Press ESC to close

મંગલ ગુફા પ્રભુ પાસની સમ્મેત શિખરે સોહતી

ગુફા છે . એમાં પથ્થર વિસ્તરેલો છે . હજારો જિનાલયમાં મૂળનાયક બનીને બિરાજમાન રહેનારા પારસનાથ દાદા આ ગુફાના આ પથ્થર પર સાક્ષાત્ સદેહે બિરાજમાન થયા હતા . સળંગ એક માસ માટે ઉપવાસ કર્યા હતા . સાથે તેત્રીસ મહાત્માઓ હતા . ગુફાનો આ ભૂવિસ્તાર મહાત્માઓથી ઢંકાયેલો હશે .

પાસનાહ ચરિયં – માં લખ્યું છે કે પાર્શ્વનાથ ભગવાન ઇન્દ્ર મહારાજાના હાથનો અવષ્ટંભ લઈને ધીમે ધીમે શિખરજીનો પહાડ ચડ્યા હતા . वाचस्पत्यम् કોશ અનુસાર અવષ્ટંભ એટલે આલંબન . આનો અર્થ એમ થાય કે ઇન્દ્ર મહારાજાના હાથનો ટેકો લઈને પ્રભુ પહાડ ચડ્યા હતા . પ્રભુ પહાડ ચડી રહ્યા હતા ત્યારે દેવ – દાનવ – કિન્નર – ખેચર , આસપાસ ગીત ગાઈ રહ્યા હતા .  પ્રભુ શિખર પર પહોંચ્યા . એક સ્ફટિકની વિશાળ શિલા જોઈ . એની પર બિરાજીને થોડો સમય દેશના ફરમાવી . શું ફરમાવ્યું હશે પ્રભુએ ? પ્રભુ વીરની અંતિમ દેશનાની વિષયવસ્તુ આપણે જાણીએ છીએ . પ્રભુ પાર્શ્વનાથની દેશનાની અંતિમ વિષયવસ્તુ આપણે નથી જાણતા . દેશના પછી સંલેખના ધારણ કરી . દેવો સેવામાં ઉપસ્થિત રહ્યા . એક માસ વીત્યો . પ્રભુનું મોક્ષગમન સંપન્ન થયું . દશાવતારી ભગવાનનો અંતિમ ભવ પૂર્ણ થયો , ભવભ્રમણ પૂર્ણ થયું . પ્રભુનો લક્ષ્યવેધ જ્યાં સધાયો તે આ ગુફા . પ્રભુના સિદ્ધશિલા પરના રાજ્યાભિષેકનું મુહૂર્ત જ્યાં નીકળ્યું તે આ ગુફા . પ્રભુની અશરીર , અકર્મા અને અનાકાર અવસ્થાની સર્વપ્રથમ ક્ષણ જ્યાં આવી તે આ ગુફા . નારકા અપિ મોદન્તે – વાળી મહાન્ પળ જ્યાં આવી તે આ ગુફા . પ્રભુ તેરમાં ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનકે પધારે અને ચૌદમાં ગુણસ્થાનકથી ગુણાતીત સ્થાનકે પધારે આ બે પરમ પ્રક્રિયા જ્યાં સંપન્ન થઈ તે આ ગુફા . 

વિચારો અટકી પડે . સંવેદનમાં સુગંધ ઉભરાય . આંખોમાં અહોભાવ છલકાય . હૈયાના ધબકારે ધબકારે અનહદનો નાદ ગુંજે . સાકાર થયા હતા શુભવીરજીના આ શબ્દો : 
અવની તળ પાવન કરી અંતિમમાં ચોમાસું જાણ
સમેત શિખર ગિરિ આવિયા ચડતા શિવધર સોપાન
શ્રાવણ સુદી આઠમ દિને વિશાખાએ જગદીશ
અણસણ કરી એકમાસનું સાથે મુનિવર તેત્રીસ 
કાઉસગ્ગમાં મુક્તિ વર્યા સુખ પામ્યા સાદી અનંત 
એક સમય સમશ્રેણીથી નિ:કર્મા ચઉ દૃષ્ટાંત 
સુરપતિ સઘળા તિહાં મળે આણે ક્ષીરોદધિ નીર 
સ્નાન વિલેપન ભૂષણે દેવદૂષ્યે સ્વામી શરીર 
શોભાવી ધરી શિબિકા વાજિંત્ર નાટક ને ગીત 
ચંદન ચય પરજાળતા સુર ભક્તિ શોક સહિત
થૂભ કરે તે ઉપરે દાઢાદિક સ્વર્ગે સેવ 
ભાવ ઉદ્યોત ગયે થકે‌ દીવાળી કરતા દેવ

આ વર્ણન અનુસાર એક એક ઘટના બની હતી . પ્રભુનાં શરીરે છેલ્લો શ્વાસ અહીં લીધો . પ્રભુનાં ચરણે છેલ્લો‌ વિહાર અહીં સુધી કર્યો . પ્રભુનાં આયુષ્યની છેલ્લી ક્ષણો આ સ્થળે વીતી . પ્રભુનું છેલ્લું કાર્ય અહીં સંપન્ન થયું : સકલ કર્મ વિનાશનમ્ . આ ગુફામાં પ્રભુના શ્વાસ વસે છે , પ્રભુનો ચરણસ્પર્શ વસે છે , પ્રભુની ક્ષણો વસે છે . ઉર્દૂ ભાષાનો એક શબ્દ છે : પરવાઝ . પંખી આકાશમાં ઊડીને આગળ નીકળી જાય અને એની પાંખનું પીંછું તરતું તરતું નીચે વહી આવે તે પરવાઝ છે . પીંછું હાથમાં લઈને પંખીના ઉડાનની કલ્પના કરીએ તે પરવાઝ સિન્ડ્રોમ છે . શિખરજીની ચરમ ગુફામાં પારસનાથ પ્રભુએ ભરેલી અનંત ઉડાનનો ઉર્જા સ્પર્શ વસે છે‌ : પ્રભુની પરવાઝ .

નિર્વાણશિલા પર સુવર્ણમંડપિકા છે . સોનેરી થાંભલીઓની ચૈત્યકુલિકા . નાજુક નમણું ચરણયુગલ . શ્યામલ પાષાણની રચના. . એવું નથી કે ફક્ત ચરણ પૂજનીય છે , સમગ્ર પાષાણશિલા પૂજનીય છે . બે હથેળી અને દશ આંગળીથી પ્રભુનો સ્પર્શ હાથમાં લેવાનો અને મસ્તકે ચઢાવવાનો . એ જ યાત્રા છે , એ જ પૂજા છે .

ગુફાની ઉપર જિનાલય છે . એમાં સુવર્ણ ચૈત્ય છે . ત્યાં પણ ચરણ પાદુકા છે . જિનાલયનું શિખર ઘણું ઊંચું છે . ત્રેવીસમા ભગવાનનું શાસન ફક્ત અઢીસો વર્ષ ચાલ્યું , સૌથી ઓછું ચાલ્યું . પરંતુ ભગવાનનો ઠાઠમાઠ સૌથી વધારે છે . પારસજીનાં ૧૦૮ નામ મળે છે , ૧૦૦૮ નામ મળે છે , ગણ્યા ના ગણાય એટલાં તીર્થ છે , જિનાલય છે , જિન‌બિંબ છે , મંત્રો છે , સ્તોત્રો છે , સ્તવનો છે , કથાનકો છે . આની ખુશાલીમાં મોક્ષ કલ્યાણક જિનાલયનું શિખર ઊંચી અને ટટ્ટાર ગરદન સાથે આસમાનને આંબી રહ્યું છે .

ગુફામાં અને જિનાલયમાં ઘણીઘણી ભીડ હતી . પારસ પ્રભુ ખૂબ મળ્યા , એકાંત બિલકુલ ના મળ્યું .

Comments (1)

  • Pankaj Mehtasays:

    January 24, 2025 at 10:23 pm

    સમ્મેતશિખર અને પાર્શ્વનાથ ભગવાન્ વિશેનો આવો વિસ્તારપૂર્વકનો લેખ પહેલીવાર વાંચવા મળ્યો. ખૂબ ખૂબ અનુમોદના .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *