Press ESC to close

શ્રાવણ વદ પાંચમ : વર્ધમાન તપ સમ્રાટની અલવિદાનો દિવસ

વર્ધમાનતપસમ્રાટ્ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ આજના દિવસે અલવિદા લીધી . મહાપુરુષોએ જે કર્યું હોય એને યાદ કરવામાં આવે છે અને એને અનુસરવાની યથોચિત કોશિશ કરવામાં આવે છે . આવું જ બને છે દરેક મહાપુરુષો સાથે . પરંતુ શ્રીરાજતિલક સૂરીશ્વરજી મહારાજાએ જે કર્યું નહોતું તેને પણ યાદ રાખવામાં આવ્યું છે અને એનું અનુકરણ પણ કરવામાં આવ્યું છે . એમણે વર્ધમાન આંબેલ તપની ૩૦૦ ઓળીઓ કરી નહોતી . તેઓ ૨૮૯ ઓળીઓ સુધી પહોંચી શક્યા હતા . છતાંય એમને ૩૦૦ ઓળીઓ માટે સવિશેષ યાદ કરવામાં આવે છે .

મુનિપરંપરામાં સૌપ્રથમ વાર ૩૦૦ ઓળીઓ સુધી પહોંચનારા પૂ.મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજયજી મહારાજાને ૩૦૦ ઓળીઓ સુધી પહોંચવાની પ્રેરણા ક્યાંથી મળી હતી ? ૩૦૦ ઓળીઓના ૧૫૧૫૦ આંબેલ કરવાનો મહાપુરુષાર્થ સાધનારા આ મુનિભગવંતે પહેલીવારની એકસો ઓળીઓ જે દિવસે પૂરી કરી હતી તે જ દિવસે શ્રીરાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ ૨૦૦ ઓળીઓ પૂરી કરી હતી . દિવસ હતો વિ.સં.૨૦૩૪ ફાગણ વદ દશમ . શ્રી દિવ્યાનંદવિજયજી મહારાજાએ ૩૦૦ ઓળીઓ પૂરી કરી ત્યારે એમને સૌથી વધુ યાદ આવી હતી શ્રીરાજતિલકસૂરીશ્વરજી મહારાજાની . કેમ કે એકસો ઓળીઓ એકવાર સંપન્ન થઈ જાય તે પછી એ એકસો ઓળીઓ બીજીવાર શરૂ કરી શકાય છે અને પૂર્ણ કરી શકાય છે આ મહાન્ વિચારને સૌ પ્રથમ વાર અવતાર આપ્યો હતો શ્રીરાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ . એટલું જ નહીં એકસો ઓળીઓ બીજીવાર સંપન્ન થઈ જાય તે પછી એ એકસો ઓળીઓ ત્રીજીવાર શરૂ કરી શકાય છે અને પૂર્ણ કરી શકાય છે આ મહાન્ વિચારને પણ સૌ પ્રથમ વાર અવતાર આપ્યો હતો શ્રીરાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ .

મહાત્મા શાલિભદ્રજીને આયુષ્ય ઓછું પડ્યું એટલે એ મોક્ષ સુધી પહોંચાડી શકે એવો છઠ ન કરી શક્યા . આ ઘટના યાદ આવે એવું જ બન્યું હતું શ્રીરાજતિલક સૂરીશ્વરજી મહારાજા સાથે . એમનું આયુષ્ય સમાપ્ત થયું એ કુદરતનો ક્રમ હતો બાકી તેઓ ત્રીજીવાર સો પૂરી કરવાના જ હતા . આજે શ્રાવણ વદ પાંચમે તેઓ મહાસમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા .

પોતાની પાછળ તેઓ એક અતુલબલી વિચાર જીવતો મૂકતા ગયા : વર્ધમાન તપની બસ્સો ઓળીઓ અને ત્રણસો ઓળીઓ પૂરી કરી શકાય છે આ વિચાર . એ વિચારને સૌપ્રથમ વાર સાકાર કર્યો પૂજ્ય મહાસાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજી મ. સા.એ . આજે આ મહાશ્રમણી ચોથીવાર વર્ધમાન તપની સો ઓળીનો પાયો નાંખી ચૂક્યા છે અને આગળ આગળ વધી જ રહ્યા છે જે એક અકલ્પનીય ઈતિહાસ જ છે . પ્રથમ વારની સો ઓળીઓ પછી બીજી વાર અને ત્રીજી વાર પણ આગળ વધી શકાય એવો આદર્શ આ મહાઆર્યાને શ્રીરાજતિલક સૂરીશ્વરજી મહારાજાની પાસેથી મળ્યો . આગામી સમયમાં ત્રણસો ઓળીઓના જે પણ આરાધકો , આરાધિકાઓ ઈતિહાસનાં પાને જોવા મળશે એમનાં હૈયે બસ્સો અને ત્રણસો ઓળીઓનો સૌ પ્રથમ પુરુષાર્થ કરનારા સૂરિરાજતિલકની યાદ બનેલી જ રહેશે .
સૂરિરાજતિલકે બસ્સોમી ઓળી કરી તે પૂર્વે કોઈએ બસ્સોમી કરી નહોતી . સૌ સો ઓળી કરીને અટકી જતા . સૂરિરાજતિલકે બસ્સોમી ઓળીનો અભિનવ આદર્શ પ્રસ્થાપિત કર્યો . સૂરિરાજતિલકે ત્રણસોમી ઓળી કરી નહોતી પરંતુ ત્રણસોમી ઓળી સુધી કેવી રીતે પહોંચી શકાય છે એનો જાજરમાન આદર્શ પણ તેમણે પ્રસ્થાપિત કર્યો હતો  . તેમણે કરેલી ૨૮૯ ઓળીઓ એમના સમયની અકૃતપૂર્વ અને અકલ્પિતપૂૂર્વ તપસ્યા હતી .   

સમ્રાટ્ ભલે ચંદ્રગુપ્ત મૌર્ય બન્યા હતા પરંતુ સ્વપ્નદૃષ્ટા કહેવાયા હતા મહામાત્ય ચાણક્ય . એમ પોતાની અનુગામી પેઢી માટે બસ્સો અને  ત્રણસો ઓળીઓના સ્વપ્નદૃષ્ટા અને સ્વપ્નદાતા એક જ બન્યા રહેશે : શ્રીરાજતિલક સૂરીશ્વરજી મહારાજા .

महाजनो येन गत: स पन्था એ પંક્તિને વર્ધમાન તપની ઓળીઓ સાથે જોડીએ તો એક વાત નિશ્ચિત છે . વર્ધમાન તપની એકસો કે બસ્સો કે ત્રણસો ઓળીઓ કરનારા મહાભીષ્મ તપસ્વીઓ માટે તેઓ તેજોમય ધ્રુવના તારા સમાન દિશાદર્શક महाजन રહેવાના છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *