
શિખરજીથી ઉતરવાનું શરુ થાય છે પણ ઝટ ખતમ નથી થતું . સરકતા રેલાની જેમ આપણે ઢાળ પરથી વહેતાં રહીએ છીએ . તળેટી નામનો સામો કિનારો દૂરનો દૂર જ રહે છે . દરિયાઈ ખાડી જેવો પંથડો ખૂટતો જ નથી . પહાડ પર હોઈએ ત્યારે વીશ ભગવાનની વચ્ચોવચ હોઈએ છીએ , પહાડ ઉપરથી ઉતરવા માંડીએ એટલે ભગવાનથી દૂર જતા હોઈએ છીએ . પ્રભુથી છૂટા પડવાનું છે એનું દુઃખ હોય , અફસોસ હોય . એમાં વળી ઉતરવાનો પરિશ્રમ . તમે ગમ્મે તેટલું ઉતરી લો , ઘણું ઘણું ઉતરવાનું બાકી જ હોય છે . ચડવાનો થાક હોય છે એ ખબર હતી . શિખરજી પર સમજવા મળે છે કે ઉતરવાનો થાક પણ હોય છે . ઢાળ એવો આવે છે કે થોડીથોડી વારે લાગે છે જાણે પાછળથી કોઈ હળવો ધક્કો મારે છે કે શું ? ૧૩૬૫ મીટરની ઊંચાઈ છે પહાડની : ૪૪૭૮ ફીટ . ઝારખંડનો સૌથી ઊંચો પર્વત છે . ચડવાનું તો ઠીક , ઉતરવાનું પણ સહેલું નથી . વાત થોડા પરિશ્રમની નથી , બલકે મોટા પુરુષાર્થની છે . સામાન્ય કથન એવું હોય છે કે ચડવાનું અઘરું છે અને પડવાનુ સહેલું છે . પરંતુ શિખરજીમાં કથન બદલાય છે , અહીં ચડવાનું અઘરું છે , વધારે અઘરું . અહીં ઉતરવાનું અઘરું છે , ઓછું અઘરું .
ઉતરવાના કલાકો દરમ્યાન મન ઘણીબધી યાદોમાં કેદ હોય : સુકોમલ ચરણપાદુકાઓ . રૂપાળી દેરીઓ . લહેરાતી ધજાઓ . પાળીઓ . ઓટલીઓ . નાની નાની ટેકરીઓના અઘરાં અઘરાં ચડાણ . દેરીથી દેરી સુધી સરકી આવતો પથ્થરિયો માર્ગ . કોઈ દેરીમાં ચોખાબદામ ચાવી જતાં વાંદરા અથવા ગાય . અડધી રાતે જલમંદિરની ઉપર ચમકતા ચંદ્ર , નક્ષત્ર અને તારા . નિમિયાઘાટ તરફની પાતાલચુંબી ખીણ . આરોહણપથ પર આસપાસ વિસ્તરેલા હજારો હજારો વૃક્ષો . પ્રભુનાં આગમનની ક્ષણે કેવું વાતાવરણ હશે એની કલ્પનાઓથી છલકાતો સોનેરી સમય .
તે શિખરજી અલગ હતું જે પુસ્તકમાં વાંચેલું હતું , જે ચિત્રોમાં જોયું હતું , જે પ્રતીકાત્મક રચનાઓમાં જોયું હતું . એ શિખરજી સાવ અલગ હતું જેની પર વહેલી સવારે હાંફતા હાંફતા ચડ્યા , ભરશિયાળે પસીનાના રેલાઓ ઉતર્યા , પગે ગોટલા બાઝ્યા , થાક ભરાયો . એ શિખરજીથી વિખૂટા પડવા માટે ઉતરવાનું હતું . થોડો સમય બાકી હતો શિખરજી સાથે . ચડતી વખતે જે રસ્તો અઘરો લાગતો હતો એ જ રસ્તો ઉતરતી વખતે સહેલો હશે એવું લાગતું હતું . પરંતુ ચોપડાકુંડ પછી થોડીવારમાં પગ ધ્રુજવા લાગ્યા હતા . થોડી થોડી વારે બેસીબેસીને પગની ધ્રુજારી મેનેજ કરી હતી . જે એકદમ યુવાન છે એવાય ઘણા લોકો થાકતા હતા , બેસી જતા હતા . મને મારા અડધાપડધા સફેદ વાળ માટે કોઈ અફસોસ નથી થતો . હું શરમ રાખ્યા વગર બેસી જતો . થોડું બેસી લીધું તો શું ફરક પડે છે ? એટલો સમય ગિરિસ્પર્શના વધી જાય . પોતાના પગે ગિરિ આરોહણ કરેલું . અવરોહણ પણ પોતાના પગે જ થઈ રહ્યું હતું . વચ્ચે બેઠા તો બેઠા . યાત્રાની સાત્ત્વિકતા ઓછી નથી થવાની . સ્વદ્રવ્યની પૂજા જેવી સ્વચરણની યાત્રા અકબંધ જ રહેતી હતી .
ચૌદ ગુણસ્થાનકમાં સાસ્વાદન ગુણસ્થાનકે સમકિત હોતું નથી પરંતુ મિથ્યાત્વ પણ હોતું નથી . યાત્રા પૂરી થઈ ચૂકી છે પણ યાત્રાની સરહદ પાર નથી થઈ . અવરોહણની એક એક ઘડીમાં આસ્વાદ હોય છે . આસ્વાદ એટલે પ્રભુની યાદ . આસ્વાદ એટલે યાત્રાની પ્રત્યેક યાદ . આસ્વાદ એટલે યાત્રા થકી મળેલો ચિદાનંદ . શીતલનાલા , ભાથાખાતું , ગંધર્વનાલા પાર થયું . બે ત્રણ વાર થોડું થોડું ચડવાનું આવ્યું . ઉતરવામાંય થાક લાગતો હોય ત્યાં ચડવામાં હાલત કેવી થાય ? પણ એ હાલત મંજૂર હતી . સ્પીડ ઓછી થાય એ બને , સ્પિરિટ ઓછો થાય એવું ના બને .
વચ્ચે પથરાળ શોર્ટકટ દેખાતા પણ એ રસ્તે જવાનું પોસાય નહીં . સીધે રસ્તે જવું સહીસલામત . આખરે કલિકુંડ દેખાયું . તસલ્લી મળી કે થોડું જ બાકી છે . આગળ મધુબનમાં વાગી રહેલા સ્પીકરના અવાજ આવવા લાગ્યા . બહુ ઝડપથી તળેટી દેખાઈ હતી . મહાપર્વતની સ્પર્શનાની આખરી ક્ષણો અહોભાવમય હતી . ભગવાને મોટી કૃપા કરી હતી . અષ્ટાપદની યાત્રા કેવી હશે એની ઝાંખી કરાવી હતી , શિખરજીએ . ઊંચા સ્થાને પહોંચ્યા પછી નીચે ઉતરવું સહેલું નથી .
શિખરજીનો બીજો બોધપાઠ યાદ રહેશે : જિંદગીને સાચી ઊંચાઈ પર લઈ જાઓ . સાચી ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે આવવાનું સહેલું હોતું નથી .
Comments (1)
Vijay Shrimalisays:
January 28, 2025 at 4:06 amપ્રણામ સાહેબજી શિખરજી યાત્રાના આપના સ્વ અનુભવનું વર્ણન ખૂબ જ અદભુત હતું.