ભારતભૂમિ પર રાજાઓનાં શાસન ચાલતાં ત્યારે દિગ્વિજય થતા. ચક્રવર્તી ષટ્ખંડની વિજયયાત્રા સાધતા. મોટા સમ્રાટ્ હોય તે ભારતની ચારે દિશામાં યુદ્ધો ખેડીને સાર્વભૌમ બનતા. એ વિજેતા મહારાજાની આજ્ઞા મુજબ રાજ્યો ચાલતા અને સંસ્કૃતિ ઘડાતી. રાજ્ય શાસન નબળા પડતા ત્યારે અવ્યવસ્થા ફેલાતી,સંસ્કૃતિને ઘસારો પહોંચતો. સૈકાઓથી આમ ચાલે છે. ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માના સમયે જૈન શાસનનો દિગ્વિજય થયો હતો. સમય વીતતો ગયો તેમ દિશાઓ બદલાતી ગઈ, સંકેલાતી થઇ. છેલ્લે રાજર્ષિ કુમારપાળના સમયમાં અઢાર દેશ સુધી આપણો અહિંસામય ધર્મ પહોંચ્યો હતો. આ અઢાર દેશોમાં એક દેશનું નામ હતું મહારાષ્ટ્ર. કાળના પ્રવાહમાં અઢાર દેશો સાથેના સંબંધની ભૂમિકા બદલાઈ. ક્યાંક ધર્મ રહ્યો, ક્યાંક અવશેષો રહ્યા. વારસાગત રીતે ધર્મ મળતો તોય ધર્મની સમજણ અને લાગણી ન મળતી. પરિવારોમાંથી ધર્મ ભુલાતો ચાલ્યો હતો. આદરભાવ હતો, પણ એટલા માત્રથી ધર્મ ના ટકે. ધર્મની ઊંડી જાણકારી, સાચી સમજણ અને પાક્કી નિષ્ઠા જોઈએ. મહારાષ્ટ્ર દેશમાં ધર્મની હાજરી હતી. ગામોમાં જૈન પરિવારો હતા. જૈનત્વ અને ધર્મનું સ્વત્વ ઓસરી રહ્યું હતુું . તે કાળે અને તે સમયે પરમ શાસન પ્રભાવક અને વ્યાખ્યાન વાચસ્પતિ તરીકે ગુજરાતની ભૂમિ પર અતિશય પ્રસિદ્ધિ પામનારા એક સમર્થ મહાપુરુષે મહારાષ્ટ્રની ધરતી પર પગલાં માંડ્યા. ઝાંખી પડેલી ધર્મચેતનાને નવું તેજ મળ્યું. વિસરાયેલા આત્મધર્મને એમની પધરામણીથી આધાર મળ્યો. હજારો લોકોનાં અંતરમાં બોધિનાં વાવેતર થયાં હતાં. દિગ્વિજયની જેમ જ ચોમેર જયજયકાર ગાજ્યો હતો. સમર્પણનું સામ્રાજ્ય છવાયું હતું. ધર્મ સાથે સંબંધ સુદૃઢ બન્યો હતો. મહારાષ્ટ્રનાં ગામડે ગામડે એ મહાપુરુષ ફર્યા. ઘર એક હોય કે અગિયાર હોય એ ગામમાં પગલાં કર્યા જ. મોટા હોલ ભરાય કે નાની ઓરડી ભરાય, શ્રોતા આવે તેમને ધર્મ સમજાવ્યો જ. થાક ન ગણકાર્યો, રઝળપાટ જેવા આકરા વિહારોની ફિકર ના કરી. આહાર પાણીની ઉપેક્ષા જ કરી. આગતા સ્વાગતની અપેક્ષા ના રાખી. પ્રભુનો ધર્મ જીવે અને વહેતો રહે આ જ ભાવના. યોગ્યતાને સાચા ઉપદેશથી ખીલવવા માટે બધું જ વેઠ્યું. વગર વાદળે વરસ્યા, વગર વીજળીએ ચમક્યા અને વગર આડંબરે ગરજયા. મહારાષ્ટ્રની ડુંગરાળ ધરતી પર નવી આબોહવા સર્જાઈ. લોકોને આ ચમત્કાર પહેલાં તો ન સમજાયો. સમજાયો ત્યારે એમને પોતાનો કાળો ભૂતકાળ યાદ આવ્યો. અજવાસભર્યા આજની અવસ્થાના સર્જનહાર મહાપુરુષ પ્રત્યે મહારાષ્ટ્રવાસીઓ પાગલ બની ગયા. તાજેતરમાં આચાર્યપદ લઈને આ તરફ પધારેલા આ મહાન સૂરિદેવને મહારાષ્ટ્રની જનતાએ એક નવું પદ અર્પિત કર્યું : મહારાષ્ટ્રદેશોદ્ધારક.
પૂનાથી કરાડનો વિહાર – તે મહારાષ્ટ્રદેશોદ્ધારની ઈતિહાસકથાનું એક સ્વતંત્ર પ્રકરણ છે. વિહાર અને વ્યાખ્યાન એક બીજા સાથે ગૂંથાઈ ગયા હતા. વિહારની એક અસર હતી, તો વ્યાખ્યાનનો એક પ્રભાવ હતો. આ પ્રવચનગ્રંથમાં મહારાષ્ટ્રદેશોદ્ધારનું આ આગવું પ્રકરણ મહદંશે શબ્દબદ્ધ થયું છે. મહારાષ્ટ્રની પહાડી પ્રજા છે. મરી ફીટવા જેટલી નિષ્ઠા દાખવામાં સૌથી પહેલા આવે. એમની ખુમારીમાં ધર્મનો પ્રવેશ કરાવીને એ સૂરિભગવંતે દક્ષિણ ભારતમાં જિનશાસનની પ્રભાવના સાચા અર્થમાં કરી હતી.જ્યાર સુધી મહારાષ્ટ્રમાં ધર્મશ્રદ્ધા જીવશે ત્યાર સુધી એ સૂરિભગવંતનું નામ જીવશે. મહારાષ્ટ્રની માટીમાં ધર્મભાવનાના અંકુરા સીંચનારા એ સૂરિભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આજે સદેહે ઉપસ્થિત નથી. ઇતિહાસની નવી સીમા કંડારનાર આ યુગપુરૂષનાં ૪૦૦થી વધુ પ્રવચનપુુસ્તકો મૌજૂદ છે . વાર્તા કહીએ, રસરંગ પૂરીએ તો જ લોકોને (નવા લોકોને) મજા આવે, તેવી માન્યતાનો અહીં છેદ ઉડે છે. કથા વગર સૂરિભગવંતને બરોબર ચાલ્યું છે. વચ્ચે સિકંદરની કથા કહ્યા બાદ સૂરિભગવંતે ટિપ્પણી કરી છે: સિકંદર બાદશાહને માટે કહેવાતી આ વાત સાચી હોય કે ખોટી હોય, પણ તેમાંની વસ્તુ તો સાચી જ છે. કથાને ખાસ મહત્ત્વ ન આપવાની સૂરિભગવંતની વિશેષતા અહીં સ્ફુટ થાય છે. કથા અસર જરૂર કરે. જોખમી મુદ્દો એટલો જ રહે કે વ્યાખ્યાન પત્યા પછી માત્ર કથા જ યાદ આવે, પદાર્થબોધ બાજુ પર રહી જાય. બીજી વખત ધર્મ સાંભળવાની તક જેમને ભાગ્યે જ મળશે તેવા જીવોને કથાના રસમાં તાણી જઈને ધર્મનાં રહસ્યોની ઓછા સમીપમાં લાવવાની નીતિ સૂરિભગવંતને પસંદ નથી. તેમણે તો સાદી અને સહજ ભાષામાં બધું જ સમજાવી દીધું છે. મુખ્ય ધરી અહીં – ધર્મનો રસ અને પાપનો ડર આ બે સદ્ ગુુણોની આસપાસ ફરે છે. આત્મધર્મ અને આત્મવાદની ગહન વાતો પણ સરળતાથી આવતી જાય છે. સુખદુઃખની સ્પષ્ટતા તો ગજબ છે : આ સુખદુઃખની લાગણી ઉત્પન્ન થવામાં માણસની મનોવૃત્તિ જ મુખ્ય કારણભૂત છે.દાર્શનિક કક્ષાનું આ સત્ય સાવ સુબોધ શબ્દોમાં પ્રસ્તુત થયું છે. આ પુસ્તકના વ્યાખ્યાનો માત્ર વ્યાખ્યાનો નથી. એ તો ધાર્મિક જુવાળ પેદા કરનારા પ્રેરક તત્વો છે. ગામેગામ અને ઘેર ઘેર આ વ્યાખ્યાનો શ્રદ્ધેયભાવે ચર્ચાયા છે. એના દરેક શબ્દોમાંથી, સંજીવનીનો જાદુ ઝર્યો છે. ગણ્યા ન ગણાય એટલા બધા આત્માઓને આ અઢારદિવસીય વિહાર પ્રવચનોએ સંબોધીનું દાન કર્યું છે. આ પ્રવચનો આજે વાંચીએ છીએ ત્યારેય લાગે છે તો એવું જ કે આ તો નવાં જ પ્રવચનો છે. તો ટૂંકમાં જાણીએ એ વિહારોનો અહેવાલ અને પ્રવચનોનો સારાંશ .
૧ . શેઠ કેશવલાલ મણિલાલના બંગલે : પોષ ૬,૭
પોષ વદ ૬ નો મુહૂર્તદિવસ ભરચક રહ્યો હતો. એક પછી એક કાર્યક્રમો થતા જ ગયા હતા. દીક્ષા થઇ હતી, ઉપધાનના કેટલાક આરાધકોને માળ પહેરાવવામાં આવી હતી. ચતુર્થ વ્રત અને બારવ્રત ઉચ્ચરાવ્યા હતા. પૂનાલશ્કર પધારતાં પૂર્વે આ બધી વિધિઓ ચાલી હતી. લશ્કર પધારીને તો તુરંત વિહાર હતો, સાંજે રોકાણ હતું શેઠ શ્રી કેશવલાલ મણિલાલના બંગલે. બીજે દિવસે વ્યાખ્યાન થયું હતું. વિદાયની ગમગીની સૌના ચહેરાપર દેખાતી હતી. એવા કેટલાય માણસો હતા જેઓ પ્રચારમાધ્યમથી ગેરમાર્ગે દોરવાઈને સૂરિભગવંત માટે જુદી જ ધારણા બાંધી બેઠા હતા. પરોપકારની નિખાલસ મૂર્તિસમા સૂરિભગવંતનાં પ્રવચનો સાંભળીને એ ગલત ધારણાથી મુક્ત બનવા છતાં, એક વખતની એ ગેરસમજ વિશેનો પસ્તાવો એમનાં અંતરને કોરી રહ્યો હતો. જાહેરમાં અને અંગત રીતે વારંવાર એ સૌ માફી માંગી ગયા હતા. સૂરિભગવંતે સૌને આખરી સંદેશો આપ્યો હતો : ગુણરાગને ખૂબ ખીલવજો, પણ વ્યક્તિરાગથી સાવધ રહેજો.
૨ . હડપસર : પોષ વદ ૮
ગામની નિશાળમાં ઉતારો હતો. પૂનાથી ઘણાજ શ્રાવકો આવ્યા હતા તો જૈનેતરોની ભારે ભીડ ઉમટી હતી. પૂના છોડ્યા પછીનું આ પહેલું પ્રવચન હતું.
સારાંશ :
દુનિયાના દરેક માણસો કલ્યાણની ઈચ્છાથી જ પ્રવૃત્તિ કરે છે. કલ્યાણની સમજ સાચી ન હોવાથી તેમની પ્રવૃત્તિ ખોટી નીવડે છે, નુકસાનકારક. કલ્યાણને એટલે કે સાચા સુખને પામવું હોય તો ભગવાનનું શરણ લેવું જોઈએ. માત્ર પૂજા કરવાની આ વાત નથી. પૂજા ઉપરાંત પ્રભુની આજ્ઞા મુજબ વર્તવા માટે શક્તિ અને સામગ્રીનો સદ્વ્યય થવો જોઈએ. સાચું સુખ આત્મામાં છે, એમ ભગવાને કહ્યું છે. એ સુખ સંસારમાં રહેવાથી પ્રગટ નહીં થાય. સંસારથી છૂટવું પડશે . તો જ આત્માનું સુખ અનુભવવા મળશે. પાપનો ત્યાગ અને ધર્મની આરાધના કરવાથી પણ સાચી શાંતિવાળું સુખ ક્રમે કરીને મળી શકે. ભગવાને સાચા દુઃખની ઓળખાણ કરાવીને, સાચા સુખનો માર્ગ બતાવ્યો છે. આપણે ભગવાનની આજ્ઞા મુજબ વર્તન સુધરીશું તો આપણું કલ્યાણ અચૂક થશે.
૩ . ફુરસંગી : પોષ વદ ૯
હવે પૂના છેક જ પાછળ રહી ગયું હતું. ફુરસંગીમાં વાજતેગાજતે પ્રવેશ થયો ત્યારે પૂના અને આસપાસના ગામના ભક્તજનો વચ્ચે ફુરસંગીના જૈનો લઘુમતીમાં મુકાઈ ગયા હતા. અહીં દેરાસર નહોતું. સૂરિભગવંતે આ અંગે પ્રેરણા કરી. ગામના જૈનોએ ભેગા મળી ઘર દેરાસર કરવાનો નિર્ણય લીધો. બે જ મહિનામાં ચલપ્રતિષ્ઠા થાય તેવી તૈયારી સાથે સૂરિભગવંતને એ પ્રતિષ્ઠા કરાવવા માટે પધારવાની વિનંતી સુદ્ધાં કરી. સૂરિભગવંતનો પ્રત્યુત્તર સંતોષપ્રદ મળ્યો તેથી ફુરસંગીવાસીઓ કૃતાર્થતા પામ્યા.
૪ . ચોરની આલંદી : પોષ વદ પ્ર.૧૦
ખુલ્લા પગે વિહાર થતો. ખભે ઉપધિ બાંધીને મુનિભગવંતો ચાલતા. ગઈકાલે ચોરની આલંદીના જૈનોની વિનંતી અવધારીને ડુંગરાળ રસ્તે વિહારનો મારગ લીધો હતો. જંગલી કેડી પર ચાલતા કાંટા વાગતા ને કાંકરા ખૂંચતા. જમીનમાં અર્ધા ખૂંપેલા પથ્થરોની ઠેસ અચાનક વાગતી. છ માઈલનો પંથ બાર માઈલ જેવો લાંબો લાગતો હતો. તેમાં વળી રસ્તો ભુલાયો તે ત્રણ માઈલનું નવું ચક્કર થયું. ગૌરવવંતા ગુરુભગવંત અને અનુશાસિત શિષ્યપરિવાર સૌના ચહેરા પ્રસન્ન હતા. બગીચામાં ચાલતા હોય તે રીતે તેમના પગલાં મંડાતા હતાં. મોડું થયું તેમાં સૂરજ વિકરાળ બની ગયો હતો તોય સર્વેના મુખ પર પરમ આનંદ લહેરાતો હતો. સહન કરવાનું આવે તેમાં રાજી થાય તે જ તો સાધુતા છેને . મધ્યાહ્ન પછી મુકામે પહોંચ્યા. મોટા શિવાલયમાં ઉતારો હતો. બપોરે ત્યાંજ વ્યાખ્યાન યોજાયું હતું. પહેલીવાર આ ગામમાં જિનવાણીની છોળો ઉછળી હતી.
સારાંશ
આપણા જીવનમાં દુઃખો આવે છે કેમ કે આપણે વિવેકગુણ કેળવ્યો નથી. દુઃખ ન ગમે તે દુઃખને લાવનારા તત્વોનો વિરોધી જ હોય આ સાવ સાદી વાત છે. વિવેક ગુણની કસોટી આ જ છે. “પાપ કરીશ તો દુઃખ આવશે માટે પાપ નથી કરવા” તેવી ભાવના થાય, પાપ કરવું જ પડે તો તેનો અફસોસ રહ્યા કરે – તો સમજવું કે વિવેક ગુણ આવ્યો છે. આ ગુણ આવી જાય, પછી તો સુખ આપમેળે આવે. દુનિયાના સુખો પાપ કરાવે છે માટે તેનાથી દૂર રહેવાનું મન થાય, એ વિવેકનો મોટામાં મોટો લાભ છે. સુખનો રાગ ઘટે તેમ આત્મભાવ ખીલે. આત્મભાવ ખીલે એ દ્વારા સાચા સુખની અનુભૂતિ સાંપડે. આજે આપણી હાલત એવી છે કે પાપ આપણને બધા જ ગમે છે પણ આપણને એક માણસ પણ પાપી કહીને બોલાવે તે ગમતું નથી. સૌથી મોટી કરુણતા તો બીજી છે. આપણે પોતે પણ આપણી જાતને પાપી માનવા તૈયાર નથી. હવે આમાં – દુઃખ ટળે ક્યાંથી ?
૫ . ઉરલી : પોષ વદ દ્વિ . ૧૦
આ ગામમાં જૈનનું એક જ ઘર. છતાં વ્યાખ્યાનનો મંડપ બાંધવામાં આવ્યો હતો. પૂનાથી નીકળ્યા તે પછીના ગણત્રીના જ દિવસોમાં તળમહારાષ્ટ્રનાં ગામડાઓમાં સૂરિભગવંતના વ્યાખ્યાનોનું આકર્ષણ ઊભું થયું હતું. ગામોગામ આ આકર્ષણની આંધી છવાતી. પરિણામે બ્રાહ્મણ, મરાઠા, મારવાડી, મુસલમાનો સામૈયામાં અને પ્રવચનસભામાં ઉમટી પડતા. હિન્દીમાં વ્યાખ્યાન થતાં. જૈન-જૈનેતરોને રોજરોજ સંબોધતા સૂરિભગવંતની વ્યાખ્યાનશૈલી નવા રૂપે ખૂલતી.
સારાંશ :
આજે પાપ છોડવાની તાકાત નથી તેમ બોલનારામાં પાપ વધારનારી પ્રવૃતિઓ કરવાની તાકાત ક્યાંથી આવી જાય છે તે મોટો પ્રશ્ન છે. પાપબુદ્ધિ આપણો જ દોષ છે. એ ભગવાને નથી આપી. ભગવાન તો પાપની બુદ્ધિ કે ધર્મની બુદ્ધિ ઉત્પન્ન કરતા જ નથી. ભગવાન આપણી બુદ્ધિને સમજાય તે રીતે ધર્મ અને પાપની સમજ આપે છે. સુખદુઃખની પાછળ પુણ્યપાપ કામ કરે છે. તો સુખદુઃખની લાગણી પાછળ આપણી મનોવૃત્તિ કામ કરે છે. મનોવૃત્તિને વશમાં લઈએ તો બધે સુખ જ છે, દુઃખનું નામ નથી. સુખદુઃખનાં સાધનો મર્યા પછી સાથે નથી આવતા માટે એના રાગદ્વેષમાં ફસાવા જેવું નથી. આત્માના આવરણો તૂટે તો ખરું સુખ મળે. તમે પાપનો ત્યાગ અને ધર્મનો આદર કેળવો અને તે માટે સદ્ગુરુ દ્વારા પાપ અને ધર્મની સમજણ મેળવો તો પછી આવરણો હેઠળ ઢંકાયેલું આત્માનું નિર્મલરૂપ જરૂર પ્રગટે. કેમ કે સાચી સમજણ પાપમાત્રનો ત્યાગ અને ધર્મનો સંપૂર્ણ સ્વીકાર કરવાની ભાવના આપે છે. ભાવના પાકી થાય તો શક્તિ પ્રગટે જ.
૬ . યવત : પોષ વદ ૧૧
ગઈકાલે સાંજે વાડીગામ મુકામ હતો. સવારે યવત પધાર્યા. પૂનાથી વિહાર થયો ત્યાર પછી આજે જિનમંદિરમાં દર્શન થયા. સામૈયા બાદ વ્યાખ્યાન થયું.
સારાંશ :
સવારે ઉઠીને, દિવસભરમાં કેટલા સુખો મેળવવા તેની વિચારણા ચાલે છે. આ સુખો પાપ કરાવે છે તે યાદ નથી રહેતું. દેહમાં સુખ માન્યું તેથી અર્થકામની ચિન્તા અને પ્રવૃત્તિને જ મહત્વ મળ્યું. પાપનાશક ધર્મ બાજુપર રહ્યો. ધર્મનું થોડુંઘણું આસેવન થયું તેય અર્થકામની પુષ્ટિ માટે જ. જ્ઞાનીઓ કહે છે : અર્થકામની વાસના એ પાપવાસના છે અને અર્થકામને માટે થતો પ્રયત્ન એ પાપ પ્રયત્ન છે. પ્રયત્ન ધર્મનો હોવા છતાં ભાવના અર્થકામ મેળવવાની હોય તો એ પ્રયત્ન પાપ પ્રયત્ન જ કહેવાય. ધર્મનું સાચું ધ્યેય ભુલાયું છે તેની આ મોકાણ છે. અર્થકામ અને તેને લાવનારું પુણ્ય તો વિનશ્વર છે. એના રાગમાં આત્માની પાયમાલી છે. આત્માનું સાચું સુખ પામવા ધર્મનાં શરણે આવવામાં જ આત્માની સલામતી છે. ભગવાનની પૂજા કરનારો, ભગવાને જેની મના કરી છે તે પાપોને હોંશથી આચરે તેવું બને? આજ્ઞા જેને સમજાય અને ગમે , તેને સંસાર છોડવાના જ વિચાર આવે. તમે સંસાર છોડી ન શકો તો સંસારમાં ઉદાસીનભાવ તો કેળવી જ લો. દુઃખના સંયોગોમાં સમાધિ જાળવાનું સહજ બની જશે. એક વાત બરોબર યાદ રાખજો કે ‘ગમે તેવા દુઃખના સંયોગોમાં ધર્મ સુખશાંતિ આપે છે અને ગમે તેવા સુખના સંયોગોમાં પણ પાપ મૂંઝવી મારે છે.’
૭ . કેડગામ : પોષ વદ ૧૨
યેવતમાં રોકવાનો ખુબ આગ્રહ થયો. કરાડ પહોંચવા માટે દિવસો ઓછા હોવાથી એ શક્ય ના બન્યું. જે ગામમાં શ્રાવકનું માત્ર એક જ ઘર હતું ત્યાં આખું ગામ મળીને રોકવાનો આગ્રહ કરે તેને માત્ર શાસનપ્રભાવના ન કહેવાય, તેને તો શાસનપ્રભાવનાની પરમ ફલશ્રુતિ કહેવાય. વિહાર તો થયો જ. કેડગામમાં સ્ટેશન પાસે જૈનોના દશબાર ઘરો હતા. અહીં પધાર્યા. વ્યાખ્યાન થયું.
સારાંશ :
જડ અને ચેતનના યોગને ઓળખાવી એ યોગથી ચેતનને મુક્ત કરવાની કળા જૈનશાસનને બતાવી છે. જડના યોગથી મુક્તિ ઝંખે તે જૈન. આ ભાવનાથી આજ્ઞાનું પાલન કરે તેનું જૈનત્વ સફળ. ધર્મની આ મૂળભૂત ભાવના જેને સમજાય છે તે આત્માની દયા કદી ન ચૂકે. આજે દીન દુઃખીની દયા કરવામાં આત્માની દયા વિસરાઈ છે, આ કારણે દયા કરવામાં વિવેક નથી રહેતો અને દયાનાં નામે હિંસાનું પોષણ થઇ જાય છે. જડનો રાગ જડમાં ફસાવી રાખશે, ચેતનનો રાગ જડથી છોડાવશે. આ જાતની જાગૃતિ રાખવી તે આત્મદયા છે. આ જાગૃતિ વિનાની દયા સ્વાર્થમૂલક પણ હોઈ શકે છે. બીજાને જડના રસિયા બનાવી, પોતાનો જડ પ્રત્યેનો રસ પોષવામાં સ્વાર્થ જ તો છે. એમાં આત્મદયા ક્યાંય નથી. જડની લાગણીને લીધે મૂંગા પ્રાણીઓની કતલ થવા માંડી છે, હવે તો. આ શરીર, શરીરને સાચવતા સાધનો, શરીરને ગમતી સામગ્રી એ બધું જ જડ છે, તે સમજી લો. જડની આસક્તિથી આત્માને બચાવો. સંયમી બનો અથવા સંયમની ભાવના કેળવો. જડની પાછળ પાગલ બન્યા ન રહો. જડનું આકર્ષણ ઘટશે અને છૂટશે તો જ સમભાવ આવશે. પછી જ શાંતિ પામશો.
૮ . સુપા : પોષ વદ ૧૩, ૧૪
ખેતરની નાની ઝૂંપડીમાં રાતવાસો થયો. શિયાળાના દિવસોમાં ખોબા જેવડી ઝૂંપડીમાં તેર સાધુ અને છ શ્રાવકનો સમાવેશ કરવામાં આવ્યો. સુંસવતી હવાના ટાઢાબોળ આક્રમણ સામે સલામતીનું કોઈ સાધન નહોતું, અને આ જ તો મજા હતી વિહારની. સામૈયા થાય તેમાં રાજીપો ન અનુભવતા સૂરિભગવંતે આ ઠંડી અને ઝૂંપડીમાં જરાય નારાજગી ના દાખવી. સાધનાની હૂંફ વિના સમતા નથી રહેતી. સૂરિભગવંતે સપરિવાર સમતાના છત્રહેઠળ રાત વિતાવી. સવારે વિહાર કરી સુપા પધાર્યા. સામૈયા બાદ વ્યાખ્યાન થયું. તે સાંભળીને ગામના આગેવાનો, જૈન જૈનેતરો હતા તેમણે ખુબ જ આગ્રહ કરી રોકાવાની અને ચારપુરુષાર્થ સમજાવવાની માંગણી કરી હતી. સૂરિભગવંતે લાભના વિશેષ કારણનો ખ્યાલ કરી સ્થિરતા કરી હતી. બીજે દિવસેય વ્યાખ્યાન થયું હતું.
સારાંશ – ૧
ધર્મ આપણને સાચવે તે ગમે છે. ધર્મની સેવા કરીને ધર્મને સાચવવાનું આપણને નથી ગમતું. ધર્મ તમારી રક્ષા કરે તેવી ઈચ્છા હોય તો તમારા જીવનમાં ધર્મની રક્ષા કરો. તમારા જીવનમાંથી ધર્મની બાદબાકી થઇ ગઈ છે. ધર્મ કરવો નથી અને ધર્મનું ફળ જોઈએ છે. આવું કેમ ચાલે ? ધર્મ કરો અને તેય કોઈ સ્પૃહા રાખ્યા વિના કરો. તમને ધર્મ ગમતો હોત તો તમે તે તમારા સન્તાનોમાં ઉતાર્યો હોત. તમારા સંતાનોનાં ધાર્મિક અજ્ઞાન પરથી તમારા ધર્મપ્રેમની પરીક્ષા થઇ ગઈ છે. શ્રીદશરથનો ધર્મપ્રેમ સાચો હતો તેથી એમનાં સંતાનો ધાર્મિક પાક્યા હતા. જયારે કૈકેયી શ્રીદશરથ પાસે વચન માંગે છે ત્યારે શ્રીદશરથે ‘મારો ધર્મ ન રહી જાય’ તેની જ ચિન્તા કરી છે પોતાનો ધર્મ ન તૂટે તે માટે રામચંદ્રજીને પૂછ્યા વિના ભરતને રાજ્ય આપી દીધું છે. તો રામચંદ્રજીની પણ ધાર્મિકતા જોવા જેવી છે. શ્રીદશરથજી જયારે રામચંદ્રજીને બોલાવીને રાજ્ય આપી દીધાની વાત કરે છે ત્યારે રામચંદ્રજીને દુઃખ થઇ આવે છે. તેઓ કહે છે કે ‘આપનું રાજ્ય આપ ગમે તેને આપો? એમાં મને પૂછવાનું ન હોય. આપ મને પૂછો તેનો મતલબ એ થાય છે કે મારા જ વિનયમાં ખામી છે.’ નારાજ થયા વિના શ્રીરામચંદ્રજીએ કહ્યું છે કે ‘રાજ્ય હું ભોગવું કે ભરત ભોગવે એ સરખું જ છે’ પોતાનો હક રામચંદ્રજીએ ન બતાવ્યો. અને ભરતજી રાજ્યગાદી પર ન બેઠા. પિતાજીની આજ્ઞા અને રાજ્યની રક્ષા ખાતર તેમણે માત્ર રાજ્યનો સ્વીકાર કર્યો છે. ભરત રાજા બને તે માટે રામચંદ્રજીએ વનવાસ લીધો અને ભરતજી તો રામચંદ્રજીના સેવક તરીકે જ રાજ્યનું સંચાલન કરતા રહ્યા. આવો વિરલ સંબંધ ધાર્મિકતાનાં સિંચન વિના ન આવે. આપણે આત્મવાદી બની જઈએ તો ઘર-પરિવાર બધું સુધરી જાય. ભગવાનની આજ્ઞા, આત્માની ચિન્તા માટે જ છે. આજ્ઞા મુજબ જીવતા થઇ જશો તો કલ્યાણ થઇ જશે.
સારાંશ – ૨
સુખ મેળવવાની સૌ મહેનત કરે છે. સાચું સુખ તો મોક્ષમાં છે. દુઃખના લેશ વિનાનું, સંપૂર્ણ અને સ્થાયી સુખ મોક્ષમાં જ હોવાથી મોક્ષની સાધના સૌથી મહત્ત્વની છે તે માટે ધર્મનો પુરુષાર્થ છે. અર્થ અને કામ સાચું સુખ આપી શકતા નથી માટે એ નામના જ પુરુષાર્થ છે. અર્થ અને કામ માટે મહેનત કરો તોય તે મળે જ એવો નિયમ નથી. ભાગ્ય હોય તો મળે, નહીં તો ન મળે. મળ્યા પછીય ભાગ્ય હોય તો જ ટકે અને ભોગવાય. નહીં તો ચાલી જાય. આ ભાગ્યનું નિર્માણ ધર્મ કરે છે. ધર્મથી અર્થકામ ને મોક્ષ મળે પણ લક્ષ્ય તો મોક્ષનું જ રાખવાનું. દુનિયાના દરેક પદાર્થો બદલાતા રહે છે. કોઈ પદાર્થ શાશ્વતકાળ ટકતો નથી, આપણું પુણ્ય પણ. માટે જ પાપની જેમ પુણ્યથી પણ મુક્ત બનવાનું છે. પુણ્યથી અર્થકામ મળે તોય તેનું સુખ અધૂરું , દુઃખ મિશ્રિત અને અલ્પકાલીન તથા દુઃખદાયી હોય છે. મોક્ષનું સુખ આપણે સદા માટે નિશ્ચિંત બનાવી દે છે. ધર્મનો મહિમા જ આ છે. ધર્મને પ્રધાનતા આપો, ધર્મને અર્થકામનો દાસ ન બનાવો. ધર્મને આગળ રાખો, અર્થકામને પાછળ રહેવા દો. ચારેય પુરુષાર્થને માનનારો હોય તેય ધર્મ માટે અર્થકામની ઉપેક્ષા કરવા તૈયાર હોય, ખોટું છોડવા સાચું સમજવા તૈયાર હોય. એ દુરાગ્રહી ન હોય. આજે અર્થકામને મહત્વ આપીને ધર્મ સેવનારા મોક્ષની તો ઉપેક્ષા જ કરે છે. આત્મહિતની શોધ કરવાની કોઈને પડી નથી . અર્થકામને હેય માની, ધર્મને જ પ્રાણ બનાવી સુંદર જીવન જીવતા થઇ જાઓ.
૯ . મોરગામ : પોષ વદ ૧૪, અમાસ, અને મહા સુદ ૧
વિહાર એટલે અનિશ્ચિત અવસ્થાન, રોકાવાનું ક્યાં અને કેટલું તે નક્કી ના હોય. મોરગામ ચૌદશે પહોંચવાનું હતું, સવારે જ. બન્યું એવું કે સુપાની જબરદસ્ત વિનંતીને લીધે રોકાઈ જવું પડ્યું. મોરગામનો હક જાણે છીનવાઈ ગયો. મોરગામવાળા સવારે રાહ જોતા હતા, સામૈયાની તૈયારી રાખી હતી, મોટા ગણેશમંદિરમાં વિશાળ જનસમાજ વ્યાખ્યાન સાંભળવા ઉત્સુક હતો. સમય ખૂબ વીત્યો. સૂરિભગવંત ન પધાર્યા. પધારેય ક્યાંથી? સૂરિભગવંત તો મોરગામની પ્રતીક્ષાબદ્ધ ચિંતાની ઘડીઓમાં સુપા-મુકામે પ્રવચન ફરમાવી રહ્યા હતા. બદલાયેલો કાર્યક્રમ ફોન અને ફેક્સથી જણાવી દેવાનો એ યુગ નહોતો. સુપા તરફ કેટલાક મોરગામવાસીઓ ચાલી નીકળ્યા. આવીને સૂરિભગવંતને ક્ષેમ કુશળ જોઈ નિરાંત અનુભવી. મોરગામની વ્યાકુળતાનો સંદેશો આપ્યો. સૂરિભગવંત તો કરુણાનો સાગર. તેમણે ધીખતા તાપે તુરંત વિહાર કર્યો. અજાણ્યા ગામના, અજાણ્યા ભક્તજનો માટે ટાઢતડકો વિસરી જનારા સૂરિભગવંતને સુપા – ગામ ભાવભેર વળાવવા ચાલ્યું. છતાં મોડું તો થયું જ. છેક સાંજે સાડા પાંચ વાગે મોરગામ પહોંચ્યા. બમણા ઉત્સાહથી સામૈયું થયું. ઢળતી સાંજ હતી તેથી પ્રવચન ન થયું. બીજા દિવસે પ્રવચન થયું તેમાં ધુરંધર પંડિત ગણાતા બ્રાહ્મણો પણ આવ્યા હતા. પ્રશ્નોત્તરીની રમઝટ જામી. સૂરિભગવંતના વિશદ સમાધાનથી સંતોષ પામેલા બ્રાહ્મણોએ બીજા દિવસે રોકાવા વિનંતી કરી. સમય ખૂટ્યો હતો, પ્રશ્નો નહીં . સૂરિભગવંત તો આત્મશલ્યના ઉદ્ધારક હતા જ. બીજા દિવસની સ્થિરતા થઇ. ફરીવાર પ્રશ્નોત્તરીઓ ગાજી. આદર્શ વિચારધારાની ભૂમિકા હવે સ્પષ્ટ થઈ .
સારાંશ – ૧
સારી વસ્તુઓ મેળવવા આપણે પાપ તો કરીએ છીએ પણ યાદ રહે છે ખરું કે ‘પાપથી મેળવેલી વસ્તુ અહીં રહી જાય છે અને પાપ સાથે આવે છે ? ‘ આપણે આટલો સરખો વિચાર કર્યા વિના એમને એમ જીવીએ છીએ. પાપથી બચવા માટે કેટલી વિચારણા કરી ? બુદ્ધિશાળી ગણાતા માણસો પાસેય આનો જવાબ નથી. આ તો નરી મૂઢતા છે. તમારી વિચારણા અને પ્રવૃત્તિ એક નથી. વિચારણા સુખની છે, પ્રવૃત્તિ દુઃખની છે. સંવાદ સાધવો હોય તો સાધુઓ પાસે બેસીને સાચું સમજો. સુખ જોઈતું હોય તો સંયમ ગમવો જોઈએ. પાપથી બચ્યા વિના સુખ નથી મળવાનું. એક મજાનો રસ્તો છે : આપણા આત્માને જે વર્તન અનુકૂળ ન હોય તે બીજાઓ પ્રત્યે આચરવાનું નહીં. મોટાભાગના પાપો આ રસ્તે છૂટી જશે. જીવન સુધરી જશે. આજનો માનવી સ્વાર્થને લીધે બીજાની ચિંતા કરવાનું ભૂલ્યો છે. ધર્મનાં સેવનથી હૈયાનું ઝેર ઉતરશે અને સાચું સુખ મળશે.
સારાંશ – ૨
મનુષ્યગતિમાં વિવેક અને ત્યાગની શક્તિ ખૂબ ઊંચી છે. તિર્યંચોમાં વિવેક મુશ્કેલ અને દેવોમાં ત્યાગ મુશ્કેલ. ખાવાપીવાની પાછળ આ ભવ વેડફી નાંખશુ તો આ બે ઊંચી શક્તિનો લાભ લેવાનું ચૂકી જવાશે. આપણામાં પરમાત્મા બનવાની શક્તિ છે તે પ્રગટાવવાની તક આ જ ભવમાં મળે છે. આપણે બહિરાત્મા મટીને અંતરાત્મા થઈએ તે જરૂરી છે. લક્ષ્ય રાખવું શુદ્ધાત્મા બનવાનું. આ જીવનનો લાભ ઊઠાવી લેવા જેવો છે. જીવતા સધાય એટલું સાધી લો. એમાં જ ડહાપણ છે.
૧૦ . નીરા : મહા સુદ ૨ઉ
લાંબો વિહાર કરી સવારે અગિયાર વાગે નીરા પહોંચાયું . બપોરે બે વાગે વ્યાખ્યાન થયું હતું.
સારાંશ :
તમે પૈસા કમાવા વતન છોડીને અહીં આવી વસ્યા પણ આત્મશુદ્ધિ પામવા કોઈ દિવસ ઘર છોડીને કશેય ગયા છો? ગામમાં ઘર ને દુકાન બનાવ્યા પણ ભગવાનનું મંદિર બનાવવાનું યાદ આવ્યું ? આખા દિવસમાં હજાર જાતની વાતો થાય છે પણ આત્માની ફિકરથી બે વાતો પણ થાય છે ? દેવગુરુધર્મની સાચી ઓળખાણ છે તમને ? બધા દેવ, બધા ગુરુ અને બધા ધર્મને સમાન માનવાની વાતો કરીને તમે છટકી જશો, પણ તેથી લાભ થવાનો નથી. આત્માનું હિત થાય તેવો રસ્તો અપનાવી લો. સાચા દેવગુરુધર્મને ઓળખી, સમર્પિત બનો .
સમી સાંજે લોણંદ પહોંચ્યા ત્યારેય સામૈયું તો થયું જ. સામૈયા બાદ મંગલાચરણ થયું હતું. આ ગામમાં જિનાલાય હોવું જોઈએ તેવી પાવન પ્રેરણા આપવા અને પ્રેરણાને નક્કર રૂપ મળે તેવા આશયથી સૂરિભગવંત અહીં બે દિવસ રોકાયા હતા. પ્રવચનો થયા હતા તો જિનાલયના પાયાની ભૂમિકા પણ ઊભી થઈ હતી .સારાંશ :
આરાધનામાં ભોગના ત્યાગનું મહત્વ મોટું છે. ભોગની લત જ દેવગુરુધર્મથી દૂર રાખે છે. ધર્મની ગરજ હોય અને ધર્મહીનતા ખૂંચતી હોય તેવા આજે કેટલા મળે ? બહુ જ ઓછા . આનું કારણ છે ધનદૌલત અને ઈન્દ્રિયસુખની પ્રીતિ . યાદ રાખજો કે તમારું કલ્યાણ ધર્મી બન્યા વિના નથી જ થવાનું . માનવભવ કલ્યાણ માટે મળે છે તેમાં કલ્યાણની જ ઉપેક્ષા કરીએ તે સરાસર મૂર્ખામી છે . આ ભવમાં ત્યાગની તાકાત બહુ મોટી છે. ત્યાગ અઘરો લાગતો હોય તો ત્યાગની ભાવના હૈયે જીવતી રાખવી જોઈએ. આ ક્યારે બને ? સંસારનો અણગમો પ્રગટે તો જ. ભગવાનનો સાચો રાગ પણ સંસારના અણગમા વિના પ્રગટે નહીં . સાચી ભાવનાથી બને તેટલો વધુ ધર્મ કરતા રહો.
૧૨ . દેઉર : મહા સુદ ૫
છેક દશ વાગે , સવારે વિહાર પૂરો થયો . સામૈયાભેર પ્રવેશપૂર્વક જિનાલય દર્શન કરીને સૂરિભગવંતે માંગલિક સંભળાવ્યું હતું . વ્યાખ્યાન બપોરે અઢી વાગ્યે રાખવામાં આવ્યું હતું .સારાંશ :
ધર્મ આત્માને નિજદશાનું ભાન કરાવે છે . આપણને ધર્મનું જ જ્ઞાન નથી , તો જાતનું ભાન થાય ક્યાંથી ? ધર્મ દિલમાં વસે તો પાપનો ડર લાગે જ, કેમ કે ધર્મ પાપની ઓળખ આપે છે . આજે આપણને ધર્મનું જ્ઞાન નથી તેનું કારણ એક જ છે . આપણને ધર્મની ગરજ જ નથી . ધર્મના અજ્ઞાની રહીશું તોય પાપ તો લાગતા જ રહેવાના છે. ધર્મનું જ્ઞાન આવ્યા પછી પાપ થશે તોય તેમાં પસ્તાવો અને દુઃખ હશે તે દ્વારા બચી શકાશે. અજ્ઞાન હશે તો કદી નહીં બચાય. ધર્મની જાણકારી મેળવશો તો આત્મસુખની ઈચ્છા, પાપનો ડર અને ધર્મનું અર્થીપણું મળી જશે . આ ત્રણ સદ્ ગુણો આત્મકલ્યાણને સુકર બનાવશે . ધર્મને તમારો સાથીદાર જ બનાવી દો . તમારા પાપ અને પુણ્યના નિયામક તરીકે ધર્મને જ નીમી દો . ધર્મ સાંભળવા છતાં એનો પૂરો અમલ ન થતો હોય તે બનવાજોગ છે , એટલામાત્રથી ધર્મની વાતો સાંભળાવવાનું છોડી ન દેવાય . સારા ભાવથી બોલવામાં તો લાભ જ છે . ધર્મનો અમલ કેમ નથી થતો ? તૃષ્ણાને સંતોષવામાં રસ છે એટલે તૃષ્ણાની કોઈ મર્યાદા નથી . તેની પાછળ આપણે પાપોની મર્યાદા રાખવાનું ચૂક્યા છીએ . સંયમનો અનુરાગ કેળવવાની ખાસ જરૂર છે. એના વિના આત્મસુખ પ્રગટશે નહીં અને પાપનો રાગ અકબંધ રહેશે તો આખરે સંસારનાં સુખો પણ હાથમાંથી જતા રહેશે.
૧૩ . સતારા : મહા સુદ ૭
મહારાષ્ટ્રનું એક મુખ્ય મથક સતારા . પહાડના ખોળે ફેલાયેલા આ શહેરના મારગ પર સામૈયાની તૈયારી રૂપે ઠેર ઠેર કમાનો, તોરણો અને ધજાઓ બાંધવામાં આવ્યા હતા . બેન્ડ શહેરની સીમા પર વાગતું હતું . ભક્તજનો ઊભા હતા. સૂરિભગવંત પધાર્યા . માણસોનો ધસારો થયો . ચરણસ્પર્શની પડાપડીમાં થોડો સમય વીત્યો . પછી સામૈયું ચાલ્યું . જિનાલય પાસે ઉતર્યું . પ્રભુદર્શન બાદ વ્યાખ્યાન થયું . સતારાના જૈન જૈનેતરોના અજ્ઞાનમાં ધરતીકંપ ધણધણ્યો .
સારાંશ
આપણને સુખ જોઈએ છે પરંતુ દુઃખના કારણોને આપણે અળગા નથી કરતા . જીવનમાં જે જે પાપ છે તે બધાય દુઃખનાં કારણ છે. પાપોનો વિચાર હંમેશા થવો જોઈએ . આપણે દુઃખ આવે ત્યારેજ પાપોનો વિચાર કરીએ છીએ તે આસ્તિકતાને અનુરૂપ નથી . દુનિયામાં ઘણાબધા માણસો સાવ કંગાળ છે તેમની અપેક્ષાએ તમે ખૂબ સુખી છો . એ દુઃખીઓને એવી દશા શું કામ મળી તેનો વિવેકપૂર્વક વિચાર કરશો તો આંખ ખૂલી જશે . મનુષ્યભવની મોટામાં મોટી વિશેષતા એ છે કે ‘ અહીંથી મરીને હું સારા સ્થાને જ જઈશ ‘ એવું નક્કી કરી શકાય છે. અલબત્ત , એ માટે અંત:કરણના મેલને તપાસીને સાફ કરવો પડે . મારાં પાપનું ફળ મારે ભોગવવું પડશે આ ખ્યાલમાં રાખી લેશો તો મનનો મેલ સાફ થવા માંડશે . પાપનો આ ડર તમને આપોઆપ સારા આદમી બનાવી દેશે . તમે સારા દેખાવાના પ્રયત્નમાં રહો છો તેને બદલે સારા બનવાનો પ્રયત્ન કરો . તમને પાપ પાપરૂપ ન લાગતું હોય તો એક કામ કરો . મારા ભગવાને આને પાપ કહ્યું છે તે રીતે પાપ માત્રને જોવા માંડો . આમ કરવાથીય પાપનું બળ ઘટશે . એક વાત લખી રાખજો કે સારા દેખાવાથી કલ્યાણ નથી થવાનું , સારા બનવાથી જ કલ્યાણ થવાનું છે. નાના મોટા દરેક પાપોને ઓળખી , એનો ભય રાખતા થઈ જાઓ .
૧૪ . કોરેગામ : મહા સુદ ૮
રાત્રિમુકામ કાહૂંલીમાં હતો . સવારે કોરેગામ પહોંચ્યા ત્યારે ત્યાંનો શ્રાવકસંઘ સામૈયા સાથે તૈનાત હતો . આજે સવારે જિનાલય દર્શન બાદ માત્ર મંગલાચરણ થયું હતું . વ્યાખ્યાન બપોરે ત્રણ વાગ્યે થયું હતું.
સારાંશ :
તત્વચિંતન બહુ જરૂરી છે. એનાથી સાર અને અસારનો ભેદ પરખાય છે. પણ તે માટે તત્ત્વનું જ્ઞાન મેળવવું પડે . આજે ફુરસદ કોને છે તત્ત્વજ્ઞાન મેળવવાની ? ગુરુસાખે તત્ત્વજ્ઞાન મેળવશો તો આત્માની ચિંતા થશે . નહીં મેળવો તો દુનિયાદારીમાં ડૂબીને એવા સ્વાર્થી બનશો કે દુનિયાને માટે ભારભૂત અને શ્રાપરૂપ નીવડશો . જેઓ સાધુ થયા છે તેઓ દુનિયા પર મોટો ઉપકાર કરે છે . સ્વાર્થીને સાધુ નથી ગમતા . અરે, એમને તો ભિખારી પર પણ તિરસ્કાર જાગે છે . ભિખારીને તો અનુકંપાની લાગણીથી આપવાનું હોય . આપીને પાપની સમજણ દેવાની . એનો ભવ સુધરી જાય . આજે આવા વિચાર કોઈ નથી કરતું . આત્મકલ્યાણની જાગૃતિ રાખવાથી આવી ગડબડ થશે નહીં . આત્મકલ્યાણને ઠેસ પહોંચાડે તેવી વ્યક્તિને કે તેવા સિદ્ધાંતને માનવાના નહીં . સાચા અર્થમાં વિવેકી બની જવાનું . આત્માને ઉજાળવા માટે અપ્રમાદી બની રહેવાનું .
૧૫ . રહેમતપુર : મહા સુદ ૯
સતારા જિલ્લાનું ગામ રહેમતપુર. મહારાષ્ટ્રના વિસ્તારમાં પૂનાથી કરાડની વચ્ચે બહુ ઓછા ગામોમાં જિનાલય મળતાં . આ ગામમાં જિનાલય હતું . દર્શન કર્યા બાદ સવારનું ટૂંકું વ્યાખ્યાન થયું . રવિવારની રાહ જોયા વિના જ બપોરે જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું . બુધવારના ચાલુ દિવસેય સવાઈ રવિવારની સભા ઉભરાઈ હતી .
સારાંશ – ૧
મનુષ્ય ભવ ઉત્તમ છે તે સમજાયા પછી એની સફળતાને માટે મચી પડવું જોઈએ . દેવ,ગુરુ અને ધર્મની આરાધનામાં જ આ ભવની સફળતા છે . આરાધના કરતી વખતે લક્ષ્ય પણ સ્પષ્ટ રાખજો . શ્રી વીતરાગને જ દેવ તરીકે માનો અને પૂજો , એનાથી સિદ્ધગતિની યાદ આવતી રહેશે . જિનાજ્ઞાનિષ્ઠ સાધુઓને ગુરુ તરીકે માથે રાખો , એનાથી ત્યાગની રુચિ જાગશે . રાગ બૂરો છે અને વિરાગ સારો છે તેવી ભાવનાથી મનને રંગી દો . આ જૈનત્વના સાચા સંસ્કાર છે . દેવગુરુધર્મને આ રીતે આરાધનારને લક્ષ્મી કરતાં દાન વધુ ગમે છે , વિષયસેવા કરતાં શીલ વધુ ગમે છે , ખાવાપીવા કરતાં તપ વધુ ગમે છે અને દુર્વિચારને બદલે સદ્ વિચાર પર પક્ષપાત થાય છે . આટલી સફળતા મળે તો જન્મારો સાર્થક .
સારાંશ – ૨
‘હું ક્યાંથી આવ્યો છું’ ‘મારે કયાં જવાનું છે’ એનો વિચાર કોઈ કરતું નથી. આજે આ વિચાર નહીં કરો તો કરશો ક્યારે ? છેલ્લી ઘડીએ આ વિચારવા બેસશો તોય કાંઈ કરી નહીં શકો . આજથી જ વિચારવા માંડો , અને પાપ ફસાવે નહીં તેની સાવચેતી રાખો . એક પાપ , ધારી સામગ્રી મળવા દેતું નથી . આ પાપની ફિકર કરવા જેવી નથી . બીજું પાપ , ધારી સામગ્રી ન મળે તેની ચિંતા , તેનું દુઃખ જન્માવે છે . આ પાપ નડી ન જાય તેનું ધ્યાન રાખો . ધર્મનું શ્રવણ આ ભાવનાથી કરો . જે લોકો સાધુની વાતો સાંભળતા નથી , સાંભળે તો માનતા નથી અથવા સાંભળે તો તે બીજા આગળ ઉપદેશ આપવા સાંભળે છે તેવાઓમાં તમારું નામ ન હોવું જોઈએ . જેની અંતર્દૃષ્ટિ ખૂલી છે અથવા ખૂલવામાં છે તેવા મહાનુભાવોમાં તમારું નામ હોવું જોઈએ . આત્માનું ભવિષ્ય ના બગડે તેવી જાગૃતિ રાખીને જીવો . હું કોણ ? હું ક્યાંથી આવ્યો ? મારું કર્તવ્ય શું ? મરીને હું જઈશ ક્યાં ? આ વિચાર રોજ કરો .
૧૬ . હેલગામ : મહા સુદ ૧૦ + ૧૧
વાઠાર રાત્રિમુકામ થયો હતો . સવારે મસૂરમાં જિનાલયની સાલગીરી પર પહોંચવાનું હતું. રસ્તે હેલગામ આવ્યું . જૈનનું એક જ ઘર હોવા છતાં આખું ગામ વધાવવા માટે ઉભું હતું . વ્યાખ્યાન માટે તો નાનો મજાનો શામિયાણો તૈયાર હતો . આગળ જવાની વાત જ ન થવા દીધી હેલગામે . ચાલુ વિહારે વ્યાખ્યાન થયું . રણકદાર અને જોમવંતું .
સારાંશ :
આત્માનું કલ્યાણ સાધવા માટે પાપનો ડર અને ધર્મસેવાનો રસ બહુ જરૂરી છે . નિષ્પાપ અને ધર્મમય જીવન જીવવા દ્વારા માનવભવને સંપૂર્ણ સફળ કરવાની ભાવના હોય તે આ બે મુદ્દે પ્રગતિ કરવી જોઈએ . પાપનો ડર જેમ વધશે તેમ ધર્મની સેવા વધશે . ધર્મની સેવા જેમ વધશે તેમ આત્માનું કલ્યાણ વધુ સાધી શકાશે .
૧૭ . મસૂર : મહા સુદ ૧૦ + ૧૧
હેલગામથી નીકળી ભરબપોરે મસૂર પહોંચ્યા. સામૈયું થયું. જિનાલયની સાલગીરી ઉજવાઈ . આવતીકાલે કરાડ પહોંચવાનું હતું . પરમદિવસે તો સંઘપ્રયાણ હતું . સંઘના સંચાલકો ઉચક જીવે રાહ જોતા હતા . અનંત કરુણાનિધાન સૂરિદેવ મહારાષ્ટ્રની ભૂમિપર કોઈને નારાજ કરવાના નહોતા. વિનંતી થાય તે જ સમયે ભાવનાને અનુરૂપ જવાબ અપાતો . મસૂરમાં માત્ર આજનો જ દિવસ મુકામ હતો પણ સંઘના નસીબ બળિયા હતા .
૧૮ . મસૂર : મહા સુદ ૧૨
કરાડવાળા રહી ગયા. મસૂરની વિનંતી, આગ્રહભરી અને અતિશય હતી. એમને આત્મધર્મ સમજવો હતો. આત્મસાધનાના અજોડ ઉપદેશક સૂરિદેવે મસૂરને બીજો દિવસ ફાળવી આપ્યો. નાનકડો સંઘ આત્માના ઉત્થાનની હિતશિક્ષા પામ્યો. આત્માને કેળવણી આપવા માટે જાતે મહેનત કરવાનું સૌને સમજાયું. આત્માને શરીરથી અલગ રીતે સાચવવાની ભાવના જાગી સૌના અંતરમાં. વર્ષોથી ઘેરાયેલી આળસ માત્ર બે જ વ્યાખ્યાનથી ખળભળી ઉઠી.
સારાંશ :
સંસારનો રસ આત્માના સ્વભાવને ખીલવા દેતો નથી. જિનમંદિર, ઉપાશ્રયો, પાઠશાળા વગેરે ધર્મસ્થાનકો સંસારરસને નબળો પાડવાના સ્થાનો છે. સંસારરસને ઘટાડવા અહીં આવે તે સાચો ધર્માત્મા છે. આત્મસ્વભાવ જેનાથી પ્રગટે છે તે આત્મધર્મ છે. આત્મકલ્યાણ ગમે તેને મોહ ટાળવાનું મન થાય અને ત્યાગ પ્રત્યે આદરભાવ બંધાય. પોતાના પાપની અને અન્યના હિતની સાચી ચિંતા એને થાય. પોતાના પાપને ઓળખે તે પોતાની જાતને ઓળખી શકે. એનું દુન્યવી પદાર્થોનું આકર્ષણ ઓછું થવા માંડે, પરલોક અને આત્મા મહત્વના લાગે. રત્નત્રયી ગમે. આ દશા પામ્યા પછી આત્મા સાધુ બને સાધુ ન બનાય તો શ્રાવક બને. કમ સે કમ ભગવાનની અજ્ઞાના પ્રેમી તો એ બને જ. આટલું સધાય તોય આત્મા ઊંચી દશા પામી જાય.
૧૯ . કરાડ : મહા સુદ ૧૩
દરેક ગામોની બહાર જનસમાજ ઉભરાતો. આગોતરી વિનંતીનો વહેવાર સાચવ્યા વિના એ અજૈન સજ્જનો ઉભે રસ્તે ગામમાં પગલાં કરવાનો આગ્રહ કરતા. આજે અને ગઈકાલે નહીં, બલ્કે રોજ રોજ આ બનતું. સંઘપ્રયાણના એક જ દિવસ પૂર્વે કરાડ પહોંચી શકાયું હતું. સંઘના દરેક સભ્યોના અદમ્ય ઉલ્લાસ ઉમંગ સાથે નગર પ્રવેશ થયો. બે જ વ્યાખ્યાન થવાના હતા. એક આજનું વ્યાખ્યાન. કરાડનું પહેલું વ્યાખ્યાન. બીજું આવતીકાલનું વ્યાખ્યાન, હાલના તબક્કે છેલ્લું વ્યાખ્યાન. બંનેય વ્યાખ્યાનમાં જંગી જનમેદની ઉમટી હતી.
સારાંશ :
જેનું મન ધર્મમાં સદા જોડાયેલું છે. તેને દેવો પણ નમે છે એમ કહીને મહાપુરુષોએ શક્તિશાળી દેવો કરતાંય માનવભવની કિંમત ઊંચી આંકી છે. આત્મિક સ્વાર્થની સાધના માત્ર આ જ ભવમાં થઇ શકે છે. ઇન્દ્રોને આ માનવભવ મેળવવાની ઝંખના છે અને જેમને આ ભવ મળ્યો છે તેમને (એટલે કે તમને) એની કિંમત નથી. તપસ્વી, સંયમી અને અહિંસક બને તેવો માનવભવ સફળ થાય. કેમકે આ ત્રણેય પદ આ જ ભવમાં મેળવી શકાય છે. સુખદુઃખ પોતાના જ કર્મોથી મળે છે. લક્ષ્મી બૂરી છે, દાન સારું છે. સંસારની સામગ્રી મેળવવાની ઈચ્છા અને તે માટેના પ્રયત્નો પાપ છે, ઈચ્છાના મિત્ર બનવાને બદલે તેના વૈરી બનવા જેવું છે. અનંતકાળે મળેલી શક્તિનો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ કરીશુ તો એ શક્તિ ફરી ક્યારે મળશે તે કહી નહીં શકાય. આ દરેક વાતો ખ્યાલમાં લઈને જીવનને સંપૂર્ણ ધર્મમય બનાવી દો.
૨૦ . કરાડ : મહા સુદ ૧૪
આજે સંઘનું પ્રયાણ હતું. ગઈકાલના વ્યખ્યાનનું આજે આહલાદક અનુસંધાન થયું હતું. આજે સંઘના યાત્રાર્થીઓ અને આગંતુકોની નવી ભીડ થઇ હતી. વ્યાખ્યાન હરરોજની જેમ જ સમયસર શરૂ થયું હતું. મંગલાચરણ પછીની થોડી જ ક્ષણોમાં વ્યાખ્યાનવાચસ્પતિ સૂરિદેવનો જાદુ સભા પર સર્વાંશે છવાઈ ગયો હતો.
સારાંશ :
માનવભવની સફળતા માટે જીવનમાં સદાચાર જોઈએ. ઈચ્છાનિરોધ એ સદાચારનો પાયો છે. ઈચ્છા નિરોધરુપ તપ દ્વારા અહિંસા અને સંયમનું પાલન પણ સારામાં સારી રીતે થાય છે. ભગવાનને આપેલી દ્રષ્ટિ મુજબ પોતાના જીવનની પરીક્ષા માનવી પોતે જ કરે તો એનું કામ થઇ જાય. આત્મગુણોને અને આત્મસ્વરૂપને જે ખીલવી નથી શકતા તેવા પદાર્થોની ઈચ્છા પર કાબુ રાખવો, એવી ઈચ્છાઓ ઘટાડવી અને દૂર કરવી તે ખરો તપ છે. એ તપ આવે તો માનવી મહાત્મા બની જાય. આ તપ મેળવવાની ઈચ્છા જાગે તોય માનવી સાચો માનવ બની જાય. આ તપ મેળવવાની ઈચ્છા ન હોય તો માનવી હેવાન બની જાય. આ તપની સાધના કરનારો નિષ્પાપ બની જાય છે. આપણો આદર્શ સુખ મેળવવાનો છે અને તે સુખ, દુઃખના અંશ વિનાનું, સંપૂર્ણ અને અવિનશ્વર હોવું જોઈએ તેવું આપણે માન્યું છે. દુનિયામાં આવું સુખ કોઈ પદાર્થ આપી ન શકે માટે જ એની ઈચ્છા છોડવા જેવી છે. આજે સુખ મેળવવાનો આ સાચો પ્રયત્ન કરવા કોઈ તૈયાર નથી. સ્વાર્થ માટે સારા બને છે, આત્મા માટે લગભગ નથી બનતા આ કારણે પાપો વધે છે. જનાવર કરતા મનુષ્યો વધારે પાપ કરે છે, વધારે પાપ ફેલાવે છે અને વધારે પાપ કરાવે છે. કર્મસત્તાથી છૂટવું હોય તો આ ધંધા બંધ કરવા પડશે. એક જ સૂત્ર યાદ રાખવા જેવું છે : મુક્તિમાં દુઃખ નહીં અને સંસારમાં સુખ નહીં. ધર્મસતા માથે રાખીશુ તો દુઃખ માત્ર ટળશે અને સુખ માત્ર મળશે.
‘આથી જ્ઞાનીઓની આજ્ઞા મુજબ વર્તવામાં ઉદ્યમશીલ બનો અને એ દ્વારા દુઃખના લેશથી રહિત, સંપૂર્ણ અને કોઈ કાળે નહીં જનારા સુખને પામો, એ જ એક શુભાભિલાષા’
આ શબ્દોની સાથે આ ગ્રંથનું સમાપન થાય છે. પણ વાંચનારના મનોમંથનની નવેસરથી શરૂઆત થાય છે. પોતાની સાચી ફિકર કરવાનું મન અવશ્ય થાય છે.
શ્રી લક્ષ્મણ રઘુનાથ ભીડે – આ ગ્રંથના યશસ્વી સંપાદક છે. પ્રવચનગ્રંથો તો પહેલા પણ પ્રકાશિત થયા હતા. આ ગ્રંથની વિશેષતા હતી દૈનિક અહેવાલ. રોજરોજની વિગતો વાંચવાનો નવો આનંદ આ જ ગ્રંથમાં મળે છે. વિહારની તકલીફો અને વિટંબણા વાંચવા મળે છે તો, જૈનેતર અને દિગંબર વિદ્વાનો સૂરિભગવંતની વ્યાખ્યાનધારાથી અભિભૂત થઈને જે બહુમાનભાવ વ્યક્ત કરતા તે પણ માણવા મળે છે. જાણે એ ભૂતકાળ આંખ સામે સજીવન થાય છે.
અમારું વિ. સં. ૨૦૫૫ નું ચાતુર્માસ કલકતા – ભવાનીપુરમાં થયું ત્યારે આ ગ્રંથનાં પુનઃ પ્રકાશનને ગતિ મળી . પરમ પૂજ્ય પરમ વિદ્વાન્ વડીલબંધુ મુનિરાજ શ્રી વૈરાગ્યરતિ વિજયજી મહારાજને પરમતારક સૂરિભગવંતના અનન્ય ભક્ત સુશ્રાવક શ્રી શાંતિલાલ ઉમેદચંદ શેઠે આ ગ્રંથ પુનઃસંપાદિત કરી પ્રકાશિત કરવાની પોતાની ભાવના જણાવી હતી . અનંતઉપકારી સૂરિભગવંત , સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્દવિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા તથા બહુશ્રુત પૂજ્યપાદ મુનિરાજશ્રી સંવેગરતિ વિજયજી મહારાજાની કૃપા બળે આજે આ પુનઃસંપાદન સાકાર થયું છે .
આ ગ્રંથના પ્રવચનદાતાર સૂરિભગવંત માત્ર મહારાષ્ટ્રના નહીં બલ્કે ભારતભરના અસંખ્ય આત્માના ઉદ્ધારક હતા. એમના શબ્દો, એમની પ્રેરણા, એમની આજ્ઞા, એમની દરેક પ્રવૃત્તિ ઉદ્ધારકાર્યમાં રમમાણ હતી. એમના આ પ્રવચનો દ્વારા અનેકાનેક આત્માઓની સાથોસાથ આપણો એકલવાયો આત્માય ઉદ્ધાર પામે એ જ શુભઅભિલાષા.
– વિ.સં. ૨૦૫૬ , મહાસુદ ૭ , રાજગૃહી તીર્થ
Leave a Reply