દુકાનો અને કંપનીઓ સારા માલના આધારે ચાલે છે . ખરાબ માલ વેંચનારી દુકાન કે કંપની બજારમાં શાખ ગુમાવે છે . ઘરાકો અને એજન્ટોને સારો માલ આપવાથી વિશ્વાસપાત્રતા વધે છે . ખરાબ માલ આપનારી દુકાન અને કંપની , ઘરાકો અને એજન્ટોને ગુમાવે છે . ખરાબ માલનું વેચાણ દુકાન અને કંપનીને નુકશાનમાં ઉતારી દે છે .
તમારો સ્વભાવ એ કંપની છે . તમારો વહેવાર એ પ્રોડક્શન છે . તમારી ભાવનાઓ તમારી દુકાન છે . તમારી રજૂઆત એ તમારો માલિક છે . તમારી સમક્ષ આવનારા લોકોને તમારા વહેવાર કે તમારી રજૂઆતમાંથી હંમેશા મધુરતા મળવી જોઈએ . તમે જેમની સાથે બોલો છો તેમને તમારા શબ્દો દ્વારા કડવાશ મળી હોય તો તમે ખરાબ માલ વેચી રહ્યા છો . તમારા વહેવારથી તમારી વાતોથી , તમારા શબ્દોથી સામા માણસને દુઃખ પહોંચ્યું હોય તો તમે તમારી કંપનીની આબરૂને બગાડી છે .
તમે પાછળની તરફ નજર નાંખો . તમારી સાથે સતત જીવી રહેલા સ્વજનોને તમે સારો માલ આપ્યો છે કે ખરાબ માલ આપ્યો છે . દુકાનમાં થોડો ખરાબ માલ આવી જાય તો અજાણ્યા માણસને હળવેથી પધરાવી દો છો . જોકે , ખરાબ માલ આ રીતે પણ વેચાય નહીં . પણ , સમજો કે એ રીતે પધરાવી દો છો તો એ વખતે પણ તમને યાદ હોય છે કે મારે આ કચરો નિયમિત ઘરાકને આપવાનો નથી . ખરાબ માલ નિયમિત ઘરાકને આપશો તો એ આવતો બંધ થઈ જશે . તમને નુકસાન થશે . ખરાબ શબ્દો અને ખરાબ વર્તન આપણા નિયમિત ઘરાકોને એટલે કે સ્વજનોને આપતી વખતે તમને આ માર્કેટિંગ ફોર્મ્યુલા યાદ નથી રહેતી .
તમે અધિકારની ભાષામાં વાત કરો છો . તમે હક જમાવો છો . તમારી દાદાગીરી જબરી હોય છે . તમે સામા માણસને ગાંઠતા જ નથી . તમે તમારું જ વિચારો છો . સામા માણસનું વિચારતા જ નથી . સરવાળે તમારા દ્વારા બીજાને દુઃખ પહોંચ્યા કરે છે . તમે તમારા ખરાબ પ્રોડક્શનને શોધી કાઢો . તમારા સ્વજનોને તમે વારંવાર અપશબ્દો ઉચ્ચારીને દુભાવતા રહ્યા છો . તમારા સ્વજનોના કાળજે ડામ ચંપાય તેવી વાણી તમે ઓચરતા રહ્યા છો . તમને , તમે ગુસ્સો કર્યો છે તે યાદ નથી . તમને , એ માણસોને પહોંચેલા જખમોનો કોઈ જ અહેસાસ નથી . તમે તમારી જિંદગીની દુકાનમાંથી ખરાબ માલ વહેંચીને તમારી દુકાનને જ નુકશાન પહોંચાડી રહ્યા છો .
કદાચ , તમે તમારા પતિ કે પત્નીને ખરાબ શબ્દો કહ્યા છે . કદાચ , તમે તમારી માતા કે બાપને ખરાબ શબ્દો કહ્યા છે . કદાચ , તમે તમારા ભાઈ કે બેનને ખરાબ શબ્દો કહ્યા છે . કદાચ , તમે તમારા દીકરા કે દીકરીને ખરાબ શબ્દો કહ્યા છે . કદાચ , તમે તમારા જમાઈ કે વહુને ખરાબ શબ્દો કહ્યા છે .
તમારા ખરાબ શબ્દોએ તમારી ગુણવત્તા બગાડી છે . તમારા આક્રોશે તમારી મીઠાશને ખાખ કરી છે . તમારા રોષે તમારા પ્રેમનું બાષ્પીભવન કર્યું છે . તમારી રજૂઆત અને તમારી વાતો દ્વારા તમે બીજાને હેરાન કર્યા છે અને એ રીતે તમારી જાતને તમે નુકશાન કર્યું છે . તમારા દ્વારા તમારા સ્વજનો કેટલી બધી વાર દુઃખી થયા છે તેનું તમને ભાન નથી . તમે આપેલાં દુઃખોની દુનિયા બહુ મોટી છે . તમારા સ્વજનો તમારી આ ઉગ્રતા ખમીને તમારી સાથે રહે છે તે એમનો બહુ મોટો ઉપકાર છે .
Leave a Reply