૧૩.૮.૯૮ના તમામ ગુજરાતી દૈનિક સમાચાર પત્રોમાં ( ગુજરાત સમાચાર , સંદેશ , જયહિંદ , આજકાલ , સાંજ સમાચાર , સમકાલીન , મિડ ડે – ગુજરાતી , સમભાવ , જન્મભૂમિ , લોકસત્તા , પ્રભાત , રખેવાળ અને અન્ય ન્યૂઝ પેપરમાં ) મોટા મથાળા સાથે કાળધર્મના સમાચાર છપાયા હતા . સાથોસાથ ૧૩.૮.૯૮ના દિવસે , ધોધમાર અને દેમાર વરસાદ પડશે એવી આગાહી પણ થઈ હતી .
મોટા મોટા રાજનેતાઓ સામાન્ય પ્રજાની માફક સાદગીથી દર્શનાર્થે આવ્યા હતા . અમદાવાદના અને બહારગામના ભાવિકોની લાંબી લાંબી લાઈનો કલાકો સુધી ચાલુ ને ચાલુ જ રહી હતી . જેઓ આંબેલ કે અન્ય તપસ્યા કરી શકતા હતા એવા આરાધકોએ જાણે પોતાનો પ્રેરણાસ્ત્રોત ગુમાવ્યો હતો . જેઓ આંબેલ કે અન્ય તપસ્યા કરી શકતા નહોતા તેમણે જાણે પોતાના સર્વોચ્ચ આદર્શમૂર્તિને ખોયા હતા . સૌના ચહેરા પર ઘેરી ગ્લાનિ આવી ગઈ હતી કે હવે ત્રણસોમી ઓળીની વાતો ક્યાં થશે ? આ તો મહાત્મા શાલિભદ્રજીની અંતિમ ઘડીઓ યાદ આવે એવું જ બની ગયું હતું . મહાત્મા શાલિભદ્રજીને બે દિવસનું આયુષ્ય ઓછું પડી ગયું અન્યથા એ મોક્ષમાં જ જવાના હતા . તપસ્વી સૂરિદેવને પણ આયુષ્ય જ ઓછું પડી ગયું
અન્યથા એ ત્રીજી વારની એકસોમી ઓળી પૂરી કરવાના જ હતા . શું એમની તિતિક્ષા હતી ? શું એમની નમ્રતા હતી ? શું એમની પ્રતિભા હતી ? શું એમની પુણ્યાઈ હતી ? ગજબ . ગજબ .
અરસ પરસ સૌ આ જ વાતો કરતા હતા . એટલામાં એક નવી વાત જાણવા મળી : ગિરધરનગરનાં જિનાલય પર , ચોમાસા નિમિત્તે બંધાયેલ વ્યાખ્યાન મંડપ પર , આસપાસના બંગલાઓ પર કેસરના ખુશ્બૂદાર છાંટણાં થયાં હતાં . તપાસ કરવામાં આવી તો વાત સાચી નીકળી હતી . કેસરનાં છાંટણાં ખરેખર થયા હતા અને એમાંથી તીવ્ર સુગંધ ખરેખર જ આવી રહી હતી . આ કોઈ દેવતાઈ સંકેત હતો . જય જય નંદા , જય જય ભદ્દા એ દેવલોકની દુનિયાનું સ્વાગત સૂત્ર છે . કોઈ મહર્દ્ધિક દેવતા જનમ લે ત્યારે તેના સેવક દેવો – જય જય નંદા , જય જય ભદ્દા બોલીને એમનું દેવલોકમાં સૌપ્રથમ સ્વાગત કરે છે . કોઈ મહાત્મા કાળધર્મ પામે છે ત્યારે જય જય નંદા , જય જય ભદ્દા બોલીને એવો ભાવ વ્યક્ત કરવાનો હોય છે કે આ મહાત્માને ધન્ય છે કે સાધનાનાં ફળ રૂપે એમણે સદ્ગતિ મેળવી લીધી છે . જાણે કે મનુષ્યલોકને દેવલોકે છાંટણાં મોકલીને જવાબ આપ્યો હતો કે હા , આ મહાપુરુષનો વૈરાગી આતમા અમારે ત્યાં પધારી ચૂક્યો છે .
