Press ESC to close

કમજોર હાથની પક્કડ છૂટી જતી હોય છે . મજબૂત હાથની પક્કડ છૂટતી નથી .

વરસાદની મોસમમાં પાંચ વરસની નાનકડી દીકરીને લઈને પિતા ખેતરના રસ્તે જઈ રહ્યા હતા . અચાનક આંધી આવી . વાયરો તોફાને ચડ્યો . વરસાદ શરૂ થયો . ચાલતાં ચાલતાં રસ્તે પાળી વગરનો એક પૂલ આવ્યો . પૂલ વધારે પહોળો હતો નહીં . વરસાદને લીધે પૂલ પરથી પાણીના રેલા નદી તરફ વહી રહ્યા હતા .

પિતાએ દીકરીને કહ્યું : બેટા , મારો હાથ પકડી લે . 
દીકરીએ કહ્યું : પિતાજી તમે મારો હાથ પકડી લો .
પિતાજીએ પૂછ્યું : તું મારો હાથ પકડે કે હું તારો હાથ પકડું એમાં શું ફરક પડે ? 
દીકરીએ કહ્યું : બહુ ફરક પડે , પિતાજી . મારો હાથ કમજોર છે . હું તમારો હાથ પકડું . પણ મારી પક્કડ મજબૂત બનશે નહીં એટલે હાથ છૂટી જશે . તમારો હાથ મજબૂત છે એટલે તમે મારો હાથ પકડશો ત્યારે પક્કડ જ એવી મજબૂત બનશે કે હાથ છૂટશે નહીં . 

દીકરીનો જવાબ સમજવા જેવો છે . હાથ પકડીએ પછી હાથ છૂટવો ન જોઈએ . હાથ પકડ્યા પછી હાથ છૂટી જાય એવું ના ચાલે . સંબંધ વ્યક્તિ સાથે જોડાય છે . તમે જોડાયા એટલે તમે હાથ પકડ્યો . તમારાં જીવનમાં લોંગ ટર્મ રિલેશન કેટલાં છે એ જુઓ . અમુક રિલેશન તૂટી ગયાં છે . અમુક રિલેશનમાંથી આત્મીયતા તૂટી ગઈ છે . જે તૂટ્યું એમાં સામા માણસની ભૂલ હતી એવો ખુલાસો તમે કરી શકો છો અને તમારો ખુલાસો ખોટો હોઈ શકે છે . દીકરીની વાત સમજવા જેવી છે . જે હાથની પક્કડ મજબૂત નથી એ હાથ છૂટી જાય છે . કોઈ જગ્યાએ તમારે સમજદાર રહેવાનું હતું . તમે સમજદાર ન રહી શક્યા એટલે રિલેશનમાં ગડબડ ઊભી થઈ છે . સમજદારી એટલે શું એ તમારે જાતે શોધવાનું છે . સમજદારીને તમે જાતે ન સમજી શકો એ બહુ મોટી કરુણતા છે . બીજાના સમજાવવાથી જે આવે એ સમજદારી નથી . પોતાની મેળે જે સમજાય એ જ સમજદારી છે . લોકો સામા માણસને સમજદારી કેળવવાના ઉપદેશ આપતા હોય છે . લોકો ખુદ પોતાને સમજદાર બનાવતા નથી .

સારું કામ હાથમાં લઈએ તો એ રીતે લઈએ કે સારું કામ હાથમાંથી છૂટે નહીં . હાથમાં લીધેલું સારું કામ છૂટી જાય એમાં ભૂલ કોની ? કામની ? ના . કામની ભૂલ નથી . ભૂલ કામ હાથમાં લેનારની છે . એણે કામ માટેની જવાબદારીનો વિચાર કર્યો નહીં . દરેક કામ એક જવાબદારી છે . સભાનતા રાખવાની છે કે હું આ કરીશ , મારે આ કરવું જોઈએ , મારે આ કામ કરવાનું જ છે . કામ સ્વાર્થ માટે ન કરીએ . સ્વાર્થ સચવાશે નહીં તો કામ છૂટી જશે . કામ અહંકાર માટે ન કરીએ . અહંકાર સચવાશે નહીં તો કામ છૂટી જશે . કામ જવાબદારી માટે કરીએ . જવાબદારીનું ભાન હશે તો કામ છૂટશે નહીં . કમજોર હાથની પક્કડ છૂટી જતી હોય છે . મજબૂત હાથની પક્કડ છૂટતી નથી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *