Press ESC to close

પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે

કોઈ જોડે કોઈ તોડે

ઉમાશંકર જોશીના શબ્દો છે : પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે . લાગણી અને સદ્ભાવની વ્યાખ્યા માણસે માણસે બદલાય છે . તમે લાગણીની અભિવ્યક્તિ માટે શબ્દો , વહેવાર અને વસ્તુઓનો ઉપયોગ કરો છો . તમે લાગણીની અનુભૂતિ શબ્દો દ્વારા , વહેવાર દ્વારા , અને વસ્તુઓ દ્વારા પામો છો . શબ્દો વહેવાર અને વસ્તુ કરતાં લાગણી તદ્દન અલગ છે તે તમે સમજો છો .

લાગણી નામનો સંબંધ થોડાક માણસો સાથે હોય છે . તમને બધા જ માણસો માટે એક સરખી લાગણી રહેતી હોય તો તમે ભગવાન્ અથવા પાગલ બેમાંથી એક છો . તમે ભગવાન્ નથી . તમારે પાગલ રહેવાની જરૂર નથી . તમારી લાગણી ચોક્કસ વ્યક્તિઓ સાથે જ કેળવાયેલી છે . તમારે આ લાગણી ઉપર તમારી સભાનતાને બીછાવવાની છે . લાગણી તો ઊંચા પહાડ પરથી કૂદતાં ઝરણાં જેવી છે . તે ધસમસાટ વહેતી જાય છે . તેને રોકાતી નથી . તેના પર અંકુશ રાખતા નથી આવડતું તમને . લાગણીમાંથી અપેક્ષાઓ જાગે છે . લાગણીની લેવડદેવડમાંથી અહંકાર જાગે છે . લાગણીની અભિવ્યક્તિ પછી અધિકાર ભાવ આવે છે . લાગણીને કેવળ લાગણી તરીકે જ જોવાની હોય . અપેક્ષા અને લેવડદેવડ અને અધિકાર લાગણીમાંથી નીપજે છે . એ લાગણીના અવિષ્કાર છે . એમને લાગણીના પૂર્ણ રૂપ તરીકે જોવાની ભૂલ કરાય નહીં . લાગણી કેવળ લાગણી છે . લાગણીને અપેક્ષામાં બાંધી લેશો નહીં . લાગણીને લેવડદેવડના બંધારણમાં જકડી લેશો નહીં . લાગણીમાં અહંકારની જમાવટ થવા દેશો નહીં .

લાગણીની ભાષામાં શબ્દોનું કામ નથી હોતું . લાગણીનું ઘડતર સ્વાર્થની બાદબાકી દ્વારા જ કરી શકાય છે . તમારો સ્વાર્થ સાધી આપે , તમારો અહં કે તમારી અપેક્ષાને સાચવી લે તેની સાથે જ લાગણી હોય તો વાત આખી ખોટી ઠરે છે . લાગણીની દુનિયામાં વિશ્વાસ હોય . સુખ આવશે તો વહેંચી લઈશું અને દુઃખ આવશે તો સાથે રહીશું એ લાગણીની સમજ છે . એકબીજાની ભૂલને માફ કરવાની અને એકબીજાનો સાથ જાળવીને પોતપોતાની ભૂલ સુધારવાની તૈયારી તે લાગણી . સારા કામમાં સો ટકાનો ટેકો . ખરાબ કામમાં પ્રેમાળ વિરોધ . સલાહ માંગવામાં શરમ નહીં . માફી માંગવામાં સંકોચ નહીં . પોતાની વાત છોડવામાં ખચકાટ નહીં . પોતાની બાદબાકી કરીને સાથીદારનો સાચો વિચાર કરવાની ઉત્કંઠા . આ લાગણી છે . માંગ્યા પછી ન મળે તેવી વસ્તુઓ માટે તૂટી જનારો સંબંધ એ લાગણી નથી . ક્ષુલ્લક અપેક્ષાઓ માટે સંઘર્ષ વહોરી લેનારો મનોભાવ લાગણી ન હોઈ શકે . લાગણી આપવામાં માને , પકડાવી દેવામાં નહીં . લાગણી પામવાની વસ્તુ છે , મેળવવાની નહીં .

લાગણી જીવવાની હોય છે , બતાવવાની નથી હોતી . લાગણી અંદર વસતો આત્મા છે . એ શરીર કે ભાષા નથી . લાગણીની અંતરંગ અનુભૂતિ તરીકે માવજત કરશો તો તમને સંબંધોમાં કોઈ અડચણ આવશે નહીં . લાગણીને હક અને મોટાઈનો મામલો બનાવશો તો ડગલેપગલે હેરાન થયા કરશો .

તમારી સાથે સંકળાયેલી વ્યક્તિઓ લાગણી રાખે છે . બંને પક્ષે અને બેમાંથી એક પક્ષે લાગણીનું અર્થઘટન ખોટી રીતે થયું હશે તો તમારા હાથમાં દુઃખ અને નિરાશા આવશે . પોતાની લાગણી યોગ્ય રીતે નહીં ઘડો અને બેફામ બનીને વહેવાર ચલાવતા રહેશો તો સામા પક્ષે સંબંધ તૂટશે અને તમારા પક્ષે સંબંધ બગડશે . છેવટે તમે દીનહીનભાવે સુરેશ દલાલના શબ્દો બોલશો :
મારે નવા સંબંધો બાંધવા નથી
મારે તૂટેલા ધાગા ફરી સાંધવા નથી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *