
આપણને કોઈ ખરાબ શબ્દો કહી દે છે ત્યારે વસમું લાગે છે . આપણે સારું જીવન જીવતાં હોઈએ છતાં આપણું જીવન ખરાબ છે એવું કોઈ કહી દે એ કેવી રીતે સહન થાય ? આપણે વિજેતા હોઈએ અને કોઈ આપણને પરાજિત ઘોષિત કરી દે એ કેવી રીતે ચલાવી લેવાય ? આપણે ભણેલાગણેલા હોઈએ અને કોઈ આપણને અભણ જાહેર કરી દે , એ કેવું લાગે ? આપણે સાચું જ બોલ્યા હોઈએ છતાં આપણી પર આક્ષેપ આવે કે આપણે ખોટું બોલી રહ્યા છીએ , આપણે કેવી રીતે ચલાવી શકીએ ? કોઈ પણ વ્યક્તિ , કોઈ પણ રીતે એવું કંઈક બોલે , જેનાથી આપણને દુઃખ થાય એ આપણે સહન કરી શકતા નથી .
આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપીએ છીએ . દુનિયાદારી વ્યવહાર આવું જ કરવાની સલાહ આપે છે . પરંતુ સાધનાનો વ્યવહાર જુદો છે . સાધના સહન કરવાનું કહે છે . સાધના , સાંભળી લેતાં શીખો એવી પ્રેરણા આપે છે . સાધના સમજાવે છે કે મન પર કોઈ વાત લેવાની જ નહીં . સાધના એમ કહે છે કે બોલનારનું મોઢું ખરાબ હોય એટલે આપણે આપણું મોઢું ખરાબ ન કરાય . ભર્તૃહરિએ બહુ સરસ વાત કરી હતી : જે લોકોના સ્ટૉકમાં અપશબ્દ છે એ લોકો અપશબ્દ ભલે બોલે . મારા સ્ટૉકમાં અપશબ્દ નથી એટલે હું તો અપશબ્દ બોલવાનો જ નથી . ददतु ददतु गालिं , गालिवंतो भवंतो , वयमपि तदभावाद् गालिदानेSसमर्था: । સાધક ગાળના જવાબમાં ગાળ નહીં બોલે . સાધક નિંદાના જવાબમાં નિંદા નહીં કરે . સાધક ક્રોધના જવાબમાં ક્રોધ નહીં બનાવે . સાધક રાજનીતિની સામે રાજનીતિ નહીં રમે . સાધક સહન કરી લેશે . સાધક નૅગેટિવિટીના જવાબમાં નૅગેટિવિટી ક્રિએટ નહીં કરે . સાધક પોતાની કોઈ પણ પ્રતિક્રિયા જાહેર કરશે નહીં .
જે ખરાબ બોલે છે , જે ખરાબ રીતે બોલે છે એને સાધક જવાબ આપતો નથી , એ પાછો જતો રહે છે . એના ગયા પછી બીજી એક કાળજી લેવાની છે . નિયમ યાદ રાખજો : ખરાબ શબ્દો સાંભળવાનું ઘણું અઘરું છે પણ સાંભળેલા ખરાબ શબ્દોને ભૂલી જવાનું ઘણું ઘણું ઘણું અઘરું છે . ભગવાન્ મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા એની પીડા મોટી હતી . ભગવાન્ મહાવીરના કાનમાંથી ખીલા ખેંચાયા એની પીડા વધારે મોટી હતી . આપણા કાન પર ટકરાયેલા ખરાબ શબ્દો આપણાં મનમાં એક અનુચિત વિચાર ઊભો કરે છે , આપણાં મનમાં ઊભો થયેલો એક વિચાર બીજા દસ વિચારોને ઊભા કરે છે . શબ્દ કાને પડે એમાં થોડી જ ક્ષણો લાગે છે . શબ્દ મનમાં ઘુમતો રહે એમાં કલાકો પણ લાગે છે , દિવસો પણ લાગે છે અને મહિનાઓ પણ લાગે છે . અંદર ટકી ગયેલો અનુચિત વિચાર લાંબા ગાળે ઘણું મોટું નુકસાન કરે છે.
કાને પડેલો ખરાબ શબ્દ બે કાળજીની અપેક્ષા રાખે છે : એક , આપણે ખરાબ શબ્દનો જવાબ આપીએ જ નહીં . બે , આપણે એ ખરાબ શબ્દને કારણે મનમાં ડામાડોળ થઈએ જ નહીં . ખરાબ શબ્દ સાંભળવાની ક્ષણે આપણે ચૂપ રહી જઈએ અને એક ક્ષણને આગથી બચાવી લઈએ છીએ . આપણે ચૂપ રહ્યા ન હોત તો મોટો ઝઘડો થાત અને આમને સામને પ્રહારો ચાલતા જ રહેત . આપણે સમજદારી જાળવી . જવાબ આપ્યો જ નહીં . કંઈ બોલ્યા જ નહીં . સમય સચવાઈ ગયો . પરંતુ મનનો સ્વભાવ વિચિત્ર છે . પ્રસન્નચંદ્ર રાજર્ષિ કશું બોલ્યા નહોતા પરંતુ એમનાં મનમાં તુફાન જાગી ગયું હતું . બોલ્યા નહીં પરંતુ વિચાર એવા કર્યા એ સાતમી નરકની સંભાવના બની ગઈ . અયોગ્ય વાત સાંભળી લીધા પછી મનમાં જે વિચારતાંડવ સર્જાય છે એને અંકુશમાં લેવાની જવાબદારી આપણી જ હોય છે .
કાનમાં ઠોકાયેલા ખીલા અંદર ટકી ગયા હતા એને કારણે , જ્યારે એ ખીલા બહાર નીકળ્યા ત્યારે વધારે પીડા થઈ હતી . કાન પર અથડાયેલા શબ્દો દિમાગમાં ઘર બનાવી લે એ પછી તે શબ્દોની પીડા વધારે શક્તિશાળી બની જતી હોય છે . સાંભળવા મળેલા શબ્દો સારા હોય તો એ દિમાગમાં લાંબા સમય સુધી ટકવા જોઈએ . સારા શબ્દોમાંથી જાગેલા સ્પંદનો સારા જ હોય છે . સારા સ્પંદનો જેટલા લાંબા ચાલે એટલા સારા . સાંભળવા મળેલા શબ્દો સારા ન હોય તો એ દિમાગમાં લાંબા સમય સુધી ટકવા ના જોઈએ . સારા ન હોય એવા શબ્દોમાંથી જાગેલા સ્પંદનો સારા હોતા નથી . સારા ન હોય એવાં સ્પંદનો દિમાગમાં લાંબા ન ચાલે એ જ સારું .
કાનને અથડાયેલા શબ્દો , સારા છે કે ખરાબ છે એ તપાસી લો . શબ્દો સારા છે એવું નક્કી થાય તે પછી એ શબ્દોમાંથી આવનારા સ્પંદનોને મનમાં વિસ્તરવા દો . સારા શબ્દોનું સન્માન આવી રીતે જ થાય . શબ્દો ખરાબ છે એવું નક્કી થાય તે પછી સંકલ્પ કરો કે આ શબ્દોમાંથી આવનારા સ્પંદનોને મનમાં લાંબો સમય ટકવા દેવા નથી . સારા કે ખરાબ શબ્દોને સાંભળવાનું સહેલું છે . સાંભળવામાં થોડો જ સમય લાગે છે . સારા કે ખરાબ શબ્દોને ભૂલવાનું સહજ નથી . ભૂલવામાં ઘણો સમય લાગે છે . વિચારનું જે સ્પંદન ભૂંસાતું નથી એ સારું હોય તો એના દ્વારા મળનારા સુખ , સાંત્વના અને સમાધાન લાંબા ચાલે છે . વિચારનું જે સ્પંદન ભૂંસાતું નથી એ સારું ન હોય તો એના દ્વારા મળનારા દુઃખ , દ્વંદ્વ અને દુવિધા લાંબાં ચાલે છે .
ત્રણ ઘટના યાદ રાખો : કાનમાં ખીલા ઠોકાયા , કાનમાંથી ખીલા ખેંચાયા અને ઔષધિ દ્વારા કાનના જખમ રૂઝાયા . ખીલા ઠોકાયા એનો બોધપાઠ એ છે કે આપણને કોઈ ખરાબ શબ્દો કહે એનો ઉગ્ર પ્રતિભાવ નહીં આપવાનો . ખીલા ખેંચાયા એનો બોધપાઠ એ છે કે મનમાં જે દુષ્ટ વિચાર લાંબો સમય ટકી ગયો હશે એ ઘણી ઊંડી પીડા આપશે . ઔષધિ દ્વારા જખમ રૂઝાયા એનો અર્થ એ છે કે જે પવિત્ર વિચાર લાંબો સમય ટકી ગયો હશે એ ઘણી ઊંચી ઉર્જા આપશે .
સાધનાની શીખામણ આ છે : કાનના દરવાજેથી અંદર શું આવ્યું એની પર નજર રાખો . તરત પ્રતિભાવ ન આપો . ચૂપચાપ થોડો સમય વિતાવો . જે અંદર આવ્યું એને કારણે ભીતરમાં કેવા ભાવો જાગ્યા એ તપાસો . જાગેલા ભાવો સારા ન હોય તો એ ભાવો લાંબા ટકવા નહીં જોઈએ . જાગેલા ભાવો સારા હોય તો એ ભાવો લાંબા ટકવા જોઈએ .
Leave a Reply