
તમે વિચારો છો તે તમારી ચેતના છે . તમારાં મનમાં ચાલતા વિચારો પરથી તમે તમારી જાતને સારી રીતે ઓળખી શકો છો . વિચારોને જોવા , વિચારોને તપાસવા , વિચારોને ઘડવા . તમને વિચારવાનું ગમે છે તે નક્કી છે . વિચારવાથી પરિસ્થિતિ સમજાય . વિચારવાથી નિર્ણય મજબૂત થાય . વિચારવાની સ્વતંત્રતાને આજે ખોટી રીતે ક્વોટ કરાઈ રહી છે . તમે વિચારો છો તેની પર બીજાનું દબાણ ન આવે તે બરોબર છે . બીજાની સારી અને સાચી વાતને તમે સ્વીકારવા જ તૈયાર ન હો તે બરોબર નથી . તમારા વિચાર સાથે સંકળાય તેવા ત્રણ મુદ્દા છે .
એક , તમે જે વિચારો તેમાં સ્વાર્થની મુખ્યતા ન હોવી જોઈએ . તમે વસ્તુ સ્થિતિની સાથે રહીને વિચારશો , તમે તમારા તરંગો પ્રમાણે વિચાર કરશો અને તમારા વિચાર પ્રમાણે કશું થાય નહીં તો તમારો જ વિચાર તમને દુઃખી કરશે . તમારી અપેક્ષા મુજબ , તમારી ઈચ્છા મુજબ જ પરિસ્થિતિનું પરિણામ આવશે તેમ માનીને વિચારી ન શકાય . તમારે તો વાસ્તવિકતાને ઓળખીને જ વિચાર કરવો જોઈએ . તમે વાસ્તવિકતાથી દૂર હશો તો તમારો વિચાર તમને દુઃખી બનાવશે . તમે હકીકતને સમજી શકતા હશો , તમે મુદ્દા પાસે જઈને અટકી શકતા હશો તો જીત તમારી થશે . તમે આડેધડ વિચાર્યા કરશો તો મજા મરી જશે .
બે , તમે જે વિચારો છો તેમાં સ્થિરતા હોવી જોઈએ . તમારો વિચાર તમારા સ્વભાવ મુજબ આવે છે . તમે એક વિચાર પર આવો છો તે પહેલાં તમે એ વિચારની યોગ્યતા અને અયોગ્યતાને તપાસી શકો છો . તમે જે યોગ્ય છે તેની કબૂલાત આપી છે . તમે જે યોગ્ય તત્ત્વ નથી તેને પહેલેથી જ ટાળી દીધું છે . તમે તમારા વિચારમાં સ્પષ્ટ છો . તમને એ વિચાર ગમ્યો છે માટે જ તમે અપનાવ્યો છે . હવે તમે વિચારને બદલી ન શકો . તમારા કમાણીના પૈસા પર તમારી માલિકી છે . પૈસો હાથમાં આવ્યો તે ગુમાવી શકાય નહીં . વિચાર મનમાં જાગ્યો અને સ્પષ્ટ થયો તે હવે બદલી શકાય નહીં . વિચારનો નિશ્ચય કરવા માટે મનોમંથન જરૂરી છે . વિચાર બંધાઈ ગયા પછી સ્થિરતા જરૂરી છે .
ત્રણ , તમારા વિચારોમાં સતત પ્રશસ્ય ઉમેરો થવો જોઈએ . તમે પરમ જ્ઞાની નથી . તમે મહાવિજ્ઞાની નથી . તમે સાધારણ આદમી છો . તમે જે વિચારશો તે સારું હશે તેમ તમે જે ન વિચાર્યું હોય તેવી બાબતો પણ સારી હોઈ શકે છે . તમે આજ લગી ખૂબ સારું વિચાર્યું છે . તમે જે વિચાર પામ્યા તેનું ઊંડાણ તમે શોધી શકો છો . તમે જે વિચાર્યું તે દિશામાં આગેકૂચ અને આગે કદમ કરી શકો છો .
તમારા વિચારો તમારી સમૃદ્ધિ અને તાકાત છે . તેની પર તમારું ઘડતર થવું જોઈએ . વિચારો તમને ઘડે છે , એ શરૂઆતનો તબક્કો છે . તમે વિચારને ઘડો છો તે આગળનો તબક્કો છે . તમે આગળ વધો , તમારા વિચારો દ્વારા તમારા વિચારોમાં .
Leave a Reply