તમે ગુસ્સો કરો છો . તમને ક્રોધ ચડે છે . તમે કચકચાવીને સામા માણસ પર તૂટી પડો છો . તમને આ રીતે ગુસ્સામાં ખેંચી જનારાં પરિબળો ઘણાંય હશે . તમે ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે ક્રોધ કરતી વખતે કુલ ત્રણ નિયમોનું પાલન થતું હોય છે . આ નિયમો સારા નથી . આ નિયમોને આધીન રહીને જ ગુસ્સો બહાર આવે છે .
ગુસ્સા માટેનો પહેલો નિયમ : તમે જેનો વિચાર કરો છો તેની પર જ તમને ગુસ્સો આવે છે . તમે જેનો વિચાર કરતા નથી તેની પર તમને ગુસ્સો આવી શકતો નથી . તમને જે લોકો દેખાય છે તેનો જ તમે વિચાર કરો છો . તમને જે લોકો મળે છે તેમનો જ તમે વિચાર કરો છો . તમને ન મળે અને ન દેખાય તેવા લોકોનો વિચાર તમે નથી કરતા . એટલે જ એ લોકો માટે તમારાં મનમાં ગુસ્સો પણ હોતો નથી . ચીનમાં રહેતો એંસી વરસનો ડોસો તમને મળ્યો નથી કે દેખાયો નથી માટે તમે એની પર ગુસ્સો કરવાના જ નથી . તમારો ગુસ્સો તમારા વિચારો સાથે જોડાયો છે . તમે જેનો જેનો વિચાર કરો છો તે દરેક પર તમને ગુસ્સો હોય છે તેવો નિયમ નથી . તમે જેની પર ગુસ્સો કરો છો તેનો વિચાર તમે કરેલો જ હોય છે તેવો નિયમ છે .
ગુસ્સા માટેનો બીજો નિયમ : ગુસ્સો કરવાની ક્ષણોમાં તમારી પાસે સુખ હોતું નથી . ગુસ્સો કરવાના સમયે તમારી લાગણી દુઃખથી ભરેલી હોય છે . ગુસ્સો કરવાનો સમય સુખનો અવસર નથી . ગુસ્સો મનના ત્રાસની અભિવ્યક્તિ છે . ગુસ્સો મનના રોષની રજૂઆત છે . તમે ગુસ્સો કરો છો ત્યારે સુખ દૂર જઈને ઊભું હોય છે . ગુસ્સો ચાલુ હશે ત્યાર સુધી દુઃખની બળતરા હશે . ગુસ્સો હાજર હશે ત્યાર સુધી અશાંતિ હશે . ગુસ્સો કરતી વખતે આનંદ હોય , પ્રસન્નતા હોય , રાજીપો હોય તેવું બનતું નથી . તમે ગુસ્સો કરો છો તે સમયે તમે તમારી જાતને દુઃખી બનાવો છો .
ગુસ્સા માટેનો ત્રીજો નિયમ : ગુસ્સો કરો છો ત્યારે તમે કર્મના પ્રભાવ હેઠળ આવો છો . આઠ કર્મોમાંનું એક કર્મ છે મોહનીય કર્મ . આ કર્મનો એક અંશ છે કષાય મોહનીય કર્મ . નિમિત્ત મળે , તમારી પર નિમિત્તની અસર પડે એ જ સમયે આ કર્મ ઉદયમાં આવીને તમારી પર વર્ચસ્વ જમાવી દે છે . કર્મનો તીવ્ર ઉદય તમારી માનસિકતાને કલુષિત કરી મૂકે છે . તમે ભૂતકાળમાં એ કર્મ બાંધ્યું છે . તમારી ભીતરમાં એ કર્મ જમા થયેલું છે . તમે છંછેડાયા હશો ત્યારે તમારી પર એ કર્મનું ઝેર ચડી આવે છે .
તમે માનો કે ન માનો . આ નિયમોની આધીન રહીને જ ક્રોધ થતો હોય છે . તમારા ક્રોધને તમારે જીતવો હોય તો તમારે ક્રોધને આ રીતે ઓળખવાનો રહેશે . તમે તમારા ક્રોધ વિશે વિચારો તે મહત્ત્વનું છે . તમે તમારા ક્રોધને સમજો તે જરૂરી છે . તમારી સમક્ષ તમારો ક્રોધ છે . તમારી સમક્ષ આ ત્રણ નિયમ છે .
તમે ક્રોધને વશમાં લેવા માંગતા હો તો પહેલું કામ એ કરો કે કામ વિનાના વિચારો ન કરવા . જે માણસો કામના નથી તેમની પાછળ દિમાગનું રોકાણ ન કરવું . બીજું કામ એ કરો કે ક્રોધ કરીને સુખથી વંચિત થવું નથી અને દુઃખને આધીન થવું નથી તેવો સંકલ્પ કરો . ત્રીજું કામ એ કરો કે કર્મનો ઉદય તમને સતાવે છે તેની ફરિયાદ પ્રભુને કરો . કદાચ , ક્રોધમાંથી બચવાનો રસ્તો જડી આવશે .
Leave a Reply