Press ESC to close

ઓલિયાઓ : વ્યાખ્યાન આપવાથી દૂર રહે છે અને મોટાં મોટાં કામો પાર પાડે છે


( વર્તમાન સમયમાં મને સૌથી વધુ કયા મહાત્મા ગમે છે ? આ વિષય પર એક ગ્રંથ પ્રકાશિત થવાનો છે . સંપાદક : પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મહારાજા . અનેક ગુરુભગવંતોએ આ વિષય પર લેખ લખ્યા છે . પ્રસ્તુત લેખ એ ગ્રંથ માટે , સંપાદક સૂરિદેવના આત્મીય આગ્રહથી લખવામાં આવ્યો છે. )

તમે કોઈ એક કામને સમર્પિત છો અને એ કામને સારી રીતે કરવા શકાય તે માટે તમે કોઈ બીજાં એક કામથી અળગા થઈ શકો છો એવી ભૂમિકાને ત્યાગની ભૂમિકા કહી શકાય છે . આવો ત્યાગ ઊંચી સમજદારી વિના આવતો નથી . એકથી વધુ જવાબદારી સંભાળવાની ક્ષમતા સૌમાં ઓછેવધતે અંશે હોય જ છે . કંઈ જવાબદારી રાખવી અને કંઈ જવાબદારી સંભાળવી એનો નિર્ણય સમયસર કરી લેવાનો હોય છે . બધું જ હું કરીશ આ અભિગમ ખોટો . બધું બીજાનાં માથે ઢોળી દો , આપડે છુટ્ટા – આ વૃત્તિ પણ ખોટી . હું શું કરીશ અને હું નહીં કરીશ તે શું હશે – આનો નિર્ણય સારી રીતે થવો જોઈએ .

If you are truely intelligent , you would do what you want. But if you are genius, do what is needed. તમને જે ગમતું હશે એ તમે કરતા હશો આ એક પરિસ્થિતિ છે . તમે એ કામ કરતાં હશો જે ખૂબ જરૂરી છે . આ બીજી પરિસ્થિતિ છે . જરૂરી કામને વધુ સમય આપવા માટે , મનગમતાં કામને ઓછો સમય આપવો છે આવો નિર્ણય સરળ નથી . આવો નિર્ણય જેઓ કરી ચૂક્યા છે એમને અહોભાવપૂર્વક યાદ કરવા છે . જેમ આંબેલ કરનારો વિગઈનો ત્યાગ કરે છે , ઉપવાસ કરનારો આહારનો ત્યાગ કરે છે અને એ ત્યાગ જ એમને તપસ્વી બનાવી દે છે તેમ મનગમતી પ્રવૃત્તિનો ત્યાગ કરનારો , પોતાની ભૂમિકાનો તપસ્વી બની જાય છે . આવા તપસ્વીઓને ત્યાગી તરીકે માનસન્માન મળે કે ન મળે – એમને ફરક પડતો નથી . જેમ માતા પોતાના દીકરાને પ્રેમ કરતી હોય છે , એને દીકરાને પ્રેમ કરવાના બદલામાં યશ કે ગૌરવની અપેક્ષા હોતી નથી એમ આ geniusને પોતાનાં કામ માટે ઘણો પ્રેમ હોય છે અને એ પ્રેમ એમને બીજી બધી બાબતોથી બેપરવા બનાવી દે છે .

તમે જે કામ કરો છો તે જેમ અગત્યનું છે તેમ તમે જે કામ છોડો છો કે ટાળો છો તે કામને છોડવું કે ટાળવું પણ ઘણું અગત્યનું હોય છે . એ કામ જે છોડવાનું છે તે છોડવામાં એટલું આસાન હોતું નથી . કામ આસાન હોય ત્યારે કામને છોડવાનું આસાન નથી હોતું . અઘરું કામ હોય ત્યારે એ કામને છોડવાનું અઘરું નથી હોતું . આસાન કામ છોડવા જેવું છે એવી વાત નથી . અઘરું કામ અપનાવવા જેવું છે એની વાત છે .

આજે ચોતરફ વાતાવરણ વ્યાખ્યાનલક્ષી છે . જેમને વ્યાખ્યાન સરસ આપતા આવડતું હોય એ જરૂરથી વ્યાખ્યાન આપે . વ્યાખ્યાન સારું હોય એને લીધે શ્રોતા ઘણા મળે , ભક્તો ઘણા બને , નામના ઘણી થાય અને ગામો ગામની વિનંતીઓ ચાલતી આવે સતત . એ વિનંતી સ્વીકારીને ગામો ગામ જવાનું , વ્યાખ્યાનો આપવાના , શ્રોતા અને ભક્તો વધારવાના . શાસન પ્રભાવના કરવાની અને , અને લોકપ્રિયતાનાં નવા નવા શિખરો સર કરવાના . લોકપ્રિયતા લોકપૂજ્યતા બને , લોકપૂજ્યતા લોકમાનનીયતા બને એ ક્રમ ચાલતો રાખવાનો . આ સ્વાભાવિક છે , કરણીય છે , ઉપકારની પ્રવૃત્તિ છે . જે આ કરે છે તે પરંપરાનું નિર્વહન , સંવર્ધન કરે છે . એમનું પુણ્ય ઊંચું ગણાય છે એમાં શક નથી .

પરંતુ એકાદ ઓલિયો એવો નીકળી આવે છે જેને ખબર છે કે મારું વ્યાખ્યાન સરસ છે , લોકાકર્ષક છે છતાં એ વ્યાખ્યાનથી દૂર થઈ ગયો છે . મારું સૌભાગ્ય છે કે એવા થોડાક ઓલિયાઓ મેં જોયા છે .
પ્રથમ નામ યાદ આવે છે શ્રી હેમવલ્લભ સૂરિજી મ.નું . બીજું નામ યાદ આવે છે શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ.નું . ત્રીજું નામ યાદ આવે છે શ્રી વિમલહંસ વિજયજી મ . અને સાથોસાથ શ્રી પરમહંસ વિજયજી મ.નું .
વધુ એક નામ યાદ આવે છે શ્રી આત્મરતિવિજયજી મ.નું .

(૧) પૂજ્ય આચાર્ય શ્રી હેમવલ્લભસૂરિજી મ.સા.


શ્રી ગિરનાર તીર્થમાં પહેલાં યાત્રાળુઓ ઓછા હતા અને આશાતનાઓ ઘણી હતી . શ્રી હેમવલ્લભ વિજયજી મ . તરીકે તેઓ ગિરનાર આવ્યા ત્યારે એમને ગિરનારમાં કે તીર્થરક્ષાનાં કોઈપણ કાર્યક્ષેત્રમાં કોઈ ઓળખતું નહોતું . પડકારો ઘણા હતા . ધારેલી સફળતા ના મળે એવી પરિસ્થિતિનો દબાવ બનેલો હતો . તેઓ ત્યાં રહ્યા . એમણે ત્યાગને કામે લગાડી દીધો . વ્યાખ્યાન નહીં . લોકોમાં ચમકવાનો મારગ દૂર . પગ દબાવવાવાળું કોઈ નહીં . કામકાજ પૂછવાવાળું કોઈ નહીં , લગભગ . વડીલો અને સંનિષ્ઠ યુવાનો સાથે હતા પણ પોતાના તરફથી તીવ્ર સમર્પણનું વાતાવરણ એમણે સ્વયં ઊભું કર્યું . રોજની એક યાત્રા કરવાની જ . શ્રી નેમનાથ દાદાએ વિઘ્નહરણ શક્તિ તરીકે આંબેલનો ઉપદેશ આપેલો એ યાદ રાખીને આંબેલ ચાલુ કર્યાં . યાત્રા કરીને નીચે ઉતરે તે પછી જૂનાગઢ ગામના અજૈન ઘરોમાં ગોચરી લેવા જાય , લૂખી રોટલીથી નિર્દોષ ગોચરીની વિધિ જાળવે . શરૂશરૂમાં દર્શનાર્થીઓ, યાત્રાળુઓ, ભક્તજનો ખાસ વધારે આવતા નહીં . એ વખતે મનમાં ફરિયાદો જાગી શકતી હતી . વાણી દ્વારા એ ફરિયાદો રજૂ થઈ શકતી હતી . કંઈ ફરિયાદો ?
૧ . અરે , કોઈ મળવા જ આવતું નથી .
૨ . કંઈ કામ હોય તો કોને કહેવાનું ?
૩ . આખા દિવસમાં વાત કરવાની કોની સાથે ?
૪ . વ્યાખ્યાનમાં તો કોઈ આવતું નથી .
૫ . અમારું ધ્યાન કોણ રાખે છે ?
૬ . આ કામ બાકી છે , એ કામ બાકી છે ?
૭ . આમને મોકલો , એમને બોલાવો .
૮ . હું બધાને ખુલ્લા પાડી દઈશ .
૯ . તમને ખબર નથી , હું કોણ છું તે .
૧૦ . બધાની સાન ઠેકાણે લાવી દઈશ , હા .
આવી ઘણીબધી ફરિયાદો બની શકતી હતી . જેમ વિગઈનો ત્યાગ , માંગલિક ગણાય છે – આંબેલ રૂપે . તેમ ફરિયાદોનો ત્યાગ પણ માંગલિક ગણાય છે – સહનશીલતા રૂપે . શ્રી હેમવલ્લભસૂરિજીમ . એ જેની ફરિયાદ કરી નથી તેવી પરિસ્થિતિઓ અગણિત હશે . તેઓ બધું હજમ કરી ગયા છે . ફરિયાદ ફરિયાદ ન લાગે એ સાધના છે . ફરિયાદ કરવાનું યાદ ન આવે એ તપસ્યા છે . જેમના હાથમાં સત્તા હોય , જેમની પાસે જવાબદારી હોય એમની નિંદા કરીને વાતાવરણ બગાડી શકાતું હોય છે . ઓલિયાઓ નિંદા નથી કરતા , વાતાવરણ નથી સળગાવતા . ઓલિયાઓ સહન કરી લે છે . શ્રી હેમવલ્લભસૂરિ મ.ને ગિરનારના રક્ષણહાર માનીને વાંદનારા આજે અગણિત લોકો છે . એમની હજારો આંબેલની તપસ્યા સૌ જાણે છે . તેઓ એ બધું નથી જાણતા જે શ્રી હેમવલ્લભસૂરિ મ . ચૂપચાપ , એકલપંડે સહન કરી ચૂક્યા છે .

અને ખાસ વાત , જેટલા વરસ એમણે ગિરનાર તીર્થને આપ્યા એટલા વરસ એ અલગ અલગ શહેરોમાં ચોમાસું કરી શકતા હતા . ચોમાસાં ગાજ્યાં જ હોત . નામના બની જ હોત. અનુષ્ઠાનો , પ્રસંગો , કાર્યક્રમોની હારમાળાઓ સર્જાઈ જ હોત . શાસનપ્રભાવનાના ઈતિહાસ રચાયા જ હોત . સમાચાર વિભાગ જે જે મુખપત્રોમાં હોય છે તેમાં લાંબી લાંબી ખબરો આવી જ હોત . પણ હેમવલ્લભસૂરિ મ . એ ગિરનારમાં રહેવા સિવાયનું બીજું કશું વિચાર્યું જ નહીં . બે પ્રેરણા મળે છે : એક , વ્યાખ્યાનથી દૂર રહેવામાં સંકોચ ના રાખો . બે , કોઈ એક પવિત્ર જવાબદારીને નિઃસ્વાર્થ ભાવે સમર્પિત થઈ જાઓ . એ જવાબદારી તમારી મર્યાદાને અનુરૂપ હોય એટલે બસ . મનેં શ્રી હેમવલ્લભ સૂરિ મ . માટે બે કારણસર વિશેષ આદર છે .
૧) તેમને લોકપ્રિય બનવામાં કોઈ જ રસ નથી .
૨) તેમને ગિરનારી નેમજીમાં સર્વોચ્ચ રસ છે .

( ૨ ) પૂજ્ય ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ .

એમનાં વ્યાખ્યાનો જેમણે સાંભળ્યાં છે તેઓ એમને ભૂલી જ ના શકે . અવાજ , રજૂઆત , પદાર્થ વિશ્લેષણ , મૂળભૂતતા અને મૌલિકતાનો સંગમ . એક તરફ આ વાત છે . બીજી તરફ તેઓ વરસોથી વ્યાખ્યાનને સાઈડ ટ્રેક કરી ચૂક્યા છે . એક વ્યવહાર એવો બની ગયો છે કે સાધુ ભગવંત ઉપાશ્રયમાં આવે એટલે વ્યાખ્યાન આપવાનું જ હોય એમણે . ગૃહસ્થને શ્રાવક કહેવામાં આવે છે કેમકે ધર્મશ્રવણ કરવું એ શ્રાવકનો ધર્મ છે . સાધુનો ધર્મ છે યથા આવશ્યક વિનિયોગ . હું વ્યાખ્યાન આપું નહીં તો મારી પાસે લોકો આવશે નહીં આવી ભયગ્રંથિ સાધુમાં હોવી જોઈએ નહીં . હું વ્યાખ્યાન આપીશ તો લોકોમાં મારો પ્રચાર થશે આની લાલચવૃત્તિ પણ સાધુમાં હોવી જોઈએ નહીં . વ્યાખ્યાન બાબતે સાધુ નિર્ગ્રંથ હોવો જોઈએ . અમુક કામો કરાવવાના છે અને તે માટે વ્યાખ્યાન આપવું જરૂરી છે આવું માનસ બને છે ત્યારે જવાબદારીનું બંધન જોયું છે એ સૂચિત થાય છે . અમુક વખતે વ્યાખ્યાન આપવાનો શોખ કે રસ ઘણો વધારે છે અને વ્યાખ્યાન આપવાની પ્રતિભા ઘણી ઓછી છે , એવી પરિસ્થિતિ જોવી મળતી હોય છે . નિયમ એ છે કે જે શક્તિશાળી છે તે વ્યાખ્યાન આપે . એને બદલે નિયમ એવો માની લેવાયો છે કે જે વ્યાખ્યાન આપવા પાટ પર બેસે છે એ શક્તિશાળી છે . વિનિયોગની ભૂમિકાએ બોલવું એ સાધુનો ધર્મ છે . પણ વ્યાખ્યાન આપવા માટે એકદમ તલપાપડ રહેવું એ સાધુનો ધર્મ નથી . વ્યાખ્યાન આપવા ન મળે તો પણ પ્રસન્ન રહેવું એ સાધુનો ધર્મ છે .

ખબર નહીં કેમ ? ગૃહસ્થો વ્યાખ્યાનદાતાઓને જ મહત્ત્વ આપે છે . આ પણ હકીકત છે . આવી પરિસ્થિતિ વચ્ચે એવો નિર્ણય કરી લેવો કે વ્યાખ્યાન આપવું એ મારી પ્રાથમિકતા નથી . એ અઘરું છે . એમણે વ્યાખ્યાનને બદલે વ્યાખ્યા પર પસંદગી ઉતારી છે . તેઓ શ્રુતસંપદા સાથે સંશોધનની ભૂમિકાએ જોડાયા છે .

વ્યાખ્યાન આપતી વખતે તમારી સામે શ્રોતા હોય છે . સંશોધન કરતી વખતે તમારી સામે તમારું એકાંત હોય છે . વ્યાખ્યાન આપતી વખતે તમે બીજાની પાસેથી મેળવેલું – ઊઠાવેલું બોલી શકો છો . સંશોધનમાં તમારી સ્વતંત્ર ક્ષમતા પર જ બધો આધાર હોય છે . વ્યાખ્યાનમાં તમને જે શ્રોતા મળે છે તે તમારી પરીક્ષા લે એ જરૂરી નથી , શ્રોતા તમારી વાતને , રજૂઆતને આદરપૂર્વક સ્વીકારી શકે છે . સંશોધનમાં તમારી એક એક લાઈન સમીક્ષકોના ચશ્માતળે આવે છે અને ગમે તેટલી મહેનત કરી હોવા છતાં એકાદ ભૂલનો હિસાબ ચૂકવવો ભારે પડી શકે છે . વ્યાખ્યાનમાં તમારો પ્રચાર ઘણો થાય , થઈ શકે કેમકે વ્યાખ્યાન શ્રવણના પ્રેમીઓ ઘણા બધા છે . દરેક વક્તાએ યાદ રાખવાનું છે કે શ્રોતાને તમારું વ્યાખ્યાન ગમે છે માટે એ વ્યાખ્યાન સાંભળવા આવ્યો છે એવો ભ્રમ રાખવાનો નહીં . શ્રોતાને ભગવાનની વાણી સાંભળવી ગમે છે માટે તે વ્યાખ્યાનમાં આવે છે . અને વાણીના પ્રેમીઓની સંખ્યા વિશાળ છે . કેમકે વાણી , વ્યાખ્યાનવાણી સરળ હોય છે . સંશોધન સરળ હોય છે ? ના . બિલકુલ નહીં . જેણે સંશોધનનું ક્ષેત્ર અપનાવ્યું છે એમને પૂછજો . માથાના વાળ ધોળા થઈ જાય , ખાલી થઈ જાય એટલી બધી મહેનત કરવાની આવે છે સંશોધનમાં . અને તે પછી જે સંશોધિત સાહિત્ય તૈયાર થાય છે તેના વાંચનારો / સમજનારો વર્ગ ઘણો નાનો હોય છે . સંશોધનને સમર્પિત થયા હોય એવા વિદ્વાનોનો પ્રચાર કેટલો થાય ? વ્યાખ્યાનદાતાઓ જેટલો પ્રચાર પામે છે તેના કરતાં ઘણો જ ઓછો પ્રચાર થાય સંશોધકોનો . આ કડવી હકીકતની જાણ હોવા છતાં પોતાને વ્યાખ્યાનથી દૂર રાખવાનો નિર્ણય એમણે લીધો એ નાનોસૂનો ત્યાગ નથી .

જો એ વ્યાખ્યાન આપવા માટે નિયમિત રીતે લોકસંપર્ક બનાવી રાખત તો એમના હાથે શ્રુતભવનના માધ્યમે જે મહાન્ કાર્યો થયા તે કદાચ , સંપન્ન ન થાય . શ્રુતભવન સંશોધન કેન્દ્ર થકી કેટલી બધી હસ્તલિખિત પ્રતોનો ડિજિટલ ડાટા તૈયાર થયો છે ? આજ સુધી ક્યારેય પ્રકાશિત ન થઈ હોય એવી કેટલી બધી રચનાઓ પ્રકાશમાં આવી છે ? આજ સુધી એકબીજાના સંપર્કમાં ન હોય એવી કેટલી સંસ્થાઓ એકબીજાના સંપર્કમાં આવી છે ? આનો જવાબ તમે જાતે શોધજો . એક ગંજાવર ઈતિહાસ રચીને બેઠું છે શ્રુતભવન . અને એના માર્ગદર્શક તરીકે શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.સા . એ એક નિયમ પાકો બનાવી રાખ્યો છે : ખૂબ જ અગત્યનું કામ હોય ત્યારે વ્યાખ્યાન આપવું . બાકી વ્યાખ્યાનથી દૂર રહેવું . વ્યાખ્યાન સિવાયનું એક વિશ્વ એમણે રચી લીધું છે અને પોતાનાં વિશ્વમાં રમમાણ રહેવાવાળા જોગંદર બની ચૂક્યા છે તેઓ .

મનેં એમની એક પરિકલ્પના ખૂબ જ ગમી છે : દુનિયામાં જેટલા પણ જ્ઞાનભંડારો છે , લાઈબ્રેરી છે એમાં રહેલી હસ્તલિખિત પ્રતોને સ્કેન કરીને એ તમામ ડિજિટલ પ્રતો એક જગ્યાએ એ રીતે સંગૃહીત કરવી કે જેનો ઉપયોગ દુનિયાના દરેક ખૂણેથી કરી શકાય . આ દિશામાં કામ કેટલું થયું છે ? ૮૪ જ્ઞાનભંડાર પાસેથી દોઢ લાખ હસ્તલિખિત ગ્રંથ મળ્યા છે અને અંદાજે એંશી લાખ હસ્તલિખિત પાનાંનું સ્કેનિંગ થઈ ચૂક્યું છે . ચાળીસ જ્ઞાનભંડારમાંથી મળેલી પાંસઠ હજાર હસ્તલિખિત પ્રતોનું સૂચીકરણ પણ થઈ ચૂક્યું છે . આ શ્રુતસેવા જ પોતાની જવાબદારી છે એવું એમનું માનસ સ્પષ્ટ છે . તેઓ વ્યાખ્યાન અર્થે ગામે ગામે અને સંઘે સંઘે જતા નથી બલ્કે શ્રુતભવનમાં રહે છે . સામે એ પરિણામ આવ્યું છે કે જૈન શાસનના કોઈ પણ મોટા આચાર્ય ભગવંત પૂના પધારે છે તો તેઓ શ્રુતભવન આવવાનું ચૂકતા નથી અને શ્રુતભવન આવ્યા બાદ ધન્યતા અનુભવે છે . શ્રુતભવને આ એક વાત સજ્જડ રીતે સાબિત કરી દીધી છે : First they will ignore you, then they will critisize you, then they will try to copy you and then you win. ખેર , હજી જે કામો બાકી છે તેની માટે તેઓ એટલા ઉત્સાહિત અને પ્રતિબદ્ધ છે કે જે થઈ ચૂક્યું છે એનો હરખ મનાવવા તરફ એમનું ધ્યાન જ નથી .

( ૩ ) પૂજ્ય પંન્યાસ શ્રી વિમલહંસ વિજયજી મ ./ પૂજ્ય પંન્યાસ શ્રી પરમહંસ વિજયજી મ .

શ્રી અંતરીક્ષજી તીર્થનો પ્રશ્ન . એવી ગૂંચ હતી કે ઉકેલ જ ના દેખાય . કોર્ટનો નિર્ણય આવશે એવું કહેવાતું પણ દર વખતે કોર્ટે નવી તારીખ આપી છે એટલા જ સમાચાર આવતા . લોકોએ આવવાનું ઓછું કરી દીધું હતું . દિગંબરોના ઘરો ઘણાં . શ્વેતાંમ્બરનાં ઘર એક કે બે . તીર્થની ધર્મશાળા-ભોજનશાળનાં મકાનો જૂનાં .અવર જવરના અભાવે વ્યવસ્થાતંત્ર પણ ઢીલું છે એવું ચર્ચાતું . આવાં વાતાવરણમાં લાંબો સમય માટે રહેવા કોણ મહાત્માઓ આવી શકે ?

આજકાલ દરેક સમુદાયને ચાતુર્માસની વિનંતીઓ ઘણીબધી આવે છે . સંઘમાં ચોમાસું કરો એટલે વ્યાખ્યાનોમાં ભીડ થાય , ભક્તો બને ,જાહોજલાલી સર્જાય અને શાસનનો ડંકો વાગ્યો છે એવું પ્રમાણપત્ર મળે . આ બે મહાત્માઓએ બાર વરસ સુધી એ ભીડ , એ જાહોજલાલીથી સ્વયંને દૂર રાખવાનો પુરુષાર્થ કર્યો . એમણે બાર વરસમાં મોટા મોટા સંઘોમાં ચોમાસાં કર્યા હોત અને એમનાં નામની આગળ શાસન પ્રભાવક એવું બિરૂદ લખાયું હોત . પણ એવું થયું નહીં . એમણે પોતાના ગુરુદેવ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજીમ . માટે એક સપનું જોયું . શું સપનું ? ગુરુદેવનું સપનું સાકાર થવું જોઈએ એ જ સપનું . ગુરુનાં સપનાનો વારસો શિષ્યોને જ મળે ને . પૂજ્ય પન્યાસજી ભગવંતના શિષ્યોને વ્યાખ્યાન કલા વારસામાં મળેલી હોય છે . એમના પરિવારના મહાત્માઓ જ્યાં જાય ત્યાં સભાઓ ગજવતાં હોય છે અને મોટા મોટા હોલ નાના પડે છે . આ બે મહાત્માઓ એ દિશામાં જઈ જ શકતા હતા . એ માટેની ઈચ્છા કે જીદ્દ રાખી શકતા હતા . એમણે એવું કર્યું ? ના . એમણે જીદ્દ ના રાખી અને ઈચ્છાઓ ન રાખી . આ ત્યાગ નાનોસૂનો નથી . વિગઈનો ત્યાગ નજરે ચડે છે . પ્રસિદ્ધિનો ત્યાગ નજરે ચડતો નથી . જે નજરે ચડે એની પ્રશંસા થાય . જે નજરે જ ના ચડે તેની પ્રશંસા શી થવાની ? જેમનાં વસ્ત્ર મલીન હોય , જેઓ નિર્દોષ ગોચરીપાણીના આગ્રહી હોય તેમને ત્યાગી કહેવામાં કશું ખોટું નથી . જે હકીકત તે છે . પરંતુ સંભવિત પ્રસિદ્ધિનો મોકળો માર્ગ જેમણે પડતો મૂક્યો એમને ત્યાગી કેમ ન ગણાય ? પ્રસિદ્ધિની આકાંક્ષાને સમેટી લેનારા પૂજ્ય પુરુષને પણ સંયમી તરીકેનું સન્માન કેમ ન મળે ? સતત એક જ વિષય પર કરવામાં આવતો પુરુષાર્થ પ્રચંડ જાગૃતિ લાવે છે . મનેં એક વિધિકારકે કહ્યું હતું કે : ‘ સાહેબ , દેવદ્રવ્યની આવક બધા ગુરુભગવંત કરાવે . સાધારણ દ્રવ્યની આવક બહુ ઓછા ગુરુભગવંત કરાવી શકે . શ્રી વિમલહંસ વિજયજી મ . ની માસ્ટરી છે સાધારણની આવકમાં . ‘ તમે તુલના કરજો . ક્યાં પહેલાંનું અંતરીક્ષતીર્થનું સંકુલ ? અને ક્યાં અત્યારનું નવનિર્મિત સંકુલ ? અલબત્ત , પ્રાચીન પરમાત્મા પર જ તીર્થ અવલંબે છે . પરંતુ યાત્રાળુઓ આવે , આવતા રહે , આવતા જ રહે એ માટેનો માહોલ રચવાનો હતો . એ માહોલ રચવામાં પોતાની મર્યાદાને ધક્કો ના લાગે તે પણ જોવાનું હતું . આ બેય મહાત્માઓએ તીર્થ માટે જે કર્યું તેની યશોગાથા ઘણી લાંબી થાય . તીર્થ માટે જે કર્યું તે એમનેમ નથી થયું . કશુંક કરવા માટે કશુંક છોડવું પડે છે . તીર્થ માટે એમણે જેનો ત્યાગ કર્યો તે સમજવાનું છે . વર્ષોથી એક જ જગ્યાએ ચોમાસું કરવામાં કંટાળો આવે , સાધુ તો ચલતા ભલા એટલે જ તો લખાયું છે . પણ એ કંટાળાનો ત્યાગ કર્યો . ઘરની રસોઈ અને તીર્થના રસોડાની રસોઈમાં ફરક હોય છે . રસોડાની રસોઈ રોજરોજ લેવાની અને છતાં ઘરની રસોઈ યાદ નહીં કરવાની . સંઘમાં રહે તો શ્રાવકશ્રાવિકાઓ સેવામાં ઉપસ્થિત હોય . તીર્થમાં મોટે ભાગે નોકરભરોસે નૈયા . સંઘમાં રહેવાનું સ્થાન સારું હોય . તીર્થમાં વ્યવસ્થાની અનુકૂળતા અને અનુકૂળતાની વ્યવસ્થા પર આપણો કોઈ અંકુશ ના હોય . તીર્થમાં માણસ ન હોય તો કોઈ ન હોય અને હોય તો સીધા છસ્સો કે હજાર માણસની લાઈન લાગી હોય . કોઈ ના હોય એનો સન્નાટો પણ વાગે . અને મોટી સંખ્યામાં યાત્રાળુ આવે એનો ધસારો પણ કોઈક રીતે અસુવિધાજનક જ રહે .

સાધુ દરેક પરિસ્થિતિમાં એક સમાન માનસિકતા , પ્રસન્નતા રાખે છે , એ જ સાધુનો ધર્મ છે . એ વાત સાચી . એક જ સ્થાનમાં લાંબો સમય રહેવા મળે તે પછી જ ખબર પડે કે એકસમાન માનસિકતા , પ્રસન્નતા બનાવી રાખવાનું કેટલું અઘરું છે . આશા હતી કે શ્વેતાંમ્બર પરંપરાની તરફેણમાં જ સુપ્રીમ કોર્ટ ફેંસલો સુણાવશે પરંતુ એ ફેંસલો ક્યારે સુણાવશે , ખબર પડતી ન હોતી . તારીખ પર તારીખ પડતી જતી હતી . એમની પ્રતિબદ્ધતા આ તીર્થ પ્રત્યે એટલી બધી મજબૂત હતી કે એકવાર તેઓ આકોલા – સંભવનાથજી સંઘમાં એમનું ચોમાસું નક્કી થઈ ચૂક્યું હતું તે કેન્સલ કરીને તેઓ ચોમાસા પૂર્વે અંતરીક્ષજી પાછા આવી ગયા હતા . કારણ કે એ ચોમાસામાં જ સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી જશે એવી એ વખતે સંભાવના બની હતી . પોતાનું મોટું ચોમાસું છોડી દે એવો વિરલો તમે જોયો નહીં હોય જિંદગીમાં . જે સંઘમાં ચોમાસું હતું એ સંઘ નારાજ થઈ શકતો હતો કેમ કે છેલ્લી ઘડીએ ચોમાસું અંતરીક્ષમાં કરવાનો નિર્ણય લેવાયો એટલે એ સંઘ બીજા ગુરુભગવંતને લાવી શકે કે કેમ એ પ્રશ્ન હતો . પ્રસિદ્ધિ પામવાનો અવસર છોડી દેવો અને એક જગ્યાએ અપયશ થાય એવો નિર્ણય લેવો એ કાચાપોચાનું કામ નથી .

સન્ ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને અંતરીક્ષ પ્રભુના દરવાજા ખૂલશે એવા સમાચાર સકલ સંઘને આપવાના હતા તે વખતે શ્રી પરમહંસ વિજયજી મ . એ જે ટૂંકું વક્તવ્ય આપ્યું તેમાં એમણે પોતાનો યશ ગાવાનો નાનોસરખો પણ પ્રયાસ કર્યો નહોતો . તીર્થ સાથે જે જે લોકો સંકળાયેલા છે તે સૌની મહેનતને એમણે યશ આપી દીધો . મારે મહેનત કરવાની છે પરંતુ સફળતાનો યશ મારે લેવાનો નથી આવી સભાનતા ક્યારે આવે ? લોકસંજ્ઞા પર પ્રચંડ જીત મેળવી હોય ત્યારે . મને એમની આ સભાનતા બહુ ગમી . ઇન્દ્રિયસંયમની જેમ કષાયસંયમનો પણ મહિમા ઘણો મોટો છે .

नमो लोए सव्वसाहूणं

વર્તમાન સમયના શ્રેષ્ઠ સંયમીઓ વિશે વિચારું છું ત્યારે અલગ અલગ બે પંક્તિઓ યાદ આવે છે .
એક , नमो लोए सव्व साहूणं ‍- બધા સાધુ ઉત્તમ છે . ઉત્તમ સાધુ બધે જ છે . અમુક સાધુ ઉત્તમ છે અને અમુક સાધુ ઉત્તમ નથી આવો વ્યવહાર – લેખની ભૂમિકાએ હું ના કરી શકું .
બે , जावंत के वि साहू – જે પણ સાધુ છે તે ઉત્તમ તત્ત્વથી અલંકૃત છે . આ પંક્તિ દેરાસરમાં ભગવાન્ સામે પણ બોલી શકાય છે . તેનું કારણ જ્યાં જ્યાં સાધુતા છે ત્યાં ત્યાં આજ્ઞાનુસારિતા અને ઉત્તમતા છે – એવી સ્પષ્ટતા .

અમુક મહાત્માનું સંયમ સારું છે એમ કહેવા દ્વારા અનુમોદના જરૂર થાય છે . એ અનુમોદના સારી પણ છે . બને છે એવું કે ભાષારચનાના નિયમ અનુસાર એ વાક્યનો અર્થ એવો નીકળે છે કે અમુક મહાત્માનું સંયમ સારું છે અર્થાત્ અમુક મહાત્મા એવા પણ છે જેમનું સંયમ સારું નથી . આવો કોઈ ભાવ મનમાં બનાવી શકાય નહીં . આવી કોઈ રજૂઆત કરવાની ભૂમિકા આપણી પાસે હોઈ શકે નહીં . कूरगडू મુનિને કેવળજ્ઞાન મળી ગયું અને એમની માટે તિરસ્કાર વ્યક્ત કરનારા ત્રણ તપસ્વી મહાત્માઓ કેવળજ્ઞાનથી વંચિત રહ્યા . જ્યાં મહાત્મા સ્થૂલભદ્રજી ના હાર્યા , ત્યાં સિંહગુફાવાસી મહાત્મા હારી ગયા . શ્રી સિદ્ધચક્ર મહાપૂજનમાં ચારિત્રપદનાં પૂજન વખતે જે મંત્ર બોલાય છે તેનો રોજ જાપ કરવો જોઈએ . तत्त्वपरिणतिरूपाय श्री सम्यक् चारित्राय नम: | ‍જેમની પરિણતિ નિર્મળ છે , નિર્દોષ છે , નિર્ભેળ છે તેમનામાં ચારિત્ર છે .


મોટી તપસ્યા નહીં કરી શકનારા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા , પોતાની આ કમજોરીને યાદ કરી કરીને જાહેરમાં આત્મનિંદા કરતાં કરતાં રડી પડતા હતા . એ હતી तत्त्वपरिणति . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા મુંબઈમાં આધુનિકતાવાદીઓ અને સુધારકોની સામે પ્રખર પ્રવચનો ફરમાવી રહ્યા હતા અને હજારો શ્રોતાઓ ભાવવિભોર થઈ એ પ્રવચનો સાંભળી રહ્યા હતા પ્રતિદિન . તે વખતે એક સભામાં એક વિરોધીએ એમને જાહેરમાં પૂછ્યું : આ તમે મુહપત્તિના ઉપયોગ વગર બોલો છો તે ચાલે ? આ સવાલના જવાબમાં પોતાનો બચાવ કર્યા વગર સૂરિ ભગવંતે કહી દીધેલું કે ‘ આ અમારી ભૂલ ‘ . પોતાની ભૂલનો બચાવ ના કરવો એ तत्त्वपरिणति જ છે .

( ૪ ) પૂજ્ય મુનિરાજ શ્રી આત્મરતિવિજયજી મ.

જેમનું ચારિત્ર પાલન કડક છે અને પોતાના એ કડક ચારિત્ર પાલનની પ્રશંસા જેઓ સ્વયં કરે છે અને એવી પ્રશંસા અન્ય પાસે કરાવડાવે છે તેમની માટે પૂરેપૂરો આદરભાવ બનેલો રહે છે પણ એ દૃશ્ય સમજાતું નથી . જેઓ પોતાના કડક ચારિત્રપાલન બાબતે ક્યારેય બાંધછોડ કરતા નથી અને સાથોસાથ પોતાના કડક ચારિત્રપાલનનો રેફરન્સ વાપરીને જે , ન તો પોતાની પ્રશંસા કરે છે , ન તો અન્યની નિંદા / સમીક્ષા કરે છે એવા મહાત્માઓની શ્રેણિમાં એક નામ છે પૂ . આત્મરતિવિજયજી મ.નું . દીક્ષા લીધી ત્યારથી = ચાલીસ વરસથી તેઓ વરસીતપ કરી રહ્યા છે . તેમણે છેલ્લા ચાલીસ વરસોમાંથી વીસ વરસો કેવળ ઉપવાસ કરવામાં વિતાવી દીધા છે . બાકીના વીસ વરસોમાં તેમણે કેવળ એકાસણાં જ કર્યા છે . એકાસણાને બદલે આંબેલ કે ઉપવાસ કર્યા હશે . પણ એકાસણાથી ઓછું તપ કર્યું નથી . પારણાના દિવસે ગોચરી એ જ ઘરોમાંથી લેવાની જ્યાં એમના આ વરસીતપની જાણકારી ના હોય . સમજો કે એવા ઘેરથી ગોચરી લેવાની આવે જ્યાં એમના વરસીતપની જાણ હોય તો તેઓ સાદું સહજ દ્રવ્ય લઈને નીકળી જાય . આ તપસ્યામાં વિહાર પણ કર્યા . વડીલોની સેવા પણ કરી . સમુદાયની માંડલીના કામ પણ કર્યા . જવાબદારીઓ સંભાળી . કપડાં મેલા જ હોય એમના . સામાન એમનો કેટલો ? પોતાનાથી ઊંચકી શકાય એટલો . ગૃહસ્થો સાથેના વાર્તાલાપ , ગૃહસ્થોને આપવાની પ્રેરણા સંબંધે એમના કડક નિયમો છે . તપની વાતમાં ઉમેરવાનું છે કે ચાલીસ વરસીતપ કર્યા અને આ વરસોમાં જ એકવાર ૩૧ ઉપવાસ કર્યા , બે વાર ૧૬ ઉપવાસ કર્યા . લાંબા ઉપવાસનાં પારણે એકાસણું જ . દર વરસે બે વાર નવપદની ઓળી. ઓળીમાં ઉપવાસનાં પારણે આંબેલ . દર મહિને એક અઠ્ઠમ . એક વાર સળંગ પંદર મહિના સુધી ઉપવાસનાં પારણે આંબેલ અને આંબેલ ઉપર ઉપવાસ આ રીતે વરસીતપ ચાલ્યો . વરસો સુધી જૈનેતરોનાં ઘરના છાસરોટલા વાપર્યા . એમનો ત્યાગ ઊંચો છે , વંદનીય છે , અનુમોદનીય છે . અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હું તપસ્વી છું કે ત્યાગી છું કે ઊંચું ચારિત્રપાલન કરું છું આવું પ્રદર્શન કરવાનો અભરખો એમનામાં જોવા મળતો નથી . મારું આચારબળ ઉત્તમ છે એવું બતાવીને અન્ય કોઈનું આચારબળ ઢીલું છે એવી સમીક્ષા કરવાનો ભાવ એમનામાં જોવા મળતો નથી . જેમ જ્ઞાનનું ઘમંડ તે તે વ્યક્તિનાં જ્ઞાનની ગરિમાને ઘટાડે છે તેમ તપત્યાગનું ઘમંડ તે તે વ્યક્તિનાં તપત્યાગની ગરિમાને જ ઘટાડે છે . આ વ્યક્તિગત સમજણની વાત છે . જ્ઞાન અથવા તપત્યાગની ગરિમા સદા સર્વદા એકસરખી હોય છે . વ્યક્તિનું વલણ પ્રશ્નો સર્જે છે .

વર્તમાન સમયના સંયમી મહાત્માઓ સૌ વંદનીય છે . પૂજનીય છે , આદરણીય છે , અભિવાદનીય છે , મોહનીય કર્મના ઉત્કૃષ્ટ ક્ષયોપશમ વિના , વીર્યાંતરાયને કમજોર પાડ્યા વિના ઉચ્ચ દરજ્જાનું ચારિત્ર પાળી શકાતું નથી . શરીર પાસેથી જેટલું કામ કઢાવી શકાય , કઢાવી જ લે છે સંયમીઓ . જેના વગર ચાલે છે તેનો ત્યાગ કરી જ લે છે સંયમીઓ . જે સહન કરવાનું અઘરું છે તેને સહન કરી જ લે છે સંયમીઓ . સંયમીઓ પાસે પ્રચંડ મનોબળ છે , ઉદ્દંડ સહનશીલતા છે , પ્રકાંડ ત્યાગશક્તિ છે . આવતા ભવે મોક્ષમાં જવાની સંભાવના આ સંયમી મહાત્માઓમાં સૌથી વધારે હોય છે . એ સંભાવનાને અનંત અનંત વંદના .

અને સાથોસાથ એ મહાત્માઓ પણ છે જેમણે શાસનનું મોટું કામ પાર પાડવા માટે જીવનની ભૂમિકાએ કોઈ મોટો ત્યાગ , કોઈક ભવ્ય પરિત્યાગ કરી દીધો છે . એ મહાત્માઓ પણ છે જેમને પોતાના સંયમજીવનની કમીઓ કઠે છે , જેમને પોતાની કમજોરીઓનો સતત પસ્તાવો થાય છે અને પોતાનાથી ઊંચું ચારિત્રપાલન કરનારા મહાત્માઓ માટે જેમને ખૂબ મોટો આદર છે .

મનની સામે કષાય કરવાનું આલંબન આવે છે તે પછી મન થકી કષાયોનું સર્જન થાય છે , એ કષાય પછી જીવન પર ફેલાય છે . આ સિલસિલો જેમણે તોડી પાડ્યો છે તે સંયમી છે . જેમણે કષાયનાં આલંબનોને નિષ્ફળ બનાવી દીધા છે તે સંયમી છે . કષાયનું કારણ ન હોય ત્યારે પણ જે કષાયમુક્ત રહે છે અને કષાયનું કારણ ઉપસ્થિત થાય ત્યારે પણ જે કષાયમુક્ત રહેવાનું જાણે છે તે સંયમી છે . એવા સૌ સંયમીઓને વંદના .

Comments (1)

  • Kiritbhaisays:

    June 17, 2024 at 1:18 pm

    ખૂબ ખૂબ અનુમોદનિય કાર્ય ઉપર પ્રકાશ આપી આપે કરેલ છે…. શત શત વંદન 🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *