Press ESC to close

અવસર પામી આળસ કરશે , એ મૂરખમાં પહેલોજી : પંખીનું બચ્ચું બોધ આપે છે

વાર્તા છે ગુરુકુળની . અભ્યાસનું સત્ર પૂરું થઈ ગયું હતું .  વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી . ગુરુ જાહેરમાં પ્રશ્ન પૂછશે અને વિદ્યાર્થીએ જાહેરમાં જવાબ આપવાનો રહેશે , દર વખતની જેમ આ વખતે પણ આ જ પદ્ધતિ રહેવાની હતી . એક વિદ્યાર્થીએ બંડ પોકારીને પ્રસ્તાવ મૂક્યો કે ‘ આ વખતે જાહેરમાં હું પ્રશ્ન પૂછીશ અને જવાબ ગુરુએ આપવો પડશે . દર વખતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડે આ તે કેવું ? ક્યારેક ગુરુએ પણ પરીક્ષા આપવી પડે . ‘ 

ગુરુએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો . જાહેર પરીક્ષાનો દિવસ આવ્યો . બધાની હાજરીમાં વિદ્યાર્થીએ ગુરુને પ્રશ્ન પૂછ્યો . પ્રશ્ન જબરો હતો . વિદ્યાર્થીએ પોતાના હાથની હથેળી પર પક્ષીનું નાનું બચ્ચું રાખ્યું હતું . બધા વિદ્યાર્થીઓને પક્ષીનું બચ્ચું બતાડ્યા બાદ , વિદ્યાર્થીએ ગુરુને પ્રશ્ન પૂછ્યો કે મારા હાથમાં જે પક્ષીનું બચ્ચું છે તે જીવશે કે મરી જશે એનો જવાબ આપો . પ્રશ્ન અટપટો હતો . ગુરુ એમ કહે કે પક્ષી જીવી જશે તો વિદ્યાર્થી હાથની મુઠ્ઠી દબાવી દે અને પક્ષી ખતમ થઈ જાય . ગુરુ એમ કહે કે પક્ષી મરી જશે તો વિદ્યાર્થી મુઠ્ઠી દબાવે જ નહીં . પક્ષી જીવતું રહી જાય . બંને જવાબ ખોટા પડે . પક્ષી જીવશે એવો જવાબ પણ આપી શકાય એમ નહોતું . પક્ષી મરી જશે એવો જવાબ પણ આપી શકાય એમ નહોતું .  બંને જવાબ ખોટા પડે એવી સંભાવના હતી . વિદ્યાર્થીએ ગુરુકુળમાં પહેલીવાર જાહેરમાં પરીક્ષા લેવાનું સાહસ કર્યું હતું . એનું સાહસ સાર્થક પુરવાર થશે એવું લાગતું હતું . ગુરુ પહેલો જવાબ આપે અને વિદ્યાર્થી એ જવાબને ખોટો સાબિત કરે .  ગુરુ બીજો જવાબ આપે અને વિદ્યાર્થી એને પણ ખોટો સાબિત કરે . ગુરુ શું જવાબ આપે એ પ્રશ્ન હતો . વિદ્યાર્થીનો સવાલ જબરો હતો . બાકીના બધા વિદ્યાર્થીઓ અવાચક હતા કે ગુરુ શું જવાબ આપશે . પણ કહેવાય છે ને બાપ બાપ હોતા હૈ .

ગુરુએ વિદ્યાર્થીને પૂછ્યું કે તારો સવાલ હું તને પૂછી લઉં છું .  તારા હાથમાં જે પંખીનું બચ્ચું છે એ જીવશે કે મરી જશે ? આ જ તારો પ્રશ્ન છે ને ? વિદ્યાર્થીએ કહ્યું : હા , આ જ મારો પ્રશ્ન છે . ગુરુએ કહ્યું : તું જવાબ ધ્યાનથી સાંભળજે . તારા હાથમાં જે પંખીનું બચ્ચું છે એ જીવતું રહેશે કે મરી જશે , એ તારા હાથમાં છે . 

ગુરુએ પહેલો જવાબ ન આપ્યો . ગુરુએ બીજો જવાબ ન આપ્યો . ગુરુએ કોઈ ત્રીજો જ જવાબ આપ્યો . ગુરુએ કહ્યું : તારા હાથમાં જે પંખીનું બચ્ચું છે કે જીવશે કે મરી જશે એનો નિર્ણય તારા હાથમાં છે . હવે વિદ્યાર્થી પાસે ગુરુની સામે બોલવા જેવું કશું રહ્યું નહીં . ગુરુ બોલે કે જીવશે તો વિદ્યાર્થી પાસે જવાબ હતો . ગુરુ બોલે  કે મરી જશે તો વિદ્યાર્થી પાસે જવાબ હતો . પણ ગુરુએ ત્રીજો જવાબ આપ્યો . ગુરુએ કહી દીધું કે  પંખીના બચ્ચાનું શું થશે એ વિદ્યાર્થીના હાથમાં છે .

જાહેરમાં પરીક્ષા લેવાઈ હતી . જાહેરમાં વિદ્યાર્થી જીતી જશે એવું લાગતું હતું પણ વિદ્યાર્થી જાહેરમાં હારી ગયો હતો . ગુરુ ગુરુ હોતા હૈ એ વાત સાબિત થઈ ગઈ હતી . તમારા હાથમાં આવેલી તક એ તમારા હાથમાં બેઠેલું પંખીનું બચ્ચું છે . તમે એ તકનો લાભ ઉઠાવો છો તો એ તક જીવતી રહે છે . તમે એ તકનો લાભ નથી ઉઠાવતા તો એ તક બરબાદ થઈ જાય છે . જિંદગી તમને વારંવાર સારી તક આપતી હોય છે . તમારે એ તકને ઓળખવાની હોય . તમારે એ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય . તમારે એ તકને સાધી લેવાની હોય . તક મળે ત્યારે આળસુ બનીને જે બેસી રહે છે એની માટે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કહ્યું છે :  અવસર પામી આળસ કરશે , તે મૂરખમાં પહેલોજી . 

તમે આજે જીવતાં બેઠા છો . તમારું આયુષ્ય એ તમારા હાથમાં રહેલી સૌથી મોટી તક છે . તમે આયુષ્યનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ કામ માટે કરી શકો છો . તમારી બુદ્ધિ એ તમારા હાથમાં રહેલી સૌથી મોટી તક છે . તમે બુદ્ધિનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ કામ માટે કરી શકો છો . તમારી પાસે ઘણું ધન છે . તમારું ધન એ તમારી તક છે . તમે ધનનો ઉપયોગ કરીને ઉત્તમમાં ઉત્તમ કામ કરી શકો છો . આ રીતે તમારી પાસે ઘણીબધી તક રહેલી છે . તમારી પાસે આવેલી તક તમને કામ કરવાની સ્વતંત્રતા આપે છે , આગળ વધવાની સ્વતંત્રતા આપે છે , ઊંચાઈ સાધવાની સ્વતંત્રતા આપે છે . તમે તકને ઓળખશો નહીં , તમે તકને સમજશો નહીં એ તમારી ભૂલ હશે . તક પંખીનું બચ્ચું છે . આયુષ્ય , બુદ્ધિ અને ધનનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ કાર્ય માટે જેણે કર્યો નહીં એણે પોતાના હાથમાં આવેલા પંખીને ઉપેક્ષાની મુઠ્ઠીમાં દબાવીને ખતમ કરી લીધું છે . 

ગુરુનો જવાબ યાદ રાખજો : તમારા હાથમાં બેસેલું પંખીનું બચ્ચું જીવતું રહેશે કે મરી જશે એનો નિર્ણય તમારા હાથમાં છે . તમને મળેલી તકનો ઉપયોગ તમે કર્યો નથી , તમને મળેલી તક હાથમાંથી જઈ રહી છે . એ તક કંઈ છે , શોધી કાઢો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *