Press ESC to close

પારણું શોખથી કરવાનું નથી : પારણું ત્યાગભાવનાપૂર્વક કરવાનું છે

વાપરવાની બાબતમાં એટલે કે આહાર ગ્રહણની બાબતમાં ભગવાને ત્રણ નિયમ પાળ્યા છે . આ ત્રણ નિયમમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ .

 ૧. વાપરવાની ક્રિયાને વધારે સમય આપવાનો નહીં .

પરબ પાસે પાણી પીવા માટે ઉભો રહેલો માણસ પાણી પીને તરત જ આગળ નીકળી જાય છે એ રીતે ભગવાન્ એકદમ ઓછા સમયમાં પારણું કરીને તુરંત ત્યાંથી નીકળી જતા . આપણે લોકો જમવા બેસીએ છીએ ત્યારે પૂરતો સમય લઈએ છીએ . પારણું ઉપવાસનું હોય કે માસક્ષમણનું હોય , આપણે પારણું કરવા બેઠા તે પછી ખાસ્સો બધો સમય પારણું કરવામાં વીતાવીએ છીએ . જેટલા સમય સુધી પારણું ચાલતું રહે છે એટલા સમય સુધી આહાર સંબંધી વિચારો મનમાં દોડતા જ રહે છે . પારણાનો સમય ઓછો હોય એટલે આહાર સંબંધી વિચારનો સમય પણ ઓછો થઈ જાય છે . ભગવાનને પારણું કરવામાં વધારે સમય લાગતો હોય છે એવું નથી બનતું .

આહાર ગ્રહણ પાંચ મિનિટનું એનો અર્થ એ છે કે વાપરવા સંબંધી વિચાર પાંચ મિનિટ પૂરતા સીમિત . પારણું એક કલાક સુધી ચાલે એનો અર્થ એ છે કે આહાર સંબંધી વિચાર એક કલાક સુધી ચાલ્યા . વાપરવાનો સમય ન હોય ત્યારે ધ્યાન આદિમાં મગ્નતા બનેલી હોય . ધ્યાનના સમયે આહાર  સાથે જોડાણ હોતું જ નથી . પારણામાં આહારને સમય આપવામાં આવે છે . એ સમય ટૂંકો હોવો જોઈએ . આહાર શરીરનો સ્વભાવ છે . આહાર આત્માનો સ્વભાવ નથી . શરીર પણ આત્માનો સ્વભાવ છે જ નહીં . આહારને અપાતો સમય , આત્મા ઉપરનું ધ્યાન વિકેન્દ્રિત કરી શકે છે . આહારને અપાતો સમય , શરીરનાં પોષણ સાથે જોડાય છે . મન આહાર સાથે જોડાય , મન શરીર સાથે જોડાય એ ધ્યાનને અનુકૂળ નથી . આહાર સાથેનો સમય ઓછો હોય , શરીર પોષણ સાથેનો સમય ઓછો હોય , એ પરિસ્થિતિ ધ્યાનને અનુકૂળ છે . સાધક , સાધનાની વિવિધ પ્રવૃત્તિઓમાં ડૂબેલો રહે છે . આહાર લેવાના સમયમાં સાધક , સાધનાની કોઈ એક પ્રવૃત્તિને છોડે છે . જ્યાં સુધી આહાર ચાલુ રહેશે , સાધનાની કોઈ એક પ્રવૃત્તિ અટકેલી રહે છે . આહાર લેવાનો સમય વધારે હશે , સાધનાની કોઈ એક પ્રવૃત્તિ લાંબા સમય માટે અટકી રહેશે . આહાર લેવાનો સમય ઓછો હશે , સાધનાની કોઈ એક પ્રવૃત્તિને જે વિરામ મળશે તે અલ્પકાલીન જ હશે .

અઘરી ભાષામાં લખેલી આ વાતને સહેલી કરીને વાંચીએ . તમે પાંચ મિનિટમાં ખાવાનું પતાવીને ઊભા થઈ જાઓ અને પછી ચોવીશ કલાક ધ્યાનમાં ડૂબી જાઓ . તમારા ખાવાના વિચારો પાંચ મિનિટ પૂરતા જ સીમિત રહેશે . ધ્યાનના સમયમાં તમને ખાવાનું યાદ આવશે જ નહીં . તમારે ૨૪ કલાકના એક દિવસમાંથી ખાવાની ક્રિયાને ૩૦ થી ૫૦ મિનિટ આપવાની . બાકી ૧૦ મિનિટ અને ૨૩ કલાક માં ખાવા સંબંધી વિચારોથી મુક્ત રહેવાનું . 

૨. વાપરતી વખતે પલાંઠી વાળીને બેસવાનું નહીં .

ભગવાન્ આખો દિવસ ધ્યાનમાં ઊભા જ રહેતા હતા . ભગવાન્ સાડા બાર વર્ષમાં એક ક્ષણ માટે પણ પલાંઠી વાળીને બેઠા નથી . આપણે આખો દિવસ બેઠા રહીએ છીએ એટલે ખાવાના સમયે પણ બેઠા રહીએ એ આપણી મર્યાદામાં બેસે છે . બધી જગ્યાએ બેઠા હોઈએ અને ખાવાના સમયે ઊભા ઊભા ખાઈએ એવું બુફે , ભારતીય પરંપરામાં બંધબેસતું નથી . ભગવાન્ ઊભા ઊભા પારણું કરે , આહારગ્રહણ કરે એ બુફે નથી . એ પ્રમાદ પરિહારની ભૂમિકા છે . 

તમારે જેને આરામથી મળવું નથી તેની સાથે ઊભા ઊભા વાત કરીને નીકળી જાઓ છો . એ રીતે ભગવાન્ ઊભા ઊભા પારણું કરીને નીકળી જતા . ઊભા ઊભાનો અર્થ શાંતિથી બેસ્યા વિના . જે આસન બીછાવીને આરામથી ખાતો હોય છે એને ખાતાં ખાતાં કેટલો સમય નીકળી ગયો એનું ભાન રહેતું નથી . જે ઊભા ઊભા આહાર કરે છે તે ખાવાની ક્રિયાને વધારે સમય આપવા માંગતો નથી કે સ્પષ્ટ હોય છે . ઊભા રહેવાનો અર્થ છે ઉતાવળ . ઊભા રહેવાનો અર્થ છે જોડાણનો અભાવ . 

આ વાતને સરળતાથી વિચારીએ . શાંતિથી બેસીને ખાધા કરે એ સાધક નથી . સાવ ઓછા સમયમાં ખાવાનું પૂરું કરીને ઊભો થઈ જાય એ સાધક છે . 

૩. વાપરતી વખતે સ્વાદ ઉપર ધ્યાન નહીં આપવાનું .

ભગવાન્  પૂર્વસૂચના આપ્યા વિના પારણાનાં સ્થાને પહોંચી જતા . જે ગામમાં કે શહેરમાં ભગવાન્ પગ મૂકતા ત્યાં કંઈ ઝૂંપડી કે કયા ઘરની આગળ ઊભા રહેવાનું છે એની કોઈ ધારણા ભગવાનનાં મનમાં રહેતી નહીં . ચાલતા ચાલતા જે ઘર યોગ્ય લાગ્યું ત્યાં ભગવાન્ ઊભા રહી જતા . પારણામાં શું મળશે એ ભગવાનને પોતાને જ ખબર ન હોય .  અજાણ્યા ઘરની સામે ઊભા રહે , જે મળે એ વાપરીને પારણું પતાવી દે .

શીખવા જેવી વાત એ છે કે ઉપધાનનો કે ઉપવાસનો આરાધક નીવિમાં શું બનવાનું છે , શું મળવાનું છે એના વિચારોથી મુક્ત રહે એ જ ઉપધાનની અને ઉપવાસની સફળતા છે . જેણે રસોઈ બનાવવાની છે એને રસોઈ શું બનાવવાની છે એની ચિંતા કરવી પડે એ મુદ્દો અલગ છે . બાકી , જે તપસ્વીએ રસોઈ બનાવવાની નથી એણે રસોઈમાં શું બનવાનું છે એનો વિચાર નહીં કરવાનો અને રસોઈમાં શું બન્યું હશે એની રસ તરબોળ કલ્પના નહીં કરવાની . ખાવાનો સમય આવે નહીં ત્યાં સુધી ખાવાના વિચારોથી મુક્ત રહેવાનું છે . ઉપવાસ કર્યા પછી ઉપવાસમાં જ ખાવાનું યાદ આવ્યા કરે એ સાધનાની કમજોરી થઈ . 

ખાવા બેસીએ ત્યારે ઓછામાં ઓછા દ્રવ્યથી વાપરવાનું લક્ષ્ય રાખવાનું કારણ કે દ્રવ્ય ઓછા હશે તો સ્વાદ કરવાના ભાવ પણ ઓછા થઈ જશે . વધારે દ્રવ્ય ખાનારો માણસ મોટેભાગે ઘણાબધા સ્વાદનો પ્રેમી હોય છે . ખાવામાં મજા આવે એ સાધનાની હાર છે . ખાવું પડે તો ખાઈએ પણ ખાવામાં આસ્વાદનો આનંદ ના બને એ સાધનાની જીત છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *