તમને પોતાની બુદ્ધિમત્તા માટે સંતોષ હોય તે સ્વાભાવિક છે . તમે વાતો કરવા બેસો છો . દરેક મુદ્દા અંગે તમારો અભિપ્રાય તૈયાર હોય છે . તમને ના ગમતી હોય તેવી પ્રવૃત્તિના વિરોધ માટે તમારી પાસે દલીલો હોય છે . તમે માણસ માત્રની સમીક્ષા કરી શકો છો . તમને વિચારવા માટે મન મળ્યું છે અને બોલવા માટે જીભ મળી છે . તમે સ્વતંત્ર છો , બંનેનો ઉપયોગ કરવામાં . તમે એમ ધારી લો છો કે હું કહું તે વ્યાજબી જ હોય .
આ ધારણા ખોટી છે . બીજા પણ વિચારી શકે છે . બીજાની પાસે પણ બોલવાની આવડત છે . તમને બીજા ત્રીજા વિષય ઉપર ચર્ચા કરવાથી એક સંતોષ મળે છે . તમે બીજા લોકો કરતાં પોતાને વધુ હોંશિયાર માનો છો . તમે બીજાની સાથે પોતાની સરખામણી કરીને સ્વયંના અહમને વિશેષ પંપાળો છો . તમે બીજાને સલાહ આપવાનું પસંદ કરો છે . તમે આસાનીથી બીજાને મોઢામોઢ કાંઈ પણ સંભળાવી શકો છો , હિંમતબાજ છો . તમને યોગ્ય અને અયોગ્ય શું છે તેની સમજ પડે છે . અલબત્ત , બીજાની બાબતમાં જ .
તમારી પોતાની બાબતમાં તમને ઓછી સમજ પડે છે . તમે બીજાને જેવા પૂરવાર કરવા માંગો છો એવા તો ખુદ તમે જ છો . તમને બીજામાં જૂઠ પ્રપંચ દેખાયા કરે છે કેમકે તમારા જૂઠ પ્રપંચને તમે જાણો છો . તમને બીજામાં ખામીઓ દેખાય છે કેમકે તમે જ ખામીઓના ખોળામાં રમ્યા કરો છો . તમે બીજાને નીચા પૂરવાર કરીને પોતાની બૂરાઈ ઢંકાઈ ગઈ છે તેવો મિથ્યાગર્વ અનુભવી લો છો . તમે ધારો છો એટલા તમે હોંશિયાર નથી . તમે દર વખતે એકમાત્ર પોતાની કહેલી વાતને જ વ્યાજબી માન્યા કરો છો . તમને બીજા ત્રીજા લોકોની વાત વ્યાજબી હોય તેમાં રસ જ નથી . તમને તમારા સિવાય બીજા કોઈને મહત્ત્વ મળે તે નાપસંદ છે .
તમે એક રસોડે જમો છો તો બીજાને પીરસાય એટલું જ તમને પીરસવામાં આવશે . તમારી રોટલીમાં જેવું અને જેટલું ઘી હશે તેટલું જ બીજાને મળ્યું હશે . ખોટી સરખામણી કરવાની આદત છોડી દો . તમારી ભૂલની ચર્ચા તમારી સાથે બેસીને કરવામાં આવે ત્યારે તમારે તમારી ભૂલ કબૂલવી જ પડે તેવા તમે કમજોર છો .
તમે જ એકલા હોંશિયાર હશો ને બીજા કોઈ જ હોંશિયાર નહીં હોય તો આ દુનિયા ચાલશે કેવી રીતે ? હજારો હજારો જવાબદારીઓ અને સેંકડો સેંકડો વ્યવસ્થાતંત્રોને તમે એકલા શી રીતે સંભાળી શકવાના હતા ? તમારે તો એ પણ વિચારવાનું છે કે ગઈકાલ સુધી તમે પણ ભૂલો કરીને ફસાયા કરતા હતા , માર ખાતા હતા . આજે થોડા પગભર થઈ ગયા છો એટલા માત્રથી તમે મહાન્ અને પ્રતિભાવાન્ બની જતા નથી . તમે હતા એવા ને એવા જ છો .
ફરક તમારાં ભાગ્યમાં , તમારી પરિસ્થિતિમાં પડ્યો છે . ભાગ્યનો સાથ હોય એવા દિવસોમાં તમે તમારી જાતને હોંશિયાર માની લો છો . એટલે ભાગ્ય પરવારશે ત્યારે તમારી બુદ્ધિ ચાલી જશે એમ સમજી લેવાનું ? તમે આજે સારી જગ્યાએ છો તેનો તમને સંતોષ હોવો જોઈએ . તમારાથી એનું અભિમાન કરી શકાય નહીં . તમે પોતાને મોટા માણસ માનીને ચાલી રહ્યા છો . તમે શીખવાનું ભૂલી ગયા છો અને બીજાને શિખામણ આપવાની દિશા તમે પકડી લીધી છે . તમે બીજા માણસોને પગથી માથા સુધી ઓળખતા હશો . એવા કોઈ અહંકારની ધૂનમાં તમે પોતાના વિચિત્ર સ્વભાવને જ નથી ઓળખી શક્યા . તમે સુખી હશો . તમે સંપન્ન હશો . તમે હોંશિયાર હશો . પણ તમે ધારો છો એટલા હોંશિયાર તમે છો નહીં .
તમને મળેલું સુખ મોટું છે પરંતુ દુનિયાનો સૌથી મોટો સુખિયો કોઈ બીજો આદમી છે , તમે નહીં . તમને થોડાક રૂપિયા મળ્યા છે એ સારી વાત છે પણ દુનિયાનો સૌથી મોટો શ્રીમંત કોઈ બીજો આદમી છે , તમે નહીં . તમે એક રાજા સામે જીત્યા હશો . તમે આખી દુનિયા સામે જીત્યા નથી . તમે અમુક બાબતમાં અને અમુુક વખતે હોંશિયાર પુરવાર થયા હશો પણ દરેક બાબતમાં અને દરેેક વખતે એકમાત્ર તમે જ હોંંશિયાર પુરવાર થવાના છો એવું માની લેવાય નહીં . તમે ચાહે ગમે તેટલા મહાન્ હશો , તમારું જહાજ ટાઇટેનિકની જેમ ડૂબી ન જાય , તેનું ધ્યાન રાખજો . તમે ધારો છો એટલા હોંશિયાર તમે નથી .
Leave a Reply