
પર્યુષણના પહેલા દિવસે અમારિ પ્રવર્તનની વાતમાં શ્રી હીર સૂરીશ્વરજી મહારાજાને અવશ્ય યાદ કરવામાં આવે છે . એમને યાદ ન કરીએ તો પર્યુષણનો પહેલો દિવસ અધૂરો લાગે અને અમારિપ્રવર્તનની વાત પણ અધૂરી લાગે . સૂરિ ભગવંતેરાજા અકબરને અહિંસાધર્મ સાથે જોડ્યો એની કથા પ્રચલિત છે . વિક્રમ સંવત્ સોળસો બાવનમાં ભાદરવા સુદ અગિયારસે તેમના કાળધર્મની ઘટના બની . તે પછી એમના અગ્નિસંસ્કાર સંપન્ન થયા . કવિવર શ્રી ઋષભદાસજી વિરચિત શ્રી હીરવિજયસૂરિજી રાસમાં વાંચવા મળે છે કે જે દિવસે એમનો અગ્નિસંસ્કાર થયો તે દિવસે ઊનાના દરિયાકિનારે અમારિપ્રવર્તન થયું હતું . આજે ઊના તાલુકામાં ૨૦૦થી વધારે ગામની ગણતરી થાય છે એમાં નવા બંદર ગામ ઊનાથી ૫૦ કિલોમીટર દૂર છે . ત્યાંનો દરિયો ઊના તાલુકા સાથે જોડાયેલો ગણાય છે . આ આખા દરિયાકિનારે કોઈ માછીમાર જાળી , નાવડા કે તરાપા લઈને ના ઉતરે એવું ફરમાન જારી થયું હતું . આ ગજબનાક વાત છે . અમારી પલાવી રે આખે કાંઠડે , નહીં સાગરમાહી જાલ રે – આ મુજબ શબ્દો છે . ( ઢાળ ૯૫ : પદ્ય ક્રમાંક ૨૪૭૩ ) . આખા દરિયાકાંઠે જળચર જીવોને અભયદાન મળ્યું . એ દૃશ્ય કેવું હશે ? રોજરોજ કેટલા દરિયાખેડૂઓ દરિયામાં ઉતરતા હશે ? પરંતુ અગ્નિસંસ્કારના દિવસે તો બધા જ નાવડા , તરાપા , મછવા કિનારે પડેલા રહ્યા હશે . એક દિવસમાં લાખો જળચરોને અભયદાન મળ્યું હશે . માછલા , કાચબા , દેડકા , કરચલા , સર્પ અને અન્ય જળચર જીવો . આ જીવોને ચોવીશ ચોવીશ કલાક સુધી કોઈ અડ્યું નહીં હોય . મુસ્લિમોનું રાજ હતું . એ લોકોને હિંદુઓનાં મંદિર કે જૈનોનાં મંદિરમાં શો રસ હોય ? એ લોકો પોતાની જ અપેક્ષિત ભોજનસામગ્રીથી વંચિત રહે એવો જનાદેશ જારી થયો હતો . જે લોકોને અને જે પ્રજાને આ એકદિવસીય અમારિ પ્રવર્તનનું પાલન કરવું પડ્યું હશે એમની જનસંખ્યા મોટી જ હશે . એમને પણ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા માટે કોઈ અહોભાવ થયો જ હશે . દરિયાઇ અમારિ પ્રવર્તનનાં ફરમાન જેમણે જારી કર્યા હશે એ રાજકીય હોદ્દેદારોને શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા માટે અનુરાગ હશે જ હશે . સમગ્ર ભારતમાં આ દરિયાઈ અમારિ પ્રવર્તનના સમાચાર ફેલાયા જ હશે . ભારતભરના સંઘોએ આ દરિયાઈ અમારિ પ્રવર્તનના સમાચાર સાંભળીને કેવો અહોભાવ અનુભવ્યો હશે .
આ દિવસથી પૂર્વે શ્રીહીરસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી અમારિ પ્રવર્તન ઘણાં થયાં હતાં . + વિ.સં. ૧૬૩૯ માં જેઠ વદ બારસના દિવસે જગદ્ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા ૬૭ સાધુઓની સાથે ફતેહપુર સિક્રી પધાર્યા . રાજા સાથે મુલાકાત થઈ . લાંબો સત્સંગ ચાલ્યો . સૂરિ ભગવંત આગરામાં ચોમાસું બિરાજમાન રહ્યા . પર્યુષણના દિવસો નજીક આવ્યા . આગ્રા જૈન સંઘના અમીપાલ દોશી આદિ શ્રાવકો રાજાને મળવા ગયા . રાજાએ એમને પૂછ્યું હતું કે આચાર્ય ભગવંતનો કોઈ આદેશ હોય તો કહો . ત્યારે આગ્રા જૈન સંઘના અમીપાલ દોશી આદિ શ્રાવકોએ પર્યુષણ નિમિત્તે જીવોને અભયદાન મળે એવી ભાવના વ્યક્ત કરી હતી . શ્રાવકોની ભાવનાની પાછળ આચાર્ય ભગવંતનો ઉપદેશ છે એ રાજાને સમજાતું હતું . આચાર્ય ભગવંતના ઉપદેશને શિરોધાર્ય ગણીને રાજાએ પર્યુષણના ઉપલક્ષમાં અમારિપ્રવર્તનનું આદેશપત્ર જારી કર્યું . આ આદેશપત્ર અનુસાર આગરામાં પર્યુષણ દરમ્યાન આઠ દિવસ સુધી તમામ કતલખાના અને પંચેન્દ્રિયવધ બંધ રહ્યા , એમ વિજયપ્રશસ્તિમાં લખ્યું છે . અકબર રાજાએ કરેલું આ પહેલીવારનું અમારિપ્રવર્તન હતું .+ વિ.સં.૧૬૪૦માં રાજાએ ખૂબ આગ્રહપૂર્વક કાર્યપૃચ્છા કરી . સૂરિભગવંતે પક્ષિઓના અને જલચર જીવોનાં અભયદાનની પ્રેરણા આપી . રાજાએ પાંજરે પડેલા અગણિત પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડતા મૂકવાનો આદેશ કર્યો . ફત્તેહપુર સિકરીનું ડાબર તળાવ ઘણું મોટું . એમાં રોજેરોજ જલચર જીવોની હિંસા થતી . એ હિંસા પર કાયમી પ્રતિબંધ લાગુ થયો . + વિ.સં.૧૬૪૦માં એક ધાર્મિક વાર્તાલાપ દરમ્યાન શ્રી હીર સૂરીશ્વરજી મહારાજાએ અકબર રાજાને પર્યુષણ દરમિયાન આઠ દિવસની અમારિપ્રવર્તન માટે પ્રેરણા કરી . આ પ્રેરણાથી આનંદિત બનેલા રાજાએ પોતાના તરફથી બીજા ચાર દિવસ ઉમેરીને ૧૨ દિવસનું અમારિપ્રવર્તન જાહેર કર્યું . દિવસો હતા શ્રાવણ વદ ૧૦ થી ભાદરવા સુદ ૬ સુધી . આ અમારિપ્રવર્તનના આદેશપત્ર ગુજરાત , સૌરાષ્ટ્ર , દિલ્હી , ફત્તેહપુર સિકરી , અજમેર , નાગોર , માળવા , દક્ષિણ ભારત , લાહોર , મુલતાન સુધી પહોંચ્યા હતા અને આદેશના અમલ થયા હતા . + અકબર રાજા બારે મહિના માંસભક્ષણ કરતો હતો પરંતુ સૂરિ ભગવંતના સંપર્કના પ્રભાવે છ મહિના માટે એણે માંસ ભક્ષણનો ત્યાગ કરી દીધો હતો . એમ કહેવાય છે કે રાજા રોજેરોજ ૫૦૦ ચકલાઓની જીભ ખાતો હતો પરંતુ સૂરિ ભગવંતના સંપર્કના પ્રભાવે આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હતી . + એકવાર સૂરિભગવંતે અકબર રાજાને બંદિવિમોચન માટે પ્રેરણા કરી હતી . જોકે , અકબર રાજાએ કેદીઓને જેલમાંથી મુક્ત ના કર્યા . રાજાએ એવું કારણ આપ્યું હતું કે કેદીઓ રીઢા ગુનેગાર છે , એમને છુટ્ટા ન મૂકાય . + એકવાર સૂરિભગવંતે વિશેષ ધર્મપ્રેરણા કરી તેથી રાજાએ પોતાનાં સમગ્ર રાજ્યમાં છ મહિના , છ દિવસ સુધી અમારિ પ્રવર્તન કરાવ્યું હતું . + સિદ્ધગિરિ , ગિરનાર , તારંગા , આબુ , કેસરિયા , રાજગૃહી અને સમેતશિખર – આ તીર્થોના માલિકીહક જૈનોના છે એવા ફરમાન રાજાએ લખી આપ્યા હતા . + ગુજરાતમાં યાત્રાળુઓ પાસેથી જીજીયાવેરો એટલે કે તીર્થયાત્રા સંબંધી કર લેવાનું રાજાએ બંધ કર્યું હતું એની પાછળ સૂરિ ભગવંતની પ્રેરણા કામ કરી ગઈ હતી . + સિદ્ધગિરિના યાત્રાળુઓ પાસેથી મુંડકાવેરો એટલે કે યાત્રાળુ દીઠ કર લેવાનું રાજાએ બંધ કર્યું હતું એની પાછળ પણ સૂરિ ભગવંતની પ્રેરણા કામ કરી ગઈ હતી . + મૃતકનું ધન રાજખજાનામાં જમા થાય અને પરાજિત યોદ્ધાઓ કેદી બને આ બે પ્રથાનો રાજાએ પરિત્યાગ કર્યો એની પાછળ પણ સૂરિ ભગવંતની પ્રેરણા કામ કરી ગઈ હતી .
આવા મહાન્ સૂરિ ભગવંત કાળધર્મ પામ્યા એ પછી એમના અગ્નિસંસ્કારના દિવસે ઊના નજીકની દરિયાપટ્ટી પર જલચર જીવોનું અમારિ પ્રવર્તન થયું તે એક અભૂતપૂર્વ ઘટના હતી . દરિયાપટ્ટી પર જલચર જીવો સંબંધી અમારિ પ્રવર્તનની અન્ય કોઈ ઘટના વાંચવા મળી નથી .
( પર્યુષણ પ્રથમ દિન પ્રવચન : ૨૦૨૪ )
Leave a Reply