જમવા બેસું છું . રોટલી , દાળ , ભાત , શાક , ને બીજું ઘણું ખાવા મળે છે . મોટો દિવસ હોય તો મીઠાઈ પણ મળે છે . જમવાનું છે એટલે પેટ ભરીને ખાવું છે . હું જમવા બેસું ત્યારે મને મીઠાઈ વધારે ભાવે એવું બને . મીઠાઈનો સ્વાદ અને તેના રંગરૂપ સરસ હોય છે . બીજી ઘણી બધી રસોઈનાં આકર્ષણમાં અને મીઠાઈનાં આકર્ષણમાં તાત્ત્વિક રીતે ફરક નથી . માનસિક રીતે ફરક છે .
તમે પેટ ભરવા માટે રસોઈ ખાઓ છો અને દિલ ભરવા માટે મીઠાઈ ખાઓ છો . મીઠાઈ ખાવાથી પેટ ભરાય છે પરંતુ એકલી મીઠાઈ જ ખાય અને દાળ , ભાત , શાક , રોટલીને અડે પણ નહીં તે માણસ બુદ્ધિનો બળદ ગણાય છે . તમારાં જીવનને આ નજરે તપાસો . તમે થોડાક લોકો સાથે લાગણીથી સંકળાયેલા છો . ઘણા બધા લોકો સાથે ઓળખાણથી સંકળાયેલા છો . આ હકીકતની સાથે એવું પણ છે કે તમે એકાદ વ્યક્તિ તરફ વિશેષ રીતે આકર્ષિત છો . તમારાં જીવનનો આધારસ્તંભ કે રોલમોડેલ તમે કોને માનો છો તે તો તમે જ કહી શકો . એ જે કોઈ પણ હોય તેને તમે આદર અને સન્માન આપો તે સારું છે . મીઠાઈ અને રસોઈનો ફરક હવે સમજવાનો છે .
તમને ગમતો આદમી એ તમારી મીઠાઈ છે . હજી સ્પષ્ટતાથી વિચારીએ તો તમે જેમના માટે સૌથી વિશેષ લાગણી રાખો છો તે તમારી મીઠાઈ છે . એ સિવાયના બીજા પરિવારજનો તો કેવળ રસોઈ છે . મીઠાઈ ખાવાની ના નથી . મીઠાઈ માટે રસોઈને તરછોડવાની ના હોય , એ મુખ્ય મુદ્દો છે .
મીઠાઈ અને રસોઈની થાળી એક જ હોય છે . પ્રિયજન અને પરિવારજન માટેનું ઘર તો એક જ હોય છે . તમે પ્રિયજનને પ્રેમ પ્રદર્શિત કરવા માટે પરિવારજનને તુચ્છકારો તે વહેવારુ નથી . તમારા પ્રિયજન સિવાયના તમામ લોકો માટે તમે પ્રિયજનને ફરિયાદ કરતા રહો છો તે તમારો પ્રેમ નથી , એ મૂર્ખામી છે . વધુ પડતી મીઠાઈ ખાઈએ પછી ઉબ આવી જાય છે . રોટલી રોજ ખાઈએ છીએ અને ભાવે છે . રસોઈને વફાદાર રહેનારને જ મીઠાઈનો ખરો સ્વાદ મળે છે . પરિવારજનોને સાચવનારાને જ પ્રિયજનનો સાચો પ્રેમ મળે છે .
એકાદ વ્યક્તિને અંગત રીતે વધારેપડતું મહત્ત્વ આપી દેવાથી બાકીના પરિવારજનોનું આત્મસન્માન તૂટી જતું હોય છે . મીઠાઈનું આકર્ષણ કબૂલ . વ્યક્તિ વિશેષનું સામીપ્ય કબૂલ . વહેવારમાં સમતુલા ન જ તોડી શકાય . તમે જે સંબંધ દ્વારા આત્મસંતોષ મેળવી રહ્યા છો તે સંબંધ દ્વારા જ વગર કારણે કોઈ નિરપરાધી વ્યક્તિનો આત્મસંતોષ ઘવાતો હોય એવું પણ બનતું હોય છે . આ વાત તમે ન સમજી શકો તો તમારા જીવનમાં મોટી આંધી આવવાની છે તે નક્કી સમજજો . આ મામલો તમારી લાગણીની અભિવ્યક્તિનો છે .
તમને લાગણી હોય તે જુદી વાત છે . તમારી લાગણીની અભિવ્યક્તિ ખોટી રીતે થતી હોય છે તે તમને કેમ નથી સમજાતું ? તમે જીવન જીવો છો તે દ્વારા , તમે વર્તમાનમાં જે કરો છો તે દ્વારા , આસપાસના લોકોને તમારા તરફથી સતત કાંઈ ને કાંઈ મળતું રહે છે . તમારા મનમાં જે ભાવના છે તે તેમની માટે દુઃખદાયક ન બનવી જોઈએ . તમારી ભાવનાની અભિવ્યક્તિ તેમની માટે દુઃખદાયી નિવડવી જોઈએ નહીં . તમને લાગણીથી બંધાવાની અને લાગણીમાં બાંધવાની ઉભયપક્ષી સ્વતંત્રતા ભલે મળી . તમારી લાગણી દ્વારા અંતરંગ પરિવારજનોમાં ગેરસમજ ઊભી થાય એવું પાપ તમે ના કરતા .
કોઈને પોતાની ઉપેક્ષા ગમતી નથી . અલબત્ત , ઉપેક્ષા કરનારો જાણી જોઈને ઉપેક્ષા કરે છે તેવું પણ નથી . પ્રશ્ન કેવળ પસંદગીનો છે . તમારી માટે લાગણીની ભૂમિકાએ કોઈ વ્યક્તિ મહત્ત્વની હોય તો પણ વહેવારનાં સ્તરે મોટી અસમતુલા ઊભી થવા દેશો નહીં . રોટલી અને મીઠાઈની જેમ બધાને એક જ થાળીના મેમ્બર સમજો .
Leave a Reply