Press ESC to close

આદિપુરુષની સર્વપ્રથમ અને યુગપ્રવર્તક ઘટનાઓ : કલિકાલ સર્વજ્ઞનાં જ્ઞાનાલોકમાં

દેવાધિદેવ શ્રી ઋષભદેવ ભગવાને , દીક્ષા લેતાં પહેલાં જે યુગ પ્રવર્તન કર્યું તેનું વર્ણન કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત મહાકાવ્યના પ્રથમ પર્વમાં કર્યું છે .  વર્તમાનકાલીન લેખકોની નજરે શ્રી ઋષભદેવ  ભગવાન્  કેવા છે , કોણ છે તે આપણે વાંચતા આવ્યા છીએ . કલિકાલ સર્વજ્ઞ દ્વારા ઋષભદેવ ભગવાનનું જે વર્ણન થયું છે તે સૌથી વધારે અધિકૃત લાગે છે .  તીર્થંકરોનાં જીવનમાં જે સર્વ સામાન્ય ઘટના બને છે તે સર્વ વિદિત છે . શ્રી ઋષભદેવ ભગવાનનાં જીવનમાં અમુક વિશેષ ઘટનાઓ એવી બની છે જે યુગપ્રવર્તનની દિશાદોરી બની રહી . અમુક ઘટનાઓ એવી પણ બની હતી જે યુગપ્રવર્તક નહોતી પરંતુ સર્વપ્રથમ હતી . 

૧ ‌. ચૌદ સપનાનું અર્થઘટન ઈન્દ્રો દ્વારા થયું

મરુદેવી માતાએ ૧૪ સપનાં જોયાં તે પછી સ્વપ્નલક્ષણ પાઠકોએ ભવિષ્યવાણી કરી એવી ઘટના બની નહોતી આ આપણે જાણીએ છીએ . મરુદેવી માતાએ નાભિરાજાને ચૌદ સપનાની વાત કરી ત્યારે નાભિરાજાએ – ઉત્તમ કુલકર સંતાન અવતરશે , એવી ભવિષ્યવાણી કરી હતી . પરંતુ ૧૪ સપનાંની ઘટના અહીં અટકી નહોતી . અનેક ઈન્દ્રોનાં સિંહાસન કંપાયમાન થયાં હતાં . ઈન્દ્રોને ચ્યવન કલ્યાણકની ઘટનાની ખબર પડી . સૌ ઈન્દ્રો મિત્રમંડળની જેમ એકસાથે મળીને મરુદેવી માતા સમક્ષ આવ્યા . સૌ ઈન્દ્રોએ મરુદેવી માતાને ચૌદે ચૌદ સ્વપ્નનાં એક એક અર્થઘટન સંભળાવ્યા અને ચૌદ સ્વપ્નનું એક સામૂહિક અર્થઘટન પણ‌ સંભળાવ્યું . ( त्रिषष्टि प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक २२७ થી २४९ ) પ્રભુની માતાને ઈન્દ્રો , ચૌદ સ્વપ્નનાં અર્થઘટન સંભળાવે છે આવી ઘટના સર્વપ્રથમ વાર બની છે . 

૨ . ઇન્દ્રના હાથ પર વિલેપન 

નવજાત પ્રભુ સમક્ષ ઉપસ્થિત થયેલા ઇન્દ્ર મહારાજા પ્રભુની માતાને અવસ્વાપિની નિદ્રા આપે છે . તે પછી પોતાના પાંચ રૂપનું નિર્માણ કરે છે અને એમાંથી એક રૂપ દ્વારા પ્રભુને ગ્રહણ કરે છે . પ્રભુને હાથમાં લેતાં પહેલાં ઇન્દ્ર પોતાના બેય હાથને ગોશીર્ષ ચંદનનાં વિલેપન લગાવી લે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ४१९ ) આ વાત થોડીક નવી લાગે છે . 

૩ . જન્માભિષેકમાં પૂજાનો ક્રમ

સર્વ પ્રથમ અભિષેક કરનાર અચ્યુત ઇન્દ્ર પ્રભુનો અભિષેક કર્યા બાદ પ્રભુને અંગલૂંછણા કરે છે  ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ५३८ / ५३९ ) અને તે પછી પ્રભુની વિલેપન પૂજા અને પુષ્પ પૂજા કરે છે .  ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ५६९ / ५७० ) ત્યારબાદ અન્ય ઇન્દ્રો પણ અભિષેક અને અન્ય પૂજા કરે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ५७२ ) છેવટે ઈશાન ઇન્દ્ર પાંચ રૂપ ધારણ કરીને પ્રભુને ગ્રહે છે . ઈશાન ઇન્દ્ર વજ્રને બદલે ત્રિશૂલ ધારણ કરે છે આટલો એક ફરક રહે છે . હવે સૌધર્મ ઈન્દ્ર અભિષેક , અંગલૂંછણા અને અન્ય પૂજા કરે છે .  ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ५८५ )

૪ . પ્રભુનું આહાર ગ્રહણ

બાળ અવસ્થામાં પ્રભુ અંગૂઠે અમૃતવાહી હતા . ઇન્દ્ર પ્રભુના અંગૂઠામાં જે અમૃત સિંચન કરે છે એનું આચમન લઈને પ્રભુ જીવન નિર્વાહ કરતા હતા , માતાનું દૂધ પરમાત્મા લેતા ન હતા. બાળ અવસ્થા વ્યતીત થયા બાદ અન્ય અવસ્થામાં પ્રભુ રાંધેલું અન્ન લેતાં નથી . પ્રથમ પ્રભુ ભોજન તરીકે કેવળ કલ્પવૃક્ષનાં ફળ આરોગે છે અને પાણી તરીકે ક્ષીર સમુદ્રનું જળ વાપરે છે . અન્ય તીર્થંકરો બાળવય વ્યતીત થયા બાદ રાંધેલું અન્ન સ્વીકારે છે . પ્રથમ પ્રભુએ જન્મથી માંડીને દીક્ષા સુધીમાં રાંધેલું અન્ન વાપર્યું નહોતું . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ६८३ / ६८४ ) 

૫ . પ્રભુના વંશનું નામકરણ

પ્રથમ પ્રભુ એક વર્ષના થયા ત્યારે ઇન્દ્ર પ્રભુના કુળનું નામ પાડવા માટે મનુષ્ય લોક આવ્યા હતા . ખાલી હાથે ન જવાય એટલે હાથમાં એમણે ઈક્ષુનો સાંઠો રાખ્યો . ઈન્દ્ર પ્રભુ પાસે પહોંચ્યા ત્યારે પ્રભુ અવધિજ્ઞાનથી ઇન્દ્રની ભાવના જાણતા હતા . પ્રભુએ એ ઈક્ષુને લેવા માટે પોતાનો હાથ લંબાવ્યો .   ઇન્દ્રે એ ઈક્ષુદંડ પ્રભુના હાથમાં મૂક્યો . આ ઈક્ષુ ગ્રહણના આધારે પ્રથમ પ્રભુના વંશનું નામ નિર્ધારિત થયું : ઈક્ષ્વાકુ . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ६५४ થી ६५९ )

૬ . યુગલિક બાળનું અકાળ મરણ

તે સમયમાં યુગલિક વ્યવહાર ચાલતો હતો . પુરુષ અને સ્ત્રીનું દરેક યુગલ જનમની ક્ષણથી માંડીને મરણની ક્ષણ સુધી સાથે સાથે રહેતું . સાથે જ જન્મે , સાથે જ જીવન વીતાવે અને  સાથે જ મરણ પામે . કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી એકલા જન્મ્યાં હોય , એકલા જીવતાં હોય કે એકલા મર્યા હોય એવું જોવા મળતું નહીં . આ વ્યવસ્થાનો ભંગ પહેલીવાર થયો . એક બાળ વયનું યુગલ વનમાં ફરતું હતું તે એકદા તાડવૃક્ષની નીચે આવ્યું ત્યારે તાડવૃક્ષનું ફળ બાળવયના પુરુષ પર પડ્યું . આનાથી તે બાળનું મરણ થયું . આ ઘટનાને લીધે જે અવ્યવસ્થા સર્વપ્રથમ વાર જોવા મળી તે આ મુજબ છે . એક , પૂર્ણ આયુષ્યનો મનુષ્ય જ મૃત્યુ પામે છે એેવું આજ સુધી જોવા મળતું હતું એને બદલે પહેલીવાર એવું જોવા મળ્યું કે અલ્પ આયુષ્યનો મનુષ્ય મૃત્યુ પામ્યો છે . બે , યુગલિક અવસ્થાનાં પુરુષ અને સ્ત્રી એકી સાથે મરણ પામે છે એેવું આજ સુધી જોવા મળતું હતું એને બદલે પહેલીવાર એવું જોવા મળ્યું કે યુગલિક અવસ્થાનો પુરુષ મૃત્યુ પામ્યો અને સ્ત્રી મૃત્યુ ના પામી . ત્રણ , પૂર્ણ આયુષ્યના પુરુષ અને સ્ત્રી એકી સાથે મરણ પામતા તે પછી એમનાં મૃતકને વિરાટ પક્ષીઓ સમુદ્રમાં ફેંકી દેતા હતા . પરંતુ અપૂર્ણ આયુષ્યમાં એકાકી મરણ પામેલા પુરુષની કાયાને કોઈ પક્ષીએ સમુદ્રમાં ના ફેંકી , એ કાયા એમનેમ પડી રહી .( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ७३५ થી ७४० ) 

૭ . વિવાહ વિધાન

+ એકલી પડેલી યુગલિક બાલિકા યુવાવસ્થાએ પહોંચી ત્યારે યુગલિકો એને નાભિરાજા પાસે લઈ ગયા . યુગલિક મહિલાનો વિવાહ પોતાના યુગલિક પુરુષ સાથે થાય એવો વ્યવહાર અખંડ રીતે ચાલુ હતો . પરંતુ આ યુગલિક મહિલા એકલી પડી ગઈ હતી . એની સાથેનો યુગલિક પુરુષ જીવિત નહોતો રહ્યો .  આ પરિસ્થિતિમાં નાનપણથી એકલી રહેલી યુગલિક સ્ત્રી સાથે વૃષભ કુમારનો સંબંધ જોડાશે એવો નિર્ણય નાભિરાજાએ કર્યો હતો . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ७५५ / ७५६  ) અન્ય પરિવારમાં રહેનારી કન્યાને પોતાના પરિવારમાં લાવવાનો વહેવાર અહીંથી શરૂ થયો . + પ્રભુના વિવાહનો સમય થયો છે એવું અવધિજ્ઞાનથી ઇન્દ્રે જાણ્યું . તે પ્રભુ‌ સમક્ષ ઉપસ્થિત થયા . એમણે પ્રભુને કહ્યું કે લોકવ્યવહારનાં પ્રવર્તન માટે આપનો પાણિગ્રહણ મહોત્સવ કરવાની ભાવના છે , આપ અનુમતિ આપો . ઈન્દ્રની પ્રાર્થનાના શબ્દો વાંચવા જેવા છે : मन्ये स्वामी वीतरागो गर्भवासात् प्रभृत्यपि । चतुर्थपुरुषार्थाय सज्जोડन्यार्थाડनपेक्षया ।। तथाડपि नाथ लोकानां व्यवहारपथोડपि हि ।त्वयैव मोक्षवर्त्मेव सम्यक् प्रगटयिष्यते ।। આ વિનંતી સાંભળીને પ્રભુ સ્વીકૃતિના સંકેતપૂર્વક મૌન રહ્યા . હવે ઇન્દ્રે વિવાહની સંપૂર્ણ તૈયારીઓ કરી , કરાવી . તે પછી પ્રભુને વિવાહમાં પધારવા ઇન્દ્રે વિનંતી કરી . ત્યારે પ્રભુએ શું વિચાર્યું તે જુઓ : दर्शनीया स्थितिर्लोके भोक्तव्यं भोग्य कर्म च ।अस्ति मे चिन्तयित्वैवमन्वमन्यत तद्वच: ।।( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक  ८२५ )
પ્રભુએ વિચાર્યું હતું કે મારે આ વ્યવસ્થા લોકોને બતાવવાની છે અને કર્મ ભોગવવાનું બાકી છે . આથી પ્રભુએ વિનંતી સ્વીકારી હતી . સૌ પ્રથમવાર સંપન્ન થયેલી તે વિવાહવિધિ દ્વારા દુનિયામાં વિવાહની વ્યવસ્થાનું પ્રવર્તન થયું . तत: प्रभृति सोद्वाहस्थिति: स्वामिप्रदर्शिता । प्रावर्तत ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८८१  )આ વિવાહ વિધિમાં પ્રભુના પરિવારપક્ષે પુરુષ બની દેવો જોડાયા હતા . આ પુરુષ વર્ગની મજાક કન્યાપક્ષની સ્ત્રીઓએ ઉડાવી હતી . એ મજાક એવી હતી પુરુષરૂપે જોડાયેલા દેવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા . પરંતુ પ્રભુએ વ્યવહાર પ્રવર્તન તરીકે આ મજાક ઉડાવવાની ક્રિયાને રોકી નહોતી . लोकेषु व्यवहारोડयं दर्शनीय इति प्रभु: ।विवाद इव मध्यस्थस्तदुपेक्षितवान् तथा ।।  ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८६४ )

૮ . પરિવારનો વિસ્તાર 

યુગલિકનો એ યુગ હતો . દરેક યુગલિકના પરિવારમાં એકવાર જ સંતાન જન્મ થતો હતો . પરિવારમાં સંતાનજન્મ બીજીવાર પણ થાય છે એવું યુગલિકોએ જોયું હશે કે કેમ એ પ્રશ્ન છે . પ્રભુના પરિવારમાં સંતાનનું અવતરણ થયું એની પહેલાં એક નાનો પ્રસંગ બનેલો . સુમંગલાદેવીએ ૧૪ સપનાં જોયાં . એમણે ૧૪ સપનાંની વાત ઋષભદેવ ભગવાનને કહી . ઋષભદેવ ભગવાને ભવિષ્યવાણી સ્વરૂપે કહ્યું એ તમને પુત્ર થશે અને એ ચક્રવર્તી બનશે .  ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८८६ / ८८७ ) સ્વપ્નની યથાર્થ ભવિષ્યવાણી કરવાની આ પ્રવૃત્તિ પ્રાયઃ સર્વપ્રથમ હતી . સુમંગલાદેવીએ સંતાનયુગલને જન્મ આપ્યો હતો : ભરત અને બ્રાહ્મી . સુનંદાદેવીએ પણ સંતાનયુગલને જન્મ આપ્યો હતો : બાહુબલી અને સુંદરી . આ પછી સુમંગલાદેવીએ અન્ય ૪૯ સંતાનયુગલને જન્મ આપ્યો હતો . આ દરેક સંતાનયુગલ પુત્ર રૂપે જ અવતરિત થયા હતા . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८९० ) જે યુગમાં સંતાનયુગલ પુત્ર અને પુત્રી સ્વરૂપે જન્મ‌ લેતાં એ યુગમાં સંતાનયુગલ તરીકે આવેલાં બંને સંતાન પુત્ર જ હોય , આ સર્વપ્રથમ ઘટના હતી . ઋષભદેવ ભગવાન્  કુલ મળીને ૧૦૦ સંતાનના પિતા બન્યા . જે યુગમાં એક યુગલિકના પરિવારમાં બે જ સંતાનનું અવતરણ થતું એ યુગમાં એક પરિવારમાં એકસો સંતાનનું અવતરણ થાય એ પ્રાયઃ સર્વપ્રથમ ઘટના હતી . 

૯ . રાજ્ય અભિષેક 

યુગલિકોનાં જીવન કલ્પવૃક્ષ પર અવલંબિત હોય છે . કલ્પવૃક્ષ યુગલિકોની તમામ આકાંક્ષાની પૂર્તિ કરી આપે છે . દશ કલ્પવૃક્ષ હોય છે . પ્રથમ આરામાં દરેક કલ્પવૃક્ષની શક્તિ એની ચરમસીમા પર હોય છે . બીજા આરામાં કોઈપણ કલ્પવૃક્ષની શક્તિ થોડીક ક્ષીણ થાય છે . ત્રીજા આરામાં કલ્પવૃક્ષની શક્તિ વધુ ક્ષીણ થાય છે . છતાં કલ્પવૃક્ષ ખૂબ શક્તિશાળી હોય છે . પ્રથમ કલ્પવૃક્ષ હોય છે મદ્યાંગ . યાચના કરનારને તેની પાસેથી સ્વાદિષ્ટ મદ્ય મળે છે . બીજું કલ્પવૃક્ષ હોય છે ભૃતાંગ . યાચના કરનારને તેની પાસેથી સુંદર પાત્ર એટલે કે વાસણ મળે છે . ત્રીજું કલ્પવૃક્ષ હોય છે તૂર્યાંગ . યાચના કરનારને તેની પાસેથી વિવિધ વાજીંત્ર મળે છે . ચોથું અને પાંચમું કલ્પવૃક્ષ હોય છે દીપશિખા અને જ્યોતિષિકા . તેમની પાસેથી અજવાળું મળે છે . છઠ્ઠું કલ્પવૃક્ષ હોય છે ચિત્રાંગ . યાચના કરનારને તેની પાસેથી વિવિધ પુષ્પમાળા મળે છે . સાતમું કલ્પવૃક્ષ હોય છે ચિત્રરસ . યાચના કરનારને તેની પાસેથી વિવિધ ભોજન મળે છે . આઠમું કલ્પવૃક્ષ હોય છે મણ્યંગ . યાચના કરનારને તેની પાસેથી વિવિધ દાગીના મળે છે . નવમું કલ્પવૃક્ષ હોય છે ગેહાકાર  . યાચના કરનારને તેની પાસેથી વિવિધ નિવાસસ્થાન  મળે છે . દશમું કલ્પવૃક્ષ હોય છે અનગ્ન . યાચના કરનારને તેની પાસેથી વિવિધ કપડાં મળે છે .  ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक १२० થી १३३  )
ત્રીજા આરામાં યુગલિક લોકોની બધી જ આવશ્યકતાઓ  કલ્પવૃક્ષ દ્વારા સંતૃપ્ત થતી હતી , યુગલિકોની વિષયવાસનાઓ અને કષાયભાવનાઓ તીવ્ર હોતી નથી . આથી યુગલિક લોકો સહસા પ્રસન્ન રહેતા હોય છે . ત્રીજા આરાના છેલ્લા તબક્કામાં કલ્પવૃક્ષની શક્તિ ક્ષીણ થાય છે તેમ જ યુગલિકોની વિષયવાસનાઓ અને કષાયભાવનાઓની તીવ્રતાઓ બદલાય છે . આથી યુગલિક લોકોની પ્રસન્નતાનું ધોરણ બદલાય છે .  ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ८९३ / ८९४  ) અનુશાસન માટે નિર્ધારિત  એવી હાકાર , માકાર અને ધિક્કાર નીતિને યુગલિકો ગાંઠતા નથી . સંક્લેશ‌નું વાતાવરણ વારંવાર બને છે . સૌ સાથે મળીને ઋષભદેવ ભગવાનને આ અવ્યવસ્થાની જાણકારી આપે છે અને માર્ગદર્શન માંગે છે . ભગવાન્ કહે છે કે લોકોને અંકુશમાં રાખવા માટે રાજા જોઈએ અને રાજ્ય વ્યવસ્થા જોઈએ . લોકો કહે છે કે અમારા રાજા આપ જ બનો , અમારામાંથી કોઈમાં આપનાં જેવી સમજણ નથી . ભગવાન્ કહે છે કે નાભિરાજા પાસે જઈને પ્રાર્થના કરો . એ રાજા નક્કી કરી આપશે . યુગલિકો નાભિરાજા પાસે જઈને પ્રાર્થના કરે છે . નાભિરાજા યુગલિકોના રાજા તરીકે ઋષભદેવ ભગવાનનું નામ જાહેર કરે છે . યુગલિકો ઋષભદેવ ભગવાન્ પાસે જઈને સમાચાર આપે છે . રાજ્ય અભિષેક કરવાની તૈયારી સ્વરૂપે યુગલિકો જળ લેવા જાય છે . આ જ સમયે ઇન્દ્રનું સિંહાસન કંપે છે . રાજ્ય અભિષેકની વિધિ કરવાની છે તે ઇન્દ્રને‌ સમજાય છે . તે પ્રભુ સમક્ષ ઉપસ્થિત થાય છે . પ્રભુને સુવર્ણ આસન પર બિરાજમાન કરી અભિષેક વિધિ સંપન્ન કરે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९०६ ) તેમ જ વસ્ત્ર આભૂષણ આદિથી પ્રભુની શોભા રચના કરે છે . થોડીવારમાં યુગલિકો આવી પહોંચે છે . તેઓ પ્રભુની શોભારચના જોયા બાદ અભિષેક જળ ક્યાં રેડવું તેની વિમાસણ અનુભવે છે .  પછી તેઓ પ્રભુનાં ચરણ પર જળ રેડે છે અને એ રીતે અભિષેક કર્યાનો આનંદ અનુભવે છે . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९१० )  દેવો અને માનવો દ્વારા આ જે રાજ્ય અભિષેક થયો તે સર્વપ્રથમ વારની ઘટના હતી . 

૧૦ . નગર રચના 

ઇન્દ્ર યુગલિકોનો વિનયભાવ જોઈને પ્રસન્ન થાય છે . રાજ્ય અભિષેક પામેલા ઋષભદેવ ભગવાન્ અને યુગલિકો એકીસાથે રહી શકે તે માટે ઇન્દ્ર એક મહાન્ નગરીની રચના કરે છે . યુગલિકોનો વિનયભાવ યાદ હતો તેથી ઈન્દ્રે નગરીનું નામ રાખ્યું વિનીતા નગરી . ઋષભદેવ ભગવાન્ બન્યા વિનીતા નગરીના રાજા  . યુગલિકો બન્યા વિનીતા નગરીની પ્રજા  . આજ સુધી , ગેહાકાર નામક કલ્પવૃક્ષ દ્વારા મળેલાં ઘરમાં યુગલિકો રહેતાં હતાં . પ્રાયઃ પહેલીવાર યુગલિકો એવા ઘરમાં અને શહેરમાં રહેવા લાગ્યા જેમાં કલ્પવૃક્ષનું કોઈ યોગદાન નહોતું . આ નગરીમાં હવેલીઓ , ઝરૂખા , અટારી , ઉદ્યાન , વાવ , કૂવા , સરોવર , કિલ્લા આદિનું નિર્માણ થયું હતું જેની રચના ઇન્દ્રના આદેશથી કુબેરદેવતાએ કરી હતી . નગરી બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તીર્ણ હતી .  ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९१२ થી ९२४ ) . 

૧૧ . શાસન અને જીવન સંબંધી વ્યવસ્થાઓ 

+ રાજા બન્યા બાદ તરત જ ઋષભદેવ ભગવાને મંત્રી , આરક્ષક , લોકપાલ , સેના , સેનાપતિ આદિની નિયુક્તિ કરીને રાજ્ય વ્યવસ્થાની સ્થાપના કરી હતી . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९२६ થી ९३३ ) 

+  યુગલિકોને અશન – પાન કલ્પવૃક્ષ પાસેથી મળતાં હતાં . તેઓ ભોજન બનાવવાની વ્યવસ્થાથી અજાણ હતા .  એમને ભોજન કેવી રીતે બનાવાય અને ખવાય એની આખી પ્રક્રિયા ભગવાન્ શીખવે છે . એ પ્રક્રિયા માટે ભગવાન્ બે બાબત વિશેષ રીતે શીખવે છે : અગ્નિનો ઉપયોગ કેવી રીતે કરવો અને વાસણ કેવી રીતે બનાવવા . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९३४ થી ९५१ )  

+  પ્રભુના પ્રભાવે પાંચ પ્રકારની કળાના નિષ્ણાત લોકો તૈયાર થયાં . માટીનાં વાસણ‌ , રમકડાં આદિ બનાવનાર કુંભકાર . મકાન આદિનું બાંધકામ કરી આપનાર વાર્ધકિ . વિવિધ પ્રકારનાં વસ્ત્રો બનાવનાર વણકર . વિધવિધ ચિત્રો બનાવી બનાવનારા ચિત્રકાર . વાળ અને નખને વ્યવસ્થિત કરી આપનારા નાપિત એટલે કે વાળંદ . કુંભકાર સાથે જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . વાર્ધકિ સાથે પણ જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . વણકર સાથે પણ જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . ચિત્રકાર સાથે પણ જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . નાપિત સાથે પણ જોડાઈ એના જેવી વીશ રચનાકર્મિતા . આ રીતે ૧૦૦ પ્રકારનાં રચનાકર્મનું એટલે કે શિલ્પનું પ્રવર્તન થયું . ઘાસ , કાષ્ટ , ખેતી અને વાણિજ્ય સંબંધી કર્મ પ્રભુ થકી પ્રવર્ત્યા . સામ , દામ , દંડ , ભેદ આ ચાર નીતિઓ પ્રભુએ પ્રવર્તાવી . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९५२ થી ९५९ )  

+ પ્રભુએ પોતાના પુત્ર ભરતને ૭૨ કળા શીખવી . ભરતે એ કળા પોતાના અન્ય ભાઈઓને તેમ જ પોતાના અનેક પુત્રોને શીખવી . પ્રભુએ બાહુબલીને હસ્તી , અશ્વ , પુરુષ અને સ્ત્રી સંબંધી લક્ષણોની જાણકારી વિસ્તારપૂર્વક આપી . પ્રભુએ બ્રાહ્મીને બ્રાહ્મી આદિ ૧૮ લિપિ શીખવાડી . પ્રભુએ સુંદરીને ગણિત સંબંધી વિદ્યા વિસ્તારથી શીખવી . ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक  ९६० થી ९६४ )  + નિષ્પક્ષ સાક્ષિની હાજરીમાં વાદી પ્રતિવાદીનો વ્યવહાર‌ , ધનુર્વિદ્યા અને આયુર્વેદ , યુદ્ધ તેમ જ અર્થશાસ્ત્ર . આવા અન્ય અન્ય અનેક દુનિયાદારી વહેવાર પ્રભુનાં કારણે પ્રવર્તન‌ પામ્યા ‌. ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९६५ થી ९७० )   

+ આ સઘળાય વહેવાર અંગે પ્રભુનો આશય શું હતો ?एतच्च सर्वं सावद्य – मपि लोकानुकंपया ।प्रभु : प्रवर्तयामास जानन् कर्तव्यमात्मन : ।। तदाम्नायात् कलादीदमद्यापि भुवि वर्तते  ।अर्वाचीनैर्बुद्धिमद्भि – र्निबद्धं शास्त्ररूपत: ।। स्वामिन: शिक्षया दक्षो लोकोડभूदखिलोડपि स: । ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९७१ થી ९७३ )  
પ્રભુએ જે જે શીખવ્યું તે સાવદ્ય હતું પરંતુ પ્રભુનાં હૈયે લોકો માટે અનુકંપા હતી આથી પ્રભુએ પોતાનું કર્તવ્ય સમજીને તે તે વ્યવસ્થાઓનું પ્રવર્તન કર્યું . પ્રભુએ કળા અને વ્યવસ્થા આદિ જે પ્રવર્તાવ્યાં તેના આધારે આધુનિક વિદ્વાનોએ શાસ્ત્રો રચ્યાં છે અને એ શાસ્ત્રો રૂપે પ્રભુની શિક્ષા આજે પણ જીવિત છે . 

૧૨ . લોકોને આપ્યો વિવેકનો બોધ 

હેય શું છે તે પણ પ્રભુએ લોકોને શીખવ્યું અને ઉપાદેય શું છે તે પણ શીખવ્યું . ઘણાબધા લોકો હેય અને ઉપાદેયના વિષયના ઊંડા જાણકાર બની ગયા હતા . આથી ભરતક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રનું વાતાવરણ રચાઈ ગયું હતું . हेयादेय – विवेकज्ञी – कृतैर्लोकैर्व्यधात् प्रभु: ।प्रायेण भरतक्षेत्रं विदेहक्षेत्र – संनिभम् ।। ( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक ९८३ )  પ્રભુ જીવનના વીશ લાખ પૂર્વ વીત્યાં તે પછી રાજા બન્યા હતા . પ્રભુનો રાજ્યકાળ ત્રેસઠ લાખ પૂર્વનો રહ્યો . 

૧૩ . વનક્રીડા જોતાં જોતાં વૈરાગ્યનું સ્પંદન 

તીર્થંકર સ્વયં સંબુદ્ધ હોય છે . એમને વૈરાગ્ય સહજ સિદ્ધ હોય છે . કોઈ‌ કારણ દ્વારા તેઓ વૈરાગ્ય પામે છે એવું હોતું નથી . પરંતુ દીક્ષાનો સમય નજીક આવે તે વખતે વૈરાગ્યને અનુકૂળ ઘટના બની શકે છે . પાર્શ્વનાથ ભગવાને નેમિનાથ પરમાત્માની ચિત્રકથા જોઈ તે વૈરાગ્યને અનુકૂળ ઘટના હતી . આથી એવું વહેવારમાં કહેવાય છે કે પ્રભુ ચિત્ર જોઈને દીક્ષા માટે ઉદ્યુક્ત થયા . પ્રથમ પ્રભુ , એકવાર પરિવારની વિનંતીથી વસંત ઋતુની વનક્રીડા જોવા વનમાં પધાર્યા . ક્રીડારત લોકોને જોઈને પ્રભુ વિચારે છે કે શું આવી આનંદક્રીડાઓ મેં ક્યાંક જોઈ છે ? અવધિજ્ઞાનથી પ્રભુ જુએ છે કે મેં દેવલોકમાં આવો આનંદ ઘણીવાર લીધો છે . એ જ વખતે પ્રભુ વૈરાગ્યવાહી વિચારો પણ ધારણ કરે છે . આ સમયે નવ લોકાંતિક દેવ પ્રભુની સેવામાં ઉપસ્થિત થયા .( प्रथम पर्व : द्वितीय सर्ग : श्लोक १०१७ થી १०३४ )  મનુષ્યલોકમાં ચાલી રહેલી આનંદક્રીડાને જોઈને પ્રભુ અવધિ જ્ઞાન દ્વારા પોતાના પૂર્વભવની આનંદક્રીડાને યાદ કરે અને એના થકી વૈરાગ્યનાં સ્પંદન અનુભવે આ કંઈક વિશેષ વાત છે . 

૧૪ . પાંચને બદલે ચાર મુષ્ટિનો લોચ

કોઈ પણ તીર્થંકર પ્રભુ દીક્ષા ગ્રહણની ક્ષણે પંચમુષ્ટિ લોચ કરે છે . દીક્ષાના સમયે પ્રથમ પ્રભુ લોચ કરી રહ્યા હતા એમાં ચાર મુષ્ટિનો લોચ થઈ ગયો .  પાંચમી મુષ્ટિમાં ભગવાન્ મસ્તકની પાછળના કેશનો લોચ કરવાના હતા ત્યારે ઈન્દ્રે પ્રભુને વિનંતી કરી કે ‘ આ મસ્તકની પાછળના વાળ એમ જ રહેવા દો . આપના સોનેરી સ્કંધ પર , શ્યામ રંગી વાળ ફેલાય છે એ જોવાનું ખૂબ ગમે છે . પ્રભુ મસ્તકની પાછળના વાળનો લોચ ન કરો એવી મારી ખાસ વિનંતી છે . ‘ પ્રભુએ ઇન્દ્ર મહારાજાની આ વિનંતીનો સ્વીકાર કર્યો .  સામાન્ય રીતે દરેક તીર્થંકરો પંચમુષ્ટિ લોચ કરતા હોય છે . એકમાત્ર આદીશ્વર ભગવાન સાથે એવી ઘટના બની કે પ્રભુએ પંચમુષ્ટિને બદલે ચાર મુષ્ટિનો જ લોચ કર્યો . ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक  ६७ થી ७१ ) આ ઘટના અભૂતપૂર્વ છે . 


૧૫ . સર્વપ્રથમ દાનપ્રવૃત્તિ 

સામાન્ય રીતે દીક્ષાના દિવસે પ્રભુ જે તપ કરે એનું પારણું દીક્ષાના બીજા દિવસે થતું હોય છે . પરંતુ પ્રથમ પ્રભુનું દીક્ષા તપનું પારણું દીક્ષાના બીજા દિવસે થયું નહીં . भगवान् पारणाहेડपि भिक्षां प्राप न कुत्रचित्।भिक्षुदानाડनभिज्ञो हि तदेकान्त ऋजुर्जन: ।। ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक ९४ ) ઘરમાં ભોજન બનતું હોય તેમ છતાં ભિક્ષુને દાન તરીકે શું આપવું તેની વિધિ લોકો જાણતા ન હોય અને એ કારણસર પ્રભુને પારણું ન થાય આવી પરિસ્થિતિ સર્વ પ્રથમવાર જોવા મળી હતી . પ્રભુનાં પારણાનો સમય ચારસો દિવસે આવ્યો . વૈશાખ સુદ ત્રીજ . આ દિવસે પારણાંની ઘટના બની . પારણું શ્રેયાંસકુમારે કરાવ્યું તે પહેલાં કોઈએ કોઈને પારણું કરાવ્યું નહોતું . જે રીતે અન્ય સઘળો વ્યવહાર ઋષભદેવ ભગવાને પ્રવર્તાવ્યો એ રીતે દાનધર્મ શ્રેયાંસકુમારે પ્રવર્તાવ્યો . પ્રભુનું પારણું જે સુપાત્રદાન દ્વારા થયું તે વર્તમાન યુગનું સર્વપ્રથમ દાન હતું . राधशुक्लतृतीयायां दानमासीत् तदक्षयम् । पर्वाડक्षयतृतीयेति ततोડद्यापि प्रवर्तते ।। श्रेयांसोपज्ञमवनौ दानधर्मं प्रवृत्तवान् । स्वाम्युपज्ञमिवाशेषव्यवहारनयक्रम: ।। ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक ३०१ / ३०२ ) પ્રભુએ જ્યાં પારણું કર્યું ત્યાં શ્રેયાંસકુમારે એક રત્નમયપીઠિકાની રચના કરી જેને આદિત્યપીઠ એવું નામ આપવામાં આવ્યું . જ્યાં ઊભા રહીને પ્રભુએ પારણું કર્યું ત્યાં કોઈ પગ ન મૂકે એવી ધારણાથી આ પીઠિકાની રચના કરવામાં આવી હતી . આ પીઠિકા બની તે પછી પ્રભુ જ્યાં જ્યાં પારણું કરતા ત્યાં ત્યાં સ્થાનિક લોકો દ્વારા પીઠિકાની રચના થતી રહી . લોકમાં આ પીઠ આદિત્યપીઠ તરીકે પ્રસિદ્ધ થઈ . ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक ३३१ થી ३३४ )

 ૧૬ . જટાધારી તાપસોની પરંપરાનો પ્રારંભ

ઋષભદેવ ભગવાન્ દીક્ષા લે છે ત્યારે એમની સાથે ૪૦૦૦ રાજાઓ પણ દીક્ષા લે છે , જેમાં કચ્છ અને મહાકચ્છ મુખ્ય સ્થાને હોય છે . પ્રભુ – પારણું નથી થતું ત્યારે ઉપવાસ ઉપર ઉપવાસ કરતાં આગળ અને આગળ તપ વધારતા રહે છે . પરંતુ સાથેના દીક્ષિત મહાત્માઓ ઉપવાસ કે તપ કરવા માટે પ્રભુની જેમ સક્ષમ નથી . એમને પ્રભુની સાથે રહેવું છે એ સ્પષ્ટ છે . એમને સંસારનો પરિત્યાગ કર્યો એનો કોઈ પસ્તાવો પણ નથી . એ ફક્ત લાંબા ઉપવાસ કરવા સમર્થ નથી . એમને પણ ભિક્ષા મળી નથી રહી . પેટની ભૂખથી તેઓ થાકી હારી જાય છે . તેઓ પ્રભુથી છૂટા પડીને ગંગા નદીના કિનારે નિવાસ કરે છે , કંદમૂળ અને ફળ આદિ વાપરીને પેટ ની ભૂખ સંતોષે છે . સંસારત્યાગ બાબતે તેઓ સ્પષ્ટ છે . આથી તેઓ ગૃહવાસમાં પ્રવેશ કરતા નથી . કચ્છ અને મહાકચ્છ દ્વારા વનવાસી તાપસોની પરંપરા શરૂ થઈ . प्रावर्तन्त तत: कालात् तापसा वनवासिन: । जटाधरा: कंदफलाद्याहारा इह भूतले ।। ( प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक १२३ ) 

૧૭ . વૈતાઢ્યગિરિ પર નગરોની શ્રેણિ રચાઈ 

કચ્છ અને મહાકચ્છના પુત્ર નમિ અને વિનમિ , દીક્ષિત ઋષભદેવ ભગવાન્ પાસેથી પોતાના સંસારી હક તરીકેનું રાજ્ય વાંછે છે . તેઓ રોજ દીક્ષિત  ભગવાનની સેવા કરતાં રહે છે . ધરણેન્દ્ર એમની સેવા અને લાગણીથી પ્રસન્ન થાય છે . એ નમિવિનમિને ૪૮૦૦૦ વિદ્યા આપે છે . ધરણેન્દ્ર નમિવિનમિને વૈતાઢ્ય પર્વત પર પોતપોતાનું રાજ્ય સ્થાપવા કહે છે . ધરણેન્દ્રનાં શાસન અનુસાર – વૈતાઢ્ય પર્વત પર દક્ષિણ દિશાની શ્રેણિમાં નમિએ૫૦ નગરની રચના કરી ,  વૈતાઢ્ય પર્વત પર ઉત્તર દિશાની શ્રેણિમાં વિનમિએ ૬૦ નગરની રચના કરી . સર્વ પ્રથમ વાર આખેઆખા બે નવાં રાજ્યની સ્થાપના થઈ . એની સત્તાવાર જાણકારી ભરત રાજાને પણ મળી . નમિ અને વિનમિ માટે વિશાલ રાજ્યની રચના થઈ તે ઋષભદેવ ભગવાનના પ્રભાવે . (  प्रथम पर्व : तृतीय सर्ग : श्लोक १२४ થી २३३  )

૧૮ . સિદ્ધગિરિરાજની ગૌરવસ્થાપના 

ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મહાકાવ્યમાં પ્રભુ સિદ્ધગિરિરાજ ઉપર પધાર્યા , ભરતચક્રીએ ગિરિરાજ પર શ્રી ઋષભ જિન ચૈત્યની રચના કરી . એવો ઉલ્લેખ મળે છે . (  प्रथम पर्व : षष्ठ सर्ग : श्लोक ३९१ થી ४५०  ) પ્રભુ કેટલી વાર પધાર્યા અને કયા દિવસે પધાર્યા એ  સંબંધી ઉલ્લેખ શત્રુંજયમાહાત્મ્ય અને શત્રુંજય કલ્પવૃત્તિ ગ્રંથમાં મળે છે . એટલું ચોક્કસ છે કે ઋષભદેવ ભગવાનને લીધે જ સિદ્ધગિરિરાજની યાત્રાનો મહાન્ યુગ પ્રવર્તન પામ્યો છે . 


૧૯ . અષ્ટાપદગિરિની ગૌરવસ્થાપના 

પ્રભુ અષ્ટાપદ ગિરિરાજ ઉપર પધાર્યા અને ૧૦.૦૦૦ આત્માઓ સાથે મોક્ષમાં સિધાવ્યા . ભરતચક્રીએ અષ્ટાપદગિરિ પર ચોવીશ જિન ચૈત્યની રચના કરી . એમ અવશ્ય કહી શકાય કે અષ્ટાપદગિરિની ગૌરવસ્થાપના પ્રભુના પ્રભાવે થઈ . ( प्रथम पर्व : षष्ठ सर्ग : श्लोक ४५९ થી ६७९  ) 

ઋષભદેવ ભગવાનનાં જીવનની આ ઓગણીસ વિશેષ ઘટનાઓ છે . જેમાં અમુક ઘટના સર્વપ્રથમ વાર સંપન્ન થઈ છે  અને અમુક ઘટનાઓ યુગપ્રવર્તક છે . આ સિવાયની અન્ય દરેક ઘટના પણ મહત્ત્વપૂર્ણ છે . 

( પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોવર્મ સૂરીશ્વરજી મ.સા. , પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થયશવિજયજી મ.સા.ની આત્મીય અભ્યર્થનાથી આ લેખ ઋષભાયન ગ્રંથ માટે લખ્યો છે . ઋષભાયન ગ્રંથ વિમોચન દિન : ૧૯.૧૦.૨૦૨૪ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *