Press ESC to close

તમારી સાધક દશાને તમારે જ સંભાળવાની છે

તમે સાધક છો . લોકો તમારી સાથે વાત કરશે . એમને એમાંથી કંઈક મળશે . બધા જ લોકો તમારી સાથે વાત કરવા આવશે એવું નથી . અમુક લોકો તમને દૂરથી જોશે . એ લોકોને પણ તમારી પાસેથી કંઈક મળવું જોઈએ . ફૂલની સુગંધ પામવા માટે ફૂલને અડવાની જરૂર નથી , ફૂલ દૂર હોય તો પણ ફૂલની સુગંધ મળી જતી હોય છે . સાધકને જે દૂરથી જુએ એને પણ સાધક પાસેથી કંઈક મળી જતું હોય છે . તમારામાં દુનિયા શું જોઈ શકે છે એનો ખ્યાલ તમને હોવો જોઈએ . તમારામાં જે દેખાય છે એ દુનિયા શીખે છે . તમારામાં જે દેખાય છે , એના આધારે દુનિયા તમારું મૂલ્યાંકન કરે છે . તમારામાં જે નથી દેખાતું એ દુનિયાને શીખવા નથી મળતું . તમારામાં જે નથી , એના પર આધારિત મૂલ્યાંકન પણ થતું નથી . સાધક સાધુ હોય , સાધ્વી હોય , શ્રાવક હોય , શ્રાવિકા હોય . એમને જે દૂરથી જુએ એમને શું જોવા મળે ? ભરપૂર પ્રસન્નતા જોવા મળે . અપાર એનર્જી જોવા મળે .  સાત્ત્વિક ભૂમિકાની વાતો જોવા મળે . જેને જેને ખબર છે કે તમે સાધક છો એને એને તમારામાં આ ત્રણેત્રણ દેખાવા જોઈએ .  તમારામાં પ્રસન્નતા ન દેખાય , એનર્જી ન દેખાય , સાત્ત્વિક ભૂમિકાની વાતો નહીં દેખાય એનું પરિણામ એ આવશે કે લોકોને સાધક પદ ઉપરથી વિશ્વાસ ઊઠી જશે .

સાધક પ્રસન્ન હોય . એના ચહેરા પર નિરાશા ન હોય , પીડા ન હોય , વિવશતા ન હોય . સાધકના અવાજમાં હરખ હોય . સાધકના વિચારોમાં ઊંચી આશા હોય . સાધકની આંખોમાં ચમક હોય . સાધકની મુખમુદ્રા ઉપર સ્મિત હોય , હાસ્યની છાયા હોય . પ્રભુની મૂર્તિ જુઓ . તમને પ્રસન્નતાની ધારાઓ જોવા મળશે . તમે તમારાં મોઢેથી જાહેરાત કરશો કે હું બહુ પ્રસન્ન છું , એનાથી કોઈ માનવાનું નથી કે તમે પ્રસન્ન છો . તમારા વ્યવહારમાં દીવાની જ્યોત જેવી પ્રસન્નતા ચમકતી હશે એનાથી લોકોને સમજવા મળશે કે આ સાધક છે , જુઓ . કેવા પ્રસન્ન છે ? કેવા આનંદમાં રહે છે ? તમે પ્રસન્નતાનો દેખાડો કરો એની આ વાત નથી . તમારી પ્રસન્નતા એ રીતે છલકાતી હોય કે તમને જોઈને લોકોને સમજાય કે આમની સાધનાએ આમને બહુ મોટી પ્રસન્નતા આપી છે . જે સાધના આમણે કરી છે એવી સાધના હું કરીશ એનાથી મને અવશ્ય પ્રસન્નતા મળશે . તમારી પ્રસન્નતા જોઈને લોકોને તમારા ધર્મ પ્રત્યે આદર થાય છે . જે ધર્મ તમને પ્રસન્નતા આપે છે એ ધર્મ કરવા તરફ લોકો આકર્ષાય એવું આપોઆપ બની શકે છે . પ્રસન્નતા અનાયાસ હોય એ અગત્યનું છે . પ્રસન્નતા બીજાને દેખાડવા માટે નથી હોતી . પ્રસન્નતા પોતાની મેળે ખુશ રહેવા માટે હોય છે . તમે સાધના કરો છો . તમે સાધના કરી છે એવું જે જાણે છે એને તમારી પ્રસન્નતા જોઈને તમારી સાધના માટે અહોભાવ થાય છે . તમારે ધર્મ સાથે જોડાયેલા રહેવાનું છે અને એ ધર્મ થકી પ્રસન્ન બનતા રહેવાનું છે . એ કામ તમારું . વરસાદનું પાણી પોતાની મેળે પડે છે , એ રીતે તમારી પ્રસન્નતા પોતાની મેળે જ ચમકશે . પ્રસન્નતા પ્રદર્શનનો વિષય નથી . પ્રસન્નતા અનુભૂતિનો વિષય છે . વાત એ છે કે પ્રસન્નતા છૂપી રહેતી નથી . એ પોતાની મેળે છલકાઈ જ જાય છે . તમને દૂરથી જોનારો કે નજદીકથી જોનારો તમારામાં પ્રસન્નતા જોઈ શકે અને એ પણ જોઈ શકે કે આ પ્રસન્નતા બિલકુલ સાચી છે . તમારી સાધક દશાની આ પહેલી સફળતા છે . 

સાધકમાં સ્વાર્થભાવ કે છળકપટ કે ગોપનીયતા હોતી નથી . આથી સાધકને ડરવાનો પ્રશ્ન આવતો નથી . જે ડરતો હોય એ ઢીલો પડી જાય , એની એનર્જી ખોટકાય . ડર નથી એટલે ઉત્સાહ છે . ડર નથી એટલે ઉમંગ છે . ડર નથી એટલે નક્કર આશા છે . સાધકમાં સ્વાર્થ નથી હોતો આથી સાધકમાં સ્પર્ધાભાવ નથી હોતો , હારજીતની ભાવના હોતી નથી . સાધક હલકોફૂલકો હોય . અંદરના અવરોધ સાધકને સતાવતા નથી . જે કરવાનું છે તે પૂરી પ્રામાણિકતાથી કરવાનું છે , સાધકનો એ નિશ્ચય હોય છે . જે કરીએ એનું સારું પરિણામ આવશે એની સાધકને કલ્પના હોય છે . સાધકને કોઈ બાબતનો કંટાળો ન હોય , સાધકમાં કોઈ કારણનો થાક ન હોય . સાધકનું મોઢું સોગિયું ના હોય . સાધકની ગતિવિધિ ઢીલી ઢીલી ના હોય . સાધકમાં ઉર્જાનો ભંડાર ફાટફાટ થતો હોય . સાધકનું એનર્જી લેવલ હાઈ હોય છે . સાધકને જે જોતો હોય એને સાધકમાં થાક નથી એ દેખાય , કંટાળો નથી એ દેખાય , ધકેલ પંચા દોઢસોની વૃત્તિ નથી એ પણ દેખાય . તમે થાક્યા નથી , થાકવાના નથી . તમે કંટાળ્યા નથી , કંટાળવાના નથી . આવું બારેય મહિના તમારામાં જોવા મળે ત્યારે તમને જોનારાઓ તમારી સાધનાને સલામ કરવા લાગશે . દવાઓ ખાઈ ખાઈને આણેલી એનર્જી નકલી હોય છે . ભીતરમાંથી જાગેલી એનર્જી અસલી હોય છે . 

જે લોકો તમને દૂરથી જુએ છે એ લોકો તમે કોની સાથે શું વાતો કરો છો એની ઉપર પણ નજર રાખે છે . તમે શું બોલો છો એના આધારે તમારું લેવલ નક્કી થાય છે અને તમારું લેવલ શું છે એના આધારે એ નક્કી થાય છે કે તમે શું બોલવાના છો . તમારી વાતો સાત્ત્વિક છે એવું જેને દેખાશે એ તમારી સાધના માટે અહોભાવ બનાવશે . 

૧. જેની વાતોમાં નિંદારસ ઘોળાયા કરતો હોય એ ક્યારેય પણ વિશ્વાસપાત્ર હોતો નથી . જે કોઈની નિંદા કરતો નથી એની પર વિશ્વાસ મૂકવાનું મન થાય છે . સાત્ત્વિક વાતોની નિશાની એ છે કે તમે કોઈની નિંદા કરતા નથી . જે બીજાને ખરાબ દેખાડવા માંગે છે તે પોતે સારો હોઈ જ ના શકે .

૨. જેની વાતોમાં બીજાની સાથેનો સ્પર્ધાભાવ ટપકતો હોય એ સાત્ત્વિક વાતો કરી નહીં શકે . કોઈના હારવાથી તમારી નામના વધે છે એવું માનવામાં સાત્ત્વિકતા ક્યાં રહી  ? હું એમનાથી આગળ છું , એ મારાથી પાછળ છે એવું સાબિત કરવામાં સાત્ત્વિકતા ક્યાં જળવાય છે ? એ આગળ નીકળી જશે અને હું પાછળ રહી જઈશ એવો ભય વ્યક્ત કરવાથી કંઈ સાત્ત્વિકતા સિદ્ધ થતી હોય છે , બતાવો ? 

૩. કોઈને સફળતા મળી છે તે જોવાનું ગમતું નથી એ છે ઈર્ષા . કોઈની પ્રશંસા થાય છે તે સાંભળવાનું ગમતું નથી એ છે ઈર્ષા . કોઈને કંઈ મળ્યું એ જોવાનું ગમતું નથી એ છે ઈર્ષા . જે બીજાનું સુખ જોઈને રાજી થઈ શકતો નથી એ સાત્ત્વિક વિચારો કેવી રીતે કરી શકશે ? 

૪. તમારી સાથે બેસીને વાત કરનારો તમારી વાતો સાંભળીને ઉત્સાહનો અનુભવ કરે ત્યારે સમજવાનું કે તમે સારા માણસ છો . તમારી સાથે બેસીને વાત કરનારો , તમારી વાતો સાંભળીને ઉત્સાહભંગ અનુભવે એનાથી એ નક્કી થઈ જાય છે કે તમે સમજદાર માણસ નથી . જેની વાતો કોઈનું મનોબળ તોડી નાંખતી હોય એ માણસ સાત્ત્વિક કેવી રીતે હોઈ શકે ? સાધકની સાથે વાત કર્યા વગર સાધકને જે દૂરથી જોતો હોય છે એને સાધકમાં નિંદા , સ્પર્ધા અને ઈર્ષા દેખાતા નથી . સાધકની આસપાસનો એક પણ માણસ એવો નથી હોતો જેનો ઉત્સાહભંગ સાધકે કર્યો હોય . 

સાધકને નિંદા કરવાનું નથી ગમતું . સાધકને સ્પર્ધા રાખવાનું નથી ફાવતું . સાધકનાં મનમાં ઈર્ષાની બળતરા હોતી નથી . સાધકની વાતો સાંભળીને કોઈનો ઉત્સાહ તૂટી જતો નથી . સાધકને દૂરથી જોનારો આ બધું સમજી શકે છે . એ સાધક માટે આકર્ષણ અનુભવે છે . સાધક માટેનું આકર્ષણ સાધના માટેનું આકર્ષણ બને છે . સાધકની સાધના સફળ થઈ જાય છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *