . એક તબક્કે એમને લાગ્યું કે પાર્થને કહો ચડાવે બાણ , હવે તો યુદ્ધ એ જ કલ્યાણ . અને યુદ્ધ શરૂ થઈ ગયું . ૩૯ ઓળીઓ કરી એમાં ટેવ ગોઠવાઈ અને દૃઢ થઈ. યુદ્ધની ભાષામાં વાત કરીએ તો પગ જમીન પર ગોઠવાઈ ગયા , નજર સાફસુઘડ રીતે સ્થિર થઈ ગઈ . હવે બસ , હુમલો કરવાનો હતો . દત્તુભાઈને જોયા બાદ હલ્લો કરવાનું નવું ઝનૂન જાગી ઊઠ્યું .
સંકલ્પ કર્યો કે હવે દરેક આંબેલ ઠામ ચોવિહારું જ રહેશે . આ સંકલ્પનો અર્થ એ હતો કે જે દિવસે આંબેલ હશે તે દિવસે ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક નિર્જલ રહેશે , જેટલા દિવસ આંબેલ રહેશે તેટલા દિવસ ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક નિર્જલ બનેલા રહેશે . આ ભીષ્મ સંકલ્પ હતો . એસી , કૂલર , પંખા વાપરવાના હતા જ નહીં . ઠંડકની કોઈ વ્યવસ્થા રાખી નહોતી , વાપરતા જ નહોતા . ગરમીના દિવસોમાં ગરમી લાગે અને આંબેલની સૂક્કી રસોઈનાં કારણે તરસ વધારે લાગે . રોજેરોજ એ ગરમીને અને એવી તરસને ખમી ખાતા . ચાલીસ , એકતાલીસ , બેતાલીસમી ઓળીઓ સળંગ થઈ તેમાં ૨૨ કલાકની નિર્જલ અવસ્થા બનેલી જ રહી . જે આગળની ઓળીઓ પણ થતી ગઈ તેમાંય નિર્જલ ૨૨ કલાકની આરાધના ચાલુ જ રહી . પચાસ ઓળીઓ પૂરી થઈ , સાંઠ સિત્તેર એંશી , નેઉં અને નવાણુંમી ઓળી સુધી પહોંચ્યા . હવે એકસોમી ઓળી આવી .
૭ . ઠામ ચોવિહાર આંબેલ : રોજેરોજ ૨૨ કલાકની નિર્જલ અવસ્થા
Previous Post
स्थापनाचार्य अर्चना
Next Post
Leave a Reply