શ્રાવણ વદ છઠની વરસાદી સવારે આશરે સાડા સાત વાગ્યાની આસપાસ ચડાવા શરૂ થયા હતા . આશરે સાડા નવ વાગે તપસ્વી સૂરિદેવની જાજરમાન પાલખીએ વિદાય લીધી હતી . આકાશમાં વાદળાં ગરજી રહ્યા હતા . ભીડ એવી હતી કે અમદાવાદના રસ્તાઓ પર માનવોનું પૂર ફેલાયું હોય એવું લાગતું હતું . ગુલાલની છોળો ઉછળી રહી હતી . જય જય નંદા , જય જય ભદ્દાના ગગનભેદી નારા અવિરત ગાજી રહ્યા હતા . આખુંય અમદાવાદ આ મહાતપસ્વી સૂરિદેવની વિદાયને નિહાળી રહ્યું હતું .
અગ્નિ સંસ્કાર છારોડીમાં થશે એવો નિર્ણય થયો હતો . ગિરધરનગરથી છારોડી ચાલીને જવાનું હોય તો ઘણું દૂર કહેવાય . એમાં વરસાદી મોસમ . એમ લાગતું હતું કે આટલે દૂર કેમ કરીને પહોંચાશે પરંતુ માત્ર સવા ચાર કલાકમાં અંતિમયાત્રા ક્યાંયકશે અટક્યા વિના નિર્ધારિત સ્થાને પહોંચી ગઈ હતી . એ પરમ ગુરુભક્ત કુમારપાળભાઈ માણેકલાલનો પ્લૉટ હતો જે અગ્નિસંસ્કાર કાજે સંઘને અર્પિત કરવામાં આવ્યો હતો . હજારો ભક્તોની સાથે પાલખી એ મુકરર સ્થાને આવી પહોંચી હતી . પાલખી અંદર પ્લોટ તરફ વળી એ પછી તુરંત જ એ રૉડ પર અવૈધ રીતે પશુઓને કતલખાને લઈ જનારી ગાડીઓ દેખાઈ હતી . સદ્યઃસ્વર્ગત સૂરિદેવે જીવનકાળ દરમિયાન અગણિત જીવદયાઓ કરાવી હતી અને અગણિત જીવોને અભયદાન અપાવ્યું હતું . સૂરિદેવના અગ્નિસંસ્કારની ક્ષણોમાં આમ જીવો કતલખાને જતાં દેખાય અને એમને બચાવીએ નહીં તે કેમ ચાલે ? એ પશુઓને બચાવી લેવાની વ્યવસ્થા કરવામાં આવી . આશરે ૩૫૫ જીવોને અભયદાન મળ્યું . મહાતપસ્વી સૂરિદેવે જતાં જતાં પણ કરુણા વરસાવી હતી જાણે .
———–
છેલ્લી ઘડીએ વધુ એકવાર દૈવી સંકેત જેવી ઘટના બની હતી . અગ્નિ સંસ્કાર માટે આવેલા લોકો જેટલા ભૂમિવિસ્તાર પર ઊભા હતા , ત્યાં વરસાદ નહોતો . પરંતુ એ વિસ્તારની બહાર ચોતરફ કડાકાભેર વરસાદ ચાલુ હતો , દૂર દૂર સુધી . સૌને સમજાઈ રહ્યું હતું કે આપણી ચારે બાજુ વરસાદ જ વરસાદ છે અને આપણી પર વરસાદનો એક છાંટો પણ પડી રહ્યો નથી . જાણે કે જલદેવતાએ , અગ્નિદેવતાને વિઘ્ન ન આવે એનો સંકલ્પ કર્યો હતો . અગ્નિસંસ્કારની ભૂમિને , અગ્નિસંસ્કારના ચોતરાને વરસાદે હાથ લગાવ્યો નહીં . અગ્નિ સંસ્કારનો લાભ મેળવનારો પરિવાર આગળ આવ્યો હતો . વિરાધનાઓથી વિમુક્ત રહેનારો વર્ધમામતપસમ્રાટ્ સૂરિદેવનો સંયમપૂત દેહ અગ્નિનો સ્પર્શ પામ્યો હતો . જૈન શાસનનાં ગગનાંગણેથી એક ઝળહળતો સૂરજ અલોપ થઈ ગયો હતો .
Leave a Reply