Press ESC to close

તમને જે મળ્યું છે તે કરોડો લોકોને નથી મળ્યું : યાદ રાખજો

ઉપધાન વાચના –

ઉપદેશ રહસ્ય ગ્રંથમાં સાધનાને શક્તિશાળી બનાવવા માટે એક સરસ વિચાર રચવાની પ્રેરણા આપવામાં આવી છે . ત્યાં એમ લખવામાં આવ્યું કે તમને જે મળ્યું છે તે અતિશય દુર્લભ છે એ સતત યાદ રાખો . આને દુર્લભતાની પ્રતીતિ કહેવામાં આવે છે . દુર્લભતાની પ્રતીતિ ત્રણ રીતે થાય છે . એક , તમને જે મળ્યું છે એ ઘણા લાંબા સમય પછી મળ્યું છે . બે ,  તમને જે મળ્યું છે એ તમને બીજી વખત મળશે કે નહીં એનો કોઈ ભરોસો નથી . ત્રણ , તમને જે મળ્યું છે એ ઘણા બધા લોકોને મળ્યું નથી અને મળવાનું નથી . તમને મનુષ્ય ભવ મળ્યો છે .  તમને ધર્મ મળ્યો છે . તમને ધર્મ કરવાનું ગમે છે .  તમે ધર્મ કરી રહ્યા છો .  આ ચાર વાક્ય ફરીથી વાંચો . ચારેચાર વસ્તુ એવી છે જે દુર્લભ છે , ત્રણેય રીતે દુર્લભ છે . 
તમને માનવભવ મળ્યો છે , ધર્મનું વાતાવરણ મળ્યું છે , ધર્મપ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ ઉલ્લાસ મળ્યો છે , તમારાં જીવનમાં ધર્મનું આચરણ ચાલુ છે . આ ચારેય પરિસ્થિતિ તમને દરેક જન્મમાં મળતી આવી છે એવું નથી . કેટલા ભવ પછી , કેટલા જન્મ પછી તમે આ ચાર પરિસ્થિતિ પામ્યા છો એની તમને પોતાને કલ્પના નથી . છેલ્લા ૩૦ , ૪૦ કે ૫૦ વર્ષથી તમે આ ચાર પરિસ્થિતિઓ સતત સાથે જોડાયેલા રહ્યા છો એટલે તમને આ પરિસ્થિતિઓ સર્વ સામાન્ય લાગે છે .  પણ આ પરિસ્થિતિઓ સર્વ સામાન્ય નથી .  આ ચાર પરિસ્થિતિઓ કરોડો કરોડો કરોડો જન્મો પછી ક્યારેક જ મળતી હોય છે .  આ ચાર પરિસ્થિતિને લઈને તમે એવું ક્યારેય પણ ન  વિચારશો કે આ ચાર પરિસ્થિતિ ગયા ભવમાં પણ મને મળી હતી , એના પહેલાંના ભવમાં પણ મને મળી હતી . એવું કાંઈ છે નહીં . તમને ઘણા ઘણા જનમો પછી આ પરિસ્થિતિઓ મળી છે . આ દુર્લભતાની પ્રથમ પ્રતીતિ છે .  તમે કરોડો કરોડો કરોડો વર્ષો સુધી આ ચાર પરિસ્થિતિઓથી સતત વંચિત રહ્યા છો એ ક્યારે ભૂલવાનું નથી . 
તમારો આ જન્મ પૂરો થઈ જાય એ પછી તમને ફરીથી મનુષ્ય જન્મ મળશે તેવી કોઈ ભ્રમણામાં રહેતા નહીં . હોઈ શકે છે કે આ ભવ પૂરો થાય તે પછીના કરોડો અબજો ભવો સુધી તમને મનુષ્યભવ ન મળે , ધર્મ ના મળે .  આપણે એવી ભ્રાંતિમાં રહીશું કે આ ભવમાં જે ધર્મ ન થાય તે આવતા ભવમાં કરી લઈશું તો એ ભ્રમ ખોટો છે . આવતા ભવમાં તમે મનુષ્ય થશો કે નહીં એ પણ નક્કી નથી . આવતા ભવમાં તમને ધર્મ મળશે કે નહીં એ પણ નક્કી નથી . જે ધર્મ કરવો છે તે આ ભવમાં જ કરી લો , જેટલો ધર્મ કરવો છે આ ભવમાં જ પૂરો કરી લો . આવતા ભવના ભરોસે રહેતા જ નહીં . આ દુર્લભતાની બીજી પ્રતીતિ છે . 
આ સંસારમાં મનુષ્યનો ભવ જેમને મળ્યો હોય એવા જીવો ઘણા ઓછા છે . આ સંસારમાં ધર્મ કરવાનું વાતાવરણ છે જેમને મળ્યું હોય એવા જીવો ઘણા ઓછા છે . જેમને મનુષ્ય ભવ ન મળ્યો હોય , જેમને ધર્મનું વાતાવરણ ન મળ્યું હોય એવા જીવોની સંખ્યા બહુ જ મોટી છે . તમે માનવની વસ્તી ગણતરી જાણો છો . વસ્તી ગણતરીમાં વૃક્ષોની વસ્તી ગણતરી થાય , માખી – મચ્છર અને માછલીની વસ્તી ગણતરી થાય , પંખીઓની વસ્તી ગણતરી થાય , જનાવરોની વસ્તી ગણતરી થાય ,  ફૂલોની વસ્તી ગણતરી થાય ,  શાકભાજીઓની વસ્તી ગણતરી થાય તો આ બધાની વસ્તી સંખ્યા મનુષ્ય કરતા ઘણી મોટી થઈ જાય .  તિર્યંચ્ ગતિ , દેવગતિ અને નરકગતિના જીવોની સંખ્યા પણ ઘણી મોટી છે . આ બધા જીવો ન તો મનુષ્યમાં અવતાર પામ્યા છે , ન તો ધર્મનું વાતાવરણ પામે છે . અર્થાત્ આ સંસારમાં એવા જીવો મોટી સંખ્યામાં છે જેઓ ન તો સામાયિક કરી શકે છે , ન તો પ્રતિક્રમણ કરી શકે છે , ન તો પચખાણ લઇ શકે છે , ન તો કોઈ આરાધના કરી શકે છે . સમગ્ર વિશ્વમાં મનુષ્યનો અવતાર અને ધર્મનું વાતાવરણ જેમને મળ્યું હોય એવા જીવોની સંખ્યા ઘણી નાની છે . તમે જુઓ . એકેન્દ્રિય જીવો વધારે છે , ઘણા વધારે છે , બેઇન્દ્રિય , તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો ઘણા વધારે છે . પંચેન્દ્રિય જીવો ઓછા છે . જંગલમાં હરણ ઘણા હોય અને સિંહ ઓછા હોય એ સિંહની વિશેષતા કહેવાય . એ રીતે સંસારમાં દુર્ગતિ પામેલા જીવો ઘણા હોય અને સદ્ ગતિ પામેલા જીવો ઓછા હોય એ મનુષ્ય ગતિ પામેલા જીવોની વિશેષતા કહેવાય . જે બીજાને ન મળ્યું હોય એ તમને મળે , જે બીજાને મળવાનું ન હોય એ તમને મળી ચૂક્યું હોય એ દુર્લભતાની ત્રીજી પ્રતીતિ છે . 

તમને માનવભવ મળ્યો છે , ધર્મનું વાતાવરણ મળ્યું છે , ધર્મપ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ ઉલ્લાસ મળ્યો છે , તમારાં જીવનમાં ધર્મનું આચરણ ચાલુ છે . આ પરિસ્થિતિઓ ત્રણ રીતે દુર્લભ છે એની પ્રતીતિ બનાવી લો . આ પ્રતીતિ તમને જાગૃત બનાવશે , આત્મચિંતા કરાવશે , સાધના સાથે જોડશે .

 અને હા , આ પરિસ્થિતિઓનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી લો . કંટાળો કરશો , બહાના બનાવશો તો નુકસાન તમને જ થવાનું છે . બડે ભાગ માનુસ તનુ પાવા , રામચરિત માનસમાં લખ્યું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *