
સાધનાના ત્રણ નિયમ છે . નિયમ એ નિયમ હોય છે . નિયમમાં બાંધછોડ હોતી નથી . નિયમમાં ઢીલાશ રખાતી નથી . નિયમ કડક હોય છે . નિયમનું પાલન કરવું પડે છે એટલે કરવું જ પડે છે . આ ત્રણ નિયમ દરેક સાધક પાળે છે . આ ત્રણ નિયમ જે પાળતા નથી એ સાધના કરી શકતા નથી . અરિહંતો અરિહંત બને છે તે પહેલાં આ ત્રણ નિયમો અવશ્ય પાળે છે . સિદ્ધ ભગવંતો સિદ્ધ બને એ પહેલાં આ ત્રણ નિયમોનું પાલન અનિવાર્ય રૂપે કરે છે . આચાર્ય , ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી પદ પર બિરાજમાન છે તે પણ આ નિયમોનું પાલન અવિરત કરતા હોય છે . જે જે પૂજનીય તત્ત્વ છે , વંદનીય તત્ત્વ છે , આરાધ્ય તત્ત્વ છે એનામાં પૂજનીયતા , વંદનીયતા અને આરાધ્યતા આવી એનું કારણ આ ત્રણ નિયમો છે . ત્રણ નિયમ કઠણ છે , સરળ નથી . નિયમનું પાલન પૂરેપૂરું કરીએ એવું પણ બની શકે છે . નિયમનું પાલન થોડા અંશે કરીએ એવું પણ બની શકે છે . નિયમનું પાલન ન કરતાં હોઈએ તો મનમાં પસ્તાવો રહેવો જોઈએ . નિયમનું પાલન ઢીલું ઢીલું થતું હોય તો મનમાં એનો રંજ રહેવો જોઈએ . ત્રણ નિયમો સાથે જીવન જોડાય તો સર્વોત્તમ . બાકી ત્રણ નિયમો સાથે મનનો સાચો પ્રેમ જોડાય એ પણ અગત્યનું જ છે .
તમારે વિશ્વનાં કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો ચોક્કસ નિયમો પાળવા જ પડે છે . તમે નિયમની મર્યાદામાં રહેશો નહીં તો શક્તિશાળી બની જ નહીં શકો . તમારે જો જીવનમાં સુખી બનવું હોય તો બે કામ કરી શકાય . યા તો શક્તિશાળી બનો યા તો , શક્તિશાળી સાથે જોડાઈ જાઓ . તમે શક્તિશાળી પણ નથી અને શક્તિશાળી સાથે જોડાયા પણ નથી તો તમે જીવનમાં ક્યારેય સુખી નહીં થઈ શકવાના . સાધનાનાં ક્ષેત્રમાં આત્મા શક્તિશાળી બને એ માટે આ ત્રણ નિયમોનું પાલન અગત્યનું છે . પહેલી ભૂમિકા એ બને કે તમે સ્વયં આ નિયમોનું ઉત્તમ રીતે પાલન કરો . બીજી ભૂમિકા એ બને કે જે આ નિયમોનું ઉત્તમ રીતે પાલન કરે છે એમની સાથે તમે જોડાયેલા રહો . સાધનામાં આ બે સિવાયનું ત્રીજું કોઈ ઓપ્શન તમને મળવાનું નથી .
ત્રણ નિયમ આ મુજબ છે : એક , તમે સુખ છોડી શકો છો અને સુખ છોડીને પણ રાજી રહી શકો છો . બે , તમે દુઃખ સહન કરી શકો છો અને દુઃખ સહન કરતી વખતે પણ રાજી રહી શકો છો . ત્રણ , તમે બીજાને દુઃખ આપતાં નથી અને ભૂલેચૂકે પણ તમારા થકી બીજાને દુઃખ પહોંચી ગયું તો તમે એનો પારાવાર પસ્તાવો અનુભવો છો . વાંચવામાં કે સાંભળવામાં આ નિયમો બહુ સરળ લાગે છે પરંતુ આ નિયમો સહેજ પણ સરળ નથી . આ નિયમ લેતી વખતે પણ ઘણી પરીક્ષા થાય છે . આ નિયમ પાળવામાં પણ ઘણી પરીક્ષા થાય છે અને આ નિયમમાં ટકી રહેવામાં પણ ઘણી પરીક્ષાઓ થાય છે .
તમારી પાસે સુખ હોય અને તમે એ સુખનો આનંદ ન લો એવું સામાન્ય રીતે બને નહીં . પરંતુ તમે જ્યારે કોઈ સુખમાં મગન બનો છો ત્યારે તમે તમારા હાથે થઈ શકે એવા કોઈ એક કામને તમે લટકતું મૂકી દો છો . તમે સુખમાં ડૂબો છો ત્યારે પેલું કામ ટલ્લે ચડી જાય છે . તમે સાધક નથી તો તમને આ પરિસ્થિતિ વાંધાજનક લાગશે નહીં પરંતુ તમે સાધક હશો તો તમને આ પરિસ્થિતિમાં ગરબડ જણાશે . સાધક ખાવાનું સુખ માણતો હોય છે ત્યારે એની સાધના ખોરંભે ચડી જાય છે . સાધક સુગંધના તરબતર આનંદમાં પ્રસન્ન બનતો હોય ત્યારે હોય એની વિરાગ દશા અસ્તવ્યસ્ત થઈ જતી હોય છે . સાધક કોઈ સુંદરતાને નિહાળવામાં એકરૂપ થઈ જાય ત્યારે એની સાધક દશાને ધક્કો લાગતો હોય છે . સાધક સુંદર કપડાં , સુંવાળી પથારી કે અનુકૂળ સ્પર્શને માણવા લાગે છે ત્યારે એની સાધના વિચલિત થવા માંડે છે . સ્પર્શ , સ્વાદ , સુગંધ , સુંદરતા અને સ્વર – આ પાંચ ઇન્દ્રિય સંબંધી સુખોથી સાધક દૂર રહેતો હોય છે .
સાધકને સાધનાની ક્ષણોમાં જે આત્મશુદ્ધિ થાય છે તે જ અગત્યની લાગતી હોય છે . આત્મશુદ્ધિ વધતી જાય એની પર સાધકનું પૂરેપૂરું ફોકસ બનેલું હોય છે . સહજ રીતે આવી પડેલી અનુકૂળતામાં સાધક ભૌતિક આનંદનો અનુભવ રચતો નથી . થોડી અઘરી વાત છે . પણ સમજવા જેવી છે . તમે જ્યારે આ પાંચમાંથી કોઈ પણ એક સુખ આનંદ લો છો ત્યારે એનાથી આત્માને કશો ફાયદો થતો નથી . તમે જ્યારે આ પાંચમાંથી કોઈ એક સુખનો આનંદ લો છો ત્યારે આત્માનું વિસ્મરણ થાય એવું બનતું હોય છે . તમે જ્યારે આ પાંચમાંથી કોઈ એક સુખનો આનંદ લો છો ત્યારે એ સુખની સંવેદના આત્મશુદ્ધિને નુકસાન કરે એવું બની શકે છે . આત્માનો સ્વભાવ એવો છે કે આ પાંચ વગર પણ આત્મા પ્રસન્ન રહી શકે છે . પરંતુ સામાન્ય આદમીએ એવું માની લીધું છે કે જો સુખ મળે છે તો આ પાંચ દ્વારા જ મળે છે અને આ પાંચ હોય નહીં તો સુખ મળે નહીં . આ માન્યતા આત્મા માટે નુકસાનકારી છે . આ માન્યતા મજબૂત થાય એવું દરેક વર્તન આત્મા માટે નુકસાનકારી છે .
આત્મા સાથે ચાર પરિસ્થિતિઓ બનતી હોય છે . એક , આત્માને લાભ થાય છે . બે , આત્માને લાભ નથી થતો . ત્રણ , આત્માને નુકસાન થાય છે . ચાર , આત્માને નુકસાન નથી થતું . ક્યારે પણ કંઈ પણ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે સાધક આ ચાર પરિસ્થિતિઓમાંથી કંઈ પરિસ્થિતિ બનશે અને કંઈ પરિસ્થિતિ નહીં બનશે એનું સંતુલન રાખે છે . એક , જેનાથી આત્માને લાભ થતો ન હોય એની સાથે જોડાવામાં સાધકને રસ પડતો નથી . બે , જેનાથી આત્માને નુકસાન થતું હોય એની સાથે જોડાવા માટે સાધક તૈયાર હોતો નથી . ત્રણ , જેનાથી આત્માને નુકસાન નથી એની સાથે જોડાવામાં સાધકને સંકોચ થતો નથી . ચાર , જેનાથી આત્માને ઘણો લાભ થતો હોય એનાથી સાધક દૂર રહેતો નથી .
પાંચ ઈન્દ્રિયોથી મળનારો આનંદ ઘણીબધી સાધનસામગ્રીની અપેક્ષા રાખે છે . વળી તે સાધનસામગ્રી માટે ઘણાબધા પૈસા આદિની વ્યવસ્થા બનાવવી પડે છે . ઈન્દ્રિયને પ્રિય લાગે એવી સાધનસામગ્રીનું સંગ્રહણ વિશેષ રીતે કરવું પડે છે , સાધન સામગ્રી માટે પૈસા આદિનું સંગ્રહણ પણ કરવું પડે છે . આ દરેક સંગ્રહણ માટે જે જે પુરુષાર્થ કરવાનો થાય છે એ પુરુષાર્થ આત્મા માટે લાભકારી હોતો નથી .
સુખ ત્રણ રીતે આત્માને નુકસાન કરતું હોય છે . એક , ઈન્દ્રિયનું સુખ પણ આત્માને નુકસાન જ કરે છે . બે , ઈન્દ્રિયનું સુખ આપનાર સાધન સામગ્રીનું સંગ્રહણ પણ આત્માને નુકસાન જ કરે છે . ત્રણ , એ સાધનસામગ્રી માટે જે ધન ઉપાર્જન આદિ કરવું પડે તેનાથી પણ આત્માને નુકસાન જ થાય છે . સાધક સુખથી દૂર રહેવાનો સંકલ્પ કરે છે એને લીધે તે આ ત્રણ નુકસાનથી બચી જાય છે . સાધનામાં આત્માને નુકસાન ન થાય એ સૌથી વધારે અગત્યનું હોય છે કારણ કે નુકસાન થવાનું બંધ થાય તે પછી લાભ એની મેળે થવા લાગે છે .
સુખને સ્વ ઈચ્છાથી છોડવું તે સાધના છે . જે સુખને છોડ્યું તેને યાદ ન કરવું તે સાધના છે . સુખ વિના પણ પ્રસન્ન રહેવું તે સાધના છે . સુખની સામગ્રી હશે તો જ હું પ્રસન્ન રહી શકીશ એમ વિચારવું એ એક ભ્રમણા છે . સુખસંબંધી ભ્રમણાથી મુક્ત રહેવું એ સાધના છે . સુખની દાદાગીરી ખતમ થઈ જાય તે પછી જ સાધના શરૂ થાય છે .
સુખનો ત્યાગ એ પહેલો નિયમ છે . બીજો અને ત્રીજો નિયમ શું છે એની વાત હજી બાકી છે .
Leave a Reply