
( અંગ્રેજી તારીખિયા અનુસાર બે હજાર પચ્ચીસનું વરસ આજે શરૂ થયું . આપણું બેસતું વરસ તો કાર્તિક સુદ એકમના દિવસે શરૂ થઈ ગયું છે . આજના દિવસથી એક નવી યાત્રા શરૂ થાય છે . રોજ મળશું . )
ઘણું અઘરું હતું . બધાએ જ કહ્યું હતું કે તમે આ પહાડ ચડી નહીં શકો . સીધું ચઢાણ છે . લાંબો રસ્તો છે . એક સરખા પગથિયાં નથી . એકસરખો સિમેન્ટ રોડ પણ નથી . એકસરખી ઉખડ બાખડ જમીન પણ નથી . એકસરખું બધું જ અઘરું છે એવું પણ નથી . એકસરખું સહેલું નથી એ વાત પાકી છે . જુવાનજોધ માણસના ફેફસાં પણ ફાટવા લાગે એવો મારગ છે . ચડવાનું અઘરું છે એને ઉતરવાનું પણ અઘરું જ છે . યાત્રા લાંબી છે એટલે સમય પણ ઘણો લાગી જાય છે . આથી થાક પણ ઘણો જ લાગતો હોય છે , એય પાછું અઘરું જ છે . એટલે યાત્રા કરવા માટે નીકળ્યો ત્યારે મનમાં ડર ભરેલો હતો . વિચારેલું કે જેટલું ચડાશે એટલું ચડીશ . પછી એમ લાગશે કે નથી ચડાતું તો ધીમે ધીમે પાછો ઊતરી જઈશ . ડોલીમાં બેસીને ચડવાનો વિચાર હતો નહીં . ચડવું તો પગેથી ચડવું એવી ધારણા હતી . આ ધારણાને લીધે ડર હતો કે – નહીં ચડાયું તો વિલે મોઢે પાછા જવું પડશે . પરંતુ વિક્રમ સંવત્ બે હજાર એક્યાસીની સાલમાં માગશર વદ દશમે મારી ડાયરીમાં આ શબ્દો લખાયા હતા : હું આજે સ્વર્ગનો સ્પર્શ અનુભવી શકું એવી ઊંચાઈ પર છું . હું સમેતશિખરના શૃંગે છું . આ તપોભૂમિ છે . વીશ વીશ તીર્થંકર ભગવાને અહીં અંતિમ ઉપવાસ એવા કર્યા જેનાં પારણાં થયાં જ નહીં . સમેતશિખરજીથી જે અણહારી અવસ્થાનો પ્રારંભ થયો તે અણહારી અવસ્થા આજે સિદ્ધશિલામાં પણ પ્રવર્તમાન છે . આઠ કર્મો સામેની લડાઇમાં ઘાતીકર્મનો નાશ થાય એ પહેલી જીત છે . એ જીત પછી કેવલ જ્ઞાન થતું હોય છે . કોઈ એક જ ભૂમિ પર વીશ વીશ તીર્થંકરને કેવલજ્ઞાન થયું નથી . આઠ કર્મો સામેની લડાઇમાં અઘાતીકર્મનો નાશ થાય એ આખરી જીત છે . એ આખરી જીત પછી મોક્ષ મળે છે . વીશ વીશ પ્રભુએ આખરી જીત આ પર્વતરાજ પરથી મેળવી છે . એને લીધે આ પર્વતને મહાતીર્થાધિરાજ તરીકેનું ગૌરવ મળે છે . આ ચમત્કાર કેવી રીતે થયો ? મને આજ સુધી સમજાયું નથી પણ હકીકત એ છે કે હું પોષ દશમીની ત્રણેય રાત સમેતશિખરજી મહાતીર્થના ખોળે સૂતો હતો . પહેલી રાત કલિકુંડ જિનાલય પાસેની ધર્મશાળામાં . બીજી અને ત્રીજી રાત જલમંદિરની પાસેની નાનકડી ઓરડીમાં .
માગસર વદ નોમના દિવસે સવારે ઋજુવાલિકાથી વિહાર કર્યો હતો . મધુબનમાં શામળિયા પાર્શ્વનાથ ભગવાનના ભાવપૂર્વક દર્શન કર્યાં . બપોરે ચાર વાગે પહાડ પર આરોહણ શરૂ કર્યું . થોડીવારમાં જ કલિકુંડ જિનાલય આવી ગયું . સૂર્યાસ્ત પહેલાં પહોંચી જવાયું . નાની ધર્મશાળામાં રાતવાસો મળ્યો . પહાડ પરની રાત રોમાંચક હતી . શહેર દૂર હતું . વસતિ નહિવત્ . શિખરજી વિશે ઘણું વાંચ્યું છે , શાસ્ત્રોમાં , ઈતિહાસમાં , પુસ્તકોમાં . ઋજુવાલિકા – નંદપ્રભા સંકુલમાંથી , છેક ૧૮ કિલોમીટર દૂરથી આ પર્વતરાજનાં દર્શન થાય છે . આવા વિરાટ પહાડ પર ચડવાની લાગણી હંમેશા બનતી . દરવખતે , ડુંગરા દૂરથી રળિયામણા – એ કહેવત જ યાદ આવતી . દૂરથી જોવાનું સહેલું છે . નજીક આવીને ચડવાનું ઘણું અઘરું છે . જોકે ઘણાય યુવાનો ઝડપથી ચડી જાય છે . પણ એવા લોકોનેય જોયા છે જે ચડવાનું અધૂરું છોડીને પાછા નીચે ઉતરી ગયા . આવતીકાલે મારી હાલત પણ આ જ થવાની છે એવું લાગતું હતું . મનમાં ઘણી જ ખુશી હતી કે પર્વતરાજની ઉપર રાતનો સમય રોકાવા મળ્યું છે . જેમણે જેમણે વારંવાર યાત્રા કરી છે એમનાં મોઢે સાંભળ્યું હતું કે કલિકુંડ પછી થોડુંક ચાલવાનું છે અને એના પછી જ ખરેખર અઘરું ચડાણ શરૂ થાય છે . જેટલું ચડી ગયા એનો કોઈ આનંદ મનમાં હતો નહીં . જે ચડવાનું બાકી છે એનો ખૌફ જ મનમાં જાગી રહ્યો હતો . દેરાસરમાં ચૈત્યવંદન કર્યું હતું , જાપ કર્યો હતો . ઓરડીમાં બેસીને ધ્યાન કર્યું હતું અને સ્વાધ્યાય કર્યો હતો . હું પહાડ ઉપર છું એનો રોમાંચ ઘણો હતો . શિખરજીનાં સ્તવનો અને સ્તોત્રો ગાતાં આવ્યા છીએ . શિખરજી ઉપર અનશન સાધનારા તીર્થંકર ભગવંતો અને અન્ય સાધકોએ પણ રાત પહાડ ઉપર જ વિતાવી છે . એમની રાત નિદ્રા વિનાની હતી , પ્રમાદ વિનાની હતી , ભય વિનાની હતી . મને સમજાતું હતું કે મારી રાત એવી નથી , મારે નિદ્રા લેવાની છે , આરામ કરી લેવાનો છે , અન્યથા સવારે ચડવામાં થાક લાગશે . સભાનતાપૂર્વક નિદ્રા સાથે જોડાઈ જવાની કોશિશ કરી પરંતુ ઊંઘ ન આવે . પહેલું કારણ , યાત્રાભૂમિનો રોમાંચ . બીજું કારણ , કડકડતી ઠંડી . નીચે મકાનોની વચ્ચે હોઈએ ત્યારે ઠંડી હોય એના કરતાં લાગે ઓછી . ઉપર પહાડ પર હોઈએ ત્યારે ઠંડી હોય એના કરતાં લાગે વધારે . કંઈ ક્ષણે ઊંઘ આવી ખબર ના પડી . રાત્રે એક દોઢ વાગે કલિકુંડ કેમ્પસની બહાર , પહાડી રસ્તા ઉપરથી લાઠી ઠોકાવાના અવાજ આવવા લાગ્યા . સમજાયું કે લોકોએ આરોહણ શરૂ કરી દીધું છે . પહાડ પર ત્રણ પ્રકારના આરોહકો ચડે છે : શ્વેતાંબરો , દિગંબરો અને ઝારખંડીઓ . દિગંબરોની સંખ્યા પહાડ ઉપર ઘણી જ વધારે જોવા મળે છે . એ લોકો રાતે એક દોઢ વાગ્યાથી ચડવાનું શરુ કરી દેતા હોય છે . એમનો નિયમ બહુ પાકો હોય છે . એ લોકો આખા પહાડની યાત્રા કરશે . જ્યારે શ્વેતાંબરોનું નિયમ જુદો છે . શ્વેતાંબરો જલ મંદિર જઈને સંતૃપ્ત થઈ જાય છે . પછી ફાવે તો પારસનાથ જાય , મૂડ બને તો ચંદ્રપ્રભજી જાય . સૂર્યોદયના સમયે ચંદ્રપ્રભજી પહોંચી જનારા દિગંબરો ઘણા હોય છે . લાઠીની ઠકાઠકના અવાજ ચાલુ જ રહ્યા .
ઘણા લાંબા સમય પછી જ્યારે અમે ચડવાનું શરૂ કર્યું ત્યારે લાઠીવીરોની સંખ્યા ઘણી વધી ગઈ હતી . લાઠીનો અવાજ કરનારાઓમાં અમુક લોકો ડોલીવાળા હતા . કલિકુંડ પછી થોડુંક ચાલ્યા હોઈશું . ચઢાણ આવવા લાગ્યું . પગના ગોટલા પર એવું વજન લાગવા માંડ્યું કે જાણે કોઈએ પગ પર રેતીની થેલીઓ બાંધી હોય અને શ્વાસો એ રીતે ભારે થવા લાગ્યા કે જાણે કોઈએ મોઢાને નાકને જાડા કપડાથી બાંધી દીધું હોય . પગ ભારે અને શ્વાસો ભારે , આ પરિસ્થિતિ દસબાર મિનિટની હોય તો સહન થઈ જાય , અડધો પોણો કલાકની પણ હોય તો સહન થઈ જાય . પરંતુ સતત દોઢબે કલાક સુધી આ જ પરિસ્થિતિ રહેવાની હોય એ સહન કરવાનું ઘણું અઘરું છે . ચઢાણ અઘરું થતું ગયું એમ પોતાની જાતને હું સૂચના આપતો ગયો કે ધીમે ધીમે ચડવાનું છે , વચ્ચે બિલકુલ બેસવાનું નથી . કાચબા અને સસલાની રેસમાં કાચબો ધીમે ધીમે અટક્યા વગર ચાલતો રહ્યો એટલે જીતી ગયો અને સસલું ઉતાવળમાં ચાલતું ગયું પણ થોડી થોડી વારે અટકતું ગયું એમાં પાછળ રહી ગયું . મન મક્કમ રાખીને ચડવાનું ચાલુ રાખ્યું . રસ્તો ધીમે ધીમે કપાઈ રહ્યો છે એ સમજાતું હતું . થોડા સમય બાદ ચડાણ વધારે અઘરું થયું . હવે કાચબાસસલાની થિયરી કામની ના રહી . અગ્રેસિવ થવાને બદલે ડિફેન્સિવ થવાનો વખત હતો . ચડવાનો હોંસલો અખંડ હોવો જોઈએ એ વાત સાચી . પરંતુ એકસાથે એટલું બધું જોશ ન લગાવાય કે ચાલવાની કેપેસિટી જ ખતમ થઈ જાય . બીજા તબક્કામાં હું થોડું ચાલું અને થોડો ઊભો રહું . પછી ચઢાણ વધારે અઘરું થયું . હવે બીજી પોલિસી પણ કામની ન રહી . છાતી એવી ભારે થઈ જતી હતી કે ઉભા જ ન રહેવાય . ત્રીજા તબક્કે , પોલીસી થ્રી : થોડુંક ચાલો અને થોડુંક બેસો . એમ કરતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું પછી એવું બન્યું કે બેસીને પણ થાક ઉતરે નહીં . હવે ? ચોથા તબક્કે , પોલિસી ફોર : થોડુંક ચાલો , થોડું લેટી જાઓ . થોડી થોડી વારે શ્વાસ ભરાય . થોડી થોડી વારે અટકવું પડે . અટકીએ ત્યારે આગળ વધવાનું છે તે યાદ રાખીને અટકીએ . અટકીએ ત્યારે કામ અધૂરેથી છોડી દેવું છે એવો વિચાર બનવા ના દઈએ . અટકીએ ત્યારે હવે મારાથી આ કામ નહીં થાય એવી લાગણી જાગવા ના દઈએ . શ્વાસ ચડ્યો હોય તો શ્વાસ હેઠો બેસે એની રાહ જોઈએ . પગ ભારે થઈ ગયા હોય તો પગ હળવા થાય એની રાહ જોઈએ . આ જ પોલિસી કામ આવે છે .
સમેતશિખરજીનો પહાડ સિદ્ધગિરિ કે ગિરનાર જેવો નથી . શિખરજીનો પહાડ આ બંને કરતાં વધારે કઠણ , વધારે ઊંચો , વધારે લાંબો છે આથી વધારે તાકાત અને વધારે ધીરજ લાગે છે યાત્રામાં . થાક લાગે તો થોડા સમય માટે અટકી શકાય , પણ કામ છોડી ન દેવાય . શિખરજીનો આ પહેલો બોધપાઠ હતો .
Leave a Reply