
આપણે લોકોને ધર્મમાં જોડીએ છીએ . લોકોને જોડવાપૂર્વક ધર્મ કરવાનો થાય છે એ વખતે આપણે પોતે પણ ધર્મ સાથે પૂરેપૂરા જોડાયેલા રહીએ એ જરૂરી હોય છે . જે ધર્મ કરવો છે તે સૌથી પહેલાં પોતાની જાત માટે કરવો છે . પ્રભુભક્તિ કરવી છે તો હું ભગવાનમાં ડૂબું એની માટે કરવી છે . ગુરુભક્તિ રૂપે જે પણ કરવું છે તેમાં ગુરુ ભગવંત સાથે જોડાયેલા રહેવું છે એ વધારે અગત્યનું છે . આપણે આપણા પ્રભુની સમક્ષ હોઈએ , આપણે આપણા ગુરુની સમક્ષ હોઈએ એ આનંદની ક્ષણો છે . આપણે રાખ્યું સામૂહિક આયોજન . આપણે ભગવાનની સામે હતા ત્યારે આપણે ઘણા બધા લોકોને બોલાવીને તૈયાર રાખ્યા હતા . આપણે ગુરુની સમક્ષ હતા ત્યારે આપણે ઘણાબધા લોકોને બોલાવી ચૂક્યા હતા . હવે ત્રિકોણ રચાય છે . તમે છો . તમારા ભગવાન્ છે , તમારા બોલાવેલા મહેમાન છે . તમે છો , તમારા ગુરુ છે અને તમારા બોલાવેલા મહેમાન છે . તમારે નક્કી કરવાનું છે કે તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ .
બને છે શું એ તમે જુઓ . તમે ત્રણ કલાક ભગવાનમાં ડૂબેલા રહો એવું અનુષ્ઠાન તમે રાખ્યું જ હતું . મહેમાન આવ્યા હતા. તમે મહેમાનોને ભગવાન્ સાથે જોડવામાં રહ્યા આથી તમે ભગવાન્ સાથે જોડાયા ફક્ત ૧૫ થી ૨૦ મિનિટ માટે . બાકીનો સમય તમે ભગવાનથી થોડા અલગ રહ્યા . બાકીનો સમય તમે ભગવાનને બદલે મહેમાનનો વિચાર વધારે કર્યો . આવું ન થયું હોય એમ પણ બને . આવું થયું હોય એમ પણ બને . મહેમાનોને જોડતી વખતે તમે ભગવાનમાં ડૂબેલા રહ્યા એ પરિસ્થિતિ આવકાર્ય છે પરંતુ મહેમાનોને જોડતી વખતે તમે મહેમાનોમાં ડૂબેલા રહ્યા અને ભગવાનમાં ડૂબવાનું ચૂકી ગયા એ પરિસ્થિતિ આવકાર્ય નથી .
તમે ગુરુ ભગવંતને ઘરે પધરાવ્યા . સાથે તમે મહેમાનોને પણ બોલાવ્યા . મહેમાનો એ જ હતા જે બારે મહિના તમને તમારાં શહેરમાં જોવા મળે છે . ગુરુ ભગવંત પહેલીવાર પધાર્યા છે અને બીજી વખત પધારશે કે નહીં એ ખબર નથી . તમારું ધ્યાન ગુરુ ભગવંત ઉપર જ હોવું જોઈએ . શું ખરેખર જેવું બને છે ? તમે ગુરુ ભગવંતને બોલાવ્યા પણ તમારું સો ટકા ધ્યાન ગુરુ ભગવંત ઉપર રહે એવું ન બન્યું . તમારું અડધોઅડધ ધ્યાન મહેમાનો ઉપર રહ્યું . આવું ન થયું હોય એમ પણ બને . આવું થયું હોય એમ પણ બને . ઘરે ગુરુ ભગવંત હતા અને તમે મહેમાનો સાથે જોડાયેલા રહ્યા . કેવું કહેવાય ? મહેમાનો પછી મળી શકતા હતા , ગુરુ ભગવંત પછી ક્યાં મળવાના હતા ?
લોકોને બિલકુલ જોડવા જ નહીં એવી વાત નથી . લોકો આવ્યા હોય એ બેઠેલા જ રહે અને બધું આપણે જ કરી લઈએ એવા સ્વાર્થભાવની પણ વાત નથી . વાત છે એકાગ્રતા બનાવી રાખવાની . લોકો હોય નહીં એ વખતે જેવી એકાગ્રતા બને એવી એકાગ્રતા લોકો હોય એ વખતે ન બને . તમારો ધર્મ તમને એકાગ્ર બનાવે એવો હોવો જોઈએ . ધર્મ તમારો હોય છે અને તમારી ગોઠવણને લીધે તમારી એકાગ્રતા અધૂરી રહી જાય છે . આવી ભૂલ થવી ના જોઈએ . પેથડ શાહની પુષ્પ પૂજા યાદ છે ? પાછળ રાજા આવીને બેસી ગયો હતો . પરંતુ પેથડ શાહ ભગવાનમાં જ ડૂબેલા રહ્યા . આપણે મહેમાનોને બોલાવીએ છીએ એ પછી અનુષ્ઠાનના સમયે ભગવાનમાં જ ડૂબેલા રહીએ છીએ એવું બને છે કે નહીં એ તપાસતા રહો . ઘણાબધા લોકો ભેગા થાય એ કોઈ રીતે ખોટું નથી . ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યાં કશું ખોટું થઈ રહ્યું છે એવું માનવાની જરૂર નથી . જ્યાં ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યાં કોઈ ગડબડ છે એવું વિચારવાની જરૂર નથી . જ્યાં ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યાં પોલંપોલ ચાલતી હોય છે એવી અફવાઓ બનાવવાની જરૂર નથી . જ્યાં ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યાં પણ બધું સરસ જ થતું હોય છે .
ઘણાબધા લોકો ભેગા થયા એ ભૂલ છે એવું નથી . જ્યારે ઘણાબધા લોકો ભેગા થાય છે ત્યારે આપણે એકાગ્રતા બનાવી શકતા નથી એ ભૂલ છે . એ વાત એક દલીલ તરીકે સાચી છે કે પેથડશાની પુષ્પપૂજા એ વ્યક્તિગત વાત હતી , એ સામૂહિક પ્રસંગ નહોતો . પરંતુ પેથડશા એકાગ્રતાને કેટલું બધું મહત્વ આપતા હતા એ આપણને સમજાય છે . જ્યારે જે ધર્મ કરીએ તે એકાગ્રતાપૂર્વક જ કરીએ , આ નિયમ બનાવી લો એમ પેથડ શાહ સમજાવે છે .
આપણે વ્યાખ્યાન સાંભળીએ છીએ ત્યારે સામૂહિક શ્રવણ થતું હોય છે પરંતુ એકાગ્રતા ગજબનાક બનતી હોય છે . આપણે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે પણ આવી જડબેસલાક એકાગ્રતા આપણાં મનમાં બનાવી રાખીએ એ બહુ જરૂરી છે . અનુષ્ઠાનની વિધિઓ ચાલતી હોય એ વખતે આપણે મહેમાનોને , આવો બેસો – આવો બેસો એમ કહેતાં રહીએ છીએ . શું એ ભગવાન્ સાથેની એકાગ્રતા છે ? અનુષ્ઠાનની ભક્તિપૂર્ણ ક્ષણોમાં , જમવાનું કેટલી વારમાં બનશે – એવા વાહિયાત પ્રશ્નોમાં ફસાયેલા રહીએ છીએ . શું એ ભગવાન્ સાથેની એકાગ્રતા છે ? અનુષ્ઠાનમાં જે આવ્યા નથી એ કેમ નથી આવ્યા એના વિચારો કરતા રહીએ છીએ , અનુષ્ઠાનમાં જે આવ્યા છે એમની સગવડો બરોબર સચવાઈ છે કે નહીં એની ચિંતામાં રહીએ છીએ . શું એ ભગવાન્ સાથેની એકાગ્રતા છે ? જે મહેમાન ઘણા વખતે આવ્યા હોય એમને જોઈને હરખનો ઉમળકો જાગતો હોય છે . શું એ ભગવાન્ સાથેની એકાગ્રતા છે ? આવી ઝીણી ઝીણી વાતો બને છે જેમાં પ્રશ્ન એકસરખો રહે છે કે શું એ બધું ભગવાન્ સાથેની એકાગ્રતા છે ?
સંઘનાં સ્તરે કાર્યક્રમ હોય ત્યારે સંઘ આવે છે , વ્યક્તિગત અનુષ્ઠાન હોય ત્યારે મહેમાન આવે છે . બંને વખતે જે લોકો આવે છે તેઓ ભગવાનની ભક્તિ માટે જ આવે છે એટલે કે ભક્ત બનીને જ આવે છે . જે ભક્ત બનીને આવ્યા હોય એ એટલું તો સમજતા જ હોય છે કે તમે ભગવાનની ભક્તિમાં બેઠા છો . તમારી ભક્તિની એકાગ્રતામાં વિક્ષેપ ઊભો ના થવો જોઈએ એની માટે એ સ્વયં જાગૃત હોય છે . એ ચૂપચાપ આવે છે અને પાછળ બેસી જ જાય છે . પરંતુ તમે તમારી એકાગ્રતામાં વિક્ષેપ આવે , એની માટે સામે ચાલીને ઉત્સાહિત રહો છો . સમજાયું તમને ?
અનુષ્ઠાનમાં બેસતાં પહેલાં તમે દરેક કામને જુદા પાડી દો અને એક એક કામની જવાબદારી એક એક માણસને સોંપી દો . આનો ફાયદો તમને જ મળશે . તમારે અનુષ્ઠાન સિવાય બીજા કોઈ વિચારો કરવાના રહેશે નહીં . તમારે જેને જે કામ સોંપવાના છે એ સોંપ્યા નહીં હોય એનાં કારણે બનશે એવું કે ચાલુ અનુષ્ઠાનમાં તમારે બીજાં બીજાં કામની વાતો કરવી જ પડશે . એ વાતો ભગવાન્ સાથેની એકાગ્રતાને તોડશે . ભગવાનમાં ડૂબેલા રહેવું છે એવો સંકલ્પ રાખીને જ તમારે આયોજન કરવાનું હોય . ભગવાન્ સાથેની એકાગ્રતા બનાવી ન શકીએ એવી રીતે અનુષ્ઠાનનું આયોજન કરવામાં આપણને ખરેખર શું લાભ થાય છે ? વિચારવું જોઈએ . એકાગ્રતા બનાવવાનું શીખો . એકાગ્રતા બનાવવાનું લક્ષ્ય રાખો . વ્યવસ્થા જ એવી ગોઠવો કે એકાગ્રતામાં ભંગ પડે નહીં . ભગવાન્ સાથે એકાગ્રતા સાધવાના મુદ્દે પેથડશાને તમારા ગુરુ બનાવી લો .
Leave a Reply