
બોલવા મળે છે એટલે બોલો . બોલતાં આવડે છે એટલે બોલો . બોલવાનું એકદમ સ્વાભાવિક થઈ ગયું છે . નહીં બોલીએ તો ચાલશે એ વૃત્તિ રહી જ નથી . બોલવાની શું જરૂર છે એવો વિચાર પણ આવતો નથી . મનમાં જે આવ્યું એ મોઢેથી બહાર નીકળી જાય છે . વિચારીને બોલીએ એવું પણ બને છે . બોલવાનો સ્વભાવ એવો થઈ ગયો છે કે બોલવાની ધૂનમાં , વિચાર્યા વિના બોલી બેસીએ એવું પણ બને છે . શ્વાસ લઈએ છીએ એમાં વિચારવાની જરૂર નથી , શ્વાસ લેવાનો છે એટલે લેવાનો છે . આપણો શ્વાસ આપણા પૂરતો સીમિત છે . શ્વાસને કોઈ સાંભળે છે એવી ભૂમિકા નથી . આપણે જે બોલીએ છીએ એ શ્વાસની જેમ આપણા પૂરતું સીમિત નથી . આપણું બોલેલું બીજા સાંભળે છે . એને સાંભળવાની ઈચ્છા છે કે નહીં એ અલગ વાત છે પણ સાંભળે તો છે જ . જે સાંભળે છે એને આપણું બોલેલું કામ આવે છે કે નહીં એ પણ નક્કી હોતું નથી . પરંતુ એને એ સાંભળવું તો પડે જ છે . મારે બોલવાનું છે એટલે બોલવાનું જ છે , એવું ન કરાય .
મૌનનો નિયમ સૌથી અગત્યનો છે અને સૌથી અઘરો છે . ભગવાને આ નિયમને આત્મસાત્ કર્યો હતો . નથી બોલવું . કોઈ આવે છે , પૂછે છે , ભગવાન્ જવાબ નથી આપતા . કોઈ વાત કરવા ચાહે છે , ભગવાન્ વાત નથી કરતા . સાડા બાર વરસમાં ભગવાન્ કુલ મળીને દશ મિનિટ જેટલું માંડ બોલ્યા હશે . ઓછું બોલ્યા હશે , વધારે નહીં . આપણે લોકો એક દિવસમાં કેટલા કલાક બોલીએ છીએ , વિચારજો . રોજ આટલાબધા કલાક બોલવાની ખરેખર જરૂર છે કે નહીં , એ પણ વિચારજો .
અમુક લોકો માટે એમ કહેવાય છે કે આ ભડભડિયો માણસ છે , મનમાં જે હશે એ બધું બોલી નાંખશે . આવા લોકો વિશ્વાસપાત્ર હોતા નથી . મનની વાત મનમાં રાખવી એ શક્તિશાળી આદત છે . આ આદત મૌનનાં કારણે જ સાકાર થાય છે . આપણે જે વિચારીએ છીએ તે ફક્ત આપણને ખબર હોય છે . આપણો વિચાર આપણી અંગત વિરાસત છે . આપણે જે બોલીએ છીએ તે અંગત રહેતું નથી . તમે જેને જે કહો છો તે તેને આગળ પસાર કરવાનો જ છે . તમે બોલ્યા ત્યારે તમે પણ તમારો વિચાર આગળ પસાર કર્યો છે . તમારું કહેલું જે સાંભળશે તે એને આગળ પસાર કરશે જ . તમારું કહેલું સારું હોય અને એ આગળ પસાર થાય એમાં વાંધો નથી . તમારું કહેલું સારું ન હોય અને એ આગળ પસાર થયા કરે એ વાંધાજનક છે . બીનજરૂરી વાતો વાયરસ જેવી હોય છે , એ જ્યાં પહોંચે ત્યાં ખલેલ ઊભી કરે છે . જે આવી વાતો બોલ્યો એ વાયરસનો પ્રણેતા છે . તમે ગુસ્સાવાળું બોલશો , પરિણામે ગુસ્સાવાળી વાતો ફેલાશે . તમે જુઠ્ઠાવાળું બોલશો , પરિણામે જુઠ્ઠાવાળી વાતો ફેલાશે . તમે લોભવાળું બોલશો , પરિણામે લોભવાળી વાતો ફેલાશે . તમે ઉપહાસવાળું બોલશો , પરિણામે ઉપહાસવાળી વાતો ફેલાશે . તમે નક્કામું બોલશો , પરિણામે નક્કામી વાતો ફેલાશે . પણ તમે બોલશો જ નહીં , પરિણામે કોઈ વાતો ફેલાશે જ નહીં . વાયરસ તમારાં દિમાગમાં બને છે , વાયરસ તમારાં શ્રીમુખેથી સર્ક્યુલેટ થાય છે . મૌન રાખો અને વાતાવરણને વાયરસથી મુક્ત રાખો .
તમારાં મનમાં સારા વિચાર આવે છે , એ પણ બને . બોલવાથી સારા વિચારનો પ્રસાર થાય છે , એ પણ બને . સારા વિચારનો પ્રસાર વધારે થાય એ માટે એની વાતો વધારે કરીએ , એ પણ બને . તમે બોલવામાં વ્યસ્ત રહો , બોલતાં જ રહો , બોલતાં જ રહો એવું સાધનામાં હોય નહીં . સાધનામાં બોલવાનું બંધ થવું જોઈએ , બોલવાનું ભૂલાઈ જવું જોઈએ . ધ્યાનની અને અધ્યાત્મની વાતો કરનાર માણસ ચૂપ ઓછો રહે છે અને બોલે છે ઘણું , ત્યારે એમનું ધ્યાન અને એમનું અધ્યાત્મ કેટલું સફળ છે , એની સામે પ્રશ્ન થઈ આવે .
મારે બોલવું છે એનો અર્થ એ છે કે સામા માણસે મારી વાત સાંભળવી જોઈએ . સામા માણસે મારી વાત સાંભળવી જોઈએ એનો અર્થ એ છે કે એની વાત મારે સાંભળવી નથી . આ જબરું કહેવાય : તમારી વાત સામા માણસે સાંભળવાની છે , સામા માણસની વાત તમારે નહીં સાંભળવાની . સામો માણસ ચૂપચાપ સાંભળ્યા જ કરે છે અને તમે એને ચૂપ રાખીને ખુદબખુદ બોલ્યા જ કરો છો , આ પરિસ્થિતિમાં તમને એમ લાગવા માંડે છે કે તમે જ્ઞાની છો , વિદ્વાન્ છો , સમજદાર છો . તમારો આત્મવિશ્વાસ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તમારું બોલવાનું વધતું જાય છે . સાધક જીજ્ઞાસુ હોય , સાધક અભ્યાસુ હોય . જે બહુ બોલબોલ કરતો હોય એનામાં જિજ્ઞાસા શું હોય ? અને એ અભ્યાસ શું કરે ? કાંઈ જ નહીં . જેનામાં જિજ્ઞાસા હોય એ સાંભળે , એ બોલ બોલ ના કરે . જે અભ્યાસ કરતો હોય એ બીજાને સમજાવવાની કે બીજાની સાથે વાત કરવાની મહેનત નહીં કરે . એ ખુદ સમજવાની કોશિશ કરશે . સમજવા માટે એ ચૂપ રહેશે , સાંભળશે . એ બોલવાનું એકદમ ઓછું કરી દેશે . મૌનનો પ્રારંભ અહીંથી થાય છે .
મૌનનો મુખ્ય મુદ્દો એ છે કે દરેક વખતે બોલવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી . સારી વાત બીજા કોઈ બોલી લે અને આપણે મૌનની મસ્તી માણીએ એવું કેમ ના બને ? મારે બોલવું છે , મારે જ બોલવું છે , મારે બોલવું જ છે … આવી લાગણી મૌનમાં બાધક બને છે . મારે નથી બોલવું , મારે બોલવાની શું જરૂર છે , મારે બોલવાનું કામ જ નથી …… આવી લાગણી બનવી જોઈએ અને ટકવી જોઈએ . એક સરસ વાક્ય વાંચ્યું હતું કે તમે જ્યારે બોલો છો ત્યારે તમારાં જ્ઞાનનું પુનરાવર્તન કરો છો . પરંતુ , તમે જ્યારે સાંભળો છો ત્યારે નવાં જ્ઞાનનું ઉપાર્જન કરો છો . મૌન ઉપાર્જન કરાવે છે . મૌન અભ્યાસને અનુકૂળ માનસિકતા બનાવે છે . મૌન એકાગ્રતા માટે ઉપયોગી છે .
મનમાં જે વિચાર આવે છે એ તરત બોલી દેવો એવી આદત બનેલી છે આપણી . મનમાં જે વિચાર આવે એ બોલીને વ્યક્ત કરવો જ નથી એવો સંકલ્પ કરવાથી મૌનનો પ્રારંભ થાય છે . મનમાં ચેનલ ગોઠવાયેલી છે : વિચાર આવે છે અને પછી વાક્ય બનીને મોઢામાંથી બહાર ફેંકાય છે . પહેલા વિચાર પછી ઉચ્ચાર . આ ક્રમ બનેલો રહે છે . બોલવાનું બે રીતે થાય છે : એક , બોલવાનું છે માટે વિચારીએ . તે પછી જે વિચાર્યું એ મુજબનું બોલીએ . આ રીતમાં જે બોલવાનું છે એની તૈયારી મન કરે છે . બે , પોતાની મેળે વિચાર આવ્યો છે અને એ વાક્ય બનીને મોઢામાંથી પ્રગટ થયો છે . પહેલી રીત : શું બોલવાનું છે એ નક્કી કર્યું છે અને પછી બોલ્યા છીએ . બોલવા માટે પૂર્વતૈયારી કરી છે . બીજી રીત : પોતાની મેળે વિચાર આવ્યો છે , એ તરત બોલી નાંખ્યો . બોલવા માટે પૂર્વ તૈયારી કરી નથી .
મૌનમાં બંને રીતનો ત્યાગ થાય છે . પહેલી રીતનો ત્યાગ : બોલવાનું છે તો શું બોલવાનું છે એ વિચારીએ છીએ અને પછી , જે વિચાર્યું એ મુજબ બોલીએ છીએ . મૌનમાં આપણને પહેલેથી જ ખબર છે કે બોલવાનું નથી . જો બોલવાનું છે જ નહીં તો બોલવા માટે વિચારવાનું પણ નથી . બોલવું હોય તો બોલવાના મુદ્દા બનાવવા પડે , બોલવું જ નથી તો બોલવાના મુદ્દા તૈયાર કરવા જ ના પડે . આ ત્યાગમાં શું બોલવું છે એની તૈયારીનો ત્યાગ કરવામાં આવે છે .
બીજી રીતનો ત્યાગ : આપણાં મનમાં ગમે તે વિચાર આવે , પણ એ વિચાર મનમાં જ રહેશે , એ વિચાર અવાજ બનીને બહાર નીકળશે જ નહીં . આવો સંકલ્પ . આપણે અમુક રીતે વિચાર કરીએ અને પછી જે રીતે વિચાર કર્યો છે એ મુજબ બોલીએ આવી કોઈ જ પદ્ધતિ આ ત્યાગમાં નથી . હું શું વિચારીશ એની પૂર્વધારણા નથી , હું શું નહીં વિચારીશ એની પૂર્વધારણા પણ નથી . આ ત્યાગમાં વિચારપ્રક્રિયા પર કામ નથી થતું . આ ત્યાગમાં વિચારની અભિવ્યક્તિને રોકવાની પ્રક્રિયા થાય છે .
સારાંશ એ છે કે તમે જે વિચારશો એ તમે બોલવાના નથી એવો સંકલ્પ મૌનમાં થતો હોય છે . તમે બોલવાના નથી એ પાકું થયું એનાથી વિચારપ્રક્રિયા ઉપર એક ઊંડી અસર ઊભી થતી હોય છે . એની વાત આવતીકાલે કરીશું .
Leave a Reply