Press ESC to close

શ્રુતભક્તિની યાત્રા બારેય મહિના ચાલુ રહેવી જોઈએ

પરમાત્મા જીવંત અવસ્થાએ સમવસરણમાં બિરાજમાન હોય ત્યારે પ્રભુની સાથે બે જ્ઞાન જોડાયેલા હોય છે . પ્રભુની ભીતરમાં પ્રગટેલું જ્ઞાન તે કેવળજ્ઞાન અને પ્રભુની વાણી થકી પ્રકટી રહેલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન . પ્રભુ મોક્ષમાં ગયા તો પોતાનું કેવળજ્ઞાન સાથે લઈને ગયા પરંતુ શ્રુતજ્ઞાન આપણને સોંપીને ગયા . 
શ્રુતજ્ઞાનના ત્રણ સમયખંડ બને છે . શ્રી મહાવીર સ્વામી ભગવાનના મોક્ષગમન પછીના ૯૮૦ વરસનો સમયખંડ આ પ્રથમ સમયખંડ છે . પ્રથમ સમય ખંડમાં કેવળ મૌખિક સ્વાધ્યાય થતો હતો .  પુસ્તકમાં જોઈને વાંચવાનો કે શીખવાનો વ્યવહાર શ્રમણસંઘમાં હતો નહીં . જે પણ અભ્યાસ થતો તે કેવળ સાંભળીને થતો .  જોકે , આ સમયખંડના અંતે તાડપત્ર ઉપર ગ્રંથો લખવાનું શરૂ થયું . તે પછીના ૧૪૦૦ વર્ષનો સમયખંડ આ બીજો સમયખંડ છે . . બીજા સમયખંડમાં હસ્તલિખિત ગ્રંથો હતા અને એમના જ આધારે જ્ઞાન ઉપાર્જન થતું હતું .   આ પછીના ૨૦૦ વર્ષનો સમયખંડ આ ત્રીજો સમયખંડ છે . આ સમયખંડમાં પુસ્તકો મુદ્રિત રૂપે મળવા લાગ્યા . મુદ્રિત પુસ્તકોમાં કોઈપણ એક પુસ્તકની ૧૦૦૦ નકલ કે ૧૦.૦૦૦ નકલ બની શકે . આવી સુવિધા હસ્તલિખિત પુસ્તકોમાં સંભવિત નથી . 


ત્રણ સમયખંડના આધારે વિચારીએ તો શ્રુતના ત્રણ સ્વરૂપ બને છે . એક મૌખિક શ્રુત . બે હસ્તલિખિત શ્રુત .  ત્રણ મુદ્રિત શ્રુત . આ ત્રણેય પ્રકારનાં શ્રુતથી મનમાં જે શ્રદ્ધા પ્રકટે છે , શુભ ભાવો પ્રગટે છે તે ભાવશ્રુતની ભૂમિકા ધારણ કરે છે . પર્યુષણ દરમિયાન ૧૧ કર્તવ્યોની વાત થાય છે એમાં શ્રુતભક્તિની વાત આવે છે . આપણે શ્રુતભક્તિના જુદા જુદા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ . 


૧ . જ્ઞાનભંડારની સેવા કરવી જોઈએ . કબાટ સાજાનરવા  હોય . પુસ્તકો ફાટેલાતૂટેલા ન હોય . કવર ચડેલા હોય , નામ – નંબર અને સ્ટીકર સરસ રીતે લાગેલા હોય . લિસ્ટ તૈયાર હોય . આ દરેકની દેખરેખ રાખવાની હોય . જ્ઞાનભંડારની શ્રદ્ધાપૂર્વકસેવા કરવાથી જ્ઞાનાવરણનો ઉત્કૃષ્ટ ક્ષયોપશમ પ્રગટે છે . 
૨ . આપણે જે રીતે પ્રભુમૂર્તિની પૂજા કરીએ છીએ તે રીતે  ગ્રંથની પણ પૂજા કરી શકીએ છીએ . ગ્રંથની પૂજામાં શું શું કરી શકાય ? ગ્રંથની શણગાર પૂજા , અષ્ટપ્રકારી પૂજા , અલંકાર પૂજા , વિશિષ્ટ વાસક્ષેપપૂજા . જે રીતે પ્રભુને ભાવપૂર્વક ખૂબ ખૂબ પૂજીએ એ રીતે ગ્રંથને મર્યાદાપૂર્વક ખૂબખૂબ પૂજીએ . સૂત્રોના ચડાવા બોલીએ . 
૩ . આપણાં શાસ્ત્રોનો ઈતિહાસ સાંભળવો જોઈએ , વાંચવો જોઈએ અને યાદ રાખવો જોઈએ . આગમ સાહિત્ય , આગમિક વૃત્તિ સાહિત્ય , આગમેતર સાહિત્ય , આગમેતર વૃત્તિ સાહિત્ય . કઈ શતાબ્દીમાં કયો ગ્રંથ લખાયો ? આ બધું જાણવું જોઈએ . જે પ્રજા પોતાના ઇતિહાસને યાદ નથી રાખતી એ પ્રજાનું પતન થાય છે . જે પ્રજા પોતાના ઇતિહાસને ગૌરવપૂર્વક યાદ રાખે છે એ પ્રજાની ઉન્નતિ થાય છે . 
૪ . આપણે ત્યાં ગાથાઓ અને સૂત્રો કંઠસ્થ કરવાની પરંપરા છે . જે ગાથાઓ અને જે સૂત્રો કંઠસ્થ હોય છે એને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે . જે વ્યક્તિ ગાથા કે સૂત્રને કંઠસ્થ કરવાની કોશિશ કરે છે તેને શ્રુતને આત્મસાત્ કરવાનું વિશિષ્ટ પુણ્ય પ્રાપ્ત થાય છે . આ પુણ્યના પ્રભાવે આવતા ભવમાં ફરીથી સમ્યક્  શ્રુતની પ્રાપ્તિ થાય છે . આપણી ઉંમર કોઈ પણ હોય , રોજ નવી ગાથા કરવાની કોશિશ ચાલુ જ રાખવી જોઈએ . આપણને કેટલી ગાથા ચડે છે એ અગત્યનું નથી . આપણે ગાથા કંઠસ્થ કરવાની કોશિશ કરીએ છીએ એ ઘણું જ અગત્યનું છે . 
૫ . શ્રુતનો અર્થ છે શાસ્ત્ર . શાસ્ત્રનું શ્રવણ કરે એને શ્રાવક કહેવાય છે . દર વર્ષે બે ત્રણ પાંચ કે એનાથી વધુ શાસ્ત્રોનું શ્રવણ ગુરુના મુખે કરવું જોઈએ . વાચના લેવી જોઈએ .  વાચનામાં જે સાંભળ્યું એની નોંધ નોટબુકમાં કરવી જોઈએ .  વ્યાખ્યાન સાંભળવું એ અગત્યનું છે પરંતુ શાસ્ત્રો સાંભળવા એ વધારે અગત્યનું છે . શાસ્ત્રની પૂજા કરતા હોઈએ અને શાસ્ત્રને , મૂળશાસ્ત્રને સાંભળતા ન હોઈએ તો એ પૂજાનો અર્થ શું રહે ? શાસ્ત્ર સાંભળવા જોઈએ . 
૬ . એક જીવનમાં બધા જ શાસ્ત્રો સાંભળી શકશું એ સંભવિત નથી . ઘણાં શાસ્ત્રો એવાં હશે જેમનું શ્રવણ‌‌ રહી જશે . કરવાનું શું ? ઘણાંબધાં શાસ્ત્રનાં નામ જાણવા જોઈએ અને તે તે શાસ્ત્રમાં કયો વિષય છે એ વિષયને જાણી લેવો જોઈએ . જેમ કે સમરાદિત્યકથામાં ક્રોધ ન કરવાનો ઉપદેશ છે , ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં ચોવીશ તીર્થંકરની કથા છે .  આ રીતે દરેક ગ્રંથમાં કયો વિષય છે એની જાણકારી મેળવવી જોઈએ . 
૭ . જ્યાં મૌખિક શ્રુતની આરાધના થાય છે તેવી પાઠશાળામાં આર્થિક સહયોગ આપવો જોઈએ . જ્યાં હસ્તલિખિત શ્રુતની આરાધના થાય છે એટલે કે તાડપત્ર અથવા ટકાઉ કાગળ પર શ્રુતલેખનની પ્રવૃત્તિ ચાલે છે એવી સંસ્થામાં આર્થિક સહયોગ આપવો જોઈએ . વર્તમાન સમયમાં મુદ્રિત થતું પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય જ્યાંથી પ્રકાશિત થતું હોય ત્યાં આર્થિક સહયોગ આપવો જોઈએ . 
૮ . આપણા શાસ્ત્રોની પ્રાચીન ભાષા છે સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા . આ ભાષાઓ શીખવી જોઈએ . આ ભાષામાં વાંચન કરી શકીએ એવું પ્રશિક્ષણ મેળવવું જોઈએ . 
૯ . આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં ધર્મશાસ્ત્રના જે સર્વશ્રેષ્ઠ જ્ઞાની ગુરુ ભગવંત હોય એમને ખૂબબધો આદર આપવો જોઈએ . એમની માટે અહોભાવ રાખવો જોઈએ . એમની ભક્તિ કરવી જોઈએ . એમના મનમાં પ્રસન્નતા જાગે એવી રીતે એમની સેવા કરવી જોઈએ . વિશિષ્ટ જ્ઞાનસંપન્ન ગુરુ ભગવંતની  ભક્તિથી આપણને અવશ્ય વિશિષ્ટ જ્ઞાન  પ્રાપ્ત થાય છે . 
૧૦ . વર્તમાન સમયમાં જે ઉત્તમ સાત્વિક પુસ્તકો પ્રકાશિત થાય છે એને ખરીદવા જોઈએ . ઘરે રાખવા જોઈએ અને યોગ્ય લોકો સુધી સારાં પુસ્તકો પહોંચાડવા જોઈએ . આપણે પુસ્તકો ખરીદશું નહીં તો એ પુસ્તકોમાં જે જ્ઞાન છે એનાથી વંચિત રહી જઈશું . આપણે પુસ્તક બીજાને આપીશું નહીં તો કદાચ એ પણ પુસ્તકમાં રહેલાં જ્ઞાનથી વંચિત રહી જશે . પુસ્તક ખરીદવા જોઈએ , ઘરે રાખવા જોઈએ અને યોગ્ય લોકોના હાથમાં મૂકવા જોઈએ . 
૧૧ . આપણે ગુરુવંદન , ચૈત્યવંદન , પ્રતિક્રમણ , સ્નાત્રપૂજા આદિ ક્રિયાઓમાં – જે જે સૂત્રો બોલીએ છીએ , સ્તવન- -સજ્ઝાય-થોય બોલીએ છીએ એની રચના કોઈ ને કોઈ ગુરુ ભગવંતે કરી છે . આવશ્યક ક્રિયાના સૂત્રોની રચના ગણધર ભગવંતોએ કરી , અન્ય સૂત્રોની રચના ચોક્કસ ગુરુ ભગવંતોએ કરી . સૂત્રોના રચનાકાર ગુરુ ભગવંતોનો આપણી પર અનહદ ઉપકાર છે . આપણે તે દરેક ગુરુ ભગવંતોને વંદન કરીએ , અહોભાવપૂર્વક યાદ કરીએ એ આપણું કર્તવ્ય છે . 
શ્રુતિભક્તિનાં કાર્યમાં કાયમ જોડાયેલા રહેવાનું છે : સંકલ્પ પાકો રાખજો . 

( પર્યુષણ તૃતીય દિન પ્રવચન : ૨૦૨૪ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *