Press ESC to close

સુખીને જોઈને શું વિચારવું જોઈએ ? : દુઃખીને જોઈને શું વિચારવું જોઈએ ?

કોઈને સુખી જુઓ તો શું વિચારશો ? કોઈને દુઃખી જુઓ તો શું વિચારશો ? કુલ મળીને ચાર વાત બને છે . સુખી હશે અને ધર્મ કરતો હશે . સુખી હશે અને ધર્મ નહીં કરતો હોય . દુઃખી હશે અને ધર્મ નહીં કરતો હોય . દુઃખી હશે અને ધર્મ કરતો હશે .

સુખી હશે , સંપન્ન હશે , ધર્મના ખાસ્સાબધા કાર્ય કરતો હશે ,  સંભાળતો હશે , એવું દૃશ્ય હોય તો પ્રસન્ન થવાનું . વિચારવાનું કે આ પૂર્વભવથી પુણ્ય સારું લઈને આવ્યો છે એટલે સુખી જીવન મળ્યું છે અને પુણ્યનો ઉપયોગ સારા માર્ગે કરી રહ્યો છે . પુણ્ય એને સારી જગ્યાએ લઈ આવ્યું છે અને પુણ્યને એ સારી જગ્યા સાથે જોડી રહ્યો છે . સુખીનાં સુખને જોઈને ઈર્ષા કરીએ તો દોષ લાગે . સુખીનાં સુખની જોઈને સ્પર્ધા અનુભવીએ તોય દોષ લાગે . સુખીનાં સુખને જોઈને એની નિંદા કરીએ તોય દોષ લાગે . સુખીનાં સુખને જોઈને તેની સાથે સ્વાર્થભાવનાપૂર્વક સંબંધ જોડીએ તો પણ દોષ લાગે . પરંતુ સુખીનાં સુખને જોઈને એના સુખથી પ્રભાવિત ના થઈએ અને એના દ્વારા થઈ રહેલા ધર્મના ઉત્તમ કાર્યથી પ્રભાવિત થઈએ . આ છે સત્ અહોભાવ . 

સુખી સંપન્ન વ્યક્તિ ધર્મ સાથે ખાસ જોડાયેલી હશે નહીં , ધર્મનાં ક્ષેત્રમાં આવવાનો એનો કોઈ ઇરાદો પણ નહીં હોય , એને દુનિયાદારી પસંદ હશે , આનંદ પ્રમોદ પસંદ હશે . આ બીજી પરિસ્થિતિ થઈ . આવો સુખી માણસ જો થોડો ઘણો ધર્મ કરે છે તો એમાં પણ નામ કમાવાની વૃત્તિ વધારે છે અને આત્માનું ભલું કરવાની વૃત્તિ ઓછી છે . એટલે એનો ધર્મ પણ કષાય પ્રેરિત જ છે . આ સુખીને જોઈને એનું સુખ ઘણું મોટું છે એવો વિચાર આવે તો આપણે ફસાયા એમ સમજવાનું . આ સુખીને જોઈને એટલું જ વિચારવાનું એ પૂર્વનું પુણ્ય લઈને આવ્યો છે એટલે સુખી જીવન મળ્યું છે . પરંતુ જુઓ તો ખરા . પુણ્યનો સદ્ ઉપયોગ તો આ કરતો જ નથી . પુણ્યનો સારો ઉપયોગ જે કરે નહીં એ દુર્ગતિમાં જાય એ નક્કી છે . આટલું મોટું પુણ્ય લઈને આવ્યો છે પરંતુ ધર્મથી વંચિત છે એટલે બિચારો દુર્ગતિમાં જવાનો . આવો વિચાર મનમાં બનાવીએ . એનાં સુખથી પ્રભાવિત ના થઈએ . એનાં સુખની અનુમોદના ન કરીએ . બલકે એનું સુખ એને દુર્ગતિમાં લઈ જશે આથી એની માટે ફક્ત દયાવૃત્તિ ધારણ કરીએ . આ વિચારણા અસત્ અનુમોદનાથી મુક્ત રહે છે . 

કોઈને દુઃખી અવસ્થામાં જોઈશું ત્યારે આપણને એની માટે અહોભાવ નહીં થાય , એની અનુમોદના કરવાનું મન નહીં થાય . બલ્કે તે દુઃખી છે એ જોઈને જુદા જુદા વિચાર આવશે . જો એ દુઃખી વ્યક્તિ આપણી શત્રુ હશે આપણે એનું દુઃખ જોઈને રાજી થઈશું . જો એ દુઃખી વ્યક્તિ આપણી પ્રતિસ્પર્ધી હશે તો એને દુઃખી જોઈને આપણને કોઈ અજીબ રાહતનો અનુભવ થશે . જો એ દુઃખી વ્યક્તિ આપણા વિરોધમાં ગયેલી હશે તો આપણને એ વ્યક્તિનાં દુઃખમાં આપણી જીત દેખાશે . જો એ દુઃખી વ્યક્તિ આપણું કહેલું માનતી નથી એને લીધે દુઃખી થઈ છે એવું જોવા મળે તો આપણને એ દુઃખી વ્યક્તિ પર ગુસ્સો આવશે . જો એ દુઃખી વ્યક્તિની પરિસ્થિતિ નબળી પડી છે એને કારણે દુઃખી છે અને એ વ્યક્તિની જવાબદારી લેવા માટે આપણે કોઈપણ રીતે તૈયાર ન હોઈએ તો એ દુઃખી વ્યક્તિને જોઈને આપણને છટકવાનું મન થશે . દુઃખી વ્યક્તિને જોયા બાદ તમને એ દુઃખી વ્યક્તિ માટે દ્વેષ થાય એવું પણ બને . દુઃખી વ્યક્તિને જોઈને તમને કેવા વિચાર આવશે એનો કોઈ ભરોસો નથી . ઘણા વિચાર આવી શકે . 

સર્વ સામાન્ય રીતે દુઃખી વ્યક્તિને જોઈને , આપણને દયાના વિચાર આવે , સહાય કરવાના વિચાર આવે . પરંતુ અહોભાવ અને અનુમોદનાની શ્રેણીમાં વિચારોને ગોઠવવા હોય તો દુઃખી વ્યક્તિને જોઈને અહોભાવ ક્યારે થાય , ક્યારે ન થાય અને અનુમોદના ક્યારે થાય , ક્યારે ન થાય – એ આપણે સમજી લેવાનું છે . દુઃખમાં ફસાયેલી વ્યક્તિ પણ પૂર્વનાં પાપકર્મનો બોજો ઉઠાવીને આવી છે એ સમજી શકાય એવું છે . જે જે વ્યક્તિ જૂનાં પાપનો હિસાબ ચૂકવી રહી હોય એણે નવાં પાપ બાંધવાના હોય નહીં . જૂનાં પાપમાંથી નવા પાપ ઊભા કરવા એ મૂર્ખામીનો ધંધો છે . વિકટ પરિસ્થિતિમાં પણ જે મૂર્ખામી ન કરે એની માટે અહોભાવ બને છે , જે મૂર્ખામી કરે એની માટે અહોભાવ નથી બનતો . 

દુઃખની પરિસ્થિતિમાં માણસ ધર્મને ભૂલી જાય , ધર્મને છોડી દે , ધર્મ માટેનો આદર ગુમાવી દે એવું બની શકે છે . અમુક લોકો પહેલેથી જ ધર્મવિરહિત હોય છે . એ લોકોનાં જીવનમાં દુઃખ આવે ત્યારે તેઓ ધર્મને યાદ કરે નહીં એવું બની શકે છે . એમનાં જીવનમાં દુઃખ ચાલુ છે પરંતુ એમણે જીવનમાં ધર્મ ચાલુ કર્યો નથી . આવા લોકો પાપનો ઉદય ભોગવી રહ્યા છે અને પાપનો બંધ કરી રહ્યા છે . જે લોકો વર્તમાનમાં પાપનું ફળ ભોગવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ પાપનું ફળ જ ભોગવવાના છે એમની માટે કેવળ અનુકંપા જ રાખવાની  હોય . આ દુઃખી જીવો માટે દ્વેષ બનાવીને મનને ખરાબ કરવાની કોઈ જરૂર નથી . આ દુઃખી જીવો માટે ફક્ત અનુકંપા જ રાખવાની હોય .

દુઃખની પરિસ્થિતિમાં જે માણસ ધર્મને ભૂલતો નથી , બલકે દુઃખને લીધે જ એ વિશેષ રીતે ધર્મમાં મગ્નતા બનાવે છે . આ વ્યક્તિએ દુઃખને ધર્મનું આલંબન બનાવી દીધો . દુઃખના સમયમાં ધર્મ એની શક્તિ બની . ધર્મ એનો આધાર બન્યો છે . ધર્મ એનાં મનને શક્તિ આપે છે . ધર્મ એનાં જીવનને સત્ત્વ આપે છે . દુઃખના સમયમાં જે ધર્મ સાથે જોડાયેલો રહે છે તે પ્રબળ ભાગ્યશાળી હોય છે . સુખના સમયમાં ધર્મ યાદ રહે તે ખુશીની વાત છે . દુઃખના સમયમાં પણ ધર્મ યાદ રહે તે આત્મસંતોષની વાત છે . દુઃખના સમયમાં જેણે ધીરજ રાખી છે ,  મનને મજબૂત રાખ્યું છે , જીવનને ધર્મ સાથે જોડી રાખ્યું છે તે ભવિષ્યના નવાં પાપોને બાંધી રહ્યો નથી . તે ફક્ત પુરાણાં પાપોને આહિસ્તા આહિસ્તા ખતમ કરી રહ્યો છે . જે પાપ બાંધી રહ્યો ના હોય  અને પાપને ખતમ કરી રહ્યો હોય તેની અનુમોદના જ હોય . 

જેનાં જીવનમાં દુઃખ છે એને દુઃખથી બચાવવો એ આપણું કર્તવ્ય છે . આ કર્તવ્ય ક્યારે પણ ભૂલી શકાય નહીં .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *