Press ESC to close

જાગતા રહેજો , બાપુ : કાઉસગ્ગ અને કર્મનિર્જરા વચ્ચે ઊંડો સંબંધ છે

શ્રી મહાવીર સ્વામી ભગવાને લાંબા લાંબા કાઉસગ્ગ વર્ષો સુધી કર્યા . આપણે પણ આવશ્યક ક્રિયાઓને ગૌણ કર્યા વગર કાઉસગ્ગ ધર્મને સાધવાનો છે . કાઉસગ્ગ મનનો હોય .  કાઉસગ્ગ વચનનો હોય . કાઉસગ્ગ કાયાનો હોય . 

મન ઉપર હુકમ કરવાનો છે : બસ બહુ થયું , હવે થોડો સમય દોડધામ બંધ . આપણે સતત વિચારતા જ રહીએ છીએ . જે વિચારીએ છીએ તે વિચારવું જરૂરી છે કે નહીં એનો વિવેક રહેતો નથી . જે વિચારીએ છીએ એનાથી શું પરિણામ આવશે એની પરવા હોતી નથી . જે વિચારીએ છીએ એ ના વિચાર્યું હોય તો ચાલે કે કેમ એવું વિશ્લેષણ આપણે કરતા નથી . આપણે એમનેમ વિચારતા રહીએ છીએ . હું વિચારી રહ્યો છું એવું યાદ પણ હોતું નથી . વંટોળમાં પાંદડું તણાઈ જાય એ રીતે આપણે વિચારોમાં વહી જઈએ છીએ . 

વિચારવાનો થાક પણ હોય છે , વિચારવાનો રોગ પણ હોય છે . મનોચિકિત્સાની આવશ્યકતા કરોડો લોકોનાં જીવનમાં ઊભી થયેલી છે કારણ કે લોકો જે વિચારે છે કે ખોટું પણ હોય છે , લોકો જે વિચારે છે તે પદ્ધતિ ભૂલભરેલી પણ હોય છે . સાઈકિયાટ્રિસ્ટ ડૉક્ટર વિચારવાની ભાગાદોડ ઉપર અંકુશ આવે એની દવા આપે છે . દવા લાંબી ચાલે છે . મહદંશે દર્દી રાહત અનુભવે છે . વિચારવાની ભાગાદોડ ઉપર અંકુશ આવે છે એનાં કારણે સારું લાગે છે . 

કાઉસગ્ગમાં મનની ધારાને રોકવાની હોય છે : झाणेणं . મનને સૂચના આપવાની રહે છે કે તારે આ વિષય ઉપર વિચારવાનું છે અને તે સિવાયના વિષય ઉપર હમણાં નથી વિચારવાનું . મનને સમજાવવાનું છે કે આ સૂચનાનો અમલ થોડી મિનિટ્સ માટે કરવાનો છે , થોડા કલાક માટે કરવાનો છે . સૂચનાનો અમલ ઘણાલાંબા સમય સુધી કરવાનો હોય તો મન ગભરાશે , મન આનાકાની કરશે . થોડા સમયની વાત છે તો મન માની જશે . ધીમે ધીમે સમય વધારતા જઈએ , મન માનતું જશે . નાનો કાઉસગ્ગ , મન પર અંકુશ સાથે કરીએ એ સાધનાની શરૂઆત છે . લાંબો કાઉસગ્ગ , મન પર અંકુશ સાથે કરીએ એ સાધનામાં નિમજ્જન છે . કાઉસગ્ગમાં જે સૂત્ર યાદ કરવાનું છે એ સૂત્રના શબ્દો ઉપર પૂરેપૂરું ધ્યાન રહે , એ સૂત્રના અર્થનો વિચાર કરવામાં મન જોડાયેલું રહે . એ સિવાયનો કોઈ વિચાર બને નહીં એ જ કાઉસગ્ગ . આપણે શરીરનું હલનચલન રોકીએ છીએ એ તો કાઉસગ્ગ છે જ . મનનું હલનચલન અટકે તે પાક્કો કાઉસગ્ગ . મોહનીય કર્મનાં કારણે મન બને છે અને મનની ભાગાદોડી બને છે . મનને અટકાવીએ એનાથી મોહનીય કર્મને ફટકો લાગતો હોય છે . 

આપણે બોલતાં બોલતાં ધર્મ કરીએ છીએ . સૂત્ર બોલીએ ,  સ્તવન બોલીએ , મંત્ર બોલીએ , વ્યાખ્યાન કે વાચના દ્વારા જિનવાણી બોલીએ . એ બોલવાનો ધર્મ થયો . ન બોલવાનો પણ એક ધર્મ હોય છે . કાઉસગ્ગમાં વચનની ધારાને રોકવાની છે : मोणेणं . પોતાની જાતને સૂચના આપવાની કે હું બોલીશ નહીં , વાતો કરીશ નહીં , હું વાતો સાંભળીશ નહીં , હું હોઠ કે જીભ હલાવીશ નહીં , મારે બોલવાની જરૂર જ નથી , હું બોલીશ નહીં તો કોઈ કામ અટકવાના નથી . મન જ્યાં જોડાયેલું છે ત્યાં જ જોડાયેલું રહે , વાણી શાંત રહે એ કાઉસગ્ગ . બોલવા દ્વારા થનારો ધર્મ ઉત્તમ છે પરંતુ બોલવું એ આત્માનો સ્વભાવ નથી આથી બોલવાનું છોડીએ અને ન બોલવાનો ધર્મ કરીએ એ પણ જરૂરી છે . 

આપણે શરીરની ગતિવિધિ દ્વારા ધર્મક્રિયાઓ કરીએ છીએ . પૂજા હોય , વાંદણા હોય , ખમાસમણા હોય , વિહાર હોય , વેયાવચ્ચ હોય , પડિલેહણ‌‌ હોય કે સત્તર સંડાસા હોય . આ બધી શરીરની ગતિવિધિઓ છે . શરીર દ્વારા થનારી ધર્મક્રિયા સર્વોત્તમ છે . પરંતુ શરીર આત્માનો સ્વભાવ નથી , શરીર આત્માનો રોગ છે . શરીરનું હલનચલન એ આત્માનો સ્વભાવ નથી . હલનચલનથી મુક્ત રહેવું એ જ આત્માનો સ્વભાવ છે . કાઉસગ્ગમાં કોઈપણ જાતનું હલનચલન કરીશ નહીં એવો સંકલ્પ રાખવાનો હોય છે : ठाणेणं . પથ્થરનો થાંભલો જે રીતે એકદમ સ્થિર હોય એ રીતે શરીરને સ્થિર બનાવી દેવાનું . આંખો પણ ભટકે નહીં , પાંપણ પણ હલે નહીં , હાથ – પગ – ડોક કે આંગળી હલવાનો તો સવાલ જ બનતો નથી .

શરીરની સ્થિરતાથી જ કર્મનિર્જરા બળવાન્ બને છે . શરીર હલે એટલે કર્મનિર્જરા કમજોર પડી જાય . આત્માએ ભૂતકાળમાં એટલાં બધાં કર્મો બાંધ્યાં છે કે એક-બે ભવમાં મોક્ષ મળવાની સંભાવના દેખાતી નથી . જૂનાં અને ચીકણાં કર્મો તોડવાનો મુખ્ય માર્ગ છે તપસ્યા . સ્થિર શરીરથી જે કાઉસગ્ગ થાય તે પણ જૂનાં અને ચીકણાં કર્મો તોડવામાં સહાયક બને છે . નાનો કાઉસગ્ગ પણ એવો કરવાનો કે શરીરની સ્થિરતા અખંડ રહે . પછી ધીમે ધીમે કાઉસગ્ગનો સમય વધારતા જવાનું . નાનો કાઉસગ્ગ જેવી સ્થિરતાથી થાય એવી જ સ્થિરતાથી લાંબો કાઉસગ્ગ પણ થાય એ સાધના છે . 

જેણે મોક્ષમાં જવું છે એણે કર્મનિર્જરાને પ્રેમ કરવો જોઈએ . જે કર્મનિર્જરાનો પ્રેમી હોય તે લાંબા કાઉસગ્ગનો પ્રેમી હોય જ . તમને લાંબા કાઉસગ્ગમાં રસ નથી એનો અર્થ એ પણ થાય કે તમને કર્મનિર્જરાની બહુ ચિંતા નથી . જાગતા રહેજો , બાપુ . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *