સૌથી મોટો ફરક પડે છે હિંમતનાં કારણે . તમને શુભ પ્રવૃત્તિ વિશે સાંભળીને સારું લાગે છે , એક . તમને એ શુભ પ્રવૃત્તિ કરવાનું મન થાય છે , બે . તમે શુભ પ્રવૃત્તિ કરવા માટે સક્રિય બનો છો , ત્રણ . તમે શુભ પ્રવૃત્તિ કરવા માટે સક્રિય બન્યા બાદ કોઈ તકલીફમાં આવો છો , ચાર . એ તકલીફનાં કારણે તમે શુભ પ્રવૃત્તિ છોડવા મજબૂર થઈ જાઓ છો , પાંચ . એ તકલીફ મટી ગયા બાદ તમે ફરીથી , બમણા ઉત્સાહ સાથે એ શુભ પ્રવૃત્તિ કરવાનું શરૂ કરી દો છો , છ . આ છટ્ઠું ચરણ સહેલું નથી . મન ઢીલું હોય ત્યાર સુધી છટ્ઠું ચરણ આવી શકતું નથી . વિઘ્ન , પ્રવૃત્તિને અટકાવી દે એવું પણ બને છે . વિઘ્નનાં કારણે પ્રવૃત્તિ કરવાનું મન જ મરી જાય , એવું પણ બને છે . એક હિંમત જ હોય છે જેને લીધે છટ્ઠું ચરણ સાકાર થાય છે .
શ્રી રાજવિજયજી મ . કોલેરા મટી ગયા બાદ લાંબા સમય સુધી , આંબેલનું નામ જ ન લે એવું પણ બની શકતું હતું . કોલેરાના રોગીઓને માંદગીના બિછાનેથી ઊઠ્યા બાદ તુરંત કળ વળી જાય એવું બનતું નથી . મહિનાઓ સુધી ઢીલાશ અને કમજોરી રહે છે તનમનમાં . શરીરમાં શક્તિ ઓછી વર્તાય છે . માનસમાં ઉત્સાહ ઓછો અનુભવાય છે . સામાન્ય આહારપાણી લેનાર પણ ઉર્જાનો હ્રાસ અનુભવતો હોય છે . આવામાં એક આંબેલનો વિચાર પણ અઘરો પડે , એકાદ આંબેલ કરવાનું ઘણું જ કઠિન બની જાય છે જ્યારે કે શ્રી રાજવિજયજી મ.એ સવા બે મહિના માંગી લેનારી મોટી ઓળી ઉપાડી હતી . એમનેમ પણ આ ઓળી કઠિન હતી . એમાં વળી ઠામ ચોવિહારનો આગ્રહ . તપ કરવાની પ્રબળ અભીપ્સામાંથી પ્રગટેલી હિંમતે જ અસંભવને સંભવનો દરજ્જો આપી દીધો હતો . આંબેલની ઓળી પણ શરૂ થઈ ગઈ અને ઠામ ચોવિહારનું પાલન પણ થતું ગયું .
થોડો સમય શરીરે સાથ દીધો . પણ પછી શરીર થાક્યું . તબિયત બગડી . કાયાની પરિસ્થિતિ વિષમ થઈ ગઈ. ગુરુએ પારણું કરી લેવા જણાવ્યું . સંઘે પણ એની જ વિનંતી કરી . શ્રી રાજવિજયજી મ.નું મન મક્કમ હતું . ડૉ . સાથે વાર્તાલાપ થયો . આંબેલ અને ઓળી છોડવાનું મન નહોતું . ઘણીરીતે ચર્ચા કરીને ડૉ . પાસેથી એમણે આંબેલ અને ઓળીની રજા મેળવી લીધી . ડૉ .એ એ સૂચના જરૂર આપી કે ઠામ ચોવિહાર ન કરવા જોઈએ . શ્રી રાજવિજયજી મ.ને આંબેલ અને ઓળી કરવાનું ચાલુ રહ્યું એનો આનંદ થયો એનાથી વધારે અફસોસ એ વાતનો થયો કે નિયમિત રીતે ઠામ ચોવિહાર કરવાનું છૂટી ગયું . પોતે આટલી લાંબી ઓળી કરે છે એ નાની વાત બની ગઈ . પોતે ઠામ ચોવિહાર નથી કરતા એ મોટી વાત બની ગઈ , મોટી પીડા બની ગઈ . આંબેલની ઓળીઓ આગળ વધતી રહી .
તપની સાથે સાથે સ્વાધ્યાય ચાલતો હતો . વિશિષ્ટ કક્ષાનો શ્રુત અભ્યાસ કર્યો હતો . સમુદાયની , વડીલોની અને એક એક મહાત્માની ભક્તિનો લાભ મેળવ્યો હતો . ક્રિયાઓમાં ઉજળો અપ્રમાદ દીપતો હતો . શ્રામણ્યની પ્રવૃત્તિઓમાં અભંગ ઉત્સાહ તરવરતો હતો . લાંબા કાઉસગ્ગ , ઘણા ખમાસમણા , મોટો વિહાર , સેવાર્થ રાત્રિજગો ઈત્યાદિમાં થાક
અનુભવતા નહોતા . ગુરુએ ચાતુર્માસની જવાબદારી સંભાળવાનો આદેશ કર્યો તે પછી અલગ અલગ સંઘોમાં ચોમાસા દરમિયાન અને શેષકાળમાં વ્યાખ્યાન ફરમાવતા . તેઓ જ્યાં રોકાયા હોય ત્યાં આંબેલની પ્રેરણા ખૂબ કરે . એમને આંબેલના તપસ્વી તરીકે જોયા હોય તેને લીધે લોકોમાં આંબેલ કરવાનું નવું જોશ જાગતું પરિણામે ઘણાં ઘણાં આંબેલ થતાં . પાળે પળાવે પંચાચાર જેવી નવી પંક્તિ સજીવન થતી : કરે કરાવે આંબેલ તપ . એમની નિશ્રા જે જે સંઘને મળે તે તે સંઘમાં જબરદસ્ત જાગૃતિ આવી જતી .
વિ.સં.૨૦૨૨માં ગુરુઆજ્ઞાને શિરોધાર્ય ગણી ભગવતીજીના યોગોદ્વહન શરૂ કર્યા . પદવી લેવાની કોઈ જ અપેક્ષા નહોતી છતાં પંચમાંગની અનુજ્ઞારૂપે ગુરુપ્રદત્ત ગણિપદ સ્વીકાર્યું . ગુરુએ કૃપાવંત થઈને સાથેસાથે જ પંન્યાસ પદ અર્પિત કર્યું હતું . સમાન રીતે શ્રીનવરત્નવિજયજી મ.ને પદવીપ્રદાન થયું હતું .
એક પછી એક ઓળીઓ ઝડપભેર પૂરી થઈ રહી હતી . ગણતરીનાં વરસોમાં જ બીજી વારની સોમી ઓળી સુધી પહોંચી જવાશે એવો આત્મવિશ્વાસ બનેલો હતો . ગુરુની છત્રછાયામાં જ એ બસ્સોમી ઓળીનું પારણું થશે એવું દેખાતું હતું . કાળદેવતાની અકળ લીલાને કોઈ જ જાણતું નહોતું .
Leave a Reply