Press ESC to close

કલ્યાણક તીર્થો અંગે ત્રણ વાતો

ગયા વરસના છેલ્લા ત્રણ દિવસ સુરેશભાઈ ચેન્નાઈવાળા સાથે વીત્યા . ખૂબ ભાવુક , સમજદાર અને નમ્ર . જે પ્રમાણે એમને પ્રસિદ્ધિ મળી છે એના મુકાબલે એ એકદમ જ સરળ . ઘમંડનું નામોનિશાન નહીં .

કલ્યાણક તીર્થોની ઘણી વાતો થઈ . આટલી વાતો મુખ્ય રહી .

૧ .
કલ્યાણક તીર્થોનાં પુરાતન અવશેષો બાબતે આપણે સભાન નથી . ક્યાંક સરકારનું પુરાતત્ત્વ ખાતું અમુક અવશેષની જમીન પર અંકુશ રાખે છે જેમ કે રાજગૃહી , ચંદ્રપુરી આદિ . ક્યાંક ખાસ્સાબધા અવશેષો , આસપાસના મોટા શહેરોમાં બનેલા મ્યુઝિયમમાં જમા થઈ ગયા છે .

યાત્રાળુઓને આ પુરાતાત્ત્વિક વસ્તુઓમાં ભાગ્યે જ રસ હોય છે . યાત્રાળુઓ થોડો વખત મંદિરમાં રહે છે બાકી ધર્મશાળા , ભોજનશાળાને મળીને નીકળી જાય છે . એમને પૂજા કરવા મળી એટલે એમની યાત્રા પૂરી થઈ ગઈ . યાત્રાળુઓ પુરાતાત્ત્વિક સાઈટ્સ જોતા થાય અને જૈન અવશેષો માટે મ્યુઝિયમમાં જતાં થાય એવી પ્રેરણા મળવી જોઈએ . ઈતિહાસની અણમોલ નિશાનીઓને જે મળ્યા નથી તે યાત્રાળુઓની યાત્રા અધૂરી કહેવાય .

૨ .
કલ્યાણક તીર્થોએ ત્રણ લોકના જીવોને એકસો વીસ વાર એકસરખું સુખ આપ્યું છે કેમ કે દરેક કલ્યાણકની ઘટના ત્રણ લોકના જીવોને સુખ આપે છે . કલ્યાણક તીર્થોની હવામાં તીર્થંકરોએ શ્વાસ લીધા
છે . કલ્યાણક તીર્થોની ભૂમિ પર તીર્થંકરોનો બાલ્યકાળ , યૌવનકાળ અને રાજ્યકાળ વીત્યો હોય છે .

નવા બનેલાં તીર્થોમાં સુવિધાઓ છે , ઝાકઝમાળ છે , પ્રચારતંત્ર છે . કદાચ , જૂનાં તીર્થોમાં એવી ચમકદમક નથી . આ ફરક છે . યાત્રાળુઓ આધુનિકતાથી અને સુવિધાથી પ્રભાવિત હોય છે . એમને એવું જ લાગે છે કે જ્યાં ઘણી વ્યવસ્થા છે ત્યાં જવાનું , જ્યાં ઓછી વ્યવસ્થા છે ત્યાં નહીં જવાનું . જ્યાં કલ્યાણક થયાં છે ત્યાં જવાથી આત્માને ઘણો મોટો લાભ થાય છે એવો દૃષ્ટિકોણ યાત્રાળુઓમાં ઓછો ઘડાયો છે .

આપણા સંઘના સદસ્યો વારંવાર કલ્યાણકતીર્થની યાત્રાએ જાય એ જરૂરી છે . ચોવીસ તીર્થંકરોના કલ્યાણકો જ્યાં થયાં છે ત્યાં જનારા યાત્રાળુઓની સંખ્યા મોટી છે પરંતુ ચોવીસ તીર્થંકરોનાં કલ્યાણકો જ્યાં થયાં નથી ત્યાં જનારા યાત્રાળુઓની સંખ્યા વધારે મોટી છે , ઘણી મોટી છે . તીર્થંકરોનાં કલ્યાણકની ભૂમિ પર જનારા યાત્રાળુઓની સંખ્યા સૌથી વધારે હોવી જોઈએ .

૩ .
કલ્યાણક ભૂમિઓનાં વાતાવરણ પર ત્રણ પ્રકારે વર્ચસ્વ ફેલાયું હોય . એક , બૌદ્ધ ધર્મનો પ્રચાર અને તામઝામ હોય છે . બે , દિગંબરોનું વધારે પડતું ચલણ હોય છે . ત્રણ , હિંદુ પરંપરાનો વર્ગ કોઈ ને કોઈ રીતે કશોક હસ્તક્ષેપ કરતો જોવા મળે છે . આની સામે મજબૂત રીતે ટકી રહેવાનું છે . કેવી રીતે ટકી રહેવાય એ અંગે ઘણું વિચારી શકાય
.

બીજી પણ વાતો થયેલી . ફરી ક્યારેક .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *