Press ESC to close

જંગલબુકનું જંગલ નાગપુર અને શિવનીની વચ્ચે છે : મોગલી લેન્ડમાં બન્યો છે વિશ્વનો સૌથી મોટો એનિમલ અંડરપાસ

સાવ નાની ઉંમરમાં પરીકથા જેવી જંગલબુકની વાર્તા સાંભળી હતી . અંગ્રેજી લેખક રૂડયાર્ડ કિપ્લિંગ આ વાર્તાના લેખક . એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો . આ લેખક ભારતમાં જન્મેલા અને છ વર્ષની ઉંમર સુધી ભારતમાં રહેલા . પછી ઇંગ્લેન્ડ ગયા . થોડો વખત ત્યાં રોકાયા અને ફરીથી ભારત આવ્યા . ૧૮૯૪માં એમણે જંગલબુક લખી અને ૧૮૯૫માં આ બુકનો બીજો ભાગ લખ્યો . એમણે ભારતમાં પ્રચલિત પંચતંત્ર , જાતકકથા આદિની વનવાર્તાઓ સાંભળેલી . આથી જંગલબુકમાં પશુઓ પંચતંત્રની જેમ બોલે છે , વાતો કરે છે અને અરસપરસનો વ્યવહાર રાખે છે . જંગલબુક છપાઈ એમાં જે ફોટા હતા તેની ફોટોગ્રાફી લેખકના પિતાએ જ કરી હતી . જંગલબુકનો નાયક મોગલી નામનો એક છોકરો છે . એને જંગલી વરુઓ ઉછેરીને મોટો કરે છે . આ ઘટના કાલ્પનિક નથી . આવી ઘટના જંગલમાં ખરેખર બની હતી . જંગલબુકમાં આ ઘટનાનો ઉપયોગ કરવામાં આવ્યો . જોકે , બાળકનું નામ કાલ્પનિક છે : મોગલી . જંગલબુકમાં વાઘ છે , વાંદરા છે , અજગર છે , હાથી છે , રીંછ છે , મોટી ભેંસો છે , પહાડી છે , નદી છે અને બીજા પણ ઘણાં જનાવરો છે .

જંગલબુક માણસ અને પશુ વચ્ચેની આત્મીયતાની કથા સંભળાવે છે . આ કથામાં જે પરિકલ્પના છે એનાથી દરેક રાષ્ટ્ર અને દરેક દેશ પ્રભાવિત છે . જંગલબુક લખાઈ એને (અત્યારે ૨૦૨૪માં ) સવાસોથી વધારે વરસ થઈ ગયાં છે . આ કથાના લેખકે બ્રિટિશ રાજમાં ભારત દેશને નજીકથી જોયો . જંગલ બુકની ઉપર ભારત દેશની અસર બહુ મોટી છે . ખાસ કરીને જંગલ બુકમાં જે જંગલની વાત થઈ છે એ જંગલ લેખકે ભારતમાં જોયું છે અને એ જંગલમાં જ જંગલબુકની આખી વાર્તા ચાલે છે એનો લેખકે સ્વીકાર કર્યો છે . જંગલબુકનું જંગલ ભારત દેશમાં આવેલું છે આ વાત જંગલબુકના વાચકોને રોમાંચિત કરી દે એવી છે . ક્યાં છે આ જંગલ ?

આ જંગલ નાગપુર અને શિવનીની વચ્ચે છે . અડધું મહારાષ્ટ્રમાં , અડધું મધ્ય પ્રદેશમાં . અત્યારે આ જંગલ પેંચ અભયારણ્ય તરીકે વિશ્વપ્રસિદ્ધ છે . ભારતમાં ૩૦૦૦થી વધારે વાઘ રહે છે . એમાંથી ૬૫ વાઘ પેંચ અભયારણ્યમાં છે . જંગલની વચ્ચેથી પેંચ નામની નદી પસાર થાય છે . આથી આ જંગલને પેંચ એવું નામ મળ્યું છે . ૧૯૬૫માં આ જંગલને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું . ૧૯૭૫માં આ જંગલને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું અને ૧૯૯૨માં આ જંગલને ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું . ભારતમાં ૧૦૪ નેશનલ પાર્ક છે , ૫૬૭ અભયારણ્ય છે અને ૫૫ ટાઇગર રિઝર્વ છે . ભારતમાં સર્વશ્રેષ્ઠ ટાઇગર રિઝર્વ છે બાંધવગઢ . તે પછી બીજા નંબરે છે પન્ના . ત્રીજા નંબરે છે પેંચ . પેંચ અભયારણ્યની છાયામાં ડનબર બ્રાંડરે ત્રણ તેમ જ રોબર્ટ આર્બિટેઝ સ્ટ્રેન્ડેલ અને જેમ્સ ફોર્સિથે એક એક પુસ્તક લખ્યાં છે . ડેવિડ એટનબરોએ બીબીસી માટે પેંચ અભયારણ્યની ડોક્યુમેન્ટરી પણ બનાવી છે . પેંચ અભયારણ્યને વિદેશીઓ મોગલી લેન્ડ કહે છે . નાગપુરથી શિવની તરફ જઈએ ત્યારે આ પેંચના જંગલની વચ્ચેથી પસાર થવું પડે . મારો વિહાર નાગપુરથી થયો એના ત્રીજા , ચોથા અને પાંચમા દિવસે પેંચ અભયારણ્યમાંથી આખો રસ્તો પસાર થયો હતો . મોગલી લેન્ડમાં ત્રણ રાત અને ચાર સવાર‌ વીતી હતી . જ્યાર સુધી જંગલ દેખાતું રહ્યું , જંગલબુકની પરિકલ્પના મનમાં રમતી રહી .

એક આદર્શ પરિકલ્પના છે : માણસ માણસ સાથે રહે છે અને એકબીજાનો શિકાર નથી કરતા . એ રીતે માણસ અને પશુ એક સાથે રહે અને એકબીજાનો શિકાર ન કરે . એવું પણ એક વિશ્વ હોઈ શકે છે જેમાં માણસનું વાત્સલ્ય પશુને મળી રહ્યું છે અને પશુની મમતા માણસને મળી રહી છે . પરિણામે માણસ પશુને હેરાન કરતો નથી બલ્કે હેરાનગીથી બચાવે છે અને પશુ પણ માણસને હેરાન કરતાં નથી બલ્કે હેરાનગીથી બચાવે છે . આવું અરસપરસનું તાદાત્મ્ય જોવા મળે એ સંભવિત છે ખરું ? જંગલબુક કહે છે : હા , આવું તાદાત્મ્ય સંભવે છે . મોગલી જંગલના કોઈપણ પશુને હેરાન કરતો નહોતો . જંગલનું કોઈ પશુ મોગલીને હેરાન કરતું નહોતું . એક વાઘ હતો જે મોગલીને હેરાન કરવા માંગતો હતો . જંગલના કોઈ પશુઓએ વાઘને સાથ ના આપ્યો . એ વાઘ પશુઓને પણ હેરાન કરતો હતો . પશુઓની હેરાનગતિ દૂર કરવા માટે પશુઓની તરફદારી લઈને મોગલીએ એ વાઘનો અંત આણ્યો હતો . જંગલબુકની આ વાર્તા છે .

માણસ શહેરમાં અને ગામમાં રહે છે . પશુ જંગલમાં રહે છે . માણસને કપડાં જોઈએ , પૈસા જોઈએ , અનાજ જોઈએ , પ્રાઇવસી જોઈએ . પશુને ના કપડાં જોઈએ , ના પૈસા જોઈએ , ના અનાજ જોઈએ . માણસ જુદા જુદા ધર્મ પાળે છે , પશુઓને કોઈ ધર્મ નથી . સામાન્ય છાપ એવી ઊભી કરવામાં આવી છે કે પશુઓ માણસને હેરાન કરે છે . સાચી હકીકત એ છે કે માણસ પશુઓને વધારે હેરાન કરે છે . પશુઓ થકી કેટલા માણસો હેરાન થાય છે એ ગણીએ અને માણસ થકી કેટલા પશુઓ હેરાન થાય છે ? આ સવાલનો જવાબ ભારે છે . વધારે હેરાન થનાર તરીકે પશુઓનું નામ આવશે . પશુઓ માણસનો શિકાર કરતા હશે . માણસ પશુઓનો શિકાર પણ કરે છે અને વ્યવસાય પણ કરે છે . પશુઓને પૈસાની આવશ્યકતા નથી . પશુઓ પૈસાની દૃષ્ટિએ કાંઈ કામ કરતા નથી . માણસને દરેક જગ્યાએ પૈસો દેખાય છે . એ જે કરે છે એમાં પૈસા કમાવાનો દૃષ્ટિકોણ હોય જ છે . માણસ સમાચાર બનાવે છે અને ફેલાવે છે . માણસે પશુઓ માટે ચિત્રવિચિત્ર સમાચાર ફેલાવી દીધા છે એટલે પશુઓની ગણતરી હિંસક પ્રાણીમાં થાય છે . હકીકત એ છે કે પશુ કરતાં માણસ વધારે હિંસક બની ગયો છે .

જેટલી સમજણ માણસમાં છે એટલી પશુમાં નથી . આથી માણસની જવાબદારી વધે છે કે માણસ પશુને હેરાન ના કરે . માણસ પશુને હેરાન નથી કરતો એ પશુને સમજાશે તો પ્રતિભાવ એ જ આવવાનો છે કે પશુ માણસને હેરાન નહીં કરે . આ જંગલબુકની પરિકલ્પના છે . નાગપુર શિવની હાઇવે પર પેંચ અભયારણ્યના રસ્તે વન્યપશુઓ માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એની ચર્ચા સમગ્ર વિશ્વમાં છે .‌ વર્ષો પહેલાં આ રોડ પર વાઘનો આતંક ઘણો છે એવી ખબરો ફેલાયેલી રહેતી . કેમ જાણે માણસની વસ્તીમાં વાઘે પરાણે ઘુસણખોરી કરી હોય . વાઘ અને અન્ય પશુઓ આ જંગલમાં હજારો વર્ષોથી રહે છે . આ જંગલની વચ્ચેથી પસાર થનારો હાઇવે થોડા જ વર્ષો પહેલાં બન્યો છે . પશુઓના નિવાસમાં માણસે ઘુસણખોરી કરી . તે પછી માણસે જ સમાચાર એવા ફેલાવ્યા કે આ જંગલી જનાવરો માનવોના રસ્તામાં વચ્ચે આવે છે . ઓત્તારી ભલી થાય . પહેલાં માણસે જંગલી જનાવરોને બદનામ કર્યા . એ પછી માણસ જ જંગલી જનાવરોનો શિકાર કરવા માંડ્યો . હાઈવે પર બેફામ દોડનારી ગાડીઓ પણ જંગલી જનાવરોને ટક્કર મારી દેતી . પશુ બદનામ પણ થયા . પશુ હેરાન પણ થયા . પશુ ખુવાર પણ થયા . પશુઓને પોલિટિક્સ રમતા નથી આવડતું . પશુઓને રેલી કાઢતા નથી આવડતું . પશુઓને આંદોલનો કરવાનું કોઈએ શીખવ્યું નથી . પશુઓની તરફેણમાં પશુઓ બોલે એવું બનવાનું જ નહોતું . પણ માણસમાંથી કોઈએક મોગલી પાક્યો . માણસ તરફથી પશુઓને તકલીફ પડે છે એ ના પડવી જોઈએ એવું વાતાવરણ એણે ઊભું કર્યું .

પહેલા તબક્કે , જંગલમાં ઠેરઠેર પશુઓને જીવવાનો હક છે એવાં પ્રચારસૂત્રો મૂકવામાં આવ્યા . પશુઓને જે હેરાન કરશે , પ્રાણહાનિ કરશે એમને મોટી સજા થશે એવી જાહેરાતો કરવામાં આવી . નાગપુર શિવની હાઇવે ઉપર ઠેકઠેકાણે મોટા બોર્ડ મૂકવામાં આવ્યા . એમાં લખવામાં આવ્યું કે આ પશુઓનો વિસ્તાર છે , વાહન પશુઓને નુકસાન ન કરે એનું ધ્યાન રાખજો વગેરે . શિકાર થોડાક ઓછા થયા હશે , અકસ્માત્ સહેજ ઘટ્યા હશે . સમાચારો બે તરફથી આવતા : પશુઓએ માણસનો શિકાર કર્યો અને માણસે વાઘનો શિકાર કર્યો . પશુઓની સુરક્ષા વધવી જોઈએ એવું સમજાતું હતું . એમાંથી આવ્યો બીજો તબક્કો . ભારતનો અને વિશ્વનો સૌથી મોટો એનિમલ અંડરપાસ બન્યો .

સરકારે હાઈવેને ફોરલેન બનાવ્યો છે . આ હાઇવે જંગલની વચ્ચેથી પસાર થાય છે એટલે લોકો એની ખૂબસૂરતીની ચર્ચા ઘણી કરતા હોય છે . ચર્ચા એનિમલ અંડરપાસની ઓછી થાય છે . હાઇવે પર નવ લોકેશન એવાં હતાં જ્યાંથી પશુઓ હાઇવે ક્રોસ કરતાં . અહીં શિકારની અને અકસ્માતની ઘટના વિશેષ બનતી . આ દરેક જગ્યાએ પાંચ મિટર ઊંચા ઓવરબ્રિજ બન્યા . આ ઓવરબ્રિજને એકબીજાથી જોડે છે ફોરલેન હાઈવે . હાઇવે જંગલમાંથી પસાર થતો હતો એને બદલે ઓવરબ્રિજ પર‌ જતો રહ્યો . જે જગ્યાએ પહેલા જંગલ હતું અને પછી હાઇવે બન્યો હતો એ જગ્યાએ હાઈવેનો ઉપયોગ બંધ થઈ ગયો અને ફરીથી જંગલનું એકાંત ઊભું થયું . આપણે લોકોએ શહેરમાં ઓવરબ્રિજ જોયા છે . ઉપરથી નીચે જુઓ કે નીચેથી ઉપર જુઓ , માણસ અને વાહન દેખાય . નાગપુર શિવની હાઇવે પર નવ ઓવરબ્રિજ એવા છે જેમાં ઉપરથી નીચે જુઓ તો તમને ગાઢ જંગલ દેખાય , ક્યારેક જંગલી જનાવરો પણ દેખાય અને માણસ બિલકુલ ના દેખાય . મેં ઓવરબ્રિજ પરથી શિયાળ જોયા , હરણ જોયા , જંગલી પાડા જોયા . વાઘ જોવા મળે એની રાહ જોઈ પણ વાઘ જોવા ન મળ્યો . અલબત્ત , વાઘના પગની નિશાની જોઈ . કોઈ ઓવરબ્રિજ સાતસો પચાસ મિટર લાંબો છે . કોઈ ઓવરબ્રિજ પચાસ મિટર લાંબો છે . જેવું લોકેશન , એવી લંબાઈ . નવ ઓવરબ્રિજની કુલ લંબાઈ બે હજાર બસ્સો મિટરની છે .

અંદાજિત ખર્ચ થયો ૨૬૦ કરોડ . એનિમલ અંડર પાસનો ઉપયોગ ૨૦૧૯માં શરૂ થયો . પશુઓની સુરક્ષા માટે માણસ ઓવરબ્રિજ બનાવે એ કલ્પના જ કેવી ગજબનાક છે . જ્યારે ઓવરબ્રિજ બની રહ્યા હતા ત્યારે પશુઓને તકલીફ પડી જ હશે . ઓવરબ્રિજ બની ગયા તે પછી તરત પશુઓ ઓવરબ્રિજની નીચેથી અવરજવર કરવા લાગ્યા એવું નહોતું બન્યું . પશુઓને ઓવરબ્રિજ પર ભરોસો બેસતો નહોતો . પશુઓએ રાહ જોઈ , સમય પસાર કર્યો . પછી ધીમે ધીમે પશુઓ ઓવરબ્રિજની નીચેથી અવરજવર કરવા લાગ્યા . એનિમલ અંડરપાસનો અર્થ જ આ છે : નીચેથી પશુઓ મુક્તમને અવરજવર કરી શકે . સરકારે દરેક ઓવરબ્રિજની નીચે , ડેનાઈટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવીને રાખ્યા છે . રોજેરોજ , દિવસે અને રાતે ઓવરબ્રિજની નીચેથી કેટલા પશુઓની અવરજવર થઈ છે એની ગણતરી રાખવામાં આવે છે . પહેલાં વરસે એટલે કે ૨૦૧૯માં એનિમલ અંડરપાસના રસ્તે ૫૬૭૫ પશુઓની અવરજવર જોવા મળી . આમાં ૧૩૩ તો વાઘ હતા . ૨૦૨૦માં અવરજવરની સંખ્યા ૧૬,૬૦૮ પશુઓ સુધી પહોંચી . ઓવરબ્રિજ પશુઓ માટે બન્યો હતો . હવે પશુઓ ઓવરબ્રિજની નીચેથી બેધડક અવરજવર કરવા માંડ્યા છે . અકસ્માત્ હવે નથી થતા . શિકાર હવે પહેલાંની જેમ નથી થતા . પશુઓ આક્રમણ કરે છે એવી ઘટનાઓ પણ ઓછી થઈ ગઈ છે . મોગલીભાઈ જીતી ગયા છે .

બીજી પણ એક ખાસ વ્યવસ્થા પશુઓ માટે કરવામાં આવી છે . આખાય હાઇવે પર રોડની બંને તરફ બેરિયરની ઊંચી ઊંચી દીવાલો બનાવી દેવામાં આવી છે . દીવાલોને કારણે જંગલ દેખાતા નથી . પરંતુ દીવાલોને કારણે જ જંગલમાં રહેનારા પશુઓને ગાડીના અને માણસોના અવાજ સતાવી શકતા નથી . કોઈ જનાવર ભૂલથી રોડ પર આવી જતું હોય એ સંભાવનાને આ ઊંચી દીવાલોને કારણે પૂર્ણવિરામ લાગી જાય છે .

કોઈ પશુઓ એવી ડિમાન્ડ કરી નહોતી કે અમારી માટે સુરક્ષાની વ્યવસ્થા કરો . માણસે જ પોતાની રીતે પશુઓને એમની સ્વતંત્ર જિંદગી જીવવાની વ્યવસ્થા ગોઠવી આપી . જ્યાં , જેટલે અંશે , જે જીવદયા થઈ હોય તે જોઈને રાજીપો થાય .

નેશનલ હાઇવે નંબર ૪૪ – કાશ્મીરમાં શ્રીનગરથી શરૂ થાય છે , જમ્મુ , જલંધર , દિલ્હી , આગ્રા , ગ્વાલિયર , સાગર , નાગપુર , હૈદરાબાદ , કર્નૂલ , બેંગલૂરૂ , સેલમ થઈને તમિલનાડુમાં કન્યાકુમારી પાસે પૂરો થાય છે . આની કુલ લંબાઈ ૩૭૪૫ કિ.મી. છે. આમાંથી ૫૦ કિ.મી. જેટલો રસ્તો પેંચ અભયારણ્યમાંથી પસાર થાય છે . જંગલમાં કેડી હોય , કાચો રસ્તો હોય . એના પર પગ મૂકીને ચાલ્યા જતા હોઈએ ત્યારે જંગલનો સાચો અનુભવ થતો હોય છે . કેડી અને કાચા રસ્તાનું જંગલ ડરામણું હોય છે . ગમે ત્યારે , ગમે તે જાનવર હુમલો કરી દેશે , પૂરી સંભાવના બનેલી હોય છે . જે જંગલ વાર્તામાં રળિયામણું લાગે છે એ જંગલ હકીકતમાં બિહામણું હોય છે . જંગલબુકની વાર્તામાં જે બધું બન્યું છે એ હકીકતમાં પણ બનશે એવું માનીને જંગલમાં ફરવા નીકળશો તો જીવતાં પાછા નહીં આવો . જંગલમાં રહેનારાં જનાવરો ખરેખર ખૂંખાર હોય છે . એમને ખાવાનું મળે એની માટે એ ભટકતાં હોય છે . જંગલની સાચી વાર્તા કંઈક જુદી છે અને માણસ જંગલ વિશે જે વાર્તા બનાવી લે છે એ વાર્તા કંઈક જુદી છે . વાર્તાનું જંગલ જુદું હોય છે અને જંગલની વાર્તા જુદી હોય છે . મેં વિહારમાં જે જંગલ જોયું તે હાઇવે પરથી જોયું . પહેલેથી સૂચના મળી હતી કે જ્યાં સુધી જંગલનો રસ્તો ચાલુ છે વચ્ચે ક્યાંય અટકવાનું નથી , હાઇવે છોડીને નીચે ઉતરવાનું નથી .

જંગલી જનાવર આપણને હેરાન કરી દેશે એની ભીતિ આપણને રહેતી હોય છે . આપણે જનાવરને હેરાન કરી દેશું એની ભીતિ જનાવરને પણ હોય છે . જનાવર હેરાન થતાં પણ આવ્યા છે . માણસો જનાવરોના આડેધડ શિકાર કરતા હોય છે . જંગલની વચ્ચેથી નીકળનારા મોટા મોટા હાઇવે અને રેલવે ટ્રેક સો દોઢસો વર્ષ પહેલાં તો હતા જ નહીં . એ વખતે જંગલ એકલાં જંગલ હતાં . જંગલની વચ્ચે ટ્રેઈન , ટ્રક કે મોટરના ઘોંઘાટ સંભળાતાં નહીં , એમના ધુમાડા ફેલાતા નહીં . જંગલમાં માણસની ગાડી જ આવતી નહીં તેથી માણસે ફેંકેલા કચરા જંગલમાં જમા થતા નહી . જંગલની વચ્ચેથી હાઇવે બન્યા અને રેલવે ટ્રેક બન્યા એને લીધે જનાવરોને ઘણી તકલીફ પડી છે . એમની શાંતિને ખલેલ પહોંચી છે . એમની ચોખ્ખી હવા ઝૂંટવાઈ ગઈ છે . એ પોતાની મસ્તીમાં હાઇવે પરથી કે રેલ્વે ટ્રેક પરથી નીકળે એ વખતે કદીક એમને ગાડી ટકરાઈ છે , એને લીધે એમની જિંદગીઓ છીનવાઈ ગઈ છે , જો જીવતાં બચ્યા તો એમની સ્વતંત્રતા જતી રહી છે . હાઇવે અને રેલવેને લીધે આપણને સુવિધા મળી છે એનો હરખ આપણને થાય છે . પરંતુ હાઈવે અને રેલવેને લીધે જંગલના જાનવરોને જે તકલીફો પડી છે એની આપણને કલ્પના પણ નથી .

જંગલબુકની પ્રેરણા બહુ સ્પષ્ટ છે : જનાવર માણસને હેરાન ન કરે એ માટે પણ માણસે જંગલથી દૂર રહેવું જોઈએ . માણસને કારણે જનાવર હેરાન ન થાય એ માટે પણ માણસે જંગલથી દૂર રહેવું જોઈએ . માણસે વિમાન અને હેલિકોપ્ટર ઉડાડીને પંખીઓને હેરાન કરી દીધા છે . માણસે જહાજ અને નાવડા બનાવીને જળચર જીવોને હેરાન કરી દીધા છે . માણસે ગાડીઓ અને ટ્રેન બનાવીને જંગલી જનાવરોને હેરાન કરી દીધા છે . માણસને જેમાં મનોરંજન લાગે છે એમાં જનાવરોને સજા ભોગવવી પડતી હોય છે . માનવ સમાજમાંથી જંગલને એક જ મોગલી મળ્યો છે , બીજો મોગલી હજી સુધી જન્મ્યો નથી .

પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા અહિંસક પશુઓની જીવદયા થતી રહી છે . હવે આ રીતે એનિમલ અંડરપાસ જેવા આધુનિક કન્સેપ્ટ દ્વારા જંગલમાં રહેનારા પશુઓ નિરાબાધ જીવન જીવે એવી વ્યવસ્થાઓ અનેકાનેક દેશોમાં સુનિયોજિત થઈ રહી છે . જંગલમાં રહેનારા પશુઓના શિકાર ન થાય એવા કાયદાઓ બની ચૂક્યા છે . આ વ્યવસ્થાઓ અને કાયદાઓ શાસ્ત્રશુદ્ધ  અનુમોદનાનો વિષય છે કે નહીં એ જુદો પ્રશ્ન છે . હજારો પશુઓ વગર વાંકે મરી રહ્યા હતા એ હવે નથી મરી રહ્યા એ જોવા મળે છે , આમાં સીધું ઇન્વોલ્મેન્ટ સરકારનું છે એ પણ દેખાય છે . શહેરોમાં ચાલી રહેલા કતલખાનાઓ આપણે બંધ કરાવી શક્યા નથી . જંગલમાં રહેનારા જનાવરોની કતલ માણસોના દ્વારા થતી હતી એની પર અંકુશ આવ્યો છે એટલું અવશ્ય સમજાય છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